નંદી : ભારતીય પુરાણો અનુસાર ભગવાન શિવનો દ્વારપાળ, મુખ્યગણ અને એકમાત્ર વાહન. નંદી, નંદીશ્વર, નંદિક, નંદિકેશ્વર, શાલંકાયન, તાંડવતાલિક, શૈલાદિ વગેરે નામો વડે તે ઓળખાય છે. કશ્યપ અને સુરભિ(એટલે કામધેનુ)નો તે પુત્ર છે, એમ કેટલાંક પુરાણો માને છે. બીજાં કેટલાંક પુરાણો તેને શિલાદ મુનિનો પુત્ર માને છે.
શિવપુરાણ તેને શિવનો અવતાર કહે છે. તેના સ્વરૂપ વિશે પણ મતભેદ છે. કામધેનુનો પુત્ર માનનારા તેને દૂધ જેવી સફેદ મૂર્તિવાળો અને બળદનું સ્વરૂપ ધારણ કરતો તથા પશુઓનો અધિષ્ઠાતા માને છે. જ્યારે નંદીને શિલાદ મુનિનો પુત્ર માનનારા તેને મનુષ્ય જેવી આકૃતિવાળો, ટૂંકા હાથવાળો તથા વાનર જેવા મુખવાળો વર્ણવે છે. વાલ્મીકિ રામાયણમાં તેને મનુષ્ય જેવી આકૃતિ ધરાવતો વર્ણવે છે. રામાયણના ઉત્તરકાંડના સર્ગ 15માં નંદીને રાવણને શાપ આપતો નિરૂપ્યો છે. જ્યારે ભાગવત 4/5 મુજબ દક્ષયજ્ઞવિધ્વંસના પ્રસંગે ભગ નામના ઋત્વિજને પકડીને નંદીએ બાંધવાનું પરાક્રમ કરેલું. પુરાણોની માન્યતા મુજબ નંદી સ્વાયંભુવ મન્વન્તરમાં જન્મેલો.
પ્ર. ઉ. શાસ્ત્રી