કૉસ્લર આર્થર

January, 2008

કૉસ્લર, આર્થર (જ. 5 સપ્ટેમ્બર 1905, બુડાપેસ્ટ; અ. 3 માર્ચ 1983, લંડન) : પ્રસિદ્ધ હંગેરિયન નવલકથાકાર. મૂળ રશિયન વંશના. વિયેનાની યુનિવર્સિટીમાં અભ્યાસ. 1926માં ઝાયોનિઝમના અનુયાયી તરીકે પૅલેસ્ટાઇન ગયા. પાછળથી જર્મનીના છાપામાં વિજ્ઞાન- વિભાગના તંત્રી. ઉત્તર ધ્રુવ પ્રદેશની સંશોધક ટુકડીમાં વૃત્તાંતનિવેદક તરીકેની કામગીરી તેમને સોંપાઈ હતી. 1931માં સામ્યવાદી બનીને તે રશિયા ગયા. આ અગાઉ નજીકના પૂર્વના દેશો અને પૅરિસ તથા બર્લિનમાં તથા આંતરવિગ્રહ દરમિયાન સ્પેનમાં પણ પત્રકાર તથા વૃત્તાંતનિવેદક તરીકે કાર્ય કર્યું. સ્પેનથી પાછા આવ્યા બાદ સામ્યવાદની નીતિ તથા આદર્શોથી નિર્ભ્રાન્ત થઈ જતાં પક્ષમાંથી નિવૃત્ત થઈ ગયા. ‘ન્યૂઝ ક્રૉનિકલ’ના વૃત્તાંતનિવેદક તરીકે 1937માં કૉસ્લર ફૅસિસ્ટ સૈનિકોના હાથે ઝડપાઈ ગયેલા.

આર્થર કૉસ્લર

તેમને ફરમાવવામાં આવેલ ફાંસીની સજાનો અમલ સો દિવસ પછી થવાનો હતો પણ બ્રિટનની રજૂઆતથી તેમને સંપૂર્ણ માફી બક્ષવામાં આવેલી. આ અનુભવના આધારે તેમણે ‘ઇન સ્પૅનિશિસ ટેસ્ટામેન્ટ’ (1937), તેનું અંગ્રેજીમાં રૂપાંતર ‘સ્પૅનિશ ટેસ્ટામેન્ટ’ અને ટૂંકી અંગ્રેજી આવૃત્તિ ‘ડાયલૉગ વિથ ડેથ’ (1942) લખ્યું. આમાં વ્યક્તિ અને પ્રારબ્ધ વચ્ચેનું તુમુલ યુદ્ધ વર્ણવાયું છે. ‘એરૉ ઇન ધ બ્લૂ’ (1952) અને ‘ધ ઇનવિઝિબલ રાઇટિંગ’ (1953) લેખકની આત્મકથનાત્મક કૃતિઓ છે. કૉસ્લરની પ્રથમ નવલકથા ‘ધ ગ્લૅડિયેટર્સ’ (1939) સત્તા અને તેનાં ભ્રષ્ટાચારી કરતૂતોનો સામનો કરતાં રોમન ગુલામોની ક્રાન્તિના નાયક સ્પોર્ટેકસના જીવનનો રોમાંચક વૃત્તાંત છે. ‘ડાર્કનેસ ઍટ નૂન’ (1940) તેમની આધુનિક સમયની ખૂબ અગત્યની નવલકથા છે. તેમાં સામ્યવાદથી નિર્ભ્રાન્ત થઈ જતી એક આખી પેઢીની મનોવેદના વ્યક્ત થઈ છે. ‘એરાઇવલ ઍન્ડ ડિપાર્ચર’(1943)માં નીતિશાસ્ત્ર સામે રહસ્યવાદને વૈજ્ઞાનિક રીતે રજૂ કર્યો છે. ‘ધ યોગી ઍન્ડ ધ કૉમિસાર’ (1945) રાજકારણ અંગેના લેખકના વિચારોનો નિબંધસંગ્રહ છે. ‘સ્કમ ઑવ્ ધ અર્થ’માં બીજા વિશ્વયુદ્ધના યુદ્ધકેદીઓની છાવણીમાં વર્તાવાતા ત્રાસ અને યાતનાઓનો આંખે દેખ્યો હેવાલ છે. પાછળના સમયમાં રાજકીય વિષયોને બદલે કૉસ્લરે કલા, વિજ્ઞાન, સમાજ અને ધર્મ અંગે ચિંતનસભર પૃથક્કરણો આપ્યાં. આમાં ‘ધ સ્લીપ-વૉકર્સ’ (1959) અને ‘ધ લોટસ ઍન્ડ ધ રોબૉટ’ (1960) નોંધપાત્ર છે. ‘ધી ઍક્ટ ઑવ્ ક્રિયેશન’(1964)માં વિજ્ઞાન અને કલાક્ષેત્રે થતી સર્જનની પ્રક્રિયાનું રહસ્ય સમજાવ્યું છે. માનવીના સ્વભાવના માત્ર યાંત્રિક અર્થઘટન સામે ‘ધ ઘોસ્ટ ઇન ધ મશીન’(1968)માં લેખક લાલબત્તી ધરે છે. ‘ડ્રિન્કર્સ ઑવ્ ઇન્ફિનિટી’ (1969), ‘ધ રૂટ્સ ઑવ્ કોઇન્સિડન્સ’ (1972) અને ‘ધ થર્ટીન્થ ટ્રાઇબ’ (1976) ‘બિક્સ ટુ બેબલ’ (1980) તથા ‘કેલિ યોકિ સ્કોપ’ (1981) તેમની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે. લંડનમાં કોઈ અગમ્ય કારણસર તેમણે તેમની પત્ની સાથે આપઘાત કરેલો.

વિ. પ્ર. ત્રિવેદી