નંદિકેશ્વર : ‘અભિનયદર્પણ’, ‘ભરતાર્ણવ’ વગેરે ગ્રંથોના લેખક. ‘સંગીતરત્નાકર’ તેમને સંગીતના પ્રમાણભૂત આચાર્ય કહે છે. નાટ્યશાસ્ત્ર, નૃત્યશાસ્ત્ર અને સંગીતશાસ્ત્ર – એ ત્રણેના જ્ઞાતા પ્રાચીન લેખક છે. (વ્યાકરણશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવે છે. તેમણે ‘નંદિકેશ્વરકારિકા’ નામનો વ્યાકરણગ્રંથ લખ્યો છે. તંત્રશાસ્ત્રના એક લેખક પણ નંદિકેશ્વર નામ ધરાવનાર છે.)

પરંપરા મુજબ તેઓ ભગવાન શિવના શિષ્ય હતા. ઇન્દ્રના કહેવાથી નંદિકેશ્વર પોતાના શિષ્ય સુમતિને પોતાના નાટ્ય, નૃત્ય અને સંગીત વિશેના ગ્રંથો સંભળાવે છે. શિલાદ નામની અંધ તપસ્વિની નંદિકેશ્વરની માતા હતી તેથી શિલાદિન્ એવું બીજું નામ પણ તેઓ ધરાવે છે. તેમના જીવન વિશે બીજી કશી માહિતી ઉપલબ્ધ નથી.

નંદિકેશ્વરે ‘ભરતાર્ણવ’ નામનો ચાર હજાર શ્લોકોનો બનેલો ગ્રંથ રચ્યો છે. તેની હસ્તપ્રત તાંજોરની સરસ્વતીમહલ નામની હસ્તપ્રતની લાઇબ્રેરીમાં રહેલી છે. આ ગ્રંથ નાટ્ય, નૃત્ય, અભિનય વગેરે વિષયો પર લખાયેલો છે. એવો જ ‘ભરતાર્થચંદ્રિકા’ નામનો બીજો ગ્રંથ પણ નાટ્ય, અભિનય વગેરે વિશે જ લખ્યો હોવાની સંભાવના છે. નંદિકેશ્વરનો એકમાત્ર પ્રકાશિત ગ્રંથ ‘અભિનયદર્પણ’ ખૂબ જાણીતો છે. કેટલાક વિદ્વાનો તે ભરતાર્ણવનો સંક્ષેપ છે એમ માને છે. ચાર અધ્યાયોમાં વહેંચાયેલા આશરે સવા ત્રણસો જેટલા શ્લોકોમાં આ ગ્રંથમાં નંદિકેશ્વરે અભિનયની ચર્ચા કરી છે. આ ગ્રંથની તમિળ ભાષામાં એક આવૃત્તિ છે. જ્યારે ડૉ. કુમારસ્વામીએ અને મનમોહન ઘોષે તેની અંગ્રેજીમાં આવૃત્તિઓ પ્રગટ કરી છે. અનુષ્ટુષ છંદમાં રચાયેલા આ ગ્રંથમાં નાટ્ય, નૃત્ય, નૃત્ત, અભિનયના ચાર પ્રકારો વિશે સામાન્ય નિર્દેશ કરી તે પછી આંગિક અભિનયની જ નૃત્યમાં પ્રધાનતા હોવાથી તેની સૂક્ષ્મ ચર્ચા કરી છે. તેમાં નવ પ્રકારનો શીર્ષનો, આઠ પ્રકારનો દૃષ્ટિનો, ચાર પ્રકારનો ગ્રીવાનો અભિનય વર્ણવ્યા પછી હસ્ત અને પાદના અભિનયપ્રકારો વર્ણવવામાં આવ્યા છે. હસ્તના અભિનયમાં અસંયુતહસ્તના ત્રીસથી વધુ પ્રકારો, સંયુતહસ્તના ત્રેવીસ પ્રકારો, દેવહસ્તના છવ્વીસ પ્રકારો, જાતિહસ્તના ચાર પ્રકારો, બાંધવહસ્તના દસ પ્રકારો નંદિકેશ્વર વિગતવાર જણાવે છે. એ પછી નૃત્તહસ્તની પાંચ પ્રકારની ગતિ સાથે નૃત્તહસ્તના તેર પ્રકારો અને નવગ્રહહસ્તના નવ પ્રકારો રજૂ થયા છે. પગના અભિનયના પ્રકારોમાં દસ પ્રકારનાં મંડલ છ પ્રકારના સ્થાનક સાથે આપીને ઉત્પ્લવનના પાંચ પ્રકારો, ભ્રમરીના સાત પ્રકારો, ચારિના આઠ પ્રકારો અને ગતિના દસ પ્રકારોની ચર્ચા સાથે ‘અભિનયદર્પણ’ સમાપ્ત થાય છે.

અંતે, નંદિકેશ્વરના મતનો ક્યારેક ભરતના નાટ્યશાસ્ત્રથી વિરોધ હોવાના ઉલ્લેખો દામોદરગુપ્તે કુટ્ટનીમતમાં, અભિનવગુપ્તે નાટ્યશાસ્ત્ર પરની ટીકામાં, ‘સંગીતરત્નાકર’ની ટીકામાં કલ્લિનાથે અને રઘુનાથે કર્યા છે જે નંદિકેશ્વરની પ્રમાણભૂતતાની સાક્ષી આપે છે. આ ‘અભિનય-દર્પણ’નો ગુજરાતીમાં અનુવાદ થયો છે.

નારાયણ કંસારા