નાગાસાકી : જાપાનના નૈર્ઋત્ય ખૂણે આવેલો જિલ્લો તથા ક્યુશુ ટાપુનું વડું મથક, મહત્ત્વનું ઔદ્યોગિક કેન્દ્ર તેમજ બારું (બંદર). ભૌગોલિક સ્થાન : 32° 48´ ઉ. અ. અને 129° 55´ પૂ. રે.. જિલ્લાનો કુલ વિસ્તાર 9,931 ચોકિમી. અને શહેરનો વિસ્તાર 4095 ચોકિમી જેટલો છે, જેમાં ત્સુશીમા, ઈકી, હિરાડો અને ગોટો રેટો(ગોટો દ્વીપસમૂહ)નો પણ સમાવેશ થઈ જાય છે. શહેરની કુલ વસ્તી 4,55,000 (2005) તથા જિલ્લાની 14,78,632 (2005) છે. પૂર્વ ચીની સમુદ્રની સામે આવેલું હોવાથી ચીનની મુખ્ય ભૂમિથી જાપાનનું આ બંદર ઘણું નજીક પડે છે. નાગાસાકીને સ્પર્શતો ઉપસાગર ભૂમિભાગથી ઘેરાયેલો હોવાથી આ શહેર કમાનાકારે ગોઠવાયેલું છે, શહેરની શેરીઓ અને કિનારા પરનાં માળવાળાં મકાનો વક્રાકારમાં ગોઠવાયેલાં હોવાથી રમણીય દૃશ્ય ખડું કરે છે. અહીં ઉરાકામી નદી બારામાં તેનાં જળ ઠાલવે છે, દક્ષિણ તરફ નોમો (નોમો સાકી) ભૂશિર છે અને વાયવ્ય તરફ નીશીસોનોકા દ્વીપકલ્પ છે. બારું પ્રમાણમાં સાંકડું છે, પરંતુ ઉપસાગરનો કિનારો ઊંડો હોવાથી અહીં ઘણાં વહાણો એકસાથે લાંગરી શકે છે. કિનારા નજીકના જળમાં પૂરણ કરીને તેમજ ઉરાકામી નદીના મુખભાગને સપાટ બનાવીને ઉપયોગમાં લેવા યોગ્ય બનાવાયો છે. આ ઉપરાંત અગ્નિકોણમાં આવેલા શિંબારા (શિમોબારા) દ્વીપકલ્પની ગોળાઈ પણ અનિયમિત કમાનાકારવાળી છે.

અહીંનો આજુબાજુનો ભૂમિભાગ પહાડી હોવાથી ખેતીયોગ્ય મર્યાદિત જમીનમાં ચોખા, શક્કરિયાં અને નારંગીનું વાવેતર કરવામાં આવે છે. કોલસાની ખાણો નજીકમાં આવેલી હોવાથી કોલસાનું ખનન કરવામાં આવે છે, અહીંથી કોલસાની નિકાસ પણ થાય છે. ભૂતકાળમાં સ્ટીમરો અને વહાણોમાં ઇંધન તરીકે જ્યારે કોલસાનો ઉપયોગ થતો હતો ત્યારે બધાં જહાજો અહીં કોલસા લેવા માટે થોભતાં. એ વખતે તેનું બંદર તરીકે વધુ મહત્ત્વ હતું, તે હવે ખનિજતેલના વધતા જતા ઉપયોગથી ઘટ્યું છે, પરંતુ મત્સ્યઉદ્યોગના વિકાસની સાથે ફરીથી મહત્ત્વ અંકાતું થયું છે. જહાજ બાંધવા માટે અને ભારે ઇજનેરી માલસામાનના ઉત્પાદન માટે પણ તે હવે જાણીતું બન્યું છે. પ્રખ્યાત મીત્સુબીશી કંપનીનાં કારખાનાં અહીં આવેલાં છે. સ્ટીલનાં પતરાં બનાવવાની મિલ પણ અહીં છે.

બીજા વિશ્વવિગ્રહ દરમિયાન અણુબૉમ્બથી સર્જાયેલી નાગાસાકી શહેરની તારાજીનું એક દૃશ્ય

નાગાસાકીની ભવ્યતા તેના આજ સુધીના ઇતિહાસમાંથી મળે છે. પશ્ચિમી દુનિયા સાથે તેનો લાંબા ગાળાનો સંપર્ક રહેલો છે. પરદેશ સાથેના વેપાર માટે જાપાનના હિરાડો પછી બીજા ક્રમે આવતું જૂનું બંદર છે. પરદેશી વેપાર માટે તેને 1571માં બારા તરીકે ખુલ્લું મૂકવામાં આવેલું. 1637 પછીથી જાપાનનાં છ બંદરો પૈકી આ જ એકમાત્ર એવું બંદર હતું જ્યાં પરદેશીઓને વેપાર કરવાની છૂટ મળી હતી. ડચ વેપારીઓને અહીં વેપારીનાકું સ્થાપવાની મંજૂરી આપવામાં આવેલી અને પ્રત્યેક વર્ષે એક ડચ જહાજ આવવા દેવામાં આવતું. આમ આશરે 300 વર્ષોના લાંબા ગાળા સુધી નાગાસાકી જાપાન અને બહારની દુનિયા વચ્ચે સંપર્કની કડીરૂપ બની રહ્યું. ઓગણીસમી સદી દરમિયાન તે પૂર્વ એશિયાના આગળ પડતા બંદર તરીકે અને વીસમી સદીના પૂર્વાર્ધમાં જહાજવાડાના મુખ્ય કેન્દ્ર તરીકે તેનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. 1945ના ઑગસ્ટની નવમી તારીખે અહીં અણુબૉમ્બ પડવાથી 4.7 ચોકિમી. વિસ્તાર પર વિનાશક અસર થઈ હતી, 40,000 માણસો મૃત્યુ પામ્યા હતા, 25,000 માણસો ઈજાગ્રસ્ત થયેલા અને 40 % મકાનો ભસ્મીભૂત થઈ ગયાં હતાં. આ ઘટના પછી જન્મેલાં બાળકોમાં પણ વિકિરણની દૂરગામી અસર જોવા મળી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આ શહેરને ફરીથી ઊભું કરવામાં આવ્યું છે. 1970થી અહીં વહાણો બાંધવાનું કામ શરૂ થયું છે. અહીં થયેલા વિધ્વંસને કારણે અણુનિ:શસ્ત્રીકરણના હિમાયતીઓ માટે તે યાત્રાધામ જેવું બની રહ્યું છે એટલું જ નહિ, દુનિયાભરમાં તે જાણીતું પણ બની ગયું છે.

અહીં જોવાલાયક ઐતિહાસિક સ્થળો આવેલાં છે. તે પૈકી ચીની મંદિર (1629) (જ્યાં બૌદ્ધપંથી ચીની સંતો રહે છે), શાંતિ માટેનો ઉદ્યાન (peace park) અને રોમન કૅથલિક કેથીડ્રલ જાણીતાં સ્થળો છે. તે સોળમી સદીમાં જાપાની-ખ્રિસ્તી ધર્મનું કેન્દ્ર હતું, તેનું ‘ઓરા કેથીડ્રલ’ 1597માં 26 ખ્રિસ્તીઓનો વધ કરાયો હતો તેની સ્મૃતિમાં બાંધવામાં આવેલું છે.

નિયતિ મિસ્ત્રી