સેવન સમુરાઇ : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1954. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકીરા કુરોસાવા. પટકથા : શિનોબુ હાશિમોટો, હિડિયો ઓગુમી અને અકીરા કુરોસાવા. મુખ્ય કલાકારો : તકાશી શિમુરા, તોશિરો મિફ્યુન, યોશિયો ઇનાબા, સેઇજી મિયાગુચી, મિનોરુ ચિયાકી.

સેવન સુમરાઇ ચલચિત્રનું એક દૃશ્ય

માત્ર જાપાની ભાષામાં ચિત્રો બનાવીને ચિત્રસર્જક તરીકે આંતરરાષ્ટ્રીય ઓળખ પ્રસ્થાપિત કરનારા અકીરા કુરોસાવાનાં જ નહિ, વિશ્વનાં નોંધપાત્ર ચિત્રોમાં આ ચિત્ર(જાપાની શીર્ષક : શિચિમિન નો સમુરાઇ)નો સમાવેશ થાય છે. પ્રાચીન જાપાનમાં સમુરાઇ એક લડાયક કોમ હતી. તેઓ તેમનાં ઉચ્ચ મૂલ્યો અને લડવૈયા તરીકેની વ્યાવસાયિકતા માટે મશહૂર હતા. સમયની સાથે તેમને મળતો રાજ્યાશ્રય બંધ થઈ જતાં આ કોમને પોતાનું અસ્તિત્વ તથા તલવારબાજીની તેમની યુદ્ધકળા ટકાવી રાખવા સંઘર્ષ કરવાનો વારો આવ્યો. ચિત્રમાં કથા જે સમયગાળામાં આકાર લે છે તેમાં સાત સમુરાઇઓની ટોળી કેન્દ્રસ્થાને છે. એક પીઢ સમુરાઇ કામધંધા વિનાનો છે. તેને કેટલાક ગામલોકો મળે છે. તેમના ગામમાં ડાકુઓનો ત્રાસ છે. આ ડાકુઓથી છુટકારો અપાવવા તેઓ તેને વીનવે છે. આ સમુરાઇ બીજા છ સમુરાઇને ભેગા કરે છે. સાતેય સમુરાઇઓ આ પહેલાં એકબીજાને ઓળખતા પણ નહોતા, પણ હવે એક સમાન ઉદ્દેશ માટે થઈને તેઓ એક થાય છે. ડાકુઓના મુકાબલા માટે તેઓ યોજના ઘડે છે. પોતાની જાતનું કઈ રીતે રક્ષણ કરવું એ પણ તેઓ ગામલોકોને શીખવે છે ને ગામલોકોના સહકારથી અંતે જીવસટોસટની લડાઈમાં ગામને ડાકુઓના ત્રાસથી મુક્ત કરે છે. કથાનક દેખીતું સરળ લાગે છે, પણ કુરોસાવાના દરેક ચિત્રમાં બને છે તેમ તેમની રજૂઆત, કૅમેરાનો, પ્રકાશનો અને ધ્વનિનો ઉપયોગ ચલચિત્રને વિશેષ બનાવી દેતો હોય છે. તેમનાં મોટા ભાગનાં ચિત્રોની જેમ આ ચિત્ર પણ કૅમેરાની અને પાત્રોની હિલચાલ તથા સંપાદન માટે ચલચિત્રકળાના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકની ગરજ સારે તે કક્ષાનું છે. આ ચિત્ર પરથી પ્રેરણા લઈને દુનિયાભરની ભાષાઓમાં ચિત્રો બન્યાં છે.

હરસુખ થાનકી