ક્રાકાટોઆ : જાવા અને સુમાત્રા વચ્ચેની સુન્દા સામુદ્રધુની નજીક 6° 5′ દ. અ. અને 105° 22′ પૂ. રે. ઉપર 3.2 કિમી. લાંબો અને 6.5 કિમી. પહોળો અને સમુદ્રની સપાટીથી 813 મી. ઊંચો સક્રિય જ્વાળામુખીવાળો ટાપુ. ક્રાકારોઆ ઉપરાંત ફરસેકન અને લૅંગ ટાપુઓ દસ લાખ વરસથી વધુ પ્રાચીન જ્વાળામુખીના અવશેષો છે.

1880-81માં તે ફાટ્યો ત્યારબાદ 1882-83 દરમિયાન આ ટાપુ અનેક મોટા ધરતીકંપોનો ભોગ બન્યો હતો. 1883ના મે માસમાં સક્રિય બન્યા બાદ ઑગસ્ટમાં તેના મુખમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. ત્યારબાદ 26 ઑગસ્ટના દિવસે ભયાનક ધડાકા સાથે જ્વાળામુખી-પર્વતનું શિખર ઊડી ગયું અને 185થી 275 મી. ઊંડું મુખ તેની જગ્યાએ અસ્તિત્વમાં આવ્યું.

આ ધડાકાને કારણે 27 કિમી.ની ઊંચાઈ સુધી ધૂળરાખ વગેરે ઊડ્યાં હતાં અને તેની રજ આઠ લાખ કિમી.ના વિસ્તારમાં ફેલાઈ હતી. આ ધડાકાનો અવાજ 2119 કિમી. દૂર બૅંગકૉક, ફિલિપાઇન્સ, સિલોન, પશ્ચિમ અને દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને રોડરીઝ ટાપુઓ સુધી સંભળાયો હતો. 141 કિમી. દૂર જાકાર્તામાં બારીઓના કાચ ફૂટી ગયા હતા. વરાળ અને રાખને કારણે અંધકાર છવાઈ ગયો હતો અને લંડન સુધી સૂર્યાસ્ત વેળા આકાશમાં રંગબેરંગી આભા જોવા મળી હતી. જ્વાળામુખી ફાટવાથી 15.24 સેમી. ઊંચાં મોજાં ઉત્પન્ન થયાં હતાં અને તેના કારણે આવેલા ત્સુનામથી જાવા-સુમાત્રાના કાંઠા ઉપરનાં 300 ગામો સાફ થઈ ગયાં હતાં અને 36,000 માણસો મરણ પામ્યા હતા. 44 વરસ સુધી શાંતિ રહ્યા બાદ 26-7-1928ના રોજ ત્રણ ટાપુઓ વચ્ચે સમુદ્રમાં ભૂમિ ઊપસી આવી હતી અને આ નવા બેટ(ઊંચાઈ 816 મીટર)ને અનાક ક્રાકારોઆ (ક્રકતાવનું બાળક) નામ અપાયું હતું.

જ્વાળામુખીના મુખમાં પાણી ભરાવાથી સરોવર બની ગયું છે અને કેટલુંક પાણી ધરતીના પેટાળમાં જતાં અવારનવાર ધૂંધવાટ જોવા મળે છે.

શિવપ્રસાદ રાજગોર