કોલરોશ ફ્રીડરીશ વિલ્હેમ જ્યૉર્જ

January, 2008

કોલરોશ, ફ્રીડરીશ વિલ્હેમ જ્યૉર્જ (જ. 14 ઑક્ટોબર 1840, રિન્ટેન, જર્મની; અ. 17 જાન્યુઆરી 1910, મારબર્ગ) : વિદ્યુત વિભાજ્યોના એટલે કે દ્રાવણમાં આયનોના સ્થાનાન્તરણ દ્વારા વિદ્યુતનું વહન કરતા પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરી તેમની વર્તણૂક સમજાવનાર જર્મન વિજ્ઞાની. ગોટન્જન યુનિવર્સિટી અને ફ્રૅન્કફર્ટ ઑન મેઇનની સ્કૂલ ઑવ્ ટૅક્નૉલૉજીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક. 1875માં વુર્ઝબર્ગ યુનિવર્સિટીમાં અને 1895માં બર્લિન યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક નિમાયા. 1874માં તેમણે દર્શાવ્યું કે દરેક વિદ્યુતવિભાજ્ય ચોક્કસ અને અચળ વિદ્યુત-અવરોધ ધરાવે છે. મંદન ઉપર વાહકતાના આધાર અંગેનાં અવલોકનો દ્વારા તેમણે આયનોના સ્થાનાન્તરણ-વેગ નક્કી કર્યા હતા.

1869થી 1880 દરમિયાન કોલરોશ અને તેમના સહકાર્યકરોએ વાહકતા અંગેના સંશોધનનાં પરિણામો પ્રસિદ્ધ કર્યાં, જેમાં પાણીના વિસ્તીર્ણ શુદ્ધીકરણનો સમાવેશ થાય છે. શૂન્યાવકાશમાં 42 વખત નિસ્યંદન કર્યા બાદ મેળવેલા પાણીની વાહકતા 18° સે.એ 0.043 × 106 ઓહ્1 સેમી.1 હતી. હવામાંના કાર્બન ડાયૉક્સાઇડ સાથે સંતુલિત સામાન્ય નિસ્યંદિત પાણી માટે તે 0.7 × 106 જેટલી હોય છે; એટલે કે પાણી નિર્બળ વિદ્યુતવિભાજ્ય તરીકે વર્તે છે અને તેનું આયનીકરણ નીચે પ્રમાણે થાય છે :

H2O = H+ + OH

25° સે.એ આ આયનીકરણ 1.9 × 107 ટકા જેટલું હોય છે.

જ. દા. તલાટી