સેવાગ્રામ : વર્ધા પાસે મહાત્મા ગાંધીના આશ્રમને કારણે જાણીતું ગામ. તે વર્ધાથી 8 કિમી. દૂર છે. 1930માં સાબરમતી આશ્રમ છોડ્યા પછી આઝાદી ન આવે ત્યાં સુધી સાબરમતી આશ્રમ પાછા નહિ ફરવાની પ્રતિજ્ઞાને કારણે તેઓ 1934માં વર્ધા ગયા; પરંતુ તેઓ ગામડું પસંદ કરતા એટલે જમનાલાલ બજાજ પાસેથી 1 એકર જમીન લઈને સેગાંવ પસંદ કર્યું. વિદર્ભમાં બીજું સેગાંવ હોવાથી ઘણી વાર ગાંધીજીની ટપાલ ત્યાં જતી, એટલે એમણે સેગાંવને બદલે ‘સેવાગ્રામ’ નામ રાખ્યું. 1936માં આ આશ્રમમાં ગયા, ત્યારે એમણે આદિનિવાસમાં રહેવાનું રાખ્યું હતું.
આ ઝૂંપડી માત્ર રૂ. 500/-માં અને 100 કિમી.ની ત્રિજ્યામાં જે મળે તે સાધનોથી મીરાંબહેને (મિસ સ્લેડ) બાંધી હતી. તે વખતે મહાદેવભાઈ દેસાઈ જે કુટીરમાં રહેતા, તેનું નામ પછીથી ‘મહાદેવ કુટી’ રાખવામાં આવ્યું. તે રોજ ચાલીને વર્ધા જઈ બાપુની ટપાલ લઈ આવતા. તે વખતે સેવાગ્રામમાં ટપાલ ઑફિસ નહોતી.
કિશોરલાલ મશરૂવાળા જે કુટીરમાં રહેતા હતા, તે ‘કિશોર નિવાસ’ નામથી અત્યારે ઓળખાય છે. અત્યારે તે મકાનમાં ‘સેવાગ્રામ આશ્રમ પ્રતિષ્ઠાન’નું કાર્યાલય છે. 1937માં બાપુએ વર્ધામાં જઈ તાલીમ પરિષદ બોલાવી હતી. ઈ. ડબ્લ્યૂ. આર્યનાયકમ્ અને આશાદેવીએ ‘હિંદુસ્તાની તાલીમી સંઘ’ ચલાવ્યો. તેની સ્થાપના પણ 1937માં નઈ તાલીમ પરિષદને કારણે થઈ.
સેવાગ્રામ આશ્રમ
પછી તો જેમ જેમ સંખ્યા વધવા માંડી, તેમ તેમ કુટીરો બનવા માંડી. અત્યારે ‘બાપુ કુટી’ જે કહેવાય છે, તેમાં બાપુ નિવાસ કરતા હતા. 1940ના વ્યક્તિગત સત્યાગ્રહ ને 1942ના ‘હિંદ છોડો’ આંદોલનની પૂર્વતૈયારી આ આશ્રમમાં થઈ હતી. 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેને બાપુએ પસંદ કર્યા હતા.
1942માં અમેરિકન પત્રકાર લૂઈ ફિશર આ આશ્રમમાં એક અઠવાડિયું રહ્યા હતા અને બાપુ સાથે જુદા જુદા પ્રશ્ર્નો પર એમના જવાબો સાંભળ્યા હતા. એ પુસ્તક રૂપે પણ પ્રગટ થયું છે. 1942માં જેલમાં મહાદેવભાઈનું અવસાન અને 1944માં જેલમાં કસ્તૂરબાનું અવસાન થતાં ‘બા-કુટી’ પણ ખાલી થઈ હતી. બાપુ જેલમુક્તિ પછી 1944માં સેવાગ્રામ આશ્રમ આવ્યા હતા અને 1946માં ‘જમના કુટી’ને બાપુના આખરી નિવાસ તરીકે લાભ મળ્યો હતો. આજેય પણ એ ‘આખરી નિવાસ’ તરીકે ઓળખાય છે.
બાપુ 1936થી 1946 સુધી આમ તો આ આશ્રમમાં દસ વર્ષ રહ્યા એમ કહેવાય. આ આશ્રમમાં બાપુ કુલ 2588 દિવસ રહ્યા છે. 1946માં આ આશ્રમ છોડીને ગયા પછી આ આશ્રમમાં આવ્યા નથી. અનેક મહાનુભાવો આ આશ્રમમાં આવી ગયા છે. સરહદના ગાંધી, સંત તુકડોજી મહારાજ વગેરે અહીં રહ્યા છે. સંત તુકડોજી 1 માસ આશ્રમમાં રહ્યા હતા. આશ્રમનું જે ભોજનાલય છે, તે અત્યારે પણ વ્યવસ્થિત ચાલે છે.
બાપુ કુટીમાં એમનું કાર્યાલય પણ ચાલતું. અત્યંત સાદો નિવાસ છે. થોડાં વર્ષો પહેલાં અમેરિકન કેળવણીકાર ઇયાન ઇલિચ ત્યાં આવેલા. તેમણે તેના વિશે એક નિવેદન આપેલું કે ‘આ આશ્રમ મારા માટે એક પ્રેરણાસ્રોત બની ગયો છે.’
બાપુ કુટીમાં માત્ર ચટાઈઓ પાથરેલી હોય છે. વાઇસરૉયના આગ્રહથી બાપુ માટે ટેલિફોન ત્યાં મૂકવામાં આવેલો. બાપુના મુખ્ય મંત્રી મહાદેવભાઈ તો ત્યાં રહેતા જ; ઉપરાંત મંત્રીઓ તરીકેની ફરજો બજાવતા પ્યારેલાલજી અને રાજકુમારી અમૃતકુંવર પણ ત્યાં રહેતાં હતાં.
સામૂહિક ભોજનાલયમાં ઘણી વાર બાપુ પોતે પણ પીરસતા હતા. આવનારાઓમાં મહાદેવભાઈ, કિશોરલાલભાઈ ને પ્યારેલાલજી અપવાદ સ્વરૂપે ક્યારેક નહોતા આવતા. બાપુ એમના મેજ પર એક ચીની રમકડું રાખતા. આ ત્રણ વાંદરાનું રમકડું આમ તો દબાણ માટે રખાતું, પણ ત્રણ વાંદરાઓ જુદી જુદી સ્થિતિમાં ‘ખરાબ બોલો નહિ’, ‘ખરાબ સાંભળો નહિ’ ને ‘ખરાબ જુઓ નહિ’નો ઉપદેશ આપતા હતા. આ કુટીરમાં મીરાંબહેને ખજૂરનું ઝાડ, ઓમની આકૃતિ અને કર્મ પ્રતીક વગેરે માટીમાંથી સુંદર રીતે ઉપસાવ્યાં છે.
પરચુરે શાસ્ત્રીજી રક્તપિત્તના રોગી હતા. તેમને માટે આ આશ્રમમાં એક કુટીર બાંધવામાં આવી હતી. તેમાં તેઓ રહેતા ને બાપુ નિયમિત રીતે એમની સેવા માટે જતા હતા. આજે પણ આ કુટી ‘પરચુરે કુટી’ તરીકે જાણીતી છે. આ ઉપરાંત શાંતિભવન, કલાભવન, રૂસ્તમ ભવન, કબીર ભવન, પ્રાર્થનાભૂમિ, કૂવો વગેરે આજે પણ ત્યાં છે. કલાભવનમાં સર્વ સેવા સંઘ, સેવાગ્રામ આશ્રમ પ્રતિષ્ઠાન વગેરેની કારોબારીની બેઠકો થાય છે. રૂસ્તમ ભવન, અતિથિગૃહ તરીકે ઉપયોગમાં લેવાય છે. આજે પણ પ્રાર્થનાભૂમિમાં સાંજના 6 વાગ્યે અને ઉનાળામાં 5-30 વાગ્યે નિયમિત રીતે પ્રાર્થના થાય છે. સવારની પ્રાર્થના બાપુ કુટીની પડાળીમાં થાય છે. બાપુના જમાનામાં સવારે 4 વાગ્યે ઘંટ વાગતો ને પ્રાર્થના થતી. અત્યારે સવારે 4-30 વાગ્યે ઘંટ વાગે છે ને સવારે 4-30 – 5-00 પ્રાર્થના થાય છે.
બપોરના 2થી 2-30 સમૂહ કાંતણનો કાર્યક્રમ આ આશ્રમમાં થાય છે. કબીર ભવન વણકરીકામ માટે વપરાય છે. શાંતિભવનની જગ્યા પરિષદો કે સંમેલનો માટે વપરાય છે. રૂસ્તમ ભવન સામે ગૌરી ભવનમાં પણ નિવાસની વ્યવસ્થા છે. બાપુના ગયા પછી રસ્તાની સામેની બાજુ ‘ગાંધી ચિત્રપ્રદર્શન’ અને યાત્રીનિવાસ બનાવ્યો છે, જે પ્રજા માટે ખુલ્લાં છે. યાત્રીનિવાસમાં કોઈ પણ રહી શકે છે.
1939માં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયા પછી બાપુએ હિટલરને જે પત્ર લખેલો તે અહીંથી જ લખેલો. તે વખતે ચીન-જાપાન યુદ્ધમાં હતાં. બાપુએ જ્યારે આ આશ્રમ છોડ્યો, ત્યારે 70 વ્યક્તિઓએ આ આશ્રમમાં રહેવાનું સ્વીકારેલું. તેમાં માત્ર ચિમનલાલભાઈ જ આશ્રમના સંચાલક તરીકે ત્યાં રહ્યા હતા.
છેલ્લાં વર્ષોમાં બાપુ હરિજન-સવર્ણ ને આંતરજાતીય લગ્નોમાં જ હાજરી આપતા. આ આશ્રમમાં આવાં અનેક લગ્નોમાં એમણે હાજરી આપેલી. દવાખાનું, ગૌશાળા વગેરે પણ ચાલતાં. આજે પણ ગૌશાળા ચાલે છે. ‘ગૌસેવા સંઘ’ની સ્થાપના બાપુએ અહીં જ કરી હતી. આ આશ્રમમાં ‘આખરી નિવાસ’માં ‘પાગલ દૌડ’નું લખાણ આપણને જોવા મળે છે. સેવાગ્રામ સ્ટેશનથી આશ્રમ લગભગ 6 કિમી. દૂર છે.
દશરથલાલ શાહ