કોલંબો યોજના (1950) : દક્ષિણ અને અગ્નિ એશિયાના દેશો તથા યુ.એસ., બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનું સભ્યપદ ધરાવતી આર્થિક વિકાસ માટેની યોજના. 1951થી 1977 સુધી તે ‘દક્ષિણ અને અગ્નિ એશિયાના સહકારી આર્થિક વિકાસ માટેની કોલંબો યોજના’ તરીકે જાણીતી હતી. અગ્નિ એશિયાના સામ્યવાદી દેશોએ યોજનામાં ભાગ ન લેવાનો નિરધાર કરતાં તેનું નામ બદલવામાં આવ્યું હતું. શ્રીલંકાના કોલંબોમાં તે
1–7–1951ના રોજ શરૂ થઈ. પછી યુ.એસ., જાપાન અને અગ્નિ એશિયાના અનેક દેશો તેમાં જોડાયા. કુલ 26 દેશો તેના સભ્ય બન્યા. બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક પ્રવૃત્તિને ફરીથી નક્કર પાયા પર મૂકવાના ઉદ્દેશથી શરૂ થયેલી આ યોજનામાં વિસ્તારની બહારના દેશો દ્વારા અપાયેલી સહાય અને સંયુક્ત સહકાર પર ભાર મુકાયો હતો.

તેની વાર્ષિક સભામાં વિકાસલક્ષી આયોજન અને સમસ્યાઓની ચર્ચા કરાતી રહી. યોજનામાં ત્રણ વિભાગ હતા : (1) સભ્ય દેશોના પ્રધાનોની સલાહકાર સમિતિ, (2) ટૅકનિકલ સહકાર પરિષદ અને (3) કાર્યાલય. ટૅકનિકલ સહાય માટે ટૅકનિકલ સહકાર પરિષદની રચના કરાઈ પરંતુ અનુદાન કે ધિરાણ માટે કોઈ કેન્દ્રીય ભંડોળની રચના થઈ નહિ. તેને બદલે વિકાસલક્ષી પરિયોજનાઓ માટેના ધિરાણની ગોઠવણ રાષ્ટ્રોની સરકારો વચ્ચે દ્વિપક્ષી ધોરણે કે વિશ્વ બૅંક સાથે કરવામાં આવી. યોજના અન્વયે ભારતે સહાય મેળવી છે તેમજ બીજા દેશોને પહોંચાડી છે.

હેમન્તકુમાર શાહ