નાગાલૅન્ડ

January, 1998

નાગાલૅન્ડ : ભારતના ઉત્તર-પૂર્વ ભાગમાં મ્યાન્માર(બ્રહ્મદેશ)ની સરહદને સ્પર્શતું પહાડી રાજ્ય. 1962માં નાગાલૅન્ડની રચનાનો કાયદો ઘડાયો અને 1 ઑક્ટોબર, 1963માં નાગાલૅન્ડ રાજ્ય રચાયું. તે આશરે 25° 12´થી 27° ઉ. અ. અને 93° 20´ થી 95° 20´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 16,579 ચોકિમી. છે. તે બ્રહ્મપુત્ર નદીની ઉપલી ખીણથી દક્ષિણમાં તેમજ મિકિર ટેકરીઓ અને આસામની ઉત્તર કાચાર ટેકરીઓથી પૂર્વમાં આવેલું છે. તેની ઈશાનમાં આવેલી પત્કોઈ પર્વતશ્રેણી અરુણાચલને મ્યાન્મારથી અલગ પાડે છે. મ્યાન્માર સાથેની તેની સીમારેખાની લંબાઈ લગભગ 200 કિમી. જેટલી છે. તેની ઉત્તર સરહદ પર અરુણાચલ રાજ્યનો તિરાપ જિલ્લો, ઉત્તર અને પશ્ચિમ સરહદ પર આસામ રાજ્યના પ્રદેશો તેમજ દક્ષિણમાં મણિપુર રાજ્યના પ્રદેશો આવેલા છે. આ રાજ્ય અપ્રતિમ કુદરતી સૌંદર્ય ધરાવે છે. રાજ્યનો સમગ્ર વિસ્તાર કોહિમા, મોકોક ચુંગ, મોન, ફેક, ત્યુએન સાંગ, વોખા, દિમાપુર, કીપહીરી, લૉંગલેંગ, પેરીન અને જુન્હેબોટો જેવા અગિયાર જિલ્લાઓમાં વહેંચાયેલો છે. જિલ્લા મથકોનાં નામ પણ જિલ્લાઓનાં નામ મુજબ જ છે. રાજ્યનું પાટનગર કોહિમા છે. આ રાજ્ય એકગૃહી વિધાનસભા ધરાવે છે જેમાં 60 સભ્યો ચૂંટાય છે. દેશની સંસદના નીચલા ગૃહમાં તે એક પ્રતિનિધિ ચૂંટીને મોકલે છે અને ઉપલાગૃહ રાજ્યસભામાં પણ તે એક પ્રતિનિધિ મોકલે છે.

ભારતના ઈશાન ખૂણે આવેલું નાગાલૅન્ડ રાજ્ય

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : રાજ્યની પશ્ચિમ સીમા પરના આશરે 400 કિમી. લાંબા, સાંકડા સપાટ પ્રદેશને બાદ કરતાં તેનો બાકીનો બધો જ પ્રદેશ ડુંગરાળ છે. એ રીતે આ રાજ્ય અત્યંત અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. રાજ્યની પશ્ચિમ બાજુ સમુદ્રસપાટીથી સરેરાશ 400 મી. ઊંચી છે, તો તેની સરખામણીમાં પૂર્વ બાજુ સરેરાશ 2,400 મી. ઊંચાઈ ધરાવે છે. ગીચ જંગલોથી આચ્છાદિત એક પછી એક ગોઠવાયેલી લાંબી ટેકરીઓની વચ્ચે વચ્ચે ઊંડા ખીણપ્રદેશો આવેલા છે. આ ખીણપ્રદેશોમાં વહેતી નદીઓનાં વહેણ વધુ વેગવાળાં છે. રાજ્યની પૂર્વ સરહદે ‘નાગા-પર્વતશ્રેણી’ આવેલી છે. તે ભારત અને મ્યાન્માર વચ્ચેનો ‘જળ-વિભાજક પ્રદેશ’ રચે છે. તેનું સર્વોચ્ચ શિખર ‘સરામતી’ છે, જે 3,826 મી. ઊંચાઈ ધરાવે છે. આ પર્વતશ્રેણીનાં અન્ય શિખરો પણ 3,000 મી. ઊંચાઈને આંબી જાય છે. કોહિમા નગરથી પૂર્વમાં આવેલા તેના ‘મોન લેન’ શિખરની ઊંચાઈ 3,104 મી. જેટલી છે. આ ઉપરાંત બીજી ‘બરેઈલ પર્વતશ્રેણી’ રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં પ્રવેશીને પૂર્વ તરફનો વળાંક લે છે અને લગભગ 2,062 મી.ની ઊંચાઈએ પહોંચે છે. કોહિમાની દક્ષિણે આવેલું તેનું સર્વોચ્ચ શિખર ‘જાપવો’ છે, જે 2,995 મી.ની ઊંચાઈ ધરાવે છે.

નાગાલૅન્ડમાં નાનીમોટી ઘણી નદીઓ આવેલી છે. તે પૈકી તીજુ (tizu) રાજ્યની પૂર્વ બાજુએ વહેતી સૌથી મોટી નદી ગણાય છે, તે કોહિમા નગરથી આશરે 20 કિમી. પૂર્વમાં આવેલા શિખર પરથી નીકળીને પૂર્વ તરફ વહે છે. ઉત્તર અને દક્ષિણમાંથી તેને અનેક શાખાનદીઓ મળે છે. આગળ જતાં તે નાગા પર્વતશ્રેણીને ભેદીને સરામતી શિખરથી આશરે 30 કિમી. દક્ષિણે મ્યાન્મારમાં આવેલી ચિંદવીન નદીને મળે છે. રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલી, ઉત્તર તરફ વહેતી બીજી મોટી નદી દિયુંગ છે. તેનો ધનસિરી નદી સાથે સંગમ થતાં તે ધનસિરિ-દિયુંગ તરીકે ઓળખાય છે. આગળ જતાં તે દિખુમુખ પાસે બ્રહ્મપુત્ર નદીને મળે છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ અને જમીનો : નાગાલૅન્ડ તેના જુદા જુદા વિસ્તારમાં સ્થાનભેદે ઉપોષ્ણીય (subtropical) પ્રકારથી માંડીને સમશીતોષ્ણ પ્રકારની આબોહવા ધરાવે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 15°થી 37° સે. જેટલું રહે છે. અહીં લગભગ સાત માસ સુધી ભારે વરસાદ પડે છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,770 મિમી. થી 2,540 મિમી. જેટલું હોય છે. તેના પશ્ચિમના ભાગો કરતાં પૂર્વના ભાગોમાં વધુ વરસાદ પડે છે.

રાજ્યના લગભગ 4 ભાગમાં ગીચ અને સદાહરિત જંગલો છવાયેલાં છે. તે પૈકીનાં આશરે 85,000 હેકટર ભૂમિમાં પથરાયેલાં જંગલો રાજ્ય દ્વારા અનામત અને રક્ષિત છે. ઊંચાઈવાળી પર્વતશ્રેણીઓના ઢોળાવો પર ઓક અને પાઇનનાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે, જ્યારે નીચાણવાળા પ્રદેશોમાં તુન (tun) કે ઇન્ડિયન મેહૉગની અને ચપલસ (chaplasha) જેવાં કીમતી ઇમારતી લાકડું આપતાં વૃક્ષો આર્થિક અગત્ય ધરાવે છે. ‘સ્થળ બદલતી ખેતી પદ્ધતિ’ (shifting cultivation method) અનુસાર જ્યાં જંગલો સાફ કરવામાં આવ્યાં છે ત્યાં તેના કેટલાક ભાગોમાં ઊંચું ઘાસ, વાંસ, નેતર, બરુ જેવી વનસ્પતિ અને ઝાંખરાળાં જંગલો ઊગી નીકળ્યાં છે.

અહીંનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે. જંગલોમાં હાથી, સાબર, દીપડા અને વાઘનાં અભયારણ્યો આવેલાં છે.

પર્વતીય ઢોળાવો પરની જમીન છીછરી તેમ જ ફૉસ્ફરસ અને પોટાશ તત્વોની ઊણપવાળી છે, પરંતુ તે જૈવિક (સેન્દ્રિય) તત્વોથી ભરપૂર છે. ખીણપ્રદેશો તથા તળેટી વિસ્તારની જમીનો દળદાર અને વિશેષ ફળદ્રૂપ છે.

ખેતી, ભૂમિઉપયોગ અને સિંચાઈ : રાજ્યનો મોટો ભાગ ડુંગરાળ હોવાથી અસમતળ ભૂપૃષ્ઠ ધરાવે છે. ઢોળાવો પરની જમીનો આછા પડવાળી અને બિનઉપજાઉ હોઈ લગભગ 50 % જમીન ખેતી માટે બિનઉપયોગી છે. આશરે 41 % ભૂમિ પર ખેતી કરવામાં આવે છે. અહીં વસતા આદિવાસીઓ વર્ષોથી ચાલી આવતી ઝૂમ (zoom) અથવા સ્થળ બદલતી ખેતી પદ્ધતિ અપનાવે છે. આ કારણે કીમતી જંગલ-સંપત્તિના નાશની સાથે સાથે જમીનધોવાણ પણ થાય છે અને જમીનની ફળદ્રૂપતા ઘટે છે. આશરે 76,512 હેક્ટર જમીન આ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલી છે. જોકે હવે કોહિમા જિલ્લાના અન્ગામી અને ચાખેસાંગ જનજાતિઓના પ્રગતિશીલ ખેડૂતોએ સ્થાયી ખેતી-પદ્ધતિ અપનાવી છે, જે રાજ્યની કુલ ખેતી-યોગ્ય ભૂમિના માત્ર 25 % ભાગને આવરી લે છે. તેઓ ખીણપ્રદેશોની સપાટ ભૂમિ ઉપરાંત પહાડી ઢોળાવોને કાપીને સીડીદાર ખેતરોમાં મુખ્યત્વે ડાંગર તેમજ અન્ય કેટલાક પાકોનું વાવેતર કરે છે. આ સિવાય મકાઈ, જુવાર-બાજરી, કઠોળ, શેરડી, શાકભાજી, બટાટા અને ફળોની ખેતી પણ થાય છે. પૂર્વ ભાગમાં સંતરાં અને અનનાસ વધુ પ્રમાણમાં પાકે છે. આ ઉપરાંત આશરે 500 જેટલા ખેડૂતો સિટ્રોનેલા (citronella) ઘાસની ખેતી કરે છે, તેમાંથી મેળવાતા સુગંધીદાર તેલનો ઉપયોગ કૉસ્મેટિક ઉદ્યોગમાં થાય છે. ટેકરીઓ પરથી વહેતાં ઝરણાંના પાણીને ખીણપ્રદેશોમાં આવેલાં ખેતરોમાં  વાળી લઈ જઈને ગૌણ પ્રમાણમાં સિંચાઈકાર્ય થાય છે.

ખનિજસંપત્તિ અને ઉદ્યોગો : આ રાજ્યમાંથી કાચરેતી, ચૂનાખડકો, કોલસો વગેરે જેવી મહત્ત્વની આર્થિક ખનિજીય પેદાશો મળે છે.

હાથસાળ કાપડવણાટ અને રેશમ-ઉદ્યોગ એ અગત્યના પરંપરાગત ઉદ્યોગો છે, જે રાજ્યભરમાં બહોળો ફેલાવો ધરાવે છે. ‘નાગાલૅન્ડ ઔદ્યોગિક વિકાસ નિગમ’ નવા ઉદ્યોગવાંછુઓને આર્થિક સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે. આ રાજ્યમાં મુખ્યત્વે જંગલપેદાશો અને ખેતપેદાશોમાંથી મળતા કાચા માલ પર આધારિત મધ્યમ પાયાના ઉદ્યોગોનો વિકાસ થયો છે. તે પૈકી તુલીમાં કાગળ અને કાગળનો માવો, તિઝીતમાં પ્લાયવુડ અને દીમાપુરમાં ખાંડ બનાવતા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ઉપરાંત દીમાપુરમાં ઈંટ બનાવવાનો યાંત્રિક પ્લાન્ટ તેમજ છૂટા ભાગો જોડીને ટીવી બનાવવાના ઉદ્યોગો ચાલે છે.

પરિવહન : નાગાલૅન્ડમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા-કક્ષાએ સડક માર્ગોની જાળ પથરાયેલી છે. રાજ્યભરના સડકમાર્ગોની કુલ લંબાઈ 9,351 કિમી. જેટલી છે. આસામને મણિપુર સાથે જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નાગાલૅન્ડમાં થઈને પસાર થાય છે, તે દીમાપુર, કોહિમા અને માઓ (mao) થઈને મણિપુરના ઇમ્ફાલને જોડે છે. અન્ય નવા બંધાયેલા સડકમાર્ગો પૈકીનો એક મોકોકચુંગને સાંકળે છે.

રાજ્યનો મોટા ભાગનો પ્રદેશ ડુંગરાળ હોવાથી માત્ર દીમાપુર ખાતે જ રેલ અને હવાઈ સેવા ઉપલબ્ધ છે, મુસાફરોને દીમાપુરથી ગુવાહાટી અને કૉલકાતા સુધીની બોઇંગ જેટ વિમાની સેવાનો લાભ પણ મળે છે.

વસ્તી અને વસાહતો : નાગાલૅન્ડ પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે. તેની કુલ વસ્તી 19,80,602 (2011) જેટલી છે. વસ્તી-વિતરણ અને વસ્તી-ગીચતા સ્થાનભેદે ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જોવા મળે છે. આદિવાસી નાગ પ્રજા લગભગ 16 જેટલી જાતિઓમાં વહેંચાયેલી છે, તેમાં અન્ગામી, કોન્યાક, આઓ, સેમા અને લ્હોતા જાતિઓ મુખ્ય છે. આ લોકોમાં બારથી પણ વધુ બોલીઓ બોલાય છે, જે એકબીજીથી ભિન્ન હોય છે. શાળાઓમાં હિંદીનું શિક્ષણ આપવામાં આવે છે. વળી રાજ્યમાં ધીમે ધીમે શિક્ષણનો વ્યાપ પણ વધતો જાય છે. નાગા લોકો મોજીલું, ઉમંગ-ઉલ્લાસભર્યું અને નિશ્ચિંત જીવન જીવે છે. દરેક આદિવાસી જૂથ ઋતુ ઋતુ મુજબ તેમના વિશિષ્ટ ઉત્સવો ખૂબ આનંદથી નૃત્ય-સંગીત સાથે ઊજવે છે અને માણે છે.

આ પ્રદેશની વસાહતોની ખાસિયત એ છે કે તેનાં બધાં ગામડાં ડુંગરોની ટોચ પર કે તેના ઢોળાવો પર વસેલાં હોય છે. આ રાજ્યમાં કોઈ મોટી શહેરી વસાહત નથી. શહેરી ગણાતી વસાહતો ખરેખર કસબા પ્રકારની છે, તે પૈકી કોહિમા, વિકસતું શહેર અને રાજ્યનું પાટનગર છે. તે પલાણ (saddle) પ્રકારના ભૂમિસ્વરૂપ પર આશરે 1,464 મી.ની ઊંચાઈએ વસેલું છે. તેથી તેની આબોહવા ખુશનુમા રહે છે. કોહિમામાં અદ્યતન પ્રકારની વિશાળ હૉસ્પિટલ, વહીવટી કચેરીઓ તેમજ સ્કૂલો છે. દીમાપુર, એ સડક, રેલ અને હવાઈ માર્ગનું કેન્દ્ર છે.

ઐતિહાસિક ભૂમિકા :  ઉત્તર અને પૂર્વ ભારતના સીમાવર્તી ભાગોમાં વસવાટ કરતી જુદી જુદી જાતિના લોકો, પ્રાચીન સમયમાં ‘કિરાતો’ તરીકે ઓળખાતા લોકોના વંશજો છે. જાતિવિદ્યાવિશારદોના મત અનુસાર આ પર્વતવાસીઓ ભારતીય-મૉંગોલ જાતિમિશ્રણમાંથી ઊતરી આવેલી પ્રજા મનાય છે. નાગપ્રજા લડાયક, શૂરવીર, દેખાવડી, કદાવર બાંધાની તેમ જ ઘણી જ સ્વાભિમાની અને ગરવી હોય છે. તેઓ નૃત્ય, સંગીત અને શિકાર કરીને ઉલ્લાસભર્યું જીવન જીવતા હતા, પણ સાથે સાથે જાતિ જાતિઓ તથા ગામડાં ગામડાં વચ્ચે આંતરિક સંઘર્ષો તેમજ ખૂનખાર લડાઈઓ પણ થતી હતી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછીથી તેમની જીવનશૈલીમાં પરિવર્તન આવતું ગયું છે.

ઓગણીસમી સદીમાં આ પ્રદેશ બ્રિટિશ સત્તા હેઠળ આવ્યો અને બ્રિટિશરોએ અહીં કેટલાંક સ્થળો પર થાણાં પણ સ્થાપ્યાં. તે વખતે તેમનું ધ્યેય જાતિઓ જાતિઓ વચ્ચે આંતરિક લડાઈઓ ન થાય તે જોવાનું હતું. આ સમયગાળા દરમિયાન ખ્રિસ્તી ધર્મોપદેશકો પણ આવ્યા, ઘણાં ધર્માન્તરો પણ થયાં. આમ છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલા લોકોની જીવનપદ્ધતિમાં ખાસ કંઈ ફરક પડ્યો નથી. ભારત સ્વતંત્ર થયા પછી નાગ પ્રજાએ સરકારના વહીવટમાં આડખીલીઓ ઊભી કરવા માંડી, જે લોકો સરકાર સાથે હળીમળીને રહેતા તેમના પ્રત્યે બળવાખોર તત્વોએ ત્રાસવાદનું વાતાવરણ સર્જ્યું. 1955માં જાગ્રત અને સમજુ લોકોએ આવી પ્રવૃત્તિઓનો અંત આવે તે માટે સરકાર સાથે વાટાઘાટો કરી, આ પ્રશ્નનું નિરાકરણ લાવવાના પ્રયાસો કર્યા. 1957માં બધી જાતિઓનું ‘નાગસંમેલન’ ભરાયું. તેમાં આસામનો નાગાપર્વત જિલ્લો અને નેફાનો ત્યુએનસાંગ ભાગ જોડીને ‘નાગા પર્વત-ત્યુએનસાંગ વિસ્તાર’ની રચના કરવાની માગણી મૂકી. વાટાઘાટોને અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આ પ્રદેશનો વહીવટ ભારત સરકાર વતી આસામના રાજ્યપાલને સોંપવામાં આવ્યો.

આ પછી સરકારે ભૂગર્ભ નાગનેતાઓને શાંતિનો માર્ગ ગ્રહણ કરવાની અપીલ કરી; એટલું જ નહિ, તેમને માફી બક્ષવાની જાહેરાત પણ કરી. તેનો લાભ લેવાયો. બીજાં બે નાગસંમેલનો ભરાયાં. તેમાં નવનિર્માણ પામેલા આ વિસ્તારને ‘નાગાલૅન્ડ’ નામ આપવામાં આવ્યું. 1963ના ડિસેમ્બરની પહેલી તારીખે સંસદે જરૂરી કાયદો પસાર કર્યા પછી ‘નાગાલૅન્ડ’ ભારતનું સોળમું રાજ્ય બન્યું.

 આ રાજ્યમાં કાયમી શાંતિ સ્થપાય તે માટે ખ્રિસ્તી નાગનેતાઓ દ્વારા પ્રસ્થાપિત ‘શાંતિ-મિશન’ની મધ્યસ્થી મારફતે નાગ બળવાખોરો અને સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ. જોકે હવે સશસ્ત્ર અથડામણો અટકી ગઈ છે, તેમ છતાં છૂટાંછવાયાં તોફાનો કે ભાંગફોડના બનાવો બનતા રહ્યા છે.

સરકારે યોજનાબદ્ધ વિકાસ કાર્યક્રમ ઘડીને આ રાજ્યનો સર્વાંગી વિકાસ સાધવા માટેના પ્રયાસો કર્યા છે. તેમાં સરકારે ખેતીવાડી, રસ્તાઓનું બાંધકામ અને શિક્ષણક્ષેત્રે સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે.

બીજલ પરમાર