નાગાર્જુનસૂરિ (. . ની ચોથી શતાબ્દીનો પૂર્વાર્ધ) : જૈન આગમોને વ્યવસ્થિત કરનાર, નાગાર્જુની વાચનાના પ્રવર્તક. એમના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. તેને કારણે જૈન શ્રમણોને અહીંતહીં છૂટા પડી નાના નાના સમૂહોમાં રહેવું પડ્યું. શ્રુતધર સ્થવિરો એકબીજાથી દૂર દૂર વિખૂટા પડી જવાને કારણે તેમજ ભિક્ષાની દુર્લભતાને કારણે જૈન શ્રમણોમાં અધ્યયન-સ્વાધ્યાય ઓછાં થઈ ગયાં. અનેક શ્રુતધર સ્થવિરોનું દેહાવસાન થયું. પરિણામે જૈન આગમોનો ઘણો અંશ છિન્નભિન્ન અને અસ્તવ્યસ્ત થઈ ગયો. દુકાળના અંતે ઈ. સ. 300–325 વચ્ચે કોઈ વર્ષમાં જે મુખ્ય રૂપે શ્રુતધર હતા તે નાગાર્જુનસૂરિએ સૌરાષ્ટ્રમાં વલભીમાં જૈન મુનિઓના સંઘને એકત્ર કરી જૈન આગમોને જે રૂપમાં યાદ હતા તે રૂપમાં વ્યવસ્થિત કર્યા. આ સંમેલનના તેઓ અધ્યક્ષ હતા. આમ વાલભી અથવા નાગાર્જુની વાચનાના તેઓ પ્રવર્તક બન્યા. આ જ સમયે સ્કંદિલાચાર્યે મથુરામાં જૈન આગમોની વાચના કરી તેમને વ્યવસ્થિત કર્યા હતા.

નગીનભાઈ જીવણલાલ શાહ