સૂઝા ફ્રાન્સિસ ન્યૂટન (Souza Francis Newton)

January, 2008

સૂઝા, ફ્રાન્સિસ ન્યૂટન (Souza, Francis Newton) (. 1924, ગોવા, ભારત; . 1998, ન્યૂયૉર્ક, અમેરિકા) : આધુનિક ભારતીય ચિત્રકાર. અભિવ્યક્તિવાદી (expressionist) ચિત્રો ચીતરવામાં તેમનું નામ ભારતમાં તેમજ વિશ્વમાં જાણીતું છે.

ફ્રાન્સિસ ન્યૂટન સૂઝાની એક ચિત્રકૃતિ : ‘એ ફ્રાન્સિસ્કન મૉન્ક’

ગોવાના એક ખ્રિસ્તી પરિવારમાં તેમનો જન્મ. ગોવા ખાતે શાલેય અભ્યાસ પૂરો કર્યા પછી સૂઝા મુંબઈમાં સર જે
. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં પાંચ વરસનો અભ્યાસ પૂરો કરીને ડિપ્લોમા મેળવીને એ લંડન ગયા અને ત્યાંની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટમાં વધુ એક વરસ કલા-અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ પૅરિસ ગયા અને ત્યાંની કલાશાળા એકોલે નૅશનલ દે બ્યુ આર્તેમાં પણ વધુ અભ્યાસ કર્યો.

ત્યારબાદ સૂઝાએ સતત વિદેશનિવાસ કર્યો છે. 1950થી 1960 સુધી બ્રિટનમાં, 1960થી 1965 સુધી ફ્રાંસમાં તથા તે પછી ન્યૂયૉર્ક નગરમાં.

આરંભમાં ખ્રિસ્તી વિષયોના ઓઠા હેઠળ તે માનવમૂલ્યોના હ્રાસ, માનવીની લાચાર પરિસ્થિતિ તથા માનવીય ગૌરવના પતનને કૅન્વાસ ઉપર આલેખતા રહ્યા. 1975થી 1984 સુધી એમણે આધુનિક ભૌતિકશાસ્ત્ર(Physics)નો અને જીવવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. તેમાંથી ભૌતિકશાસ્ત્રી સૅન્ફોર્ડ રેડમૉન્ડ(Sanford Redmond)ની 1986માં પ્રસિદ્ધ થયેલી ‘રેડમોન્ડ થિયરી’ સૂઝાને સ્પર્શી ગઈ, જેનો આધાર લઈને સૂઝાએ ચિત્રો સર્જ્યાં.

ખ્રિસ્તી ધર્મકથાઓ, પ્રાચીન ગ્રીક પુરાકથાઓ અને આધુનિક ભૌતિકશાસ્ત્ર એમ ત્રણ વિષયો ઉપર સૂઝાએ છેલ્લાં પચાસ વર્ષમાં પીંછી ચલાવી છે. એ ત્રણેમાં સૂઝાએ અત્યંત ભેંકાર, બિહામણા અને વિકરાળ ચહેરાઓ આલેખ્યાં છે. જાડી કાળી બાહ્યરેખાઓથી બદ્ધ સૂઝાની આકૃતિઓમાં ત્રિપરિમાણી ઊંડાણનો અભાવ હોય છે અને તેથી તે દ્વિપરિમાણી સપાટ દેખાય છે. ક્રોધ, આક્રોશ અને દુરિત-કુત્સિત ભાવોની અભિવ્યક્તિ સૂઝાનાં ચિત્રોમાં કેન્દ્રસ્થાને છે.

પૅરિસ, લંડન, એડિનબરો, કોપનહેગન, સ્ટૉકહોમ, ન્યૂયૉર્ક, દિલ્હી અને મુંબઈમાં સૂઝાનાં ચિત્રોનાં અવારનવાર વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે. ન્યૂયૉર્કના મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ અને લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં સૂઝાનાં ચિત્રો કાયમી ધોરણે સંઘરાયાં છે. ‘વડર્સ ઍન્ડ લાઇન્સ’ શીર્ષક હેઠળ સૂઝાએ લખેલી આત્મકથા 1959માં પ્રસિદ્ધ થઈ છે. અમેરિકાનો પ્રતિષ્ઠિત ગુગેનહાઇમ (Guggeheim) ઍવૉર્ડ તેમને મળેલો છે. સામયિકો ‘સ્ટુડિયો ઇન્ટરનૅશનલ’, ‘આર્ટ ન્યૂઝ ઑવ્ રિવ્યૂઝ’ તથા કવિ સ્ટીફન સ્પેન્ડર સંપાદિત સામયિક ‘એન્કાઉન્ટર’માં તેમણે કલાવિષયક લેખો લખ્યા છે.

અમિતાભ મડિયા