કોલંબો : શ્રીલંકા(સિલોન – પ્રાચીન નામ સિંહલદ્વીપ)નું પાટનગર અને દેશનું સૌથી મોટું વેપારી મથક અને બંદર. ભૌગોલિક સ્થાન 6°. 56′ ઉ.અ. અને 79°.51′ પૂ.રે. મનારના અખાતમાં શ્રીલંકાની પશ્ચિમે આ બંદર આવેલું છે. તેનો વિકાસ પોર્ટુગીઝ દ્વારા થયેલો. આ બંદર સિંહાલી ભાષામાં ‘Kolaamba’ (કોલાઅમ્બા) નામે ઓળખાતું.

કોલંબો

આબોહવા : કોલંબોનું જાન્યુઆરીનું તાપમાન 26°. 6° સે. અને જુલાઈનું તાપમાન 27°. 6° સે. રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 2,424 મિમી. જેટલો પડે છે.

અહીં કાપડની મિલો, વનસ્પતિ ઘી અને સાબુનાં કારખાનાં ઉપરાંત ચાનાં ગોદામો અને પ્રોસેસ હાઉસ આવેલાં છે.

આ બંદરેથી ચા, રબર, કોપરું, કોપરેલ વગેરે ચીજો નિકાસ થાય છે જ્યારે ચોખા, સુતરાઉ કાપડ, સિમેન્ટ, ધાતુઓ, ખનિજ તેલ વગેરે ચીજોની આયાત થાય છે. જોકે ભારતનો મોટા ભાગનો વેપાર જાફના બંદરેથી થાય છે. કોલંબો જાફના, ત્રિંકોમાલી, કૅન્ડી, ગાલી, અનુરાધાપુરમ્ વગેરે સાથે રેલમાર્ગે જોડાયેલું છે. કોલંબો આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે.

મહત્વના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો અહીં ભેગા થાય છે. દેશવિદેશની આગબોટો અને જહાજો અહીં બળતણ, પાણી અને જરૂરિયાતની ખોરાકી ચીજો લેવા માટે રોકાય છે. તેથી આ બંદરને ‘પૂર્વની ટપાલપેટી’નું બિરુદ પ્રાપ્ત થયું છે.

રૉયલ કૉલેજ, કોલંબો

દેશનો મોટા ભાગનો વેપાર આ બંદર મારફત થાય છે. આ કૃત્રિમ અને વખારી (bunkering) બંદર છે. વિવિધ પ્રકૃતિઉદ્યાન અને ક્રિકેટ તથા ફૂટબૉલનાં મેદાન આ શહેરમાં આવેલાં છે. અહીંનું ડેહીવાલા પ્રાણીસંગ્રહાલય ખાસ જોવાલાયક છે. તે આશરે 16 હેકટરમાં પથરાયેલું છે. અહીંના સમુદ્રકિનારે આવેલ લાઉની બીચ આનંદપ્રમોદનું ઉત્તમ સ્થળ છે. અન્ય જોવાલાયક સ્થળોમાં બિહાર મહાદેવી પાર્ક, ગૉલ્ફ લિંક્સ તેમજ લિપ્ટન સર્કલ મુખ્ય છે. 1942માં શ્રીલંકા યુનિવર્સિટીની સ્થાપના કોલંબોમાં કરવામાં આવી હતી. ઉપરાંત બે બૌદ્ધ યુનિવર્સિટીઓ તથા એક ટૅકનિકલ કૉલેજ પણ છે.

કોલંબોની સ્થાપના ઈ. સ. પૂ. 543ની આસપાસ થઈ હોય તેમ મનાય છે. ગ્રીસ, રોમ, ચીન અને આરબ દેશોના વેપારીઓ તેનાથી પરિચિત હતા. ઈ. સ. 700ના અરસામાં તે મુસલમાનોના વર્ચસ્ નીચે આવેલું. ત્યાર બાદ જુદી જુદી સામ્રાજ્યવાદી પ્રજા પોર્ટુગીઝ (1517), ડચ (1658) અને છેલ્લે બ્રિટિશે (1796) તેની ઉપર આધિપત્ય મેળવ્યું. શહેરની કુલ વસ્તીમાં 50% જેટલા સિંહાલીઓ છે અને 40% લોકો બૌદ્ધધર્મી છે. શહેરની કુલ વસ્તી 7.53 લાખ(2011) જેટલી છે.

મહેશ મ. ત્રિવેદી