સૈયદ, અહમદ (1) : સોહરાવર્દી ફિરકાના એક સૂફી સંત. તેમને સૈયદ અહમદ જહાનશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સૈયદ બુરહાનુદ્દીન કુત્બે આલમ સાહેબના ભાવિક મુરીદ હતા. પોતાના ગુરુની માફક તેઓ પણ વિદ્વાન હતા. તેમણે લખેલાં અનેક પુસ્તકોમાં ફારસી ભાષાનાં ‘સફીન તુલ અનસાબ’ (વંશાવળીઓનું પુસ્તક) અને ‘દસ્તૂરે ખિલાફત ફી અલદે મશાઈલ’ (શેખોના સાહિત્યમાં ખિલાફતનો સિદ્ધાંત) જેવાં પુસ્તકો નોંધપાત્ર છે. આ બંને પુસ્તકોની નકલો પાટણના તેમના વંશજ સૈયદ પ્યારેસાહેબ ગુલામ મુહમ્મદ જહાનશાહ પાસે છે. આ વિદ્વાન સૂફી સંતની ખાનકાહ (જગ્યા) અણહિલવાડ પાટણમાં હતી. તેઓ ઈ. સ. 1194માં જન્નતનસીન થયા.

(2) મહમૂદ બેગડાના શાસનકાળ દરમિયાન થયેલા એક પીર. તેમનું આખું નામ સૈયદ અહમદ જાફર શીરાઝી હતું. તેમને ટૂંકાણમાં ‘જાફરી’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ‘મિરાતે અહમદી’ના નોંધ્યા પ્રમાણે આ સૈયદ અહમદને તેમના પિતા જાફરે સિંધમાંથી બોલાવીને અમદાવાદમાં વસાવ્યા હતા અને પોતે સિંધ ગયા હતા. આ અહમદ ચમત્કારો પણ કરી શકતા હતા. બેરકાત નમાઝમાં તેઓ અડધું કુરાન પઢતા હતા. તેમણે મક્કા શરીફની હજ પગપાળા ચાલીને કરી હતી. દાઉદી વહોરાઓ અને જાફરી વહોરાઓ વચ્ચેનો આંતરલગ્ન-વ્યવહાર તેમણે ઈ. સ. 1535માં બંધ કરાવ્યો. આ સૈયદ અહમદને હજુ પણ એટલું બધું માન મળે છે કે અમદાવાદમાં હિન્દુઓ જે રસ્તે પીરનો રોજો છે તે રસ્તેથી પોતાનાં સ્વજનોનાં શબ અગ્નિસંસ્કાર માટે લઈ જતા નથી. તેઓ એવું માને છે કે આમ કરવાથી શબો બળતાં નથી. તેમના અનુયાયીઓ આજે પણ આ સૈયદને પોતાના પીર તરીકે માને છે અને તેમના વંશજોને પીરજાદા ગણે છે. આ સૈયદ અહમદના વારસદારો ભરૂચની ગાદી સંભાળે છે.

(3) સત્તારિયા ફિરકાના એક સૂફી. તેઓ શેખ વજીહુદ્દીન અહમદ અલવી તરીકે પણ જાણીતા છે. તેઓ ઉચ્ચ કક્ષાના વિદ્વાન હતા. એમણે એક મદરેસાની સ્થાપના કરી, જેમાં તેઓ જાતે શિક્ષણ આપતા હતા. શૈક્ષણિક કામમાંથી સમય કાઢીને તેઓ પુસ્તકો પણ લખતા હતા. એમનાં મોટાભાગનાં પુસ્તકો અરબી ભાષામાં છે. આ ઉપરાંત તેઓ ફારસીમાં પણ લખતા હતા. એમનાં જાણીતાં પુસ્તકોમાંનું એક ‘અવરાદ્ વ મઅલૂમાને હઝરત અલ્લામા શાહ વજીહુદ્દીન અલવી’ (અલ્લામા શાહે વજીહુદ્દીન અલવીની પ્રાર્થનાઓ અને જાણકારીઓ) ફારસી ભાષામાં છે. આ ગ્રંથમાં એમના શિષ્યો માટે નીતિવિષયક ઉપદેશો સંગૃહીત કરાયા છે. તેઓ શાયર પણ હતા અને ‘વ્રજહી’ તખલ્લુસથી શાયરીઓ રચતા હતા. તેઓ ઈ. સ. 1589માં જન્નતનશીન થયા.

(4) દિલ્હીના મુનસફ. તેમના પિતાનું નામ સૈયદ મહમ્મદ મુસ્તફી ખાન બહાદુર હતું. તેમણે દિલ્હી અને શાહજહાનાબાદ સંબંધી એક ગ્રંથ તૈયાર કર્યો હતો, જે ‘પિનાદીદ’ તરીકે પ્રખ્યાત થયો. આ ઉપરાંત તેમણે લખેલ અન્ય પુસ્તક ‘સિલસિલત-ઉલ-મુલૂક’ પણ મળે છે. આ સૈયદ અહમદના પૂર્વજો અરબસ્તાનના હતા. અરબસ્તાનથી તેઓ હેરાત આવ્યા. હેરાતથી મુઘલ સમ્રાટ અકબરના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા. ત્યારથી તેમને રાજ્યાશ્રય મળ્યો અને વિશેષ લાભ ઉપલબ્ધ થયા.

(5) સુપ્રસિદ્ધ સૈયદ જલાલ બુખારીના ભાઈ. ઈ. સ. 1659માં દારાશિકોહે તેમને ગુજરાતના સૂબેદાર તરીકે નીમ્યા હતા. આગ્રા પાસે આવેલા તાજગંજ વિસ્તારમાં આજે પણ તેમનો મકબરો છે.

(6) શાહ વજીદ ઉધીના એક પુત્ર. ગુજરાતના મુઘલકાલીન નાયબ સૂબા હૈદર કુલી ખાનના ઈ. સ. 1720માં લખાયેલા એક પત્ર પરથી શાહ વજીદ ઉધીના એક પુત્ર સૈયદ અહમદની માહિતી મળે છે. સૈયદ અહમદને આ ફરમાન દ્વારા પાંચસો રૂપિયા સૂબાના જજિયાકર વિભાગમાંથી આપવાનું જણાવાયું છે. એ કાળમાં શાહી ખજાનાના ચાર વિભાગોમાં એક વિભાગ જજિયાકરને લગતો હતો. આ વિભાગમાં જજિયાની ઊપજ જમા થતી હતી.

(7) બરેલીનો એક અમીર. પંજાબના શીખોની વિરુદ્ધ તેમણે જેહાદ છેડી હતી. કાન્યકુબ્જના એક મૌલવીએ લખેલ ઉર્દૂ ભાષાના ગ્રંથ ‘તરધીર-ઉલ-જિહાદ’નો ઉપયોગ તેમણે આ જેહાદમાં કર્યો. ખાસ કરીને શીખો વિરુદ્ધ આમ મુસલમાનોને ઉશ્કેરવામાં આ પુસ્તકનો તેમણે ખાસ ઉપયોગ કર્યો. આ પુસ્તકનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવે છે કે સૈયદ અહમદે ઉપર્યુક્ત જેહાદનો પ્રારંભ 21 ડિસેમ્બર 1823થી કર્યો હતો. આ યુદ્ધ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. એકાદ બે યુદ્ધોમાં સૈયદ અહમદનો વિજય પણ થયો. અંતે બાલાકોટના ભીષણ યુદ્ધમાં તેમને પ્રાણ ખોવા પડ્યા.

(8) એક અન્ય સૈયદ અહમદ સૂફી સંત હતા અને તેમના અનુયાયીઓ રફાઈઓ તરીકે ઓળખાતા હતા.

ઈશ્વરલાલ ઓઝા