કોલસીન : ઇ. કોલી અને અન્ય કૉલિફૉર્મ વર્ગના જીવાણુ દ્વારા ઉત્પન્ન થતો જીવાણુઘાતક, ઝેરી પદાર્થ. રાસાયણિક ર્દષ્ટિએ તે સાદો અથવા સંયુક્ત નત્રલ (પ્રોટીન) પદાર્થ છે. એક જીવાણુ દ્વારા ઉત્પન્ન થતું કોલસીન તે જીવાણુના ગાઢ સંબંધી એટલે કે તે જીવાણુની સાથે સામ્ય ધરાવતા અન્ય જીવાણુનો નાશ કરે છે.

કોલસીનના અણુઓ અન્ય વિભેદોના કોષરસપડના ગ્રાહી અણુઓના સંપર્કમાં આવતાં તેને ચોંટી કોષરસમાં પ્રવેશે છે અને કોષની અંદર આવેલા DNA અને 16S, r-RNAના અણુઓનું વિઘટન કરે છે. કોલસીનના કેટલાક અણુઓ તો કોષરસ પર સીધું આક્રમણ કરી પર્યાવરણમાંથી કોષની અંદર જતાં પોષક તત્વોને ત્યાં જ અટકાવે છે. છેલ્લાં સંશોધનો પ્રમાણે કૉલિફૉર્મ સમૂહ સિવાયના કેટલાક અન્ય બૅક્ટેરિયા પણ કોલસીન જેવા સ્વસંરક્ષક ઘટકોનું ઉત્પાદન કરે છે, જે બૅક્ટેરિયોસિન તરીકે ઓળખાય છે.

જીવરસમાં આવેલાં કોલસીન-ઉત્પાદક જીવદ્રવ્યો કોલસીનકારક (અથવા કોલકારક – col factor) દ્રવ્યો તરીકે ઓળખાય છે. જુદા જુદા કોલઘટકો વિવિધ પ્રકારના કોલસીન(A, B, C, I વગેરે)નું ઉત્પાદન કરે છે. ઉપરાંત તે પોતાના શરીરમાંથી ઉદભવતા કોલસીન સામે રક્ષણ આપવા કોલસીનરોધક પ્રોટીનો પણ પેદા કરે છે જે રોધક્ષમ (immune) પ્રોટીનો તરીકે ઓળખાય છે.

પ્રમોદ રતિલાલ શાહ