નવરથ દેઉલ : મંદિરનિર્માણના નકશાનો એક પ્રકાર. ઓરિસાની આગવી સ્થાપત્યશૈલી મૂળભૂત હિંદુ સ્થાપત્યની ધારામાં હોવા છતાં એક અલગ પ્રકારની પ્રતિભા ઊભી કરે છે. આ મંદિરોના બાંધકામમાં એક ચોક્કસ પ્રકારનો દેખીતો ફરક જણાય છે. ઓરિસાનાં મંદિરોના નકશા તથા ઇમારતી ઢાંચા સમગ્ર હિંદુ શૈલીથી જુદા પડે છે. મંદિરો માટે પણ પ્રચલિત શબ્દ ‘દેઉલ’ વપરાય છે અને મંદિરોના જુદા જુદા ભાગોનાં નામ પણ અલગ અપાયેલાં છે. ઘણી વાર મંદિરો ફક્ત એક જ ઇમારત રૂપે બંધાયેલાં તેથી તે પણ દેઉલ તરીકે જ ઓળખાતાં. વિસ્તૃત મંદિરોમાં દેઉલની આગળ મંડપ (જે અહીંયાં ‘જગમોહન’ તરીકે ઓળખાય છે.) પણ બંધાતા. આ બંને ભાગોની બનેલ ઇમારત ઓરિસાના મોટાભાગનાં મંદિરોમાં જોવા મળે છે. આ ઉપરાંત વધારે વિસ્તૃત મંદિરોમાં આ બંને વિભાગોની આગળ ભોગમંદિર, નટમંદિર વગેરે ઉમેરાતાં અને તે મૂળ મંદિરની આગળ એક પછી એક રચવામાં આવતાં.
દેઉલની રચનામાં તેની દીવાલો, મુખ્ય મંદિરના ભાગ વગેરેને આકારવામાં હિંદુ સ્થાપત્યના સિદ્ધાંતો પ્રમાણે જુદા જુદા પ્રકાર અપનાવાતા. સંખ્યાવાર વિભાજન પ્રમાણે તેના નકશાનો પ્રકાર વર્ણવાતો. ઓરિસાના સ્થાપત્યમાં આ વિભાજન ખૂબ વિસ્તારથી કરાતું. જેમ મંદિરના કદમાં વધારો થતો તેમ તેના વિભાજનનો પણ વિસ્તાર થતો. દીવાલોના પ્રકારમાં 1, 2, 3, 4 વિભાજન પ્રમાણે તે એકરથ, દ્વિરથ, ત્રિરથ પ્રકારે ઓળખાતા. ખાસ કરીને આથી નકશા અને દીવાલના પ્રસારનો ખ્યાલ નામ પરથી આવી જતો. નવરથ દેઉલ પણ નકશાનો એક પ્રકાર છે. તેમાં મંદિરની દીવાલમાં રચાયેલા સ્તંભો(pilasters)ની સંખ્યાનો ખ્યાલ આપ્યો હોય છે, જે દીવાલમાં નવ રથ એટલે નવ સ્તંભો વણાયેલા, ગંઠાયેલા, બંધાયેલા હોય તે પ્રકાર. આનો મુખ્ય ઉદ્દેશ દીવાલોની મજબૂતાઈ અને બાહ્ય દર્શનનું ઘડતર કરવાનો હતો. કોણાર્કનું સૂર્યમંદિર, પુરીનું જગન્નાથનું મંદિર, ભુવનેશ્વરનું વૈતાલ દેઉલ વગેરે ઓરિસાના સ્થાપત્યની શૈલીનાં જગપ્રસિદ્ધ ઉદાહરણો છે.
રવીન્દ્ર વસાવડા