સૈયદ આબિદઅલી લાલમિયાં

February, 2008

સૈયદ, આબિદઅલી લાલમિયાં (. 1904, વરણાવાડા, બનાસકાંઠા, ગુજરાત; . 30 ઑગસ્ટ 1991, પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત) : વિખ્યાત તસવીરકાર. આબિદઅલી લાલમિયાં સૈયદ એ. એલ. સૈયદ નામે સવિશેષ જાણીતા છે. મોટાભાઈ ખાનજીમિયાં લાલમિયાં સૈયદે પાલનપુરમાં 1902માં તસવીરકળાની શરૂઆત કરી હતી અને પાલનપુરના નવાબ ઉપરાંત વડોદરા સૌરાષ્ટ્ર બિકાનેર જોધપુર છોટાઉદેપુર-ડુંગરપુર અને કાશ્મીર જેવાં રજવાડાંઓમાં રજવાડી તસવીરકાર તરીકે કામ કરતા. તેમને આબિદઅલીએ પોતાના ગુરુ માન્યા હતા. 1922માં આબિદઅલી પાલનપુરમાં મૅટ્રિકમાં નાપાસ થયા બાદ તેઓ મોટાભાઈના સહાયક તસવીરકાર તરીકે કામ કરવા લાગ્યા.

મૅટ્રિકના વિદ્યાર્થીકાળ દરમિયાન 1922માં મુંબઈની ચોપાટી પરના સૂર્યાસ્તની તસવીર માટે ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’નું રૂ. 15/-નું પ્રથમ ઇનામ તેમણે જીત્યું. 1925માં ‘કુમાર’ અને અન્ય સામયિકોમાં તસવીરો પ્રકાશિત થઈ અને અનેક ઇનામો જીત્યાં. 1930થી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લેવા માંડ્યા. 1935માં લંડનની ‘પૉપ્યુલર ફોટોગ્રાફી’ની સર્વોત્તમ તસવીરનું ઇનામ મળ્યું, તે જ સમયે ‘કોડાક’ના જનરલ મૅનેજર બેંકરનો પડકાર ઝીલીને બૉક્સ કૅમેરાથી મુંબઈની તસવીરો ઝડપી. ‘ટ્રાવેલ ઑવ્ ધ ઈસ્ટ’ નામની તેમની તસવીર 1940માં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં સ્થાન પામી અને તે ન્યૂયૉર્કની ‘ઓધામ લાઇબ્રેરી’એ વિશ્વની સર્વોચ્ચ તસવીર તરીકે તેના સંગ્રહાલયમાં રાખી. આબિદઅલીએ 1969માં મુંબઈમાં ‘વન મૅન શો’ યોજ્યો. રાષ્ટ્રપતિ ગિરિએ એના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. 1976માં મુંબઈમાં ફોટોગ્રાફિક સોસાયટી વગેરે ક્લબોએ બહુમાન કર્યું. 1977માં જાપાનનાં ટોકિયો ખાતે ‘ડિફિકલ્ટ એસેન્ટ’ નામની તેમની તસવીરને ઇનામ મળ્યું. 1983માં આઇ.આઇ.પી.સી. ક્લબે દિલ્હીમાં વિશ્વના દસ નામાંકિત તસવીરકારો પૈકી સૈયદને સન્માન્યા. કે. આસિફની ‘મુઘલ-એ-આઝમ’ સહિતની ઘણી હિંદી ફિલ્મોમાં ‘સ્ટિલ ફોટોગ્રાફર’ તરીકે કામ કર્યું. બેડોળ ઊંટને પણ આબિદઅલીએ તસવીરકળાથી સુડોળતા બક્ષી છે.

ભારતના વિભાજન વખતે આબિદઅલીએ મોટી પદવી તેમજ સરકારી ફોટોગ્રાફર તરીકે નીમવાની પાકિસ્તાનની દરખાસ્ત ઠુકરાવી હતી. તેમના પુત્ર અઝમત સૈયદ પાલનપુરમાં વ્યવસાયી તસવીરકાર છે.

રમેશ ઠાકર