સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં.
1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો અનુવાદ કરેલો. નવલકથાના સ્વરૂપ ઉપરનું તેમનું પુસ્તક ‘ધી ઇસેન્સ ઑવ્ ધ નૉવેલ’ (188586) એક જમાનામાં સાહિત્યમાં ક્રાંતિ આણનારું મનાયેલું. આ પુસ્તકના પ્રકાશન દ્વારા જાપાની સાહિત્યકૃતિઓની ગુણવત્તા સુધારવાનું તેમણે બીડું ઝડપેલું. તેમને મતે પ્રવર્તમાન સમયમાં જે કૃતિઓનું નિર્માણ થયેલું તે નિકૃષ્ટ પ્રકારની કે પ્રશિષ્ટ સાહિત્યનું અનુકરણ કરતી કૃતિઓ હતી. આ માટે તેમણે માત્ર લેખકોનો નહિ પણ વાચકોનોય વાંક કાઢેલો. તેમણે કહ્યું કે પરંપરાગત રીતે કથા એ બોધનું સાધન મનાય છે; પણ વાસ્તવમાં કથાઓમાં હિંસા, રક્તપાત અને અશ્ર્લીલતાનું જ નિરૂપણ દેખાય છે. તેમને મતે નવલકથા સ્વ-નિર્ભર સાહિત્યસ્વરૂપ છે અને તેનો પોતાનો અલગ કાયદો છે. સામાન્ય રીતે પ્રચલિત કથા કે વાર્તા કરતાં તે તદ્દન જુદા પ્રકારનું સાહિત્યસ્વરૂપ છે. તેમણે પરંપરાગત જાપાની કાવ્યની પણ ટીકા કરી. તેમને મતે હાઇકુ પણ આધુનિક જીવનમાં યોગ્ય કાવ્ય-પ્રકાર નથી. તેમણે પાશ્ર્ચાત્ય સાહિત્ય તરફ નજર નાખવાની સાહિત્યકારોને સલાહ આપી. પૂર્વના જાપાની સાહિત્યને તેમણે ત્રણ વિભાગમાં વહેંચ્યું : આલંકારિક, લોકભોગ્ય અને આલંકારિકલોકભોગ્યના મિશ્રણરૂપ સાહિત્ય. આલંકારિક અને લોકભોગ્ય બંનેને તેમણે અભિવ્યક્તિ માટે અયોગ્ય ઠેરવ્યાં. આ બંનેનું સંમિશ્રણ એ જ તેમને મતે સાચો ઉકેલ છે. તેઓ એવું માનતા હતા કે આલંકારિક શૈલી વર્ણનો માટે અને લોકભોગ્ય શૈલી સંવાદો માટે પ્રયોજવી યોગ્ય ગણાય. પાશ્ર્ચાત્ય વિવેચનના સિદ્ધાંતોને આધારે તેમણે જાપાની સાહિત્યનું મૂલ્યાંકન કર્યું, પણ કમનસીબે પોતાનાં જ લખાણોમાં આ સિદ્ધાંતોના પાલનનો અભાવ વરતાય છે. અનુવાદમાં ઝીણવટ જળવાવી જોઈએ તેવું સિદ્ધાંતમાં પ્રતિપાદન કરનાર સુબોકીના પોતાના જ કરેલા અનુવાદો એટલા ચોક્કસ પુરવાર ન થયા. પોતાના સિદ્ધાંતોનો અમલ કરીને લખવા ધારેલી પોતાની નવલકથા ‘ધ કેરેક્ટર ઑવ્ પ્રેઝન્ટ ડે સ્ટુડન્ટ્સ’(1885-86)માં આ સિદ્ધાંતોનો ભંગ થતાં તે કૃતિ મનોવૈશ્લેષણિકને બદલે બોધપ્રધાન બની ગઈ. જોકે, તે નિકૃષ્ટ પ્રકારની કૃતિ થઈ નથી, પણ બુદ્ધિગમ્ય સિદ્ધાંતોનું પાલન કરવા જતાં તેમાં જીવંતતા જોખમાઈ છે. પોતાના ક્રાંતિકારી વિચારોથી પોતાના સમયના સાહિત્યને તેમણે પ્રભાવિત કર્યું.
1883માં શોયો સમાજશાસ્ત્રના શિક્ષક બન્યા. પાછળથી આ શાળાને વાસેદા યુનિવર્સિટીનો મોભો આપવામાં આવ્યો હતો. 1890માં ભાષાસાહિત્યની જ્ઞાનશાખાનો વિકાસ કરવામાં તેમણે ભારે જહેમત ઉઠાવેલી. વાસેદા મિડલ સ્કૂલની સ્થાપના કરવામાં તેઓ અગ્ર હરોળમાં હતા અને પાછળથી તેના અધ્યક્ષ પણ બનેલા. ‘વાસેદા બન્ગાકુ’ નામના સાહિત્યિક સામયિકની સ્થાપના પણ તેમણે કરેલી. શોયોએ નાટ્યક્ષેત્રે ‘શિંગેકી’ એટલે કે ‘નવું નાટક’ આપેલું. આ સંસ્થા દ્વારા તેમણે નાટ્યકારો ઇબ્સન અને શૉનાં નાટકોને જાપાન માટે પ્રયોજ્યાં હતાં. જાપાનના નાટ્યકારોએ આ પ્રણાલિકાના પ્રવાહમાં નવાં નાટકો લખવાની શરૂઆત કરેલી. 1915માં 56 વર્ષની ઉંમરે યુનિવર્સિટીમાંથી સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ પોતાના જીવનના છેલ્લા બે દશકા શેક્સપિયરનાં નાટકોનો જાપાની ભાષામાં અનુવાદ કરવામાં ગાળ્યા હતા.
પંકજ સોની
વિ. પ્ર. ત્રિવેદી