સૂચિવેધ (accupuncture)
January, 2008
સૂચિવેધ (accupuncture) : પીડાશમન માટે કે તંદુરસ્તીના પુન:સ્થાપન માટે પાતળા તંતુ જેવી (તંતુરૂપી, filiform) સોય શરીરના ચોક્કસ બિંદુઓ પર નાંખીને સારવાર કરવી તે. તેના મૂળ નામ ઝ્હીન જીઅ(zh n jiu)નો શબ્દાર્થ છે સૂચિ (સોય, needle) – ઉષ્મક્ષોભન (moxibustion). ચામડી પર રક્ષક મલમ લગાવીને તેના પર રૂના પૂમડા (moxa) જેવા જ્વલનશીલ પદાર્થને સળગાવીને કરાતા જે તે સ્થળના ચચરાટ કે પ્રતિસંક્ષોભન(counter-irritation)ને ઉષ્મક્ષોભન કહે છે. સોય વડે જે બિંદુઓ પર વેધ કરવામાં આવે છે તે બિંદુઓને સૂચિવેધબિંદુઓ (accupuncture points) કહે છે. વિશ્વ આરોગ્યસંસ્થા(world health organisation – WHO)એ તે બિંદુઓની વ્યાખ્યા આપી છે અને તેનું લાક્ષણિકતાકરણ (characterization) કર્યું છે. સૂચિવેધની સારવારપદ્ધતિ ચીનમાં વિકસી એવું મનાય છે અને તેને પરંપરાગત ચીની ચિકિત્સાવિદ્યા (traditional Chinese medicine – TCM) સાથે સાંકળી લેવાય છે. હાલ વિશ્વમાં જાપાની, કોરિયન અને ચીની – એમ સૂચિવેધની 3 પ્રકારની પ્રક્રિયાઓ શીખવવામાં આવી રહી છે.
ઇતિહાસ : ચીનમાં તેનો પ્રયોગ ઈ. પૂ. પહેલી સહસ્રાબ્દી(millennium)માં થતો હતો. પુરાતનવિદ્યાના આધારો પ્રમાણે હેન રાજવંશ(ઈ. પૂ. 202થી ઈ. સ. 220)માં આ વિદ્યા વપરાશમાં હતી. કોરિયાની તબીબી વિદ્યામાં તે ચીમસૂલ (chimsul) નામે જાણીતી હતી. જાપાનમાં પણ તે પ્રચલિત હતી. આલ્પ્સમાં મળેલા 5000 વર્ષ જૂના શુષ્ક શવ (mummy) પરનાં કેટલાંક (50) છૂંદણાં સૂચિવેધ-બિંદુઓ દર્શાવે છે એવું મનાય છે. પ્રારંભિક કાંસ્યયુગમાં યુરેશિયામાં પણ આવા પ્રકારની ચિકિત્સાપદ્ધતિ પ્રચલિત હોવાની સાબિતી મળેલી છે; તેથી ડૉર્ફરના ‘લેન્સેટ’ નામના પ્રતિષ્ઠિત તબીબી જર્નલમાં પ્રસિદ્ધ થયેલા લેખમાં એક એવી વિભાવના મૂકવામાં આવી છે કે ચીની પદ્ધતિ કરતાં આશરે 2000 વર્ષ પહેલાં મધ્યયુરોપમાં તે પ્રચલિત હતી. ચીની સાહિત્યમાં તેનો સૌપ્રથમ ઉલ્લેખ ઈ. પૂ. 305-204માં થયેલો જોવા મળે છે. સામ્યવાદી ચીને શરૂઆતમાં તેને અવૈજ્ઞાનિક પદ્ધતિ ગણીને વિરોધ કર્યો હતો, પણ ત્યાંની સાંસ્કૃતિક ક્રાંતિ પછી તેને વિશ્વવિદ્યાલયી શિક્ષણમાં સમાવિષ્ટ કરાઈ હતી. અમેરિકામાં તેને કૌટુંબિક વારસાથી કે પ્રશિક્ષક-પ્રશિષ્ય (master-apprentice) પદ્ધતિ દ્વારા પ્રવેશ મળ્યો હતો. વિયેતનામ યુદ્ધસમયે ડૉ. વાન ન્ઘી(Van Nghi)એ તેને આધુનિક સ્વરૂપ આપવામાં પહેલ કરી હતી.
વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોએ સાબિત કર્યું છે કે તે ઊબકા અને લાંબા સમયના પીઠના દુખાવામાં રાહત આપે છે. મધ્યમ કક્ષાના આધારો (evidences) પ્રમાણે તે ડોક અને માથાના દુખાવામાં પણ રાહત આપે છે એવું દર્શાવાયું છે. સૂચિવેધ અંગેની સમજ અંગ્રેજી ભાષામાં કરાયેલા તરજુમાઓ પર આધારિત હોવાથી અન્ય સાબિતીઓ અંગેની માહિતી અપૂરતી રહે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા તથા અમેરિકાની વિવિધ રાષ્ટ્રીય સંસ્થાઓ (પૂરક કે વૈકલ્પિક ચિકિત્સા માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર – National Centre for Complementary and Alternative Medicine, રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાન – National Institute of Health તથા અમેરિકી તબીબી સંઘ – American Medical Association) તથા અમેરિકી સરકારના અહેવાલોના અભ્યાસપૂર્ણ મતે તે પૂર્ણ પ્રશિક્ષિત વ્યાવસાયિક વ્યક્તિના દ્વારા અમલમાં મુકાય ત્યારે સુરક્ષિત છે અને તેને અંગે વધુ અભ્યાસ કરવો જરૂરી છે. પરંપરાગત ચીની પદ્ધતિમાંનાં સૂચિવેધબિંદુઓ અને સૂચિવેધરેખાઓ(meridians)નો દેહરચનાવિદ્યા (anatomy) કે સૂક્ષ્મપેશીરચનાવિદ્યા (histology) સાથે સુમેળ સાધી શકાય તેમ નથી તે તેની સામેની મુખ્ય શંકા છે. સૂચિવેધવિદો (acupuncturists) તેમને શરીર રચનાના સંબંધે નહિ પણ તેમની ક્રિયાશીલતાના સંદર્ભે મૂલવે છે. ચેતાચિત્રણીય સંશોધન (neuro-imaging research) કે જેમાં ચેતાઓ(nerves)ની ક્રિયાશીલતા અંગેનાં ચિત્રણો મેળવીને અભ્યાસ કરાય છે, તેમાં દર્શાવાયું છે કે સૂચિવેધબિંદુઓ કોઈ દેહરચનાલક્ષી બિંદુઓ નથી, પરંતુ તેઓ કાર્યોને કે ક્રિયાશીલતાને અસર પહોંચાડે છે.
સૂચિવેધ (accupuncture) : (1) સૂચિવેધરેખાઓ પરનાં સૂચિવેધબિંદુઓ; (2) સૂચિવેધની પ્રક્રિયા; (3) માથાનો દુખાવો મટાડવા કરાતી સારવાર; (4) અને (6) પગ અને ખભાની પીડાનો ઉપચાર; (5) સોયને હાથમાં પકડાવવાવાળો ભાગ.
પરંપરાગત વિચારસૂત્રો અથવા પરિજ્ઞાસૂત્રો (traditional theory) : ચીની ચિકિત્સાવિદ્યા હાલની વૈજ્ઞાનિક જીવચિકિત્સાવિદ્યા(bio-medicine)થી અલગ પ્રકારની વૈચારિક ભાત (pattern) અથવા વિધાનગૂંથણી (paradigm) ધરાવે છે. તેથી તેનો સૈદ્ધાંતિક વિચાર અલગ રીતે સમજવો જરૂરી છે.
ચીની મત પ્રમાણે સૂચિવેધની સારવારમાં આખા શરીરની સારવાર કરાય છે. તેના મતે શરીરમાં વિવિધ કાર્યપ્રણાલીઓ (systems of function) છે, જેમનો શારીરિક અવયવો સાથેનો સંબંધ એક-પ્રતિ-એક (one-to-one) જેવો નિશ્ચિત અને સુસ્પષ્ટ નથી. કેટલીક કાર્યપ્રણાલીઓને કોઈ ચોક્કસ અવયવ હોતો જ નથી; જેમ કે, ‘જ્ઞાન જીઆઓ’ અથવા ત્રિજ્વલક (triple burner). ચીની ચિકિત્સાવિદ્યાના મતે વિવિધ કાર્યપ્રણાલીઓ વચ્ચેની સમસ્થિતિ (homeostatis) જતી રહે ત્યારે થતો રોગ છે. આવા સમયે જેને સૂચિવેધબિંદુઓ કહેવાય છે [જેમને ચીની ભાષામાં ‘ઝ્યૂ’ – xue અથવા ગુહિકાઓ (cavities) કહે છે.] તેમાં સોય, દબાણ કે ગરમી (ઉષ્મા) વડે તૂટેલા તાલમેલ(harmony)ને સમધાત કરાય છે. આ પ્રક્રિયાને સૂચિવેધ કહે છે. સૂચિવેધબિંદુઓ આ કાર્ય માટે સંવેદનશીલ હોય છે.
સૂચિવેધબિંદુઓ મુખ્ય 12 અને વધારાની 8 સૂચિવેધરેખાઓ પર આવેલાં સંવેદનશીલ બિંદુઓ છે, જેમને ‘આશી’ (ashi) (એટલે કે ‘હા’ કે ‘આઉ’ જેવો ઉદગાર) પણ કહે છે. વધારાની 8 સૂચિવેધરેખાઓમાંથી બેને પોતાના સૂચિવેધબિંદુઓ છે, જ્યારે બાકીની 6 વધારાની સૂચિવેધરેખાઓને સક્રિય કરવા મુખ્ય સૂચિવેધ-રેખાઓ પરના એક કે એક-બે મુખ્ય સૂચિવેધબિંદુઓ ઉપયોગી છે : 10 મુખ્ય સૂચિવેધરેખાઓ શરીરના મુખ્ય અવયવોના નામ પરથી ઓળખાય છે; દા.ત., હૃદયરેખા, યકૃતરેખા વગેરે. બાકીની 2 મુખ્ય સૂચિવેધરેખાને શારીરિક કાર્ય પરથી (દા.ત., હૃદયરક્ષકરેખા) ઓળખવામાં આવે છે. વધારાની 8 સૂચિવેધરેખાઓ ધડ અને માથાની મધ્યરેખા પર આવેલી છે, જ્યારે મુખ્ય 12 સૂચિવેધરેખાઓ ઊભી, મધ્યરેખાની બંને બાજુએ અને સરખા પ્રકારની છે. તેઓ નલિકારૂપે જે તે અવયવ (ઝેંગ-ફુ – Zang-fu) સાથે સંબંધ રાખે છે. તેમાંની 6ને ‘યીન’ અને 6ને ‘યાંગ’ નલિકાઓ (channels) કહે છે. બંને હાથ અને બંને પગમાં 33 યીન અને યાંગ નલિકાઓ હોય છે. તેમને નીચેની સારણીમાં દર્શાવી છે.
સારણી : યીન અને યાંગ નલિકાઓ
અંગ | નલિકા | સંખ્યા | અવયવ/નામ | માર્ગ |
હાથ | યીન | 3 | હૃદય, પરિહૃદ
(pericardium), ફેફસું |
છાતીમાંથી શરૂ થઈને બાહુના મધ્યરેખા તરફના આગળના ભાગમાં હસ્ત (hand) સુધી. |
યાંગ | 3 | મોટું આંતરડું, ત્રિજ્વલક
(San Jiao), નાનું આંતરડું |
હસ્તથી શરૂ થઈ બાહુના બહારના અને પાછળના ભાગમાં માથા સુધી. | |
પગ | યાંગ | 3 | જઠર, પિત્તાશય, મૂત્રાશય | ચહેરામાં આંખ પાસેથી શરૂ થઈ ધડ અને પગની બહારની સપાટી પર આગળ અને બાજુ પર થઈને પાદ (foot) સુધી. |
યીન | 3 | બરોળ, યકૃત, મૂત્રપિંડ | પાદથી શરૂ થઈ પગની અંદરની સપાટીએ પાછળ અને મધ્યરેખા તરફના ભાગમાં થઈને છાતી અથવા પડખાં (flank) સુધી. |
નલિકાઓમાં કી (qi) અથવા જૈવિક ઊર્જા બાહ્ય અને આંતરિક માર્ગે વહે છે. અંદરના માર્ગે તે ઝેન્ગ-ફુ અવયવ સાથે સંકળાય છે તો તેનો સપાટી સમીપ (superficial) માર્ગ સૂચિવેધના માહિતીચિત્ર(chart)માં સૂચિવેધરેખાઓ રૂપે દર્શાવાય છે. આ સપાટી સમીપ નલિકાઓ પર સૂચિવેધબિંદુઓ આવેલાં છે. 12 નલિકાઓના સપાટી સમીપ માર્ગો 3 પૂર્ણ પરિપથ (circuit) બનાવે છે. સૂચિવેધરેખાઓ પ્રમાણે ‘કી’ અથવા જૈવિક ઊર્જાનું વિતરણ ચીની ચિકિત્સાવિદ્યાની ચીની ઘડિયાળ પ્રમાણે થાય છે તેવું મનાય છે. જે તે સ્થળે ‘કી’ અથવા જૈવિક ઊર્જાનો ભરાવો કે ઊણપ, દુખાવો કે માંદગી લાવે છે એવું મનાય છે. ચીની ચિકિત્સાવિદ્યા પ્રમાણે જૈવિક ઊર્જાના વહનમાં અવરોધ થાય કે તે એક સ્થળે ભરાઈ રહે તો તે પીડા કરે છે. જો અવરોધ ન હોય એટલે કે વહન સરળ હોય તો પીડા થતી નથી. કેટલાક દર્દીઓ જૈવિક ઊર્જા ‘મેળવવા’ કે ‘આવવા’ની ઉત્તેજનાવાળી સંવેદના અનુભવે છે. તેને ‘ડેકી’ (deqi) કહે છે. તે ઇચ્છિત બિંદુનું સ્થાન નક્કી કરવામાં મદદરૂપ થાય છે. હાલ કેટલીક વીજકણીય (વીજાણ્વીય, electronic) પ્રયુક્તિઓ ઉપલબ્ધ છે જે ‘સાચા’ બિંદુને દબાવવાથી દુર્ઘોષ (noise) કરે છે.
સૂચિવેધવિદ (accupuncturist) દર્દીને તપાસી, તેનું નિરીક્ષણ કરીને તથા તેની સાથે પ્રશ્નોત્તરી કરીને કયા બિંદુને સારવાર આપવી જોઈએ તેનું નિદાન કરે છે. પરંપરાગત ચીની ચિકિત્સા (TCM) પદ્ધતિમાં 4 રીતે નિદાન કરાય છે – નિરીક્ષણ (inspection), સંશ્રવણ (auscultation) અને સંઘ્રાણન (olfaction), પરિપ્રશ્નન (inquiry) અને સંસ્પર્શન (palpation). નિરીક્ષણમાં ચહેરા તરફ અને ખાસ કરીને જીભ તરફ વધુ ધ્યાન અપાય છે. જીભનું કદ, આકાર, તણાવ (tension), રંગ, આચ્છાદન (coating) અથવા ઊલ, કિનારી પર દંતચિહ્નોની હાજરી કે ગેરહાજરી વગેરેની નોંધ લેવાય છે. સંશ્રવણમાં સિસકારા (wheezing) જેવા શ્વસન-સમયના અવાજોનું તથા સંઘ્રાણનમાં શારીરિક ગંધની નોંધ લેવાય છે. પરિપ્રશ્નનમાં 9 પ્રશ્નો મહત્વના છે – ઠંડી લાગવી અને તાવ આવવો, પરસેવો વળવો, આહાર માટેની અભિરુચિ (appetite) હોવી, તરસ લાગવી અને સ્વાદ હોવો, મળત્યાગ અને મૂત્રત્યાગની તકલીફ હોવી, દુખાવો થવો, ઊંઘ આવવી તથા ઋતુસ્રાવ (menses) અને શ્વેતપ્રદર (leukorrhea) અંગેની માહિતી. સંસ્પર્શમાં શરીર પરનાં સ્પર્શવેદના(tenderness)-વાળાં ‘આશી’ બિંદુઓ શોધવાં તથા ડાબા અને જમણા હાથમાં અંગૂઠા તરફની કિનારી પાસેની નાડી (અરીય નાડી, radial pulse) તપાસવી તે મુખ્ય છે. હાથની અરીય નાડીને 3 સ્થાનેથી તપાસાય છે – કાંડા પાસેથી તથા 1 અને 2 આંગળીની પહોળાઈ જેટલા અંતરે, કાંડાથી દૂર પ્રકોષ્ઠ કે અગ્રબાહુ પર. સામાન્ય રીતે નિર્દેશિકા કે તર્જની (પહેલી), મધ્યમિકા (વચલી) અને અનામિકા કે અર્ચનિકા (ત્રીજી) આંગળીઓ વડે નાડીનું સંસ્પર્શન થાય છે. તે સમયે 2 પ્રકારે દબાણ અપાય છે – સપાટી સમીપ અને ઊંડું દબાણ. આમ 2 પ્રકારનું નાડી-સંસ્પર્શન કરાય છે. આ ઉપરાંત સ્નાયુઓ અને પેટ(હારા)નું પણ સંસ્પર્શન કરાય છે.
સૂચિવેધબિંદુઓના ગુણપ્રકારો (categories) : કેટલાંક સૂચિવેધ-બિંદુઓને જુદી જુદી પ્રણાલીઓમાં જુદી જુદી ક્રિયાઓ સાથે જોડવામાં આવે છે; જેમ કે, 5 વહનકારી બિંદુઓ, જીંગ-વેલ બિંદુઓ, યિંગ-સ્પ્રિન્ગ, શુ-સ્ટ્રિમ, હી-સી, ઝી-ક્લેફ્ટ વગેરે.
સારવાર : પરંપરાગત ચીની ચિકિત્સાવિદ્યા(TCM)માં રોગને બદલે અતાલમેલ(disharmony)ની વિવિધ ભાત(patterns)ની સારવાર કરાય છે. તેથી કોઈ એક રોગમાં વિવિધ ભાત હોય કે એક ભાત વિવિધ રોગો સાથે સંકળાયેલી હોઈ શકે. સારવારનો નિર્ણય સારવારદાતા માટે વ્યક્તિગત અને અંત:સ્ફુરણાવાળો હોય, જ્યારે દર્દી માટે તેની જરૂરિયાત પ્રમાણેનો વિશિષ્ટ હોય છે.
અમેરિકી તબીબી સૂચિવેધની વિદ્યા સંસ્થા(American Academy of Medical Acupuncture)ના મતે કેટલીક સ્થિતિઓમાં તે પૂરક ચિકિત્સા (complementary therapy) બની શકે તેમ છે. તેમની સંક્ષિપ્ત યાદી અહીં આપી છે : તેમાંની કેટલીક, જેને ફૂદડી (*)થી અંકિત કરી છે તેને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ઉપચાર-સૂચન (indication) માટે અનુમોદિત કરી છે.
(1) પેટ ફૂલવું (વાયુપ્રકોપ, flatulence)*; (2) ઉગ્ર (acute) અને લાંબા ગાળાનો (દીર્ઘકાલી, chronic) દુખાવો*; (3) વિષમોર્જાજન્ય વિવરશોથ (allergic sinusititis)*; (4) વધુ જોખમ ધરાવતી વ્યક્તિઓ અથવા જેમને પહેલાં નિશ્ર્ચેતકો (anesthetics) વડે જોખમી આડઅસર થઈ હોય તેવી વ્યક્તિને શસ્ત્રક્રિયા માટે બેશુદ્ધ કરવા માટે, ભૂખની રુચિ ઘટવી; (5) ચિંતા અથવા ડર કે ભયવિકાર (panic)*; (6) સંધિશોફ (arthrosis) કે સંધિશોથ (arthritis) એટલે કે સાંધામાં પીડાકારક સોજો*; (7) છાતીનો અલાક્ષણિક (atypical) દુખાવો, જેમાં કોઈ રોગ છે એવું દર્શાવતી બધી જ તપાસનું પરિણામ નકારાત્મક હોય, (8) સંધિપુટિકાશોથ (bursitis) કે સ્નાયુબંધશોથ (tendonitis), જેમાં અનુક્રમે સાંધા પાસે કે સ્નાયુના છેડા અને હાડકાં વચ્ચે ઘસારો અટકાવતી સંધિપુટિકા(bursa)માં સોજો હોય કે સ્નાયુનો તંતુઓવાળો છેડો કે જે હાડકા સાથે જોડાતો હોય (સ્નાયુબંધ, tendon) તેમાં સોજો આવ્યો હોય તેમજ મણિબંધ-વિવરનલિકાકીય સંલક્ષણ (carpal tunnel syndrome) કે જેમાં કાંડામાં પીડાકારક વિકાર થઈ આવે*; (9) ઊબકા અને ઊલટી તેમજ અતિઅમ્લતા (hyperacidity) કે સંક્ષોભિત સ્થિરાંત્રતા (irritable bowel) જેવા અન્નમાર્ગના ક્રિયાલક્ષી વિકારો*; (10) ડોક કે કમરના મણકાનાં વિકારસંલક્ષણો*; (11) કબજિયાત કે પાતળા ઝાડા થવા*; (12) નશાકારક દવાઓ (દા.ત., કોડિન) વડે ખાંસી ન મટાડી શકાય તેમ હોય તો તેવી સ્થિતિ*; (13) દવાઓની ઝેરી અસર*; (14) શ્રોણી(pelvis)માં દુખાવો કે ઋતુસ્રાવ-સમયે પીડા થવી*; (15) અક્કડ થવાથી ખભાનો પીડાકારક સાંધો*; (16) આધાશીશી કે તણાવથી થતો માથાનો દુખાવો તથા ચક્કર આવવાં કે કાનમાં ઘંટડીઓ બોલવી*; (17) હૃદયના ધબકારા અનુભવાય તેવી અકારણ તકલીફ (palpitation) તથા હૃદયના ધબકારાની ગતિ વધી જવી (tadycardia); (18) અસ્થિભંગમાં થતો દુખાવો અને સોજો; (19) સ્નાયુનું સતત-આકુંચન (spasm) કે ધ્રુજારી અથવા ટેવજન્ય સ્નાયુસંકોચનો (tics) અને તંતુસંકીર્ણતા (contracture)*; (20) હર્પિસ વિષાણુના ચેપથી થતી કે ત્રિશાખા ચેતા(trigeminal nerve)માં ઉદભવતી ચેતા પીડા (neuralgia) કે ઝણઝણાટી (પરાસંવેદના, paraesthesia)*; (21) સતત આવતી હેડકી*; (22) અંગને કાપીને દૂર કર્યા પછી પણ તેમાં દુખાવો થાય છે તેવી માનસિક આભાસી પીડા (phantom pain); (23) હથેળીમાંના તંતુપડ(fascia)માં પીડાકારક સોજો (હસ્તતલ તંતુપડશોથ, palmar fasciatis)*; (24) ઈજા કે શસ્ત્રક્રિયા પછી મોટા આંતરડાનું હલનચલન અટકી પડવું અને તે કારણે પેટ ફૂલવું તે (સ્થિરાંત્રઘાત, ileus)*; (25) શીળસ, ખૂજલી, ખરજવું કે કંડુરિકા (psoriasis) જેવા ચામડીના વિકારો; (26) લકવો થઈ ગયા પછી થતો પક્ષઘાત (hemiplegia) અને વ્યક્તિ બોલી ન શકે તેવી સ્થિતિ (અવાકતા, aphasia)*; (27) ખોપરીમાંથી નીકળતી સાતમી ચેતા અથવા આનનચેતા (facial nerve) કે જે ચહેરાના સ્નાયુઓનું સંકોચન કરાવે છે તેનો લકવો; (28) શરીરનું અતિશય તાપમાન વધવું (hyper thermia); (29) મચકોડ થવી કે ચકામાં પડવાં; (30) દાંત કચકચાવવા*; (31) પેશાબ ભરાઈ રહેવો કે ટપકવો* વગેરે.
પ્રક્રિયા : આધુનિક સૂચિવેધવિદો સકૃત્પ્રયોગી (disposable) સોયનો ઉપયોગ કરે છે. તેઓ એક દર્દીમાં તે વાપર્યા પછી બીજી વ્યક્તિ માટે કે બીજી વખત તેનો ઉપયોગ કરતા નથી. તેથી તે સોયને સકૃત્પ્રયોગી સોય કહે છે. આવી સોયના દંડમાં કે છેડે કોઈ કાણું હોતું નથી અને તે અતિશય પાતળી હોય છે. તે પોલાદ(steel)ની બનેલી હોય છે અને તેનો વ્યાસ (જાડાઈ) 0.18થી 0.15 મિમી. (0.007થી 0.020 ઇંચ) હોય છે. તેને ઇથિલિન ઑક્સાઇડ વડે કે દાબતપન (autoclaving) નામની ભારે દબાણ અને ઊંચા તાપમાને ગરમી આપતી પદ્ધતિ વડે સૂક્ષ્મજીવરહિત (sterilised) કરી શકાય છે. દર્દીના શરીરમાં પ્રવેશતો ભાગ પોલાદનો હોય, જ્યારે સૂચિવેધવિદના હાથમાં રહેતા ભાગ પર તાંબું, પોલાદ, ચાંદી કે સોનાનો સહેજ જાડો તાર વીંટાળેલો હોય છે. તેને આધારે તે સોય ઓળખાય છે. ચાંદીનો તાર વીંટાળ્યો હોય તેવી સોય વધુ પ્રચલિત છે. આવા તાર પર પ્લાસ્ટિકનું આવરણ હોય છે. સોય અતિશય પાતળી અને તીક્ષ્ણ હોવાથી તેને પ્રવેશાવતી વખતે ખાસ પીડા થતી નથી. સોયનો પ્રકાર, તેનું કદ અને કેટલી ઊંડાઈ સુધી તેને પ્રવેશાવવી તે જે તે સૂચિવેધવિદની પદ્ધતિ પર આધારિત રહે છે.
ઉષ્મક્ષોભન (moxibustion) એક અલગ પ્રક્રિયા છે, જે સૂચિવેધ સાથે (પરંતુ હંમેશાં નહિ) વપરાય છે : તે માટે ક્યારેક અતિ પરંપરાગત સારવાર આપતા નિષ્ણાતો રૂના પૂમડાને ચામડી પર રક્ષણદાયી મલમ લગાડ્યા પછી બાળે છે અને આ રીતે ગરમી ઉત્પન્ન કરીને પ્રતિસંક્ષોભન (counter-irritation) કરે છે. હાલ તે વીજવહન (electric current) વડે પણ કરાય છે. તેમાં વીજોત્તેજક (electrostimulator) નામનું સાધન વપરાય છે.
સારવાર : પૂર્વનિશ્ચિત સમય માટે સોયને રાખીને પછી તેને કાઢી નંખાય છે. સોયના પ્રવેશ પહેલાં અને તેને બહાર કાઢ્યા પછી તે સ્થળને સૂક્ષ્મજીવનાશક વડે (મોટેભાગે મિથાયલેટેડ સ્પિરિટ વડે) સાફ કરાય છે.
સૂચિવેધ અંગેના આધુનિક વૈચારિક પરિસૂત્રિકાઓ (theories) : તે આધુનિક દેહરચનાવિદ્યા કે દેહધર્મવિદ્યાના સ્વીકૃત સિદ્ધાંતો સાથે સુસંગત નથી. વળી તેમાંની વ્યક્તિવૈશેષિકતા(subjectivity)ને કારણે તેનાં હેતુલક્ષી અથવા અનાત્મલક્ષી પરિણામો પ્રાપ્ત થતાં નથી. તે કોઈ ચોક્કસ રોગમાં અસરકારક નથી. આ બધાં કારણે તેને સમજાવવા માટેની ચીની વૈચારિક પરિસૂત્રિકા (theory) અવૈજ્ઞાનિક લાગે છે. તેથી કેટલાક વૈજ્ઞાનિકો તેને છદ્મઔષધ (placebo) કહે છે. હાલના જમાનામાં પ્રમાણ-આધારિત ચિકિત્સા(evidence-based medicine)નું મહત્વ છે અને તેને જ વૈજ્ઞાનિક પદ્ધતિની સારવાર ગણાય છે. આ પ્રકારનો અભ્યાસ સૂચિવેધની પ્રક્રિયા સાથે સુસંગત નથી. જોકે તેની સામે એવું પણ દર્શાવાયું છે કે આંખ અને કાન સંબંધિત સૂચિવેધબિંદુઓના ઉત્તેજનથી અનુક્રમે જોવાની અને સાંભળવાની ક્રિયા સાથેના સંબંધિત મગજના ભાગોમાં સક્રિયતા ઉદભવે છે. આવું MRI અને PET જેવી આધુનિક ચિત્રણપ્રણાલીઓ દ્વારા દર્શાવાયું છે. આવા વિરોધી પ્રમાણોને કારણે જેના પર વધુ સંશોધન જરૂરી છે એવી માન્યતાના સ્તર પર તેને મૂકવામાં આવી છે.
તેની સુરક્ષિતતા અંગે અભ્યાસો થયા છે. સોય કાઢ્યા પછી આશરે 3 %માં થોડું લોહી વહે છે. 2 % કિસ્સામાં નાનો લોહીનો ગઠ્ઠો જામે કે 1 % કિસ્સામાં અંધારાં આવી જાય તેવું બને છે. સૂક્ષ્મજીવરહિત સોયથી ચેપ લાગવાનો ભય ઓછો રહે છે; પરંતુ તે માટે લેવી પડતી કાળજીનો ક્યારેક અભાવ હોય છે. ઊંડી જતી રહેતી સોયથી ક્યારેક ચેતા (nerves), મગજ, ફેફસાં કે મૂત્રપિંડને ઈજા થવાના દાખલા નોંધાયેલા છે. ક્યારેક હૃદયની આસપાસ લોહી ભરાય તો કોક સૂચિવેધબિંદુના ઉત્તેજનથી અંત:સ્રાવ લોહીમાં પ્રવેશે છે અને તેથી ગર્ભપાત પણ થઈ શકે છે. જોકે આવા બનાવો જવલ્લે જ બનેલા છે અને તેમનો એકંદર દર 0.2 % જેટલો જ છે. આમ તેને લગભગ સુરક્ષિત સારવારપદ્ધતિ કહી શકાય છે.
આધુનિક ચિકિત્સાવિદો તેને પીડાની દ્વારનિયંત્રણ પરિજ્ઞા (theory of gate control for pain) વડે અથવા તો પીડાલક્ષી ચેતા-અંત:સ્રાવી ક્રિયાપથ(neurohormonal pathway for pain)ની પરિજ્ઞા દ્વારા સમજાવવા પ્રયત્નો કરે છે. હાલ કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક પરિજ્ઞા વડે તેને પૂરેપૂરી સમજી શકાઈ નથી.
શિલીન નં. શુક્લ
પી. જી. શાહ