સૅલ્વાડૉર : બ્રાઝિલના પૂર્વ કિનારા પરનું બંદર અને બાહિયા રાજ્યનું વહીવટી મથક. તે આશરે 13° 0´ દ. અક્ષાંશવૃત્ત અને 38° 30´ પ. રેખાંશવૃત્ત પર સમુદ્રસપાટીથી લગભગ 47 મી.ની ઊંચાઈએ આવેલું છે. આ નગરને કેટલીક વાર ‘બાહિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સૅલ્વાડૉરમાં આવેલું ઐતિહાસિક ચર્ચ

આ શહેરની સ્થાપના ઈ. સ. 1549માં થઈ હતી અને ઈ. સ. 1763 સુધી તેણે બ્રાઝિલના પાટનગર તરીકેની કામગીરી સંભાળી હતી. અહીંનાં સરેરાશ વાર્ષિક તાપમાન 25° સે. તથા સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1837 મિમી. જેટલું છે.

સમુદ્રકાંઠાના સીધા ઢોળાવ પર તેનો વસવાટ બે વિભાગોમાં વહેંચાયેલો છે. કાંઠાના નીચા વિભાગમાં મુખ્યત્વે બંદર તથા વ્યાપારી-સંકુલો આવેલાં છે, જ્યારે તેનાથી વધુ ઊંચા વિભાગમાં રહેઠાણો છે. આ ઉપરાંત અહીં વહીવટી અને બજારને લગતી પ્રવૃત્તિઓ કેન્દ્રિત થયેલી છે. આ બંને વિભાગો એકબીજા સાથે લિફ્ટ અને સડકમાર્ગોથી સંકળાયેલા છે. આ નગરમાં જૂના કિલ્લાઓ, દેવળો અને અન્ય ઇમારતોની સાથેસાથે આધુનિક શૈલીની બહુમાળી ઇમારતો પણ નજરે પડે છે. આમ છતાં આ સ્વચ્છ અને શહેરી બાંધકામ-વિસ્તાર ચારે બાજુએ ઝૂંપડપટ્ટીથી ઘેરાયેલો છે.

આજે આ મહાનગર ઝડપથી વિકાસ પામી રહ્યું છે. તેનો ઉચ્ચપ્રદેશવાળો પીઠપ્રદેશ ખુલ્લો હોવાથી તેના વિકાસની પ્રક્રિયા વધુ વેગવંતી બની છે. મુખ્ય વ્યાપારીકેન્દ્ર તરીકેનું તેનું સ્થાન જોતાં આ બંદરેથી મુખ્યત્વે કોકો, કૉફી, તમાકુ, ખાંડ, દિવેલા અને દિવેલ, મીણ, ચામડાં, લાકડાં વગેરેની નિકાસ કરવામાં આવે છે. અહીં મુખ્યત્વે સિગાર અને સિગારેટ, કાપડ, ખાંડ, દારૂ, રસાયણો, સિમેન્ટ તથા બીજા અનેક પ્રકારના ઉદ્યોગોનો વિકાસ થયો છે. નજીકમાં મૅટારિપ (Matarip) ખાતે ખનીજ-તેલશોધન કારખાનું પણ આવેલું છે. આ મહાનગરની વસ્તી આશરે 69,91,000 (2006) જેટલી છે.

બિજલ શં. પરમાર