ક્યૂબા : મેક્સિકોના અખાત અને કૅરિબિયન (ઍન્ટિલીઝ) સમુદ્રની મધ્યમાં આવેલો વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓમાં સૌથી મોટો ટાપુ. તે 40° અને 38′ ઉ. અ. અને 73° અને 32′ પ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની લંબાઈ 1200 કિમી. અને પહોળાઈ 30થી 200 કિમી. છે. ક્ષેત્રફળ 1,10,860 ચોકિમી. તેના કુલ પંદર પ્રાંતો છે. દક્ષિણ અમેરિકામાં 21 રાજ્યોમાંના એક રાજ્ય તરીકે હોવા છતાં તે સૌથી જુદું તરી આવે છે કારણ કે તે સ્વતંત્ર અને ડાબેરી વિચારસરણીને વરેલું છે.

સીમા : તેની પૂર્વે અને ઉત્તરે આટલાન્ટિક, દક્ષિણે કૅરિબિયન સમુદ્ર, પશ્ચિમે મેક્સિકોનો અખાત અને વાયવ્યે ફ્લૉરિડા છે. હૈતીનો ટાપુ પૂર્વ તરફ 41 કિમી. દૂર છે, જ્યારે જમૈકા ટાપુ તેની દક્ષિણે છે. ક્યૂબા કૅરિબિયનનું મોતી કહેવાય છે. ખાંડની સૌથી વધુ નિકાસ કરતું હોવાથી તેને ‘ખાંડનું પાત્ર’ (sugar bowl) નામ અપાયેલું છે.

ભૂરચના : ક્યૂબાના ટાપુનો 75 ટકા વિસ્તાર સપાટ છે, જ્યારે 25% ઉચ્ચ પ્રદેશ અને ડુંગરાળ છે. હવાનાની પશ્ચિમે આવેલ સિએરા ડેલ ઑરગેનોસ પર્વતમાળા 150થી 750 મી. ઊંચી છે.

ક્યૂબા

ટેકરીઓની તળેટીમાં આવેલી ખીણો સુંદર અને ફળદ્રૂપ છે. ક્યૂબાના મધ્યભાગમાં સિયેરા ટ્રિનિડાડનો પર્વત છે. તેનું પીકી સાન જુઆન શિખર 1160 મી. ઊંચું છે. ખીણની ઉત્તરે ચાર પર્વતો છે જેનાં શિખરો 1230 મી. ઊંચાં છે. ગુઆન્ટોનામો ખીણની દક્ષિણે સિયેરા મેસ્ટ્રો પર્વતનું 1974 મી. ઊંચું પીકો ટુસ્કવીના શિખર સર્વોચ્ચ છે, યુમુરી નદીની ખીણ તેના નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતી છે. ક્યૂબાની સૌથી લાંબી નદી કૌટા 240 કિમી. લાંબી છે. ક્યાંક લાલ જમીન પણ જોવા મળે છે. તેનો સમુદ્રકિનારો તૂટક છે અને ટાપુઓ, ઉપસાગરો તથા બાધક ખડકો(reef)ને કારણે 4000 કિમી. લાંબો છે.

આબોહવા : ક્યૂબા કર્કવૃત્તથી દક્ષિણે હોવાથી તેની આબોહવા ઉષ્ણ કટિબંધ જેવી છે. ચારે બાજુ સમુદ્ર તથા ઈશાની ભેજવાળા વ્યાપારી પવનો વાતા હોવાથી હવા ઉનાળામાં પણ આહલાદક હોય છે. હવાનાનું સરેરાશ વાર્ષિક તાપમાન 25° સે. છે. જાન્યુઆરીમાં 22° સે. અને ઑગસ્ટ માસમાં તાપમાન 28° સે. રહે છે. તાપમાનમાં બહુ થોડો તફાવત રહે છે. જૂન અને નવેમ્બરમાં ક્યારેક વાવાઝોડું ‘હરિકેન’ ક્યૂબામાં વિનાશ વેરે છે. અહીંયાં સરેરાશ વાર્ષિક વરસાદ 1375 મિમી. જેટલો પડે છે.

વનસ્પતિ : ઉષ્ણ કટિબંધની આબોહવા અને ફળદ્રૂપ જમીનને કારણે અહીં 3000 પ્રકારનાં ફળ-ફૂલ મળે છે. પર્વતોના ઢોળાવ ઉપર મેહૉગની, લિગ્નમ વાઇટી, સીડર, લૉગવૂડ અને કાપોકનાં વૃક્ષો તથા સમુદ્ર નજીક તાડની હારમાળા જોવા મળે છે.

પ્રાણીઓ : ક્યૂબામાં 200 જાતનાં પક્ષીઓ અને જીવજંતુઓ છે. વૃક્ષો ઉપર રહેતા ઉંદરો, ચામાચીડિયાં, દરિયાઈ ગાય (mahatee), જંતુભક્ષી કેપ્રોમિસ, બે પ્રકારના મગરો, બિન-ઝેરી સાપો, ઇગ્વાના, વિવિધ ગરોળીઓ, હરણો વગેરે જોવા મળે છે. પર્વતોની ગુફાઓનાં ખાબોચિયાંમાં આંધળી માછલીઓ તથા જિંગા (shrimps) હોય છે. પાળેલાં પ્રાણીઓમાં ગાય, બળદ, ઘોડા, ભુંડ અને બકરાં છે.

ખનિજ : દુનિયાની સૌથી મોટી નિકલની ખાણ ક્યૂબામાં છે અને તે દુનિયાનો 10 ટકા અનામત જથ્થો તથા તેના ઉત્પાદનમાં તે પાંચમો ક્રમ ધરાવે છે. આ ઉપરાંત કોબાલ્ટ, તાંબું, મૅંગેનીઝ, લોખંડ, ક્રોમ અને ચૂનાના પથ્થરો મોટા પ્રમાણમાં તેમજ કુદરતી વાયુ અને તેલ થોડા પ્રમાણમાં મળે છે.

કુલ જમીન પૈકી 28% જમીનમાં ખેતી થાય છે અને તેના 50 % વિસ્તારમાં શેરડીનું વાવેતર થાય છે. આ ઉપરાંત કૉફી, કસાવા કંદ, કઠોળ, ટમેટાં, બટાકા વગેરે શાકભાજી, કેળાં, કેરી, અનનાસ, પપૈયાં વગેરે ફળો અને લીંબુ તથા અન્ય ખાટાં ફળો થાય છે. અનાજનું ઉત્પાદન પૂરતું ન હોવાથી તેની આયાત થાય છે. શેરડી અને તે ઉપર આધારિત ખાંડ, દારૂ વગેરે બનાવવાનો મુખ્ય ઉદ્યોગ છે. ખાંડના ઉત્પાદનમાં બ્રાઝિલ પછી તેનો ક્રમ છે. રશિયાની સહાયથી લોખંડ અને પોલાદ, રસાયણ, ખાતર, સિમેન્ટ અને ઇજનેરી ઉદ્યોગો વિકસ્યા છે. આ ઉપરાંત કાપડ, ખાદ્ય વસ્તુઓ, પીણાં, સાબુ, સિગાર અને સિગારેટ વગેરે પરંપરાગત વપરાશી ચીજવસ્તુઓના ઉદ્યોગો પણ ઝડપથી ખીલ્યા છે. 34% લોકો ખેતીમાં અને 17% લોકો ખાણ અને અન્ય ઉદ્યોગોમાં રોકાયેલા છે. 24% જમીનનો ઉપયોગ ઢોર, ભુંડ, મરઘાં વગેરે ઉછેરમાં થાય છે. પૂર્વ અને મધ્ય ક્યૂબાના સાવેના પ્રદેશમાં 1980માં 50 લાખ ઢોર હતાં. આમ ખેતી, પશુપાલન, મત્સ્ય તથા અન્ય ઉદ્યોગોમાં ઘણા લોકો રોકાયેલા છે. ઔદ્યોગિક ક્ષેત્રે ક્યૂબાનું સ્થાન લૅટિન અમેરિકાના દેશોમાં પાંચમું છે.

પરિવહન : અહીં પાકા રસ્તાઓની લંબાઈ આશરે 67,000 કિમી. જેટલી છે. રેલમાર્ગની લંબાઈ 4807 કિમી. છે. હવાના (આંતરરાષ્ટ્રીય), હૉલગીન અને બયાનોમાં વિમાની મથકો છે. સમુદ્રકિનારે ઘણાં સારાં બંદરો છે. તે પૈકી હવાના અને સાન્ટિયાગો મુખ્ય છે.

ઊર્જા : 1997થી વીજળીનું ઉત્પાદન થાય છે. મુખ્યત્વે તેલનો ઉપયોગ કરી થર્મલ વીજળી ઉત્પન્ન કરાય છે. રશિયાના સહકારથી અણુશક્તિથી વીજળી ઉત્પન્ન કરવાની શરૂઆત થઈ છે.

વેપાર અને ધંધા : યુ.એસ. સાથેના ઠંડા યુદ્ધને કારણે યુ.એસ. તથા ઉત્તર અમેરિકાના અન્ય દેશો સાથેનો ક્યૂબાનો વેપાર નહિવત્ છે. અગાઉ તેનો વેપાર મુખ્યત્વે યુ.એસ. સાથે હતો. ક્યૂબામાં સામ્યવાદી શાસનની સ્થાપના બાદ રશિયા અને પૂર્વ યુરોપના દેશો તથા જાપાન, સ્પેન સાથે તેનો વેપાર છે. ઉદ્યોગ માટેની કાચી વસ્તુઓ, અનાજ, ખાતર, યંત્રો, પેટ્રોલિયમ પેદાશો, રસાયણો, દવા વગેરે મિત્ર દેશોમાંથી આયાત થાય છે; જ્યારે ખાંડની નિકાસ રશિયા અને પૂર્વ યુરોપના દેશોમાં થાય છે. ખાંડના બદલામાં પેટ્રોલિયમ-પેદાશો રશિયાથી આયાત થાય છે. સિગાર, સિગારેટ, નિકલ, ફળો, માછલી વગેરેની પણ નિકાસ થાય છે. 75% વેપાર રશિયા અને મિત્ર દેશો સાથે છે. આંતરિક વેપારમાં રાજ્યનો ઇજારો છે.

લોકો : વસ્તી 1.14 કરોડ (2023) જેટલી હતી. 50%થી વધુ વસ્તી મ્યુલાટો એટલે કે યુરોપિયન-આફ્રિકન મિશ્ર જાતિની છે. 37% લોકો શ્વેત છે, જે પૈકી મોટાભાગના સ્પૅનિયાર્ડ છે. 11% લોકો અશ્વેત છે અને બાકીના મેસ્ટીઝો (અમેરિકન ઇન્ડિયન તથા યુરોપિયન મિશ્રવંશ) છે. એક ટકો એશિયન છે.

6-14 વર્ષની વયનાં બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણ અપાય છે. 97 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. વિજ્ઞાન અને ધંધાદારી શિક્ષણ તરફ વધારે ઝોક છે. શિક્ષણ સાથે શ્રમને સ્થાન અપાયું છે. હવાના (1928), સાન્ટિયાગો (1947), સાન્ટાક્લૅરા (1948) અને કામાગુયે (1974) યુનિવર્સિટીઓ છે. લોકોની મુખ્ય ભાષા સ્પૅનિશ છે.

સંસ્કૃતિ : ક્યૂબાની રાષ્ટ્રીય રંગભૂમિએ ઘણાં નાટકો અને નાટ્યકારો આપ્યાં છે. સ્પૅનિશ અને આફ્રિકન સંગીતની વ્યાપક અસર છે. 1959માં સ્થપાયેલ નૅશનલ સિમ્ફની ઑરકેસ્ટ્રા અને ધ બૅલે નૅશનલ દ ક્યૂબા સંસ્થાઓ હવાનામાં છે. બૅલરિના અલિસિયા અલોન્ઝો જગવિખ્યાત છે. ક્યૂબાના સમૃદ્ધ વારસામાં કવિઓ, લેખકો અને ચિત્રકારોનો મહત્વનો ફાળો છે. ઓગણીસમી અને વીસમી સદીના પ્રખ્યાત કવિઓમાં જોસ મારીઆ દ હેરેડિયા, જોસ માર્તી અને નિકોલસ ગુલીલેનનો સમાવેશ થાય છે. બીજા આધુનિક લેખકોમાં નવલકથાકાર અલેજો કાર્પેન્ટિયર અને હરનાન્ડેઝ કેટાજુસાન છે. જોસ ગોમેઝ સિક્રે જાણીતા શિલ્પી છે. હવાનાના પૅલેસ ઑવ્ ફાઇન આર્ટ્સમાં રાષ્ટ્રીય સંગ્રહસ્થાન છે; જ્યાં વિલફ્રેડો લામ, કુન્ડો બરા-યુડેઝ અને અન્ય ક્યૂબન ચિત્રકારોનાં ચિત્રો પ્રદર્શિત કરાયાં છે. અહીં પ્રાચીન અને આધુનિક કલાનાં ચિત્રોનો સુંદર સંગ્રહ

હવાના ટાપુનું ર્દશ્ય (ક્યૂબા)

છે. અમુક દેવળો, પ્રમુખનો મહેલ વગેરેમાં પણ ચિત્રસંગ્રહો છે. વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે પણ ક્યૂબાના વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોનો ગણનાપાત્ર ફાળો છે. આઝાદી માટેની લડત અને 1959ની ક્રાન્તિએ સાહિત્યના દરેક સ્વરૂપ ઉપર વ્યાપક અસર કરી છે.

ઇતિહાસ : ક્રિસ્ટોફર કોલંબસે 1492માં આ ટાપુની શોધ કરી હતી પણ પ્રથમ કાયમી વસાહત 1511માં સ્થપાઈ હતી. કોર્ટીઝે ક્યૂબાને મથક રાખીને મેક્સિકો તથા મધ્ય અને દક્ષિણ અમેરિકાનાં રાજ્યોમાં પગપેસારો કર્યો હતો. સત્તરમી સદી દરમિયાન સ્પેન, ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચે નવા પ્રદેશો કબજે કરવાની હરીફાઈને કારણે ક્યૂબાને ઘણું સહન કરવું પડ્યું હતું. આ કારણે આફ્રિકામાંથી ગુલામો લાવવાની જરૂર પડી હતી. અઢારમી અને ઓગણીસમી સદી દરમિયાન શેરડીના વાવેતર અને ખાંડ-ઉદ્યોગના વિકાસને કારણે લોકોની સમૃદ્ધિમાં વધારો થયો. ખેતીમાં યંત્રોનો મહત્તમ ઉપયોગ કરાતો હતો. 1865માં ગુલામોના વેપાર ઉપર પ્રતિબંધ મુકાયો તેથી ચીની તથા મેક્સિકન ઇન્ડિયનોની મજૂરો તરીકે ભરતી કરાઈ હતી. 1886માં ક્યૂબામાંથી ગુલામી પ્રથા રદ કરાઈ. ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં યુનાઇટેડ સ્ટેટ્સની બહુરાષ્ટ્રીય કંપનીઓનું સ્પેનના ભોગે વર્ચસ્ વધ્યું. ભારે કરવેરા અને સ્વશાસનના અભાવે ત્રાસેલા લોકોએ બળવો કરી 1868-78 દરમિયાન લડત આપી પણ નિર્ણાયક પરિણામ આવ્યું ન હતું. 1895માં ક્યૂબાવાસીઓએ ફરી બળવો કર્યો. તેને કચડી નાખવા સ્પેને બે લાખની ફોજ ઉતારી. 1898માં ‘મેઇન’ નામના જહાજમાં ભેદી ધડાકો થતાં યુ.એસ. તથા સ્પેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું અને સ્પેનનું સ્થાન યુ.એસે. લીધું. 1901માં પરદેશો સાથેના સંબંધો અને આંતરિક બાબતોમાં માથું મારવાનો યુનાઇટેડ સ્ટેટ્સને હક મળ્યો. યુ.એસ.ના કબજા બાદ (1899) શાળાઓ, રસ્તા અને પુલોની સંખ્યા વધી. આબાદીની સાથે શોષણ પણ વધ્યું. ટૉમસ એસ્ટ્રાડા પાલ્મા સ્વતંત્ર ક્યૂબાનો પ્રથમ પ્રમુખ હતો. 1909માં તેના સ્થાને ઉદારમતવાદી મિગ્યુએલ ગોમેઝ પ્રમુખ થયા. ગોમેઝ અને તેના અનુગામી પ્રમુખો જુલમી હતા. લાંચરુશવત, સામાજિક અન્યાય અને નાણાંની ગોલમાલ વધ્યાં. અમેરિકન મૂડીનું ખાંડના ઉદ્યોગોમાં વધુ રોકાણ થવાથી તથા પ્રવાસ-ઉદ્યોગ વિકસવાથી સમૃદ્ધિનો લાભ મોટા જમીનદારો, પરદેશી કંપનીઓ, રાજકારણીઓ અને તેમનાં સગાં અને ઉચ્ચ સરકારી નોકરોને મળ્યો. સામાન્ય લોકો અસંતુષ્ટ હતા. અમેરિકન કંપનીઓનું ખાણ, બૅંકિંગ, પ્લૅન્ટેશન તથા ખાંડ વગેરે વ્યવસાયોમાં ખૂબ જ વર્ચસ્ હતું. લોકોનું શોષણ થતું હતું. 1958 પછી ફિડેલ કાસ્ટ્રોએ ગેરીલા યુદ્ધ જાહેર કરી લાંબા કાળથી સત્તાધીશ રહેલા સરમુખત્યાર ફુલગેન્સીઓ બાપ્ટિસ્ટાના આપખુદ શાસનનો જાન્યુઆરી 1959માં અંત આણ્યો અને સત્તા હાથ ધરી. મૂડીવાદને દેશવટો આપી ખાંડ-ઉદ્યોગ, બૅંકિંગ વગેરે પરદેશી સાહસોનું રાષ્ટ્રીયકરણ કરી ખેતીવાડી અને ઉદ્યોગોનાં ક્ષેત્રોમાં રશિયાના પગલે ચાલી સુધારા દાખલ કર્યા. ખાંડ-ઉદ્યોગના રાષ્ટ્રીયકરણને કારણે છંછેડાયેલા અમેરિકાએ યુ.એસ.માં ખાંડની આયાત કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો. વળતા પગલા તરીકે ક્યૂબામાંની યુ.એસ.ની મિલકત તથા રોકાણ તેણે જપ્ત કર્યાં. વિશાળ જમીન ધરાવતા જમીનદારોની જમીન જપ્ત કરી નાના ખેડૂતોની સહકારી મંડળીઓને તે વહેંચી આપી. ખાંડ સિવાયના અન્ય ઉદ્યોગો વિકસાવવા તેણે રશિયાની સહાય લીધી અને ભારે ઉદ્યોગો સ્થાપ્યા. ઔદ્યોગિક વિકાસ માટે ક્યૂબાએ સોવિયેત સંઘની મદદ લીધી. તેની નીતિઓમાં સોવિયેત સંઘ તરફી ઝુકાવ સ્પષ્ટ હતો. 1961માં દેશનિકાલ પામેલા અને અમેરિકા પ્રેરિત ક્યૂબાવાસીઓએ ક્યૂબા પર ચડાઈ કરી. જેમને મારી હઠાવવામાં આવ્યા. આ સમયે અમેરિકાના પ્રમુખ જ્હૉન કેનેડી હતા. ક્યૂબા-અમેરિકા સંબંધો વણસ્યા અને 1967ને અંતે ક્યૂબા સામ્યવાદી દેશ ઘોષિત થયો.

1962માં રશિયાએ ક્યૂબામાં અણુ-પ્રક્ષેપાસ્ત્રો માટે મથકો સ્થાપવા પ્રયત્ન કરતાં યુ.એસ.ના નૌકાસૈન્યે ક્યૂબાની નાકાબંધી કરી. બંને મહાસત્તાઓ વચ્ચે યુદ્ધની શક્યતાના સંદર્ભમાં બંનેએ સમાધાન સાધી ટકરાવને ટાળ્યો. ક્યૂબાની મિસાઈલ-કટોકટી તરીકે જાણીતી આ ઘટના નોંધપાત્ર મહત્વ ધરાવતી હતી.

ક્રાન્તિના વાહક તરીકે ક્યૂબાએ 1960-70 દરમિયાન અગોલા તથા ઈથિયોપિયામાં તેના સૈનિકો મોકલ્યા હતા. નિકારાગુઆ તથા મધ્ય અમેરિકાનાં ‘બનાના’ રાજ્યોની ડાબેરી ચળવળને શસ્ત્રોની સહાય આપવામાં ક્યૂબાએ ફાળો આપ્યો. રશિયાની મદદ લેવા છતાં તેની પરદેશનીતિ તટસ્થ છે તે માટે ક્યૂબા ‘નામ’ (Non-alignment Movement) ચળવળના મુખ્ય મથક તરીકે કાર્યશીલ હતું. મજબૂત પ્રમુખ કાસ્ટ્રોએ લૅટિન અમેરિકાના અન્ય દેશોમાં ક્રાંતિની નિકાસ કરવાના પ્રયાસો કર્યા અને રાજદ્વારી અલિપ્તતા (diplomatic alienation) વહોરી લીધી. બીજી બાજુ વિકસતા દેશોનું નેતૃત્વ કરવાના તેમજ અન્યત્ર ક્રાંતિકારી આંદોલનોને સમર્થન પૂરું પાડવાના પ્રયત્નો પણ ચાલુ રહ્યા. 1965 અને 1973માં 2,50,000 ક્યૂબાવાસીઓએ ઐચ્છિક દેશનિકાલનો માર્ગ પસંદ કર્યો.

1980માં કાસ્ટ્રોએ પરદેશમાંના વસવાટ(emigration)ને કાયદેસરતા પૂરી પાડતાં ફરી અનેકોએ દેશ છોડ્યો; પરંતુ ક્યૂબા આંતરિક રીતે કાસ્ટ્રોના નેતૃત્વ હેઠળ પરિપક્વ અને મજબૂત બની રહ્યું હતું. 1998માં પોપ જ્હૉન પોલ બીજા ક્યૂબાની મુલાકાત લેનાર પ્રથમ ધાર્મિક વડા હતા. આ અરસામાં યુનોએ અમેરિકાના પ્રતિબંધોનો અંત લાવવાની ભલામણ કરી.

દરમિયાનમાં સોવિયેત સંઘનું પણ વિઘટન થયું હતું. 2002માં ક્યૂબાએ છેલ્લું સોવિયેત થાણું બંધ કર્યું. અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટરે ક્યૂબાની ઐતિહાસિક મુલાકાત લીધી ત્યારે આ સામ્યવાદી પ્રજાસત્તાક પરના 40 વર્ષ જૂના પ્રતિબંધો હઠાવવા પ્રયાસ થયા. જો કે અમેરિકા-ક્યૂબા વચ્ચેના સંબંધો સામાન્ય કે પૂર્વવત્ બની શક્યા નહિ. ફિડેલ કાસ્ટ્રોનું નેતૃત્વ અમેરિકાને ખૂંચતું રહ્યું છે. અમેરિકા ક્યૂબામાં દરમિયાનગીરી ન કરી શકે તે માટે કાસ્ટ્રો અતિસાવધ છે. તેમની હત્યા માટેના કાવતરાં છતાં કાસ્ટ્રોને મારી શકાયા નથી. જોકે ક્યૂબાનો આ નાનકડો દેશ મજબૂત અને ખુમારીભેર અમેરિકાના પૂર્વગ્રહો સામે ઝૂઝતો રહ્યો છે.

2006માં ‘નામ’ના સભ્ય દેશોની પરિષદ તેની રાજધાની હવાના ખાતે યોજાઈ. આ સમયે આકસ્મિક રીતે પ્રમુખ ફિડેલ કાસ્ટ્રોની નાદુરસ્ત તબિયત છતાં કાર્યક્રમ ચાલુ રહ્યો. તેમની આ ગંભીર બીમારીના પગલે તેમના નાના ભાઈને દેશના કાર્યકારી વડાનું સ્થાન સુપરત કરવામાં આવ્યું હતું. સતત પિસ્તાળીસ વર્ષ સત્તાનાં સૂત્રો હાથ ધરનાર ફિડેલ કાસ્ટ્રો વિરલ પ્રમુખ છે.

શિવપ્રસાદ રાજગોર