નાગાર્જુન સિદ્વ (ઈ. સ. બીજી સદી) : ગુજરાતના રસાયણવિદ્યાના જાણકાર. જૈનશાસનના પ્રસિદ્ધ સિદ્ધયોગી. ઢંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ તથા એમની પત્ની સુવ્રતાના પુત્ર ઔષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા તથા સુવર્ણરસની સિદ્ધિ મેળવવા, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા તે જંગલોમાં ભમ્યા હતા. તે એક પ્રભાવક જૈન આચાર્ય પાદલિપ્તસૂરિને સૌરાષ્ટ્રમાં ઢંકાપુરીમાં મળ્યા. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા મુજબ, આચાર્યશ્રીના કહેવાથી એમણે કાન્તિનગરના એક શ્રીમંતના મહેલમાંથી પાર્શ્વનાથની મૂર્તિ લાવીને શેઢી નદીના કાંઠે સ્થાપી. ત્યાં શાતવાહનની એક પત્ની ચંદ્રલેખા પાસે રસ લસોટવાનું કામ કરાવતા હોવાનું નોંધાયું છે. એમણે ગુરુની સેવાના ફલસ્વરૂપે ગગનગામિની વિદ્યા મેળવી હોવાનું ‘પ્રબંધચિંતામણિ’માં નોંધ્યું છે. ઢંકાપુરી(ઢાંક)ના સિદ્ધ નાગાર્જુને ગુરુ પાદલિપ્તાચાર્યની પ્રેરણાથી શત્રુંજયગિરિનો સમુદ્ધાર કરાવ્યો અને ત્યાં જિનચૈત્ય બંધાવ્યું. ત્યાં મહાવીરની તથા પાદલિપ્તસૂરિની પ્રતિમા સ્થાપી. તેમણે પોતાના ગુરુના નામને અમર બનાવવા માટે, એ પર્વતની તળેટીમાં આશરે ઈ. સ.ની બીજી સદીના અંતે તથા ત્રીજી સદીના આરંભમાં પાદલિપ્તપુર (પાલિતાણા) નગર વસાવ્યું; એ મુજબનો ઉલ્લેખ સોમપ્રભાચાર્યરચિત ‘કુમારપાળપ્રતિબોધ’, પ્રભાચંદ્રસૂરિકૃત ‘પ્રભાવકચરિત’ તથા સંઘતિલકાચાર્યકૃત ‘સમ્યક્ત્વસપ્તતિવૃત્તિ’માં જણાવ્યું છે. આ ઉપરાંત નાગાર્જુને શેઢી નદીના કિનારે આવેલ સ્તંભનક(થામણા)માં પાર્શ્વનાથની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાવી હતી.
ભારતી શેલત