સેવક લક્ષ્મીપ્રસાદ
February, 2008
સેવક, લક્ષ્મીપ્રસાદ (જ. 1919, ડાકોર, ગુજરાત; અ. 31 માર્ચ 1999, અમદાવાદ, ગુજરાત) : ગુજરાતના ચિત્રકાર અને ટૅક્સ્ટાઇલ ડિઝાઇનર. નારાયણદાસ સેવક અને રુક્મિણીબહેનના પુત્ર લક્ષ્મીપ્રસાદે શાલેય શિક્ષણ ડાકોરની સંસ્થાન હાઈસ્કૂલમાં લીધું હતું. એ દરમિયાન તેઓ સહાધ્યાયીઓ સાથે મળીને હસ્તલિખિત પત્રિકા ‘કિરણ’નું સંપાદન કરતા અને તેના જુદા જુદા લેખોને પોતાનાં રેખાંકનોથી વિભૂષિત કરતા. ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ અને ચિત્રકાર કનુ દેસાઈના સંપર્કને પરિણામે પ્રોત્સાહન સાંપડવાથી શાલેય અભ્યાસ પૂરો કરીને સેવક મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા.
લક્ષ્મીપ્રસાદ સેવક
1942માં અંગ્રેજોના શાસન વિરુદ્ધ ચિત્રાંકિત સૂત્રો ધરાવતાં પોસ્ટરો બનાવી મુંબઈનાં જાહેર સ્થળો પર તેમણે ચોંટાડેલાં. મુંબઈમાં ચિત્રકલાનો અભ્યાસ પૂરો કરીને 1949માં સેવક નવસારીની સુપ્રસિદ્ધ મફતલાલ કોટન મિલમાં ટૅક્સ્ટાઇલ ડિઝાઇનર તરીકે જોડાયા. સાથે સાથે તેમણે દક્ષિણ ગુજરાતના ચિત્રકારોનો સંઘ ‘રંગકલા સંઘ’ પણ સ્થાપ્યો. 1945માં સેવકે આલેખેલાં છાયાચિત્રો(silhoutte drawings)નો સંગ્રહ પ્રકાશિત થયો. 1949માં તેમણે તૈયાર કરેલ ટૅક્સ્ટાઇલ ડિઝાઇનોનું વૈયક્તિક પ્રદર્શન વડોદરામાં યોજાયું.
લક્ષ્મીપ્રસાદ સેવકે દોરેલું ચિત્ર : ગોવાલણી
1950માં સેવક અમદાવાદની અંબિકા મિલ્સમાં ટૅક્સ્ટાઇલ ડિઝાઇનર તરીકે જોડાયા; જ્યાં તેઓ 1964 સુધી રહ્યા. 1964થી એ અમદાવાદની જહાંગીર વકીલ મિલમાં ટૅક્સ્ટાઇલ ડિઝાઇનર તરીકે જોડાયા. એ જ વર્ષે એમણે અમદાવાદના ટૅક્સ્ટાઇલ ડિઝાઇનર્સના સંઘ ટૅક્સ્ટાઇલ આર્ટિસ્ટ્સ ગીલ્ડની સ્થાપના કરી. 1965માં શ્રીલંકાના સિલોનીઝ નૅશનલ ટૅક્સ્ટાઇલ કૉર્પોરેશનના કલાનિયામક (art director) તરીકે સેવકની નિમણૂક થઈ, તેથી તેઓ કોલંબો રહેવા ચાલ્યા ગયા. 1967માં સેવકની ટૅક્સ્ટાઇલ ડિઝાઇનોનું કોલંબો ખાતે વૈયક્તિક પ્રદર્શન થયું. 1969માં યુગાન્ડાના ટૅક્સ્ટાઇલ કૉર્પોરેશનના કલાનિયામક તરીકે તેમની નિમણૂક થતાં તેઓ 1969થી 1972 સુધી કંપાલા (યુગાન્ડા) રહ્યા. 1972માં સેવક અમદાવાદ પાછા ફર્યા. 1974માં એમની અનેક ટૅક્સ્ટાઇલ ડિઝાઇનો સમાવતું પુસ્તક ‘વસ્ત્ર-રૂપાંકનકલા’ પ્રકાશિત થયું. સેવકનું મુખ્ય પ્રદાન ટૅક્સ્ટાઇલ ડિઝાઇનોના ક્ષેત્રે રહ્યું છે. એ ક્વચિત જ ચિત્રો આલેખતા. એમાં કનુ દેસાઈનો પ્રભાવ વરતાતો.
અમિતાભ મડિયા