નવમાનવવાદ (neo-humanism) : માનવને કેન્દ્રમાં રાખીને સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે વ્યવસ્થાઓ અને વ્યવહારોનું કેવી રીતે નિર્માણ કરવું એની વ્યવસ્થિત વિચારણા કરતી વિચારધારા. એથીય વિશેષ માનવવાદ જગતને જોવાનો, સમજવાનો એક પરિપ્રેક્ષ્ય અથવા અભિગમ પણ છે. આમ તો, માનવવાદ માનવઇતિહાસ જેટલો જૂનો છે પણ એની ખાસ અભિવ્યક્તિ પ્રાચીન ગ્રીક ચિંતક પ્રોટાગોરાસના ‘‘મનુષ્ય જ બધી વસ્તુઓનો માપદંડ છે’’ – આ વિધાનમાં થઈ છે. મધ્યકાલીન યુરોપમાં થયેલી પુનર્જાગૃતિ (Renaissance) અને ધર્મસુધારણા(Reformation)ની ચળવળોમાં માનવવાદી વિચારણાની પુન:સ્થાપના થઈ છે. માનવવાદ પશ્ચિમી સંસ્કૃતિનો એક કેન્દ્રવર્તી મુદ્દો રહ્યો છે. સ્વતંત્રતા, સમાનતા, વ્યક્તિમાત્રનું એક મનુષ્ય તરીકે ગૌરવ કરવું વગેરે માનવમૂલ્યો બીજી બધી બાબતો કરતાં ચડિયાતું સ્થાન ધરાવે છે અને વ્યક્તિમાત્રના જીવનનું ધ્યેય તેના વ્યક્તિત્વનો અને માનવ તરીકેના ગૌરવનો વિકાસ કરવો એ છે. માનવવાદની આ પાયાની નિષ્ઠા છે. સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક સંસ્થાઓ અને વ્યવહારોની ઇતિશ્રી વ્યક્તિમાત્રના જીવનના એ ધ્યેયને પાર પાડવામાં રહેલી છે, એ માનવવાદની પાયાની માન્યતા છે.

માનવવાદની બુનિયાદ જે મૂલ્યો અને સિદ્ધાંતો પર રચાયેલી છે, એ કોઈ પણ દલીલ વિના સ્વીકારી લેવાનાં કોઈ સ્વત:સિદ્ધ સત્યો નથી. છેલ્લી દોઢ-બે સદીઓ દરમિયાન જ્ઞાનવિજ્ઞાનની વિવિધ વિદ્યાશાખાઓ, જેવી કે ભૌતિકવિજ્ઞાન, જીવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન વગેરેમાં થયેલાં આધુનિક સંશોધનો તેમજ ઇતિહાસના વધુ ઊંડા અધ્યયને આ મૂલ્યો અને સિદ્ધાંતોને સમર્થન પૂરું પાડ્યું છે. આથી, એને નવમાનવવાદ અથવા વૈજ્ઞાનિક માનવવાદ તરીકે ઓળખવામાં આવે છે. મૂળગામી અથવા ઉદ્દામ માનવવાદ (radical humanism) તરીકે પણ એ ઓળખાય છે. એ ‘નવો’ એટલા માટે છે કે આધુનિક વૈજ્ઞાનિક જ્ઞાન અને આધુનિક સંસ્કૃતિના અનેક દાયકાઓના સામાજિક અનુભવથી એ દૃઢ અને પુષ્ટ બન્યો છે. નવમાનવવાદી ચિંતનમાં ભારતના એમ.એન. રૉય(1887–1954)નો વિશેષ ઉલ્લેખનીય ફાળો છે. ‘ન્યૂ હ્યુમૅનિઝમ–એ મૅનિફેસ્ટો’ પુસ્તકમાં એમણે નવમાનવવાદી વિચારધારાની સંક્ષેપમાં પણ સરળ અને સર્વગ્રાહી રજૂઆત કરી છે. એ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ ‘નવમાનવવાદ’ નામે દિનેશ શુક્લે કર્યો છે.

નવમાનવવાદ માને છે કે ભૌતિક વિશ્વ અથવા પ્રકૃતિ એ કેટલાક નિયમોથી સંચાલિત થતી વ્યવસ્થા છે. એ કોઈ અરાજકતા નથી, બલકે નિયમબદ્ધ વ્યવસ્થા છે. મનુષ્યનો આવિર્ભાવ કે જગતમાં એનું અવતરણ કોઈ દૈવી તત્વ કે ઈશ્વરની ઇચ્છાને કારણે થયું નથી. જૈવિક ઉત્ક્રાંતિની લાખો વર્ષ ચાલેલી લાંબી પ્રક્રિયાને અંતે ભૌતિક વિશ્વની પશ્ચાદભૂમિકામાંથી મનુષ્યનો ઉદ્ભવ થયો છે. મનુષ્યની બૌદ્ધિકતા પણ આ જ ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો ભાગ છે, એને કોઈ ગૂઢ કે ઈશ્વરી તત્વ સાથે સાંકળવાની જરૂર નથી. મનુષ્ય બૌદ્ધિક અને વિચારશીલ પ્રાણી છે અને એટલે જ એ પોતાના જગતનો નિર્માતા છે. મનુષ્યનું મગજ વિચારોનું ઉત્પાદન કરે છે અને એની મદદથી એ પોતાના જગતનું નિર્માણ કરે છે.

નવમાનવવાદ માને છે કે સ્વાતંત્ર્યની ઝંખના અને સત્ય માટેની ખોજ મનુષ્ય માટે સહજ છે અને એ જ માનવપ્રગતિ પાછળની મૂળભૂત પ્રેરણાઓ છે. સ્વાતંત્ર્યની ઝંખના એ અસ્તિત્વ ટકાવી રાખવા માટેની જૈવિક લડતનું જ વિસ્તરણ છે. પ્રકૃતિ વિશે અને પોતાને વિશેનું મનુષ્યનું વધતું જતું જ્ઞાન એને ભૌતિક અને સામાજિક વાતાવરણનાં બંધનોમાંથી મુક્તિ આપે છે. આથી જ, વૈયક્તિક અને સામૂહિક માનવપુરુષાર્થનો હેતુ વધુ ને વધુ સ્વાતંત્ર્ય મેળવવાનો છે. મનુષ્યો તરીકે આપણામાં જે સંભાવ્ય ક્ષમતાઓ રહેલી છે, તેના વિકાસ આડેના તમામ અવરોધો દૂર થતા જાય એનું નામ સ્વાતંત્ર્ય. નવમાનવવાદ એ માટે પ્રવૃત્ત થવાનું આહવાન આપે છે. તમામ સામાજિક સંસ્થાઓ અને વ્યવહારો કેટલા પ્રમાણમાં આ કાર્યમાં ઉપકારક છે, એના આધારે એનું મૂલ્ય આંકવું જોઈએ, એમ નવમાનવવાદ માને છે.

નવમાનવવાદની એક બીજી દૃઢ માન્યતા એ છે કે મનુષ્યમાં રહેલી નૈતિકતા એની બૌદ્ધિકતા અથવા વિચારશીલતાને આભારી છે. ઈશ્વર, ધર્મ કે કોઈ પારલૌકિક ગૂઢ તત્વમાં નીતિમત્તાનો આધાર શોધવો, એમાં એ માનતો નથી. ઊલટું, એ માને છે કે મનુષ્ય તત્વત: બૌદ્ધિક અને વિચારશીલ છે, માટે તે નૈતિક છે. સંવાદી, સહકારપૂર્ણ, પરસ્પર લાભદાયી સામાજિક સંબંધોની બૌદ્ધિક અથવા વિચારપૂત ઇચ્છામાંથી નીતિભાવના પાંગરે છે. આમ, નવમાનવવાદની દૃષ્ટિએ નીતિમત્તાનું એકમાત્ર પીઠબળ બૌદ્ધિકતા જ હોઈ શકે અને નીતિમત્તા એ આખરે તો મનુષ્યમાત્રમાં રહેલ સારાસારવિવેકબુદ્ધિ–મનુષ્યના અંત:કરણ–ને કરવામાં આવેલ અપીલ છે. ટૂંકમાં, મનુષ્યમાત્રમાં રહેલ સારાસારવિવેક એ કોઈ ગૂઢ, અગોચર આધિભૌતિક તત્વ નથી, બલકે અસ્તિત્વ ટકાવી રાખવા ચેતનાના સ્તરે થતી જીવશાસ્ત્રીય ક્રિયા જ છે. મનુષ્યની અંગભૂત, સાહજિક બૌદ્ધિકતા એ સંવાદી, સહકારપૂર્ણ અને એટલે નૈતિક વ્યવસ્થાની એકમાત્ર બાંયધરી છે. આથી, બધા જ વૈયક્તિક અને સામાજિક પ્રયાસોનો ઉદ્દેશ મનુષ્યમાત્રને એની અંગભૂત બૌદ્ધિકતાથી વધુ ને વધુ સભાન બનાવવાનો અને એટલે વધુ ને વધુ નૈતિક બનાવવાનો હોવો જોઈએ, એમ નવમાનવવાદ માને છે.

નવમાનવવાદ માને છે કે સમાજની વધુ ગંભીર અને ટકાઉ પુનર્રચના માટેના પ્રયાસનો આરંભ સમાજના પાયારૂપ ઘટક મનુષ્યથી થવો જોઈએ; કારણ કે માનવવ્યક્તિ એ જીવશાસ્ત્રીય અસ્તિત્વ છે; એ ચેતના ધરાવે છે, બૌદ્ધિકતા અને વિચારશક્તિ પણ એ જ ધરાવે છે. આનંદ અને પીડાનો અનુભવ પણ વ્યક્તિ જ કરે છે. સમાજ આમાંનું કશું ધરાવતો નથી. પણ આનો અર્થ એવો થતો નથી કે વ્યક્તિ માટે સમાજનું કંઈ મહત્ત્વ નથી. સમાજમાં રહેવું અને પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષવી એ વ્યક્તિના અસ્તિત્વ અને વિકાસ માટે અનિવાર્ય છે; પણ ‘મનુષ્ય જ બધી વસ્તુઓનો માપદંડ છે’ એ માનવવાદની પાયાની માન્યતા અનુસાર સમાજ  તેની વિવિધ સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ – કેટલા પ્રમાણમાં વ્યક્તિને ઉપકારક છે, એને આધારે એનું મૂલ્યાંકન થવું ઘટે. આમ, નવમાનવવાદની દૃષ્ટિએ, સમાજનું મૂલ્ય વ્યક્તિ માટે સાધનલક્ષી છે, જ્યારે સાધ્ય છે માનવવ્યક્તિ અને આથી જ નવમાનવવાદ માને છે કે રાષ્ટ્ર, ધર્મ અથવા ઈશ્વર, કોમ, વર્ગ કે એવી કોઈ અમૂર્ત સામૂહિકતા ખાતર માનવવ્યક્તિને સાધન બનાવી શકાય નહિ, એનો ભોગ લઈ શકાય નહિ. નવમાનવવાદ સમૂહવાદની વિવિધ અભિવ્યક્તિઓ જેમ કે ફાસીવાદ, સામ્યવાદ, સમાજવાદ, ધર્મતંત્ર કે સાંપ્રદાયિકતા વગેરેનો સખત વિરોધ કરે છે.

સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, બિનસાંપ્રદાયિક નીતિમત્તા, વ્યક્તિમાત્રના માનવીય ગૌરવની પ્રતિષ્ઠા જેવાં માનવવાદી મૂલ્યો પર આધારિત નવી સમાજવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાની સ્થાપના એ નવમાનવવાદનું ધ્યેય છે. શોષણ અને અન્યાયથી મુક્ત એવી સમાજવ્યવસ્થાનું નિર્માણ એ એનો ઉદ્દેશ છે. ઔપચારિક-પ્રાતિનિધિક સંસદીય લોકશાહીની ઊણપો અને ખામીઓ સત્તાના પ્રતિનિધાનમાંથી ઉદ્ભવતી હોઈ નવમાનવવાદ દૃઢપણે માને છે કે સત્તા હંમેશાં લોકોમાં જ નિહિત હોવી જોઈએ. નિશ્ચિત સમયને આંતરે, દર ચાર કે પાંચ વર્ષે ચૂંટણી યોજીને નહિ, પણ રોજબરોજના ધોરણે, સત્તાનો ઉપયોગ કરી શકાય એવાં સાધનો અને પદ્ધતિઓ પ્રયોજીને સાચા અર્થમાં લોકશાહીને ચરિતાર્થ કરી શકાય. આથી, નવમાનવવાદ અનુસાર નવી સમાજવ્યવસ્થામાં રાજકીય સંગઠન વિવિધ સ્તરીય લોકસમિતિઓ દ્વારા સમગ્ર પુખ્ત મતદારસમૂહની પ્રત્યક્ષ સામેલગીરી પર પ્રતિષ્ઠિત થયેલું હોવું જોઈએ.

એ જ રીતે, સમાજના વૈયક્તિક સભ્યોની ભૌતિક–આર્થિક જરૂરિયાતો ઉત્તરોત્તર સંતોષાતી જાય અને લોકોનાં જીવનધોરણ વધુ ઊંચાં આવતાં જાય, એવી અર્થવ્યવસ્થાની સ્થાપના એ નવમાનવવાદનું ધ્યેય છે. એ માને છે કે મનુષ્યોની બૌદ્ધિક અને બીજી માનવીય ક્ષમતાઓના વિકાસ માટે એમની ભૌતિક–આર્થિક જરૂરિયાતો સંતોષવી જરૂરી છે. મૂડીવાદી લેઝે-ફેર(Laissez-faire)વાદી (અનિયંત્રણવાદી) તેમજ સામ્યવાદી અર્થવ્યવસ્થાથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં માનવવાદી મૂલ્યો વિપરીત હોઈ, નવમાનવવાદ એનો વિરોધ કરે છે અને એને બદલે સહકારમૂલક અર્થવ્યવસ્થાની હિમાયત કરે છે. આ અર્થવ્યવસ્થા હેઠળ ઉત્પાદન, વિતરણ અને વિનિમયનાં સાધનો ન તો ખાનગી મૂડીપતિઓને હસ્તક હશે ન તો રાજ્યને હસ્તક, પણ  જે તે એકમ કે સાહસમાં કામ કરતા કામદારો કે શ્રમજીવીઓના હાથમાં હશે. પોતાનાં શ્રમ કે કૌશલ્યોને વેચીને પેટિયું રળતા પરાધીન મનુષ્યોના બનેલ સમાજને સ્થાને સ્વ-રોજગારી રળતા, સ્વાવલંબી મનુષ્યોના બનેલ સમાજની સ્થાપના કરવાનું નવમાનવવાદનું ધ્યેય છે.

સ્વતંત્રતા, બુદ્ધિનિષ્ઠાવાદ, અને બિનસાંપ્રદાયિક નીતિમત્તા(secular morality)નાં વૈજ્ઞાનિક રીતે તારવેલાં મૂલ્યો પર આધારિત માનવવાદી વ્યવસ્થાની સ્થાપના માટે નવમાનવવાદ સર્વગ્રાહી વૈચારિક–સાંસ્કૃતિક ક્રાંતિ અથવા બીજા શબ્દોમાં બીજી પુનર્જાગૃતિ(renaissance)ની ચળવળની હિમાયત કરે છે.

માનવવાદ માનવતાવાદથી ભિન્ન છે. સામાન્ય લોકોનું કલ્યાણ અથવા ભલું કરવા આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ એ માનવતાની ભાવનાથી કરીએ છીએ, એમ કહેવાય. માનવવાદનો ઉદ્દેશ મનુષ્યો સ્વયં પોતાના પગ પર ઊભા થાય, પોતાના પ્રશ્નોના ઉકેલમાં સ્વાવલંબી બને, અરસપરસ સહકાર સાધે, એ જોવાનો છે. વ્યક્તિમાત્ર પગભર બને, માનવીય ગૌરવથી સભાન થાય, અન્ય પ્રત્યે નૈતિક સંવેદનાનું ગૌરવ ખુદ અનુભવે, સહકારપૂર્ણ પુરુષાર્થથી પોતાના ભાવિની ખુદ નિર્માતા બને, એ માનવવાદનો ઉદ્દેશ છે.

નવમાનવવાદ સાંપ્રત સમાજવ્યવસ્થાઓના સમીક્ષક (critic) તરીકે તો ભૂમિકા ભજવે છે, પણ સાથે સાથે એ એમના વધુ ઇષ્ટ વિકલ્પ તરીકે પોતાને રજૂ કરે છે.

દિનેશ શુક્લ