સુમ્નેર જેમ્સ બેટ્ચેલર
January, 2008
સુમ્નેર, જેમ્સ બેટ્ચેલર (Sumner, James Batecheller) (જ. 19 નવેમ્બર 1887, કૅન્ટોન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 12 ઑગસ્ટ 1955, બફેલો, ન્યૂયૉર્ક) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1946ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. એક તાલેવાન સૂતર ઉત્પાદનકાર ખેડૂતના પુત્ર. બાળપણમાં જ શિકાર દરમિયાન એક હાથ ગુમાવેલો. તેમણે હાર્વર્ડમાં રસાયણ અને શરીરશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1914માં પીએચ.ડી. મેળવીને તરત જ કોર્નેલ યુનિવર્સિટી, ઈથાકા, ન્યૂયૉર્કની મેડિકલ સ્કૂલના સ્ટાફમાં જોડાયા. 1929માં કોર્નેલમાં જ તેઓ જીવરસાયણશાસ્ત્રના પ્રોફેસર નિમાયા અને 1955 સુધી ત્યાં જ કામ કર્યું. 1947માં તેઓ કોર્નેલ યુનિવર્સિટીની ઉત્સેચક-રસાયણ પ્રયોગશાળાના ડિરેક્ટર બન્યા. તે કાર્ય તેમની પ્રતિભાને અનુકૂળ હતું. ત્રણ વારનાં લગ્નથી તેમને કુલ 9 સંતાનો હતાં.
જેમ્સ બેટ્ચેલર સુમ્નેર
1926માં સૌપ્રથમ વાર તેમણે ઉત્સેચકનું સ્ફટિકીકરણ કર્યું. મોટા-ભાગનું તેમનું કાર્ય યુરિયેઝ (urease) ઉત્સેચક ઉપર હતું. જેની સક્રિયતા એમોનિયા વિશ્લેષણથી સહેલાઈથી માપી શકાય છે.
1926માં માત્ર દ્રાવકના ફેરફાર દ્વારા જલીય ઇથેનોલને બદલે જલીય એસીટોન વાપરીને તેમણે એક સ્ફટિકમય પદાર્થ બનાવ્યો જે શુદ્ધ યુરિયેઝ હતો. આવા ઉત્સેચકો એક વિશિષ્ટ પ્રકારનાં પ્રોટીન છે એવું તેઓ સાબિત કરી શક્યા. આ પછી તેઓ યુલેર-ચેલ્પિન અને સ્વેડબર્ગ સાથે અભ્યાસ કરવા સ્ટૉકહોમ ગયા.
શરૂઆતમાં તેમની શોધને ઝાઝું મહત્ત્વ કે પ્રોત્સાહન ન મળ્યું, પણ જેમ જેમ નવા નવા ઉત્સેચકો સ્ફટિકરૂપે અલગ કરાતા ગયા – ખાસ કરીને નૉથ્રોર્ર્પ દ્વારા 1930માં પેપ્સિન ઉત્સેચક – તેમ તેમ તેમનાં કાર્યની પ્રશંસા થતી ગઈ. 1937માં તેમણે કેટેલેઝ ઉત્સેચક પણ સ્ફટિકમય સ્વરૂપે મેળવ્યો.
ઉત્સેચકના સ્ફટિકીકરણની તેમની શોધ બદલ સુમ્નેરને 1946ના વર્ષ માટેનું નોબેલ પારિતોષિક નૉર્થ્રોપ અને સ્ટેન્લી સાથે સંયુક્ત રૂપે એનાયત થયું હતું.
જ. પો. ત્રિવેદી