કૉસ્મૉસ (વનસ્પતિશાસ્ત્ર)

કૉસ્મૉસ (વનસ્પતિશાસ્ત્ર) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. તે લગભગ 34 જાતિઓની બનેલી શાકીય સુંદર પુષ્પોનું નિર્માણ કરતી પ્રજાતિ છે અને તેનું વિતરણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થયેલું છે.

કૉસ્મૉસ

Cosmos bipinnatus Cav. ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી જાતિ છે. આ જાતિ મુખ્યત્વે ચોમાસામાં થાય છે. છતાં બીજી ઋતુઓમાં પણ તે સહેલાઈથી થઈ શકે છે. તેની ઊંચાઈ 1.0 મી.થી 1.5 મી. હોય છે. અન્ય ઋતુઓમાં તેની ઊંચાઈ 60થી 80 સેમી.ની હોય છે. પર્ણો પિચ્છાકાર હોય છે. પુષ્પો 5–7 સેમી. પહોળા સ્તબક- (capitulum)સ્વરૂપે ગોઠવાયેલાં, ગુલાબી, સફેદ કે મિશ્ર રંગનાં હોય છે અને લાંબા દંડ ઉપર ઉત્પન્ન થાય છે. તેનાં બીજમાંથી લગભગ 18.3 % જેટલું શુષ્કન (drying) તેલ પ્રાપ્ત થાય છે.

C. Sulphureus Cav-નાં પુષ્પો નારંગી-પીળા રંગનાં હોય છે.

C. hybridklondyke-નાં પાન મોટાં અને પુષ્પો નારંગી કે પીળા રંગનાં થાય છે.

કૉસ્મૉસના છોડની ટોચ શરૂઆતમાં ચૂંટી નાખવાથી છોડ નીચેથી ભરાવદાર થાય છે અને લચી પડતા નથી.

મ. ઝ. શાહ