ક્રાઉન હૉલ, આઈ. આઈ. ટી. : શિકાગો[ઇલિનૉઇસ]માં સ્થપતિ લુદવિક મિઝ વાન ડર રોહે બાંધેલી સ્થાપત્યશાળા. આધુનિક સ્થાપત્યના વિકાસની ર્દષ્ટિએ ક્રાઉન હૉલ નમૂનેદાર ઉદાહરણ ગણાય છે. સ્થાપત્ય માટેની શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસને અનુરૂપ મુક્ત વાતાવરણ માટે આ મકાનનું વિશાળ માળખું ઊભું કરાયેલ, જેમાં જગ્યા અવિભાજિત છે. તેનું આંતરિક આયોજન જરૂર પ્રમાણે બદલી શકાય તેવું છે. આ મકાનનું આખું માળખું લોખંડના આઠ સ્તંભો પર આધારિત છે અને તેની છત લોખંડના ગર્ડર દ્વારા લટકાવાયેલી છે, જેથી અંદરના ભાગમાં ગર્ડર દેખાય નહિ. આ મકાનની દીવાલો કાચની છે. તેનું માળખું સ્તંભો પર જુદું જડવામાં આવેલું છે. આખું મકાન જમીનથી 6 મી. અધ્ધર રખાયું છે અને ભોંયતળિયામાં તાંત્રિક (technological) આયોજનનો વિભાગ રખાયો છે જ્યારે સ્થાપત્ય વિભાગ ઉપરના ભાગમાં મુખ્ય વિભાગ તરીકે રખાયો છે. મિઝ વાન જ્યારે આ સંસ્થાના અધ્યક્ષ હતા ત્યારે તેમની સ્વભાવગત અભિરુચિનો ખ્યાલ તેમના આ પ્રકારના વિભાગોના વિભાજન પરથી આવે છે અને સ્થાપત્યના વિષયના મહત્વનો અભિગમ પણ તેમાંથી જણાઈ આવે છે.
આ વિશાળ ઇમારત લોખંડના ઉપયોગને પણ કલાત્મક સ્તરે પહોંચાડવાના ર્દષ્ટાંત રૂપે આધુનિક સ્થાપત્યની બેનમૂન રચના છે. ઇમારતની ર્દષ્ટિએ પણ એક બૉક્સ ધરતીથી ઉપર અને બાંધકામની ર્દષ્ટિએ પણ બૉક્સ હોવા છતાં ખૂણા પર બિનઆધારિત છે એટલે કે અધ્ધર તરતા ખૂણા સાથેની – જેથી તેના હલકા વજનના બાંધકામનો આભાસ કરાવે છે. આ સ્થાપત્યશૈલી બિનખર્ચાળ અને છતાં અત્યંત પ્રભાવક છે. દરેક રીતે ઔદ્યોગિકતા અને કલાનો સાચો સમન્વય દર્શાવતી સ્થાપત્યની આધુનિકતા તેમાં છે. એ ર્દષ્ટિએ આધુનિક સ્થાપત્યકળાના ઇતિહાસમાં તેનું આગવું સ્થાન છે. ઇમારતના બાંધકામની વિશાળતા જોઈએ તો તેનો વિસ્તાર 37 મી. પહોળો અને 67 મી. લાંબો છે. ખૂણા પર તે 20 મી. અધ્ધર લટકતું રહેલ છે. આખું માળખું જમીનથી 1.5 મી. અધ્ધર છે અને અંદરના ભાગમાં ધ્વનિશોષક છત 1.5 મી.ની ઊંચાઈએ રખાયેલ છે. કાચની દીવાલોનો ઉપરનો ભાગ પારદર્શક છે અને નીચેનો ભાગ દૂધિયા કાચવાળો છે જેના પર ધાતુની પટ્ટીના પડદા છે, તેને કારણે સૂર્યપ્રકાશ એકસરખો પથરાય છે.
રવીન્દ્ર વસાવડા
મન્વિતા બારાડી