ક્યૂપ્રોનિકલ : તાંબું તથા નિકલની મિશ્ર ધાતુઓનો અગત્યનો સમૂહ. તાંબામાં 2 %થી 45 % સુધી નિકલ ઉમેરીને શ્રેણીબદ્ધ મિશ્રધાતુઓ મેળવવામાં આવે છે જે ઊંચા તાપમાને ઉપચયન સામે પ્રતિકાર કરી શકે છે. તાંબાને મુકાબલે તે વધુ મજબૂત હોય છે.

25 % નિકલ ધરાવતી મિશ્રધાતુ સિક્કા બનાવવા માટે ઘણા દેશોમાં વપરાય છે. સૌપ્રથમ બેલ્જિયમમાં 1860માં અને ત્યારબાદ બ્રિટિશ સિક્કામાં 1947થી ચાંદીને બદલે તેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં કરવામાં આવ્યો. યુ.એસ.માં પાંચ સેન્ટના ‘નિકલ’ નામના સિક્કામાં 75 : 25 અને સેન્ટના સિક્કામાં 88 : 12નું ક્યૂપ્રોનિકલ હોય છે. 1965 બાદ 10 તથા 25 સેન્ટના સિક્કામાં બાહ્ય આવરણ તરીકે ક્યૂપ્રોનિકલ વપરાય છે.

30 % નિકલ ધરાવતી ક્યૂપ્રોનિકલ બાષ્પશક્તિ-સંયંત્ર(steam- power-plant)માં શીતક નળીઓ બનાવવા માટે વપરાય છે. ઠંડી કે ગરમ સ્થિતિમાં ક્યૂપ્રોનિકલ સહેલાઈથી વાપરી શકાય તેમ હોઈ તેના ઘણા ઉપયોગ થાય છે; દાખલા તરીકે, મોટરકારના બહારના ભાગો (exposed auto-parts) માટે 20 % નિકલવાળું ક્યૂપ્રોનિકલ વપરાય છે.

ક્યૂપ્રોનિકલનો વિદ્યુત-પ્રતિરોધ (electrical resistance) ઘણો ઊંચો છે. 55 % તાંબું તથા 45 % નિકલવાળું ક્યૂપ્રોનિકલ કૉન્સ્ટન્ટાન નામે ઓળખાય છે, જે તાપવૈદ્યુત્ યુગ્મ (thermocouple), ધારા-નિયંત્રક (rheostat) તથા પ્રતિરોધક (resisters) બનાવવામાં વપરાય છે.

જ. પો. ત્રિવેદી