સૂચનાપત્ર (notice) (વાણિજ્ય) : તથ્ય/હકીકતની જાણ ધરાવતી વ્યક્તિ દ્વારા તે અંગેનો સંદેશો વૈધિક રીતે અન્ય સંબંધિત વ્યક્તિને જણાવવા માટે લખવામાં આવતો પત્ર. કોઈ પણ સંબંધિત વ્યક્તિ જેને તથ્ય/હકીકત અંગેનો સંદેશો મોકલવાનો હોય તે વ્યક્તિ ત્રણ પ્રકારના સંજોગોમાં આ પ્રકારના તથ્ય/હકીકત અંગે માહિતગાર છે જ, – તેમ કાનૂન દ્વારા માનવામાં આવે છે : (ક) જો વ્યક્તિ પાસે જરૂરી માહિતી હોય અથવા હોવાની સંભાવના હોય તો તેની પાસે તથ્યની વાસ્તવિક (actual) જાણકારી/સૂચના હોય છે તેમ માનવામાં આવે છે. (ખ) વ્યક્તિએ તથ્ય જાણવું જ જોઈએ અને જો તે વિવેકયુક્ત માણસની જેમ તપાસ કરે તો તેને તથ્યની અવશ્ય જાણકારી થાય છે. તેથી તેની પાસે તથ્યની વિધાયક (constructive) જાણકારી છે, સૂચના છે તેમ માનવામાં આવે છે અને (ગ) જો વ્યક્તિના આડતિયા પાસે વાસ્તવિક અથવા વિધાયક જાણકારી હોય તો માલિકને પણ સંબંધિત તથ્યની જાણકારી થઈ શકે છે, તેથી તેની પાસે આરોપિત (imputed) જાણકારી સૂચના છે તેમ માનવામાં આવે છે. જાણકારીની આ પાર્શ્ર્વભૂમિકામાં ઉદ્યોગ, વાણિજ્ય અને વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ભિન્ન પ્રકારનાં સૂચનાપત્રો પ્રચલિત છે.

(1) પરિત્યાગનો સૂચનાપત્ર (notice of abandonment) : જ્યારે જહાજ દ્વારા માલ મોકલવામાં આવ્યો હોય અને માલના માલિકે તેનો દરિયાઈ વીમો ઉતરાવ્યો હોય ત્યારે માલના પરિવહન દરમિયાન જો તે નાશ પામે અથવા નાશ પામવાની સંભાવના હોય તો માલનો માલિક વીમાની રકમ મેળવવા માટે પોતાના માલિકીહક વીમાકંપનીને પત્ર લખી આપીને સોંપી દે છે. તે પત્ર પરિત્યાગનો સૂચનાપત્ર કહેવાય છે. (2) વિનિમયપત્રના નકરામણ અથવા અનાદરનો સૂચનાપત્ર (notice of dishonour of bill of exchange) : વિનિમયપત્રનો અસ્વીકાર અથવા ચુકવણીના અભાવે અનાદર થાય તો તે બાબતનો સૂચનાપત્ર વિનિમયપત્ર-ધારક વિનિમયપત્ર લખનારને અને અન્ય પક્ષકારોને લખીને તેની જાણ કરે છે તેને વિનિમયપત્રના નકરામણ / અનાદરનો સૂચનાપત્ર કહેવાય છે. (3) અવરોધનો સૂચનાપત્ર (stop notice) : કંપનીના શૅરહોલ્ડર પોતાના શૅરનું ગેરકાનૂની હસ્તાંતર થશે તેવી આશંકા તે સેવતો હોય અથવા પોતાના શૅર ગેરવલ્લે ગયા હોય તો કંપનીના શૅરોનું હસ્તાંતરણ અટકાવવા તે કંપનીને સૂચના આપે છે તે પત્રને અવરોધનો સૂચનાપત્ર કહેવાય છે. (4) પ્રસ્તાવનો સૂચનાપત્ર (notice of motion) : કંપની પોતાના આવેદનપત્ર (memorandum of association) અથવા ધારાધોરણ(articles of association)માં ફેરફાર કરવાનો ઠરાવ શૅરહોલ્ડરોની સંમતિ મેળવવા માટે મોકલી આપે છે ત્યારે તે પત્રને પ્રસ્તાવનો સૂચનાપત્ર કહેવાય છે.

જયન્તિલાલ પો. જાની