સૈયદ, અહમદખાન (બરેલવી) (જ. 1786; અ. 8 મે 1831, બાલાકોટ) : ઈસુની 19મી સદીમાં હિંદના મુસ્લિમોમાં ધાર્મિક, રાજકીય અને લડાયક જાગૃતિ લાવનાર મુસ્લિમ નેતા. તેઓ રાયબરેલીના વતની હોવાને લીધે ‘બરેલવી’ તરીકે ઓળખાય છે. હિંદમાં ‘વહાબી આંદોલન’ની શરૂઆત કરનાર અથવા તેનો પાયો નાખનાર તરીકે તેઓ પ્રસિદ્ધ છે. તેમનો જન્મ સામાન્ય મુસ્લિમ કુટુંબમાં થયો હતો અને શરૂઆતમાં પીંઢારાઓના સરદાર અમીરખાન(જે પાછળથી ટોન્કના નવાબ બન્યા હતા.)ના લશ્કરમાં સૈનિક તરીકે નોકરી કરતા હતા. એ પછી તેઓ દિલ્હીના મુસ્લિમ સંત વલીઉલ્લાહના પુત્ર અબ્દુલ અઝીઝની અસર નીચે આવ્યા હતા.
ઈ. સ. 1820માં તેમણે થોડા મુસ્લિમ સાથીઓ સાથે મક્કાની હજ કરવા જવાનું નક્કી કર્યું. આ સમયે તેમણે અરબસ્તાનમાં શરૂ થયેલા વહાબી આંદોલનના જેવા જ સિદ્ધાંતોનો પ્રચાર શરૂ કર્યો. પોતાના વતનથી કોલકાતા જવાના માર્ગમાં તેમણે પટણાની મુલાકાત લીધી ત્યારે ત્યાંના મુસ્લિમો અને તેમના અગ્રણી વિલાયતઅલીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. તેઓ જ્યારે કોલકાતા પહોંચ્યા ત્યારે મુસ્લિમોના મોટા સમૂહોએ તેમનું તેનાથી પણ મોટું અને અજોડ સ્વાગત કર્યું. 1822માં તેઓ હજ કરીને પાછા ફર્યા ત્યારે પટણામાં થોડો સમય રોકાયા. ત્યાં તેમને અનેક શિષ્યો મળ્યા. પટણા તેમના લડાયક આંદોલનનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ વધી જતાં તેમણે ચાર ખલીફાઓ એટલે કે ધાર્મિક પ્રતિનિધિઓની નિમણૂક કરી. એ ચાર ખલીફાઓમાં પટણાના વિલાયતઅલી, એમના ભાઈ ઇનાયતઅલી, શાહ મુહમ્મદ હુસેન અને ફરહત હુસેનનો સમાવેશ થતો હતો. આ ચારેય ‘પટણા ખલીફા’ તરીકે ઓળખાતા હતા. આ આંદોલન ચલાવનારા ઇસ્લામને એના મૂળ અને શુદ્ધ સ્વરૂપમાં પાછો લાવવા ઇચ્છતા હતા તથા એમાં પેઠેલી શિથિલતા અને નવી પ્રણાલિકાઓ દૂર કરવા ઇચ્છતા હતા.
સૈયદ અહમદખાને વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીને એમના લડાયક અનુયાયીઓની સંખ્યામાં ઘણો વધારો કર્યો. ધીમે ધીમે આ આંદોલને ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું. તેમણે હિંદને ‘દર-ઉલ-હર્બ’ (દુશ્મનોનો દેશ) જાહેર કરી મુસ્લિમોને બિનમુસ્લિમ રાજ્યકર્તાઓ સામે ‘જિહાદ’ (ધર્મયુદ્ધ) કરવા અથવા એ પ્રદેશ છોડી કોઈ મુસ્લિમ રાજ્યકર્તાના દેશમાં હિજરત કરીને ત્યાં વસવાટ કરવા અનુરોધ કર્યો. તેમણે મુસ્લિમોને યુદ્ધ કરીને પંજાબમાંથી શીખોનું અને બંગાળમાંથી અંગ્રેજોનું શાસન નાબૂદ કરવા ઉત્તેજિત કર્યા. સૈયદ અહમદખાન પોતે લશ્કરી ગણવેશ ધારણ કરતા અને તેમના મુસ્લિમ અનુયાયીઓને શસ્ત્રો સાથેની લશ્કરી તાલીમ આપી તેમની સલામી ઝીલતા. શીખ અને અંગ્રેજી શાસનના તેઓ દુશ્મન હતા.
તેમણે પટણાના મૌલવીઓ સાથે વાયવ્ય સરહદ પ્રાંત અને અફઘાનિસ્તાનની મુલાકાત લઈ શીખો સામેની લડાઈમાં મુસ્લિમ સૈનિકોની ભરતી કરી. એ સમયે પંજાબમાં શક્તિશાળી શીખ સરદાર રણજિતસિંહનું શાસન હતું. તેથી સૈયદ અહમદખાનને શીખો સામેની લડાઈમાં ઝાઝી સફળતા મળી નહિ. જોકે ઈ. સ. 1830માં તેમણે થોડા સમય માટે પેશાવર જીતી લીધું અને ‘ન્યાયી તથા ધર્મરક્ષક અહમદ’ શીર્ષકવાળા પોતાના નામના સિક્કાઓ પણ પડાવ્યા. પઠાણ કોમના મુસ્લિમો અને હિંદુસ્તાનમાં ધર્મપરિવર્તન કરીને બનેલા મુસ્લિમો વચ્ચે આંતરિક લડાઈઓ થઈ, જેમાં પઠાણોએ ઘણા હિંદુસ્તાની મુસ્લિમોને મારી નાખ્યા. શીખોએ પેશાવર ફરીથી જીતી લીધું અને સને 1831માં બાલાકોટની લડાઈમાં સૈયદ અહમદખાનનું મૃત્યુ થયું. આમ, શીખોની સત્તા નીચેનો પંજાબ પ્રાંત જીતવામાં સૈયદ અહમદખાન અને તેમના મુસ્લિમ અનુયાયીઓ નિષ્ફળ ગયા. જોકે સૈયદ અહમદખાનના લડાયક મુસ્લિમ સૈનિકોમાં હતાશા ન ફેલાય એ માટે ખલીફા વિલાયતઅલીએ એવી વાત વહેતી મૂકી હતી કે સૈયદ અહમદખાનનું મૃત્યુ નથી થયું; પરંતુ એ અદૃશ્ય થયા છે અને યોગ્ય સમયે આ લડાઈની આગેવાની લેવા પ્રગટ થશે.
સૈયદ અહમદખાનના અવસાનથી તેમના આંદોલનને મોટો ફટકો પડ્યો. જોકે તેમણે નીમેલા પટણાના ચાર ખલીફાઓએ શીખો અને અંગ્રેજો સામેના આ આંદોલનને ચાલુ રાખ્યું. લગભગ ઈ. સ. 1820થી 1870 સુધી આ આંદોલન ઉગ્ર યા મંદ ગતિએ ચાલતું રહ્યું અને એ પછી સંજોગો બદલાતાં તેનો અંત આવ્યો.
મુગટલાલ પોપટલાલ બાવીસી