શેરડી
એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Saccharum officinarum Linn. (સં. ઇક્ષુ; હિં. પોંડા, ગન્ના, ઈખ, ઉપ્પ; બં. આક, કુશિર; મ. ઉસ; ક. કબ્બુ; તે. ચિરકુ; તા. કરંબુ; મલા. કરીંબુ; અં. સુગરકેઇન, નોબલકેઇન) છે. તે એક ઊંચું બહુવર્ષાયુ તૃણ છે અને તેનું માત્ર વાવેતર જ થાય છે. તેના સાંઠાઓ વિવિધ જાડાઈ ધરાવે છે. તેનો રંગ આછા કે ઘેરા લીલાથી શરૂ થઈ ઘેરો પીળો, લાલ, જાંબલી અને ઘણી વાર પટ્ટિત (striped) હોય છે. સાંઠામાં રેસાનું પ્રમાણ ઓછું અને સુક્રોઝનું પ્રમાણ વધારે હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક, દ્વિપંક્તિક (distichous), અદંડી, અનુપપર્ણીય (exstipulate), લાંબાં, સાંકડાં કે પ્રમાણમાં પહોળાં, ઉન્નત (erect) કે નિલંબિત (drooping) હોય છે. તેમનો રંગ આછાથી માંડી ઘેરો લીલો અને કેટલીક વાર જાંબલી છાંટવાળો હોય છે. પર્ણતલવેષ્ટ (sheathing leaf base) લાંબો, આંતરગાંઠ પર આચ્છાદિત થતો અને રોમિલ હોય છે. જિહ્વિકા (ligule) સ્પષ્ટ અને રોમિલ હોય છે. પુષ્પવિન્યાસ મોટો અને પીંછાં જેવો હોય છે અને અરોમિલ અક્ષ ધરાવે છે. શૂકીકા(spikelet)માં ત્રણ કે ભાગ્યે જ ચાર બાહ્યતુષનિપત્રો (glumes) હોય છે. તેના માંસલ શલ્કો (lodicules) અરોમિલ હોય છે. બે શૂકીકાઓ પૈકી અદંડી શૂકીકા હંમેશાં વહેલાં ખીલે છે.
આ શેરડી વધારે જાડો, ઊંચો, સુંદર અને રંગીન સાંઠો ધરાવતી હોવાથી તેને ‘જાડી શેરડી’ કે ‘નોબલ શેરડી’ કહે છે. તેની છાલ તુલનામાં પોચી હોય છે. તેનું પહેલાં ખાંડના ઉત્પાદન માટે બધા જ ઉષ્ણકટિબંધીય દેશોમાં વાવેતર થતું હતું. જોકે તે શુષ્કતા સામે ટકી શકતી નથી. ભારતની ઉપોષ્ણ આબોહવા(જ્યાં કેટલીક વાર હિમ પડે છે.)માં પણ તેને ઉગાડવામાં આવે છે.
દક્ષિણ પૅસિફિકના ટાપુઓ આ જાતિના વિભિન્ન વંશજોનું પ્રાકૃતિક ગૃહ છે. આ ટાપુઓમાં તેના અસંખ્ય પ્રકારો થાય છે. ન્યૂ ગિની, ન્યૂ કૅલેડોનિયા, તેહિટી અને ન્યૂ હેબ્રિડીઝ જેવા ટાપુઓમાં 1853થી આજ સુધી થયેલી યાત્રાઓ દ્વારા 600 જેટલા પ્રકારોનું એકત્રીકરણ થયું છે. તે પૈકી કેટલાક પ્રકારો સમનામી (synonymous) છે. આ જાતિનું ઉદ્ભવસ્થાન ન્યૂ ગિની ગણાય છે, જ્યાંથી પ્રથમ તબક્કાનું સ્થાનાંતર પૂર્વનાં સોલોમન, ન્યૂ હેબ્રિડીઝ અને ન્યૂ કૅલેડોનિયાની તરફ થયું હોવાની શક્યતા છે. બીજા તબક્કાનું સ્થાનાંતર પશ્ચિમમાં સેલેબિસ, બૉર્નિયો, સુમાત્રા અને પછી મ્યાનમાર અને ભારતમાં થયું છે. પૂર્વમાં તે પછી તેહિટી અને હવાઈના ટાપુઓમાં સ્થાનાંતર થયું છે.
જોકે આ જાતિના વંશજો વાસ્તવિકપણે વન્ય સ્થિતિમાં જોવા મળતા નથી. આ જાતિ વર્ગીકરણવિદ્યાની દૃષ્ટિએ S. robustrum સાથે ગાઢ રીતે સંબંધિત છે અને જે ન્યૂ ગિનીમાં વન્ય સ્થિતિમાં મળી આવે છે. S. officinarumનાં સ્વરૂપો પ્રાચીન સમયથી આ વિસ્તારોમાંથી સ્થાનાંતર પામ્યાં હોવાનું મનાય છે અને સ્થાનાંતરના પથ પર બીજી સામ્ય ધરાવતી Erianthus, Miscanthur અને S. spontaneum જેવી પ્રજાતિઓ અને જાતિઓ સાથે સંકરણ દ્વારા થોડાક પ્રમાણમાં રૂપાંતર પામી છે.
શેરડીના પ્રકારોને બહુરંગસૂત્રી સંકર (polyploid hybrid) ગણવામાં આવે છે અને 2n = 80 રંગસૂત્રો ધરાવે છે. તેમાંના કેટલાક પ્રકારો સ્વવંધ્ય (self-sterile) હોય છે, પરંતુ પરફલન દ્વારા બીજાંકુરો ઉત્પન્ન કરે છે. આ જાતિ તેની ઉત્ક્રાંતિની ચરમ સીમાએ પહોંચી હોવાનું માનવામાં આવે છે અને જો મનુષ્ય દ્વારા તેનું વાનસ્પતિક પ્રજનન થતું ન હોત તો પ્રાકૃતિક પસંદગી હેઠળ તે અસ્તિત્વ ન જાળવી શકી હોત.
શેરડી C4 વનસ્પતિ હોવાથી તે તીવ્ર પ્રકાશમાં પણ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરી શકે છે. વળી, પ્રકાશસંશ્લેષણના દર પણ C3 વનસ્પતિઓ કરતાં ઝડપી હોવાથી શેરડી અને અન્ય C4 વનસ્પતિઓ ઘણું વધારે ઉત્પાદન આપે છે.
શેરડીના પાકને ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે. રોપણી-સમયે 12° સે.થી ઓછું તાપમાન થાય ત્યારે તેનો ઉગાવો (સ્ફુરણ) ઓછો જોવા મળે છે અને 33° સે.થી વધુ તાપમાને શેરડીની વૃદ્ધિ ઓછી થાય છે. વૃદ્ધિકાળ દરમિયાન પણ 15.5° સે. કરતાં ઓછા તાપમાને ઓછી વૃદ્ધિ મળે છે. શેરડીના પાકને પરિપક્વ થવાના સમયે સૂકી અને ઠંડી આબોહવાની જરૂર પડે છે. સામાન્ય રીતે 750થી 1000 મિમી. વરસાદવાળા વિસ્તારની આબોહવા ઘણી જ ઉત્તમ લેખાય છે. શેરડીના થડમાંથી નીકળતી ફૂટની સંખ્યા અને વૃદ્ધિ, બે ગાંઠો વચ્ચેનું અંતર દિવસ દરમિયાન મળતા સૂર્યના પ્રકાશ ઉપર આધાર રાખે છે. લાંબા દિવસો દરમિયાન ફૂટ(ચીપા)નું પ્રમાણ ઘણું વધારે હોય છે.
સારી નિતારશક્તિ ધરાવતી મધ્યમ કાળી તેમજ ગોરાડુ અને 75થી 150 સેમી. ઊંડી જમીન માફક આવે છે. શેરડીનું ભારે કાળી જમીનમાં રોપાણ કરવું હોય તો નિતારની સારી વ્યવસ્થા કરી યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય પદ્ધતિથી પિયત કરવામાં આવે તો તે જમીનમાંથી પણ તેનો પાક સફળતાપૂર્વક લઈ શકાય છે. વધુ ક્ષારવાળી અને વધુ અમ્લીય જમીન શેરડીના પાકને અનુકૂળ આવતી નથી.
જમીન તૈયાર કરવા માટે ભારે લોખંડી હળ કે ટ્રૅક્ટરથી 25થી 30 સેમી. ઊંડી ખેડ કરવી જરૂરી છે. તેથી છોડ જમીનના જુદા જુદા તળમાંથી પોષકતત્વો મેળવી શકે છે. ઊંડી ખેડથી પડેલ માટીનાં ઢેફાં સમાર અથવા તાવડિયો કરબ ફેરવી ભાંગી નાંખી જમીનને સમતળ અને ભરભરી બનાવવામાં આવે છે.
શેરડીની જાતોની પસંદગીમાં વધુ ઉત્પાદનની સાથે સાથે ખાંડનું સારું વળતર મળતું હોઈ, રોગ-જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી, સારો બડઘા (સોટા) પાક અને ખેતરમાં લાંબા સમય સુધી ટકી રહે તેવી જાતો પસંદ કરવામાં આવે છે.
શેરડીની સુધારણા માટેની સૌથી ફળદાયી પદ્ધતિ આંતરજાતીય (interspecific) સંકરણ છે. કોઇમ્બતુરમાં સૌપ્રથમ વાર વન્ય જાતિ S. spontaneum સાથે સંકરણ કરવામાં આવ્યું છે. S. officinarumની વેલ્લાઈ જાતનું S. spontaneumની સ્થાનિક જાત સાથે સંકરણ કરાવતાં વ્યાપારિક જાત, કો. 205નું સર્જન થયું છે, જે ખાંડનું સારા પ્રમાણમાં ઊંચું ઉત્પાદન આપે છે. જોકે તે મોઝેકથી સંવેદી હોય છે. તે આત્યંતિક આબોહવાકીય પરિસ્થિતિઓ સામે ટકી શકે છે. વળી, તે પુષ્કળ ફળાઉ હોય છે અને સંકરણના કાર્યમાં તેનો પિતૃજાત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કો. 210, કો. 213, કો. 281 અને કો. 290 શરૂઆતમાં ઉત્પન્ન કરવામાં આવેલી સફળ જાતો છે. ભારતની S. sinenseની ‘ચુન્ની’, ‘સરેથા’ અને ‘કંસાર’ જેવી જાતોનું જાવામાં સંકરણ કરી શરૂઆતની ‘પોજ’ (POJ) જાતો ઉત્પન્ન કરવામાં આવી, જેમનું કોઇમ્બતુરમાં S. spontaneum દ્વારા ઉત્પન્ન કરાયેલી જાતો સાથે આંતરસંકરણ કરવામાં આવ્યું. કેટલાક ત્રિ-જાતીય (tri-species) સંકરો ભારત ઉપરાંત, ઑસ્ટ્રેલિયા, યુ.એસ., દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, ઇજિપ્ત અને બ્રાઝિલમાં ખૂબ સફળ વ્યાપારિક જાતોમાં પરિણમેલ છે. કોઇમ્બતુરની જાતોનો 26 જેટલા દેશોમાં ખાંડના ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવે છે. કો. 290-એ હવાઈમાં એક છોડ પર સૌથી વધારે સાંઠાનું ઉત્પાદન કરવા માટે પારિતોષિક મેળવ્યું છે. કો. 419 અને કો. 421 દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં અને પૂર્વ આફ્રિકામાં ખૂબ સફળ જાતો ગણવામાં આવે છે. કો. 413 ઇજિપ્તમાં સ્થાયીપણે ખાંડ-ઉદ્યોગ માટે વાવવામાં આવે છે. જાવાની પોજ 2878 જાત શેરડીની સુધારેલી શ્રેષ્ઠ જાતોમાંની એક ગણાય છે. તે ‘કેસોઇર’ (શેરડીની કુદરતી સંકર જાત) અને જાવાની S. spontaneumનું S. officinaram સાથે પ્રતિસંકરણ કરાવતાં પ્રાપ્ત થઈ છે. તે કોઇમ્બતુરની ઘણી નવી સફળ જાતોની પૈતૃક જાત છે. હવાઈમાં કો. 213નું પોજ 2878 સાથે સંકરણ કરાવી નવી જાત H 32-8560નું ઉત્પાદન કરવામાં આવ્યું છે, જેને હવાઈની ‘અદ્ભુત શેરડી’ તરીકે વર્ણવવામાં આવી છે. પોજ 2878, કો. 281, કો. 290, કો. 213 અને કો. 421 ઘણી વ્યાપારિક જાતોની નિકટની પૈતૃક જાતો છે. ન્યૂ ગિનીમાં S. robustamની વન્ય જાતોનું શેરડીની જાતો સાથે સંકરણ કરવામાં આવ્યું છે.
સારણી 1 : શેરડીની જાતો
અનુ. નંબર | ભલામણ કરેલ જાતનું નામ | જાતોના ગુણધર્મો |
1. | કોઇમ્બતુર 6806 | વહેલી પાકતી, ચાબુક, આંજિયા અને સુકારાના રોગ સામે ટકી શકે તેવી જાત. |
2. | કો. 6304 | મધ્યમ, મોડી પાકતી, વધુ ઉત્પાદન આપતી અને ઢળી ન પડે તેવી જાત. |
3. | કો. એ-7602 | મધ્યમ, મોડી પાકતી જાત, વધુ ઉત્પાદન આપતી, ક્યારીની જમીન અને પાણીના ઊંચા સ્તરવાળી જમીનો માટે અનુકૂળ. |
4. | કો. સી. 671 | વહેલી પાકતી, વધુ ઉત્પાદન અને વધુ ખાંડ ધરાવતી, રોગ સામે ટકી ના શકે તેવી જાત. ફક્ત રોપાણપાક લેવાની ભલામણ કરવામાં આવે છે. |
5. | કો. 7527 | મધ્યમ, મોડી પાકતી, વધુ ઉત્પાદન આપતી, મોડા પિલાણ માટેની જાત. |
6. | કો. 62,175 | મધ્યમ, મોડી પાકતી, વધુ ઉત્પાદન આપતી, ગોળ બનાવવા માટે વધુ અનુકૂળ જાત. |
7. | કો. 8338 | વહેલી પાકતી અને સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાત. |
8. | કો-કોએલકે-8001 | મધ્યમ, મોડી પાકતી, સુકારા અને રાતડાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી તેમજ શેરડી અને ખાંડનું વધુ ઉત્પાદન આપતી ઢળી ન પડે તેવી જાત. |
9. | કો. એન-9113 (ગુજરાત કેન-1) | મધ્યમ, મોડી પાકતી, સુકારા અને રાતડાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી, વધુ ઉત્પાદન આપતી, ઢળી ન પડે તેવી, ચમરી ન આવે તેવી જાત. |
10. | કો. 87,263 | વહેલી પાકતી, સુકારા અને રાતડાના રોગ સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી જાત. |
11. | કો એન-5134 (ગુજરાત કેન-2) | મધ્યમ, મોડી પાકતી, સુકારા સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી, બડઘા પાકની સારી ક્ષમતા ધરાવતી જાત. |
12. | કો. એન-95,132 (ગુજરાત કેન-3) | વહેલી પાકતી, વધુ ખાંડ ધરાવતી, સુકારા અને રાતડા સામે મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત. |
સૅકેરમની જાતિઓ અને આંતરજાતીય સંકરોનું પોએસી કુળની અન્ય પ્રજાતિઓ જેવી કે Erianthus, Imperata, Narenga, Miscanthus, Sclerostachya, Sorghum અને Zea સાથે સફળતાપૂર્વક સંકરણ કરવામાં આવ્યું છે. ભ્રૂણસંવર્ધન-પદ્ધતિના ઉપયોગ દ્વારા Bambusa સાથે સંકરણ કરાવી આંતરપ્રજાતીય (intergeneric) સંકર પેદા કરી શકાય, જેથી સંકર બિનજીવનક્ષમતા(inviability)ને ટાળી શકાય. જોકે બહુ દૂરની જાતિઓ વચ્ચેનાં સંકરણો આધુનિક પરિસ્થિતિઓમાં બહોળા પ્રમાણમાં વ્યાપારિક વાવેતર માટે અસફળ રહ્યાં છે.
ગુજરાત રાજ્યમાં શેરડીની દર્શાવેલ સારણી 1માં ખેડૂતોપયોગી જાતોની ભલામણ કરવામાં આવેલ છે.
શેરડીની રોપણી ઑક્ટોબરનવેમ્બર અને જાન્યુઆરીફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે. શેરડીની રોપણી જોડિયા હારમાં કરવામાં આવે છે. બે જોડિયા ચાસ વચ્ચે 60 સેમી. અને બે જોડિયા હાર વચ્ચે 120 સેમી.ના અંતરે રોપવાથી શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. 90 સેમી.થી 105 સેમી.ના અંતરે અથવા કો 8338 જાત માટે 75 સેમી.ના એકસરખા અંતરે પણ રોપણી કરી શકાય.
સારણી 2 : શેરડીનાં જુદાં જુદાં ત્રણ વાવેતરનો સમય અને તેની પ્રચલિતતા
પાકનો પ્રકાર | પાકનો સમય | વાવેતરનો સમય | પ્રચલિતતા |
અડસાલી | 18 મહિનાનો પાક | જૂન-જુલાઈ | ગુજરાતમાં પ્રચલિત નથી. |
પૂર્વ મોસમી | 15 મહિનાનો પાક | ઑક્ટોબર-નવેમ્બર | ગુજરાતમાં થોડી પ્રચલિત છે. |
મોસમી | 12 મહિનાનો પાક | જાન્યુઆરી-ફેબ્રુઆરી | ગુજરાતમાં ઘણી જ પ્રચલિત છે. |
શેરડીની રોપણી માટે તેના કટકાનો ઉપયોગ થાય છે. શેરડીનો સારો પાક લેવા માટે રોગમુક્ત અને તંદુરસ્ત બિયારણ વાપરવામાં આવે છે. રોપણી માટેના કટકા તૈયાર કરવા માટે 10થી 11 માસના શેરડીના પાકમાંથી અને પૂરતા પ્રમાણમાં ખાતર આપી તૈયાર કરેલ ખેતરના મધ્ય ભાગમાંથી સાંઠાની પસંદગી કરવામાં આવે છે. બિયારણ માટે પાકટ શેરડી પસંદ કરવામાં આવતી નથી. શેરડીના સાંઠાનો ઉપરનો 2 કે 3 ભાગ કટકા તૈયાર કરવા માટે પસંદ કરવામાં આવે છે; કારણ કે ટોચના ભાગમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ હોવાથી કટકા ઝડપથી ફૂટી નીકળે છે અને શેરડી ઝડપથી વધે છે. પસંદ કરેલા કટકા 35થી 60 સેમી. લાંબા અને ત્રણ સારી આંખોવાળા હોવા જરૂરી છે. પ્રતિ હેક્ટર 30,000થી 35,000 ત્રણ આંખવાળા કટકા અથવા 50,000 બે આંખવાળા ટુકડાની પસંદગી કરવામાં આવે છે. તે માટે 6.0થી 7.0 ટન શેરડીની જરૂર પડે છે. શેરડીના સાંઠામાંથી કટકા કાપવા માટે કોયતાનો અથવા પહોળા પાનાવાળી કુહાડીનો ઉપયોગ કરાય છે. આંખ ઉપરની છાલ સુકાઈ ગઈ હોય તો કટકાઓને 360 લિ. પાણીમાં એક કિગ્રા. ચૂનો મેળવી તૈયાર કરેલા દ્રાવણમાં 24 કલાક બોળી રાખતાં આંખો પોચી બને છે અને જલદી ફૂટી નીકળે છે.
શેરડીના બિયારણ તરીકે પસંદ કરેલા કટકાને બીજ-માવજત આપવી જરૂરી છે. એક હેક્ટર વિસ્તાર માટે 250 લિ. પાણીમાં 500 ગ્રા. એમિસાન-6 તથા કટકા ઉપર ધોળા ચૂસિયા(મિલીબગ)ની અસર જણાય તો ફિશ ઑઇલ રોઝિન સોપ(માછલીના તેલના સાબુ)ના એક ટકાના દ્રાવણમાં અથવા 500 મિલી. મેલાથિયૉનનું દ્રાવણ બનાવી 5થી 10 મિનિટ કટકા બોળી ત્યારબાદ રોપણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
શેરડીના પાકની રોપણી સૂકી અને ભીની એમ બે પદ્ધતિથી થાય છે. રોપણીની પદ્ધતિનો આધાર જમીનની જાત તેમજ આબોહવા પર રહે છે. કાળી અને ચીકણી જમીનમાં સૂકી પદ્ધતિ અને ગોરાડુ, બેસર તેમજ સારા નિતારવાળી મધ્યમ કાળી જમીનમાં ભીની પદ્ધતિ અપનાવવામાં આવે છે. ભીની પદ્ધતિમાં તૈયાર કરેલ નીકમાં અથવા સળિયામાં પ્રથમ પાણી આપવામાં આવે છે. સૂકી પદ્ધતિમાં શેરડીની રોપણી બાદ પાણી આપવામાં આવે છે.
સૂકી પદ્ધતિમાં રોપણી વખતે કટકા સળિયામાં પાંચ સેમી. ઊંડા રોપી ઉપર હળવો માટીનો થર કરી ધીમે ધીમે પાણી આપવામાં આવે છે. સામાન્ય રીતે છેડાછેડની પદ્ધતિથી રોપણી કરવામાં આવે છે. રોપણી કરતી વખતે કટકા પરની આંખો બાજુએ રહે તેમ રોપવામાં આવે છે. બે ટુકડા સાથે મૂકી રોપણી કરવામાં આવતી નથી.
શેરડીનો પાક લાંબા સમય સુધી જમીન ઉપર રહેતો હોવાથી અને વધારે ઉત્પાદન આપતો હોવાથી પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય અને રાસાયણિક ખાતર આપવાની આવશ્યકતા રહે છે. શેરડીનો 75 ટનનો પાક જમીનમાંથી 225 કિગ્રા. નાઇટ્રોજન, 150 કિગ્રા. ફૉસ્ફરિક ઍસિડ, 230 કિગ્રા. પોટાશ અને 75 કિગ્રા. કૅલ્શિયમનો ઉપાડ કરે છે. પ્રતિ હેક્ટરે 25 ટન છાણિયું ખાતર અથવા 625 કિલોગ્રામ હેક્ટરદીઠ દિવેલીનો ખોળ અથવા 11 ટન જૂનો પ્રેસમડ આપવાની ભલામણ કરવામાં આવે છે.
શેરડીની રોપણી બાદ 30 અને 60 દિવસે દરેક વખતે પ્રતિ હેક્ટરે 2 કિલોગ્રામ એઝેટોબૅક્ટર કે ઍસિટોબૅક્ટર બૅક્ટેરિયલ કલ્ચર આપવાથી 25 ટકા નાઇટ્રોજનનો બચાવ થઈ શકે છે. એઝેટોબૅક્ટર કે ઍસિટોબૅક્ટર કલ્ચરને 100 કિગ્રા. છાણિયા ખાતર સાથે ભેળવી થોડા પાણીનો છંટકાવ કરી એક રાત રાખ્યા બાદ આપવામાં આવે છે.
વધુ ઉત્પાદન અને સારા આર્થિક વળતર માટે રાસાયણિક ખાતર પણ વૈજ્ઞાનિક ખેતીનું એક અતિ મહત્વનું અંગ છે. શેરડીના પાકને હેક્ટરદીઠ 250 કિગ્રા. નાઇટ્રોજન, 125 કિગ્રા. ફૉસ્ફરસ અને 125 કિગ્રા. પોટાશ આપવાની ભલામણ કરવામાં આવે છે. નાઇટ્રોજન ચાર હપ્તામાં આપવામાં આવે છે : રોપણી-સમયે 15 ટકા, 45થી 60 દિવસે 30 ટકા, 90થી 120 દિવસે 20 ટકા અને 150થી 160 દિવસે 35 ટકા. મધ્ય ગુજરાતની ઓછા લભ્ય નાઇટ્રોજનવાળી જમીનમાં 325 કિગ્રા. નાઇટ્રોજન હેક્ટરે આપવામાં આવે છે. ફૉસ્ફરિક ઍસિડયુક્ત ખાતરો સામાન્ય રીતે ગળપણ વધારવા અને સારો ગોળ મેળવવા માટે આપવાં જરૂરી છે. આ ખાતર રોપણી પહેલાં સળિયામાં એક જ હપ્તે આપી હળ વડે જમીનમાં ભેળવી દેવામાં આવે છે. જો શેરડીના વાવેતર અગાઉ શણનો લીલો પડવાશ કરવાનો હોય તો બધો જ ફૉસ્ફરસ શણ વાવતાં પહેલાં તે પાકની પ્રાથમિક ખેડ વખતે આપી દેવો જરૂરી છે.
પોટાશ સામાન્ય રીતે પાકની સારી વૃદ્ધિ માટે તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. આ ખાતરનો બધો જથ્થો રોપણી પહેલાં અથવા પાળા ચઢાવતાં પહેલાં આપવામાં આવે છે. 11 ટન પ્રતિ હેક્ટરે પ્રેસમડ રોપણી-સમયે આપેલ હોય તો ફૉસ્ફરસનો જથ્થો અડધો આપવામાં આવે છે.
શેરડીનો પાક લાંબા ગાળાનો તેમજ વધુ પાણીની જરૂરિયાતવાળો છે. સામાન્ય રીતે મધ્ય ગુજરાતની કાળી તેમજ ગોરાડુ જમીનમાં પાકને 0.9 બાષ્પીભવન-ગુણોત્તરથી 80 મિમી. ઊંડાઈના 16 પિયતની જરૂર રહે છે. નવેમ્બર-ફેબ્રુઆરી સુધી 18થી 22 દિવસના ગાળે, માર્ચ માસમાં 11થી 13 દિવસના ગાળે અને એપ્રિલથી જૂન સુધી 8થી 10 દિવસના ગાળે પિયત આપવી જરૂરી છે.
શેરડીમાં ટપક-પિયત-પદ્ધતિ (Drip irrigation system) અપનાવતા ખેડૂતોએ તેનું જોડિયા હારમાં વાવેતર કરી (60 x 120 x 60 સેમી.) એક લેટરલથી બે હારમાં પિયત કરવામાં આવે છે. આમ કરવાથી ટપક-પદ્ધતિના ખર્ચમાં 40 ટકા ઘટાડા સાથે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ટપક-પદ્ધતિ ચલાવવાનો સમય પ્રતિ કલાકે 4.0 લિ.ના ડ્રીપર હોય ત્યારે એક દિવસના આંતરે 46થી 52 મિનિટ, ઑક્ટોબરથી માર્ચ દરમિયાન 60થી 82 મિનિટ, એપ્રિલથી જૂન દરમિયાન 34થી 46 મિનિટ પાણી આપવામાં આવે છે. ટપક-પદ્ધતિ સાથે દ્રાવ્ય અથવા પ્રવાહી ખાતરો પસંદ કરી રોપણી બાદ એક મહિનાના અંતરે પાંચ સરખા હપ્તામાં દરેક હપ્તે 30-12.5-12.5 નાઇટ્રોજન-ફૉસ્ફરસ-પોટાશ કિગ્રા. હેક્ટરદીઠ આપવામાં આવે છે; જેથી 50 ટકા ખાતરનો બચાવ કરી શકાય છે.
શેરડીના પાકને શરૂઆતના 120 દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જરૂરી છે. નીંદણ-નિયંત્રણ હાથ દ્વારા તેમજ આંતરખેડ દ્વારા કરવામાં આવે છે; તેમ છતાં યોગ્ય સંખ્યામાં મજૂરો ઉપલબ્ધ ન થાય તો નીંદણ-નાશક દવાનો ઉપયોગ કરી તેનું નિયંત્રણ કરવું જરૂરી છે. શેરડી રોપ્યા પછી 2થી 3 દિવસ બાદ હેક્ટરદીઠ 600 લિ. પાણીમાં 2.0 કિલો એટ્રાઝિન અથવા 0.5 કિગ્રા. પ્રમાણે મેટ્રિબ્યુઝિન (સેન્કોર) અને રોપણી પછી 8થી 10 અઠવાડિયે 2-4, D સોડિયમ સૉલ્ટ છાંટવામાં આવે છે અથવા રોપણી પછી 20 અને 60 દિવસે એમ બે વાર પેરાક્વૉટ 0.6 કિગ્રા. છાંટવામાં આવે છે.
શેરડીની બે હરોળ વચ્ચે કોબીજ અથવા ફ્લાવરની એક હરોળ અથવા ડુંગળીની ત્રણ હરોળનું વાવેતર કરી શકાય છે. જો શાકભાજીના બજારની સુવિધા હોય તો મૂળાની બે હરોળ અથવા ઘઉંની બે હરોળ પણ વાવી શકાય છે. મગ અથવા કતારગામ પાપડીનો આંતરપાક લઈ શેરડીના ઉત્પાદન ઉપરાંત વધારાની આવક મેળવી શકાય છે.
શેરડીના પાકમાં રોપણી પછી ત્રીજા મહિને હલકા કદના માટીના પાળા અને પાંચમા મહિને ભારે કદના પાળા ચઢાવવામાં આવે છે. શેરડીનો વધુ ઉતાર લેવા, ખાંડનું પ્રમાણ વધારવા તેમજ જીવાતનું પ્રમાણ ઘટાડવા રોપણીના 6, 7 અને 8 મહિના બાદ – એમ ત્રણ વખત શેરડીના પાકનાં સુકાયેલાં 25 ટકા જેટલાં પર્ણો કાઢવાની ભલામણ કરવામાં આવે છે. શેરડીનાં પર્ણો કાઢી નાખવાથી ભીંગડાવાળી જીવાત અને ચીકટા નામની જીવાતોનું પરોપજીવી જીવાતો વડે અસરકારક નિયંત્રણ થઈ શકે છે. ખેતરોમાં પાણીના ભરાવાની મુશ્કેલી ધરાવતા શેરડી પકવનાર ખેડૂતોને બે ખેતરો વચ્ચે એક મીટર ઊંડી નિતાર-નીકો બનાવવાની ભલામણ કરવામાં આવે છે; જેથી જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે છે અને શેરડીનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ખેતરમાં શેરડીની સૂકી પાતરી બાળવાની સલાહ આપવામાં આવતી નથી.
શેરડીના રોગો : ભારતમાં શેરડી મહત્વનો રોકડિયો પાક છે. આબોહવાને આધીન શેરડીના પાક ઉપર મોટેભાગે ફૂગજન્ય રોગો જોવા મળે છે. વળી દસેક જીવાણુઓથી, દસેક વાયરસથી અને પચાસ જેટલા કૃમિજન્ય રોગો જોવા મળે છે. આ રોગોને કારણે શેરડીનું ઉત્પાદન 10થી 15 ટકા ઘટી જાય છે. પરિણામે ખાંડ-ઉત્પાદનમાં વળતર (રિકવરી) 0.5 %થી 2 % સુધી ઓછું મળે છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત, બિહાર, ઓરિસા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં 40 % જેટલો વિસ્તાર શેરડીના વાવેતર હેઠળ છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના કેટલાક ભાગોમાં શેરડીની ખેતી થાય છે. ગુજરાત રાજ્યમાં શેરડીમાંથી ખાંડ ઉત્પાદન કરવાનો ઉદ્યોગ સહકારી ધોરણે ચાલે છે. આ સહકારી ઉદ્યોગની કામગીરી નમૂનારૂપ છે. તેને પરિણામે શેરડીના પાકની ખેતપદ્ધતિ અને મહત્તમ ઉત્પાદન મેળવવા માટે અનેક વૈજ્ઞાનિક અને તકનીકી ભલામણો થાય છે. હાલમાં શેરડીમાં થતા વિવિધ રોગોથી થતા નુકસાન અને તેની નિયંત્રણ-વ્યવસ્થા અંગે ખૂબ સારી સંશોધન-કામગીરી ચાલે છે. ભારતમાં મહત્વના શેરડીના રોગો આ મુજબ છે :
રાતો સડો Physalospora tucumanensis (Glomerella tucumanensis) નામની પૂર્ણ અવસ્થાવાળી ફૂગ અને Colletotrichum falcatum નામની અપૂર્ણ ફૂગ દ્વારા થાય છે. શેરડીના સાંઠા અને પર્ણો પર લાલ રંગનાં ટપકાંઓ ઉત્પન્ન થાય છે, જેમનો મધ્ય ભાગ સફેદ હોય છે. રોગની પ્રગતિ થતાં ટપકાં બદામી બને છે. પ્રકાંડની જલવાહક અને અન્નવાહક પેશીના નાશથી પર્ણો સુકાય છે. પર્ણની મધ્યશિરા અને પર્ણાવરકો ઉપર ઘણી વાર લાલ ચમકતાં ચાઠાં ઉત્પન્ન થાય છે. રોગ-અવરોધક જાતોનું વાવેતર અને ફૂગનાશકોનો છંટકાવ રાતા સડાના નિયંત્રણ માટેના સંતોષજનક ઉપાયો છે. રોગમુક્ત કટકાઓનો વાવેતર માટે ઉપયોગ કરવામાં આવે છે. રોગિષ્ઠ ભાગોને બાળી નાખવામાં આવે છે.
Ustilago scitaminea Syd. દ્વારા શેરડીને અંગારિયો રોગ લાગુ પડે છે. રાતા સડા પછી તે બીજા ક્રમનો મહત્વનો રોગ છે. રોગિષ્ઠ પ્રરોહો તેમનાં વર્ધીબિંદુઓમાંથી કાળા ચાબુક જેવી કુંતલન પામેલી રચનાઓ ઉત્પન્ન કરે છે, જે શરૂઆતમાં પાતળા સફેદ પટલ વડે આવરિત હોય છે. એથી પાકને નજીવાથી માંડી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે છે. શેરડીના અંગારિયાના નિયંત્રણ માટેનો સરળ અને શ્રેષ્ઠ ઉપાય રોગ-અવરોધક જાતનું વાવેતર છે. રોગિષ્ઠ અંગોને બાળી નાખવામાં આવે છે. કટકાઓને ડાઇથેન, ફર્મેટ, બૉરેક્સ, બૉર્ડોમિશ્રણ, પેરેનૉક્સ અને એગ્રોસન જેવાં ફૂગનાશકોની સારવાર સપાટી પર થતી મલિનતા (contamination) સામે અસરકારક ગણાય છે. જો રોગજન પેશીમાં હાજર હોય તો ચેપગ્રસ્ત કટકાઓને 52° સે. ગરમ પાણીમાં 18 મિનિટ ડુબાડી રાખવામાં આવે છે. મૃદામાં રહેલા અંગારિયાના બીજાણુઓને યોગ્ય પોષણ ન મળે તેવા પાકની ફેરબદલી કરવામાં આવે છે.
‘ફ્યુઝેરિયમ સેટ’ (Fusarium sett) કે ‘થડનો સડો’ (stem rot) નામનો રોગ શેરડીને Cephalosporium sacchari Butl. નામની ફૂગ દ્વારા લાગુ પડે છે. તે એકલો અથવા રાતા સડાની સાથે થાય છે અને પાકને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ રોગને કારણે ફ્લોરિડા એવરગ્લેડસમાં 1955-56માં 16.8 ટનથી 22.5 ટન પ્રતિ હેક્ટર જેટલું નુકસાન થયું હતું. આ રોગ ભારતમાં ઉત્તરપ્રદેશ, બિહાર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં માલૂમ પડ્યો છે. તે રાતા સડાની જેમ મજ્જાપેશીમાં રાતો રંગ ઉત્પન્ન કરે છે. તે બીજાંકુરણમાં ઘટાડો કરે છે. એપ્રિલ-મેમાં તરુણ પ્રરોહો સુકાય છે. ઑગસ્ટ-ડિસેમ્બરમાં સાંઠા સુકાય છે. પ્રકાંડ પછી પર્ણો સુકાવા લાગે છે. સમગ્ર પાક સુકારો સહન કરતો હોય તેવું શ્ય બને છે. પ્રકાંડ હલકાં અને પોલાં બને છે. ચેપગ્રસ્ત સાંઠામાંથી દુર્ગંધ આવે છે. રોગજન મૃદામાં 27થી 31 માસ સુધી જીવે છે. મૃદાનો pH 7.00થી 8.00 હોય અને C/Nના ગુણોત્તરમાં વધારો થતાં ચેપ વધે છે. રોગનો પ્રસાર પવન, વરસાદ અને સિંચાઈને કારણે ઝડપી થાય છે. શેરડીનો વેધક Diatraea saccharalis, Fabricus અને તેના પરોપજીવી Bassus stigmaterus Cress. દ્વારા આ ફૂગનું એક છોડ પરથી બીજા છોડ તરફ વહન થાય છે.
રોગ-અવરોધક જાતના વાવેતર દ્વારા રોગનું નિયંત્રણ થતું હોવા છતાં આ ફૂગ ખૂબ પરિવર્તનશીલ હોવાથી તેની નવી વધારે ઉગ્ર (virulent) જાતો ઉત્પન્ન કરે છે, તેથી વર્તમાન રોગ-અવરોધક જાત રોગસંવેદી બને છે. વાવેતર માટે રોગમુક્ત બીજનો ઉપયોગ રોગનિયંત્રણનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. શેરડીના કટકાઓને વાવતાં પહેલાં 1.0 % એગેલોલની ચિકિત્સા લાભદાયી ગણાય છે. બોરોન કે મગેનીઝ 40 પી. પી. એમ.ની સાંદ્રતાએ મૃદામાં આપતાં અથવા તંદુરસ્ત કટકાઓને બોરોન કે મગેનીઝના ક્ષારના દ્રાવણમાં ડુબાડવાથી રોગની માત્રામાં ઘટાડો થાય છે.
પીળાં ટપકાંનો રોગ Cercospora koepkei દ્વારા થાય છે. તેનો ચેપ ખૂબ તીવ્ર હોવા છતાં શેરડીના ઉત્પાદનમાં ખાસ ઘટાડો થતો નથી, પરંતુ શેરડીના રસની ગુણવત્તા બગડે છે. મધ્યશિરા સહિત પર્ણો પર વિવિધ કદનાં અનિયમિત આકારનાં પીળાં ટપકાં જોવા મળે છે. ઘણી વાર તો સમગ્ર પર્ણ પીળું બની જાય છે અને છેવટે રતાશ પડતો બદામી રંગ ધારણ કરે છે. રોગ જુલાઈ-ઑગસ્ટમાં દેખાય છે અને નવેમ્બર સુધી પ્રસાર પામે છે.
આ રોગનું સૌથી સંતોષકારક નિયંત્રણ રોગ-અવરોધક જાતિનો વિકાસ અને તેનો ઉપયોગ છે. કો. 975 આ રોગથી મુક્ત એવી વિકસાવાયેલી જાત છે. પર્ણો પર ટપકાં દેખાવાં શરૂ થાય ત્યારે કૉપર ઑક્સિક્લોરાઇડ(0.5 %)નો છંટકાવ કરી રોગનિયંત્રણ કરી શકાય છે.
બદામી પટ્ટાનો રોગ Helminthosporium stenosplilum Drechs. દ્વારા, તળછારા(downy mildew)નો રોગ Sclerospora sacchari Miy દ્વારા, આંખનાં ટપકાંનો રોગ Helminthosporium sacchari (de Hann) Butl. દ્વારા, પાઇનેપલ રોગ Ceratocystis paradoxa (de Seynes) Moreau દ્વારા, ગેરુ Puccinia Kuehnii (Krüg.) Butl. અને P. erianthi Padw. et. Khan દ્વારા, મૂળનો સડો Pythium arrhenomanes Drechs. દ્વારા શેરડીને થતા અન્ય રોગો છે.
વાઇરસ દ્વારા થતા લગભગ 13 જેટલા રોગો આ પ્રમાણે છે : હરિમાહીન લિસોટા(chlorotic streak)નો રોગ, ફિજીનો રોગ, મોઝેક, રાટૂન કુંઠિતતા (ratoon stunting), લિસોટા, વામન (dwarf), ગ્રાસી શૂટ (grassy shoot), ક્યૂ. 13 રોગ, વલય મોઝેક, સેમ્બુર, સેરેહ, સ્પાઇક અને પટ્ટિત મોઝેક (striate mosaic). ફિજી મોઝેક, રાટૂન, કુંઠિતતા, હરિમાહીન લિસોટા અને લિસોટાના વાઇરસના વાહકો કીટકો છે.
વાઇરસ દ્વારા થતા રોગોથી થતું આર્થિક નુકસાન દેશે દેશે જુદું જુદું હોય છે. હરિમાહીન લિસોટા દ્વારા શેરડીના ઉત્પાદનમાં 13 %થી 55 % જેટલો ઘટાડો થાય છે. ક્વિન્સલૅન્ડમાં રાટૂન કુંઠિતતા દ્વારા 37 % જેટલો શેરડીના પાકમાં ઘટાડો જોવા મળે છે. ગ્રાસી શૂટને કારણે શેરડીના ઉત્પાદનમાં 14.0 %થી 19.7 % અને રસમાં સુક્રોઝના પ્રમાણમાં 6.2 %થી 13.7 % જેટલો ઘટાડો થાય છે.
ગ્રાસી શૂટ (grassy shoot disease) અને પીળિયા (yellowing) કે રંગહીનતા(albinism)નો રોગ એક જ ગણાય છે. ચેપગ્રસ્ત છોડ નાના ખીચોખીચ સમૂહોમાં પાતળા પ્રરોહોનો કુંઠિત જથ્થો ધરાવે છે. ચેપી પ્રરોહો પર લાંબી; નાજુક, શલ્કી (scaly) કલિકાઓ હોય છે. પર્ણોમાં સ્પષ્ટપણે હરિમાહીનતા (chlorosis) જોવા મળે છે. રોગિષ્ઠ કટકાઓનું અંકુરણ ખૂબ ધીમું થાય છે. રોગનું જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો શેરડીના ઉત્પાદનમાં ગંભીર નુકસાન પહોંચે છે. વાઇરસનું પ્રેષણ આરોપણ માટેના કટકાઓ દ્વારા, અસરગ્રસ્ત સાંઠાઓને કાપવાના ચપ્પાઓ દ્વારા અને પર્ણોના રસના સંપર્ક દ્વારા થાય છે. Longiunguis sacchari, L. indosacchari અને Rhopalosiphum maidis નામના કીટકો આ રોગના વાહકો છે. જુવાર તેની સહપાર્શ્ર્વીય (collateral) યજમાન વનસ્પતિ છે. આરોપણ માટે રોગમુક્ત કટકાઓની વ્યવસ્થા રોગનિયંત્રણ માટેનો સૌથી સારો ઉપાય છે. આરોપણ માટેના કટકાઓને 50° સે. ગરમ પાણીમાં 2 કે 3 કલાક માટે અથવા 54° સે. ગરમ હવામાં 8 કલાક માટે રાખતાં વાઇરસ નિષ્ક્રિય બને છે અને ચેપની ક્રિયા લઘુતમ બને છે. રોગિષ્ઠ સાંઠાઓને બાળી નાખવામાં આવે છે.
મોઝેક રોગ Marmor sacchari નામના વાઇરસ દ્વારા થાય છે. આ વાઇરસ દંડાકાર હોય છે. તેના સાત જેટલા પ્રભેદો (strains) શોધાયા છે. ધીમી વૃદ્ધિ અને અનિયમિત આકારના અસંખ્ય, આછા લીલાથી પીળા રંગના વિસ્તારો સહિતની પર્ણોની પીળા પડવાની ક્રિયા મોઝેક રોગનું મુખ્ય લક્ષણ છે. આ રોગનું પ્રેષણ કીટકો અને યાંત્રિક સંરોપણ (inoculation) દ્વારા થાય છે. શેરડીના પ્રસર્જન માટે વપરાતા ચેપગ્રસ્ત કટકાઓ દ્વારા વાઇરસનું વહન થાય છે. મકાઈના પાનનો કીટક Rhopalosiphum maidis અને બીજા ત્રણ કીટકો વાઇરસનું પ્રેષણ કરે છે. જુવાર, મકાઈ અને બીજાં ઘાસ કે જે શેરડીની નજીક થતાં હોય તેમને પણ આ રોગ થાય છે. રોગનું નિયંત્રણ મૂલોચ્છેદ (eradication), વાવેતરની પદ્ધતિઓ, ચેપગ્રસ્ત અંગોને બાળી નાખવાથી અને રોગ-અવરોધક જાતના વાવેતર દ્વારા થઈ શકે છે. રોગ-અવરોધક જાતનો વિકાસ સૌથી અસરકારક ઉપાય ગણાય છે.
રાટૂન કુંઠિતતાના રોગથી 37 % જેટલું નુકસાન થાય છે. રોગિષ્ઠ શેરડીમાં અતિશય કુંઠિતતા જોવા મળે છે. તે મૃદામાં રહેલા પાણીની અછત માટે સંવેદી હોય છે. તરુણ પ્રરોહોનો અપરિપક્વ ગાંઠનો પ્રદેશ ગુલાબી રંગનો બને છે. ચેપગ્રસ્ત કટકાઓનું અંકુરણ ધીમું હોય છે. વધારે પાતળા અને ટૂંકા સાંઠાઓને કારણે ઉત્પાદન ઘટે છે. રોગિષ્ઠ સાંઠાની રાટૂન કુંઠિતતા તંદુરસ્ત પાક કરતાં વધારે ધીમે શરૂ થાય છે. ચપ્પાં કે દાતરડાં જેવાં વાવણીનાં સાધનો દ્વારા રોગનું પ્રસારણ થાય છે. શેરડીના ખેતરની નજીક થતાં જુવાર, મકાઈ અને ઘાસને તેનો ચેપ લાગે છે અને વાઇરસ ફરી પાછો શેરડીને ચેપ લગાડે છે. વાવણી માટે તંદુરસ્ત કટકાઓ પૂરા પાડવા, વાવણી વખતે ચેપરહિત સાધનોનો ઉપયોગ કરવો, રોગ-અવરોધક જાતિનું વાવેતર અને ગરમ પાણી(50° સે. તાપમાન, 3 કલાક)ની બીજચિકિત્સા રોગનિયંત્રણના ઉપાયો છે.
બૅક્ટેરિયા દ્વારા શેરડીને કોઈ ગંભીર નુકસાન પહોંચાડતા રોગો થતા નથી. બૅક્ટેરિયા દ્વારા શેરડીને પાંચ રોગો લાગુ પડે છે; જેમાં ગુંદરિયો (gummosis), પાનની ઝાળ(leaf scald)નો રોગ, લાલ પટ્ટાનો રોગ, બૅક્ટેરિયલ મોટલ અને કર્બૂરિત પટ્ટાના રોગનો સમાવેશ થાય છે. ગુંદરિયો Xanthomonas vasculorum દ્વારા થાય છે. આ રોગથી શેરડીના ઉત્પાદનમાં લગભગ 40 % (ટનમાં) અને રસમાં 17 % શર્કરાનો ઘટાડો થાય છે. તેનું મુખ્ય લક્ષણ શેરડીના સાંઠાના કાપેલા છેડેથી પીળાથી માંડી નારંગી-પીળા ગુંદરના જથ્થાનો સ્રાવ છે. વાવણી માટેનાં ચેપરહિત સાધનોનો ઉપયોગ, રોગગ્રસ્ત અંગો બાળી નાંખવાં અને રોગ-અવરોધક જાતનો વિકાસ અને વાવેતર એ ગુંદરિયા રોગના નિયંત્રણના ઉપાયો છે.
લાલ પટ્ટાનો રોગ Xanthomonas rubrilineans દ્વારા, પાનની ઝાળ X. albineans દ્વારા, બૅક્ટિરિયલ મોટલ Protobacterium carotovorum var. graminarum દ્વારા અને કર્બૂરિત પટ્ટાનો રોગ Pseudomonas rubrisubalbicans દ્વારા થાય છે.
શેરડીના વેધકોની જીવાતના નિયંત્રણ માટે કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા 33 કિગ્રા. પ્રતિ હેક્ટરે રોપણી બાદ 30થી 150 દિવસે જમીનમાં આપવામાં આવે છે. અથવા ફોરેટ 10 કિગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે રોપણી બાદ 30, 90 અને 150 દિવસે જમીનમાં આપવામાં આવે છે. વેધકોના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા (40,000) નામની ઍસ્કોમાઇસેટિસ ફૂગની જાતિઓ માટીમાં ભેળવી જમીનમાં નાંખવામાં આવે છે.
શેરડીની સફેદ માખીને કાબૂમાં લેવા માટે એન્ડોસલ્ફાન 35 ઈસી, 29 મિલી. અથવા એસિટેટ 75 એસપી. 13.5 ગ્રા. અથવા ટ્રાઇઝોફૉસ 40 ઈસી., 12.5 મિલી., 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવામાં આવે છે. 40 મેશની જાળી લગાડેલાં પિંજરોનો ઉપયોગ પણ કરવામાં આવે છે.
શેરડીની મધ્યમ રોગપ્રતિકારક જાતો જેવી કે કો. 6806, કો. 8338, કોએલકે 8001, કો. એન. 91132, કો.- 87263, કોએન-85134 અને કોએન-95132નું વાવેતર કરવામાં આવે છે. શેરડીની રોપણી વખતે સીઝન પ્રેસમડમાં ઉગાડેલ ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ(જૈવિક આસ્કોમાઇરિટીસ ફૂગ)નું સંવર્ધન પ્રતિ હેક્ટરે 8 ટન પ્રમાણે ચાસમાં આપવામાં આવે છે. રોગમુક્ત ટુકડા અથવા કટકાનો રોપણી માટે ઉપયોગ કરવામાં આવે છે.
શેરડીનો બડઘા બીજા પાકની ખેતીમાં ધ્યાનમાં રાખવામાં આવતી કાળજીઓ જેવી કે (1) શેરડીના જડિયાંની આંખોમાં વધુ અંકુર નીકળે તે માટે કાપણી જમીન-સપાટીથી બરાબર સરખી રીતે કરવી જોઈએ અથવા ખૂંપરા કાપવા જોઈએ. (2) પિયત આપ્યા બાદ વરાપ આવે ત્યારે શેરડીની હારની બંને બાજુ નજીકથી હાથથી ખેડ કરવી જોઈએ. જેથી મૂળ તૂટે છે અને વાતન (aeration) વધે છે તથા નવાં મૂળ ફૂટે છે, જે પોષકતત્વો વધારે પ્રમાણમાં ચૂસી પાકના વિકાસમાં મદદ કરે છે. વચ્ચેના ગાળામાં આંતરખેડ ગાંધી એલન કરબડી અથવા ટ્રૅક્ટર વડે કરવી જરૂરી થાય છે. (3) શેરડીના લામ કે બડધા પાકનું આર્થિક રીતે વધુ ઉત્પાદન મેળવવા માટે આ પાકમાં જ્યાં 50 સેમી.થી વધારે અંતરના ગાબડાં/ડૂલ પડેલાં હોય ત્યાં અગાઉથી ઊછરેલ જે તે જાતના એક આંખવાળા ધરુ અથવા તો લામ પાકના અંકુરિત પીલા રોપી ગાબડાં/ડૂલ પૂરવામાં આવે છે. (4) લામ પાક ત્રણથી ચાર માસનો થાય ત્યાં સુધી જરૂર મુજબ નીંદામણ તથા બેથી ત્રણ વખત આંતરખેડ કરવામાં આવે છે. વળી માટીના હળવા પાળા ચઢાવવા જરૂરી હોય છે. (5) રોપાણ-પાકનું ઉત્પાદન સંતોષકારક હોય તેમજ પાક રોગમુક્ત હોય તો જ લામ/બડધા પાક લેવો ઇષ્ટ છે. વર્તમાન સંજોગોમાં સુકારા તેમજ રાતડાના રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આથી આવી પરિસ્થિતિમાં ફક્ત એક જ લામ કે બડધા પાક લેવો હિતાવહ છે.
શેરડીની ખેતીમાં બીજનું મહત્વ છે અને તે ખાસ કાળજી માગી લે છે. શેરડીનો પાક વાનસ્પતિક પ્રસર્જન(સાંઠાના ટુકડા કે કટકારોપણ)થી કરવામાં આવે છે. આથી જનીનિક શુદ્ધતા અને રોગ-જીવાતના પ્રશ્નો બાબત પૂરી કાળજી ન લેવામાં આવે તો તે બીજ સાથે જ આવે છે. આમ, શેરડીની ખેતીમાં બીજ-ઉત્પાદન ખૂબ જ અગત્યનું પરિબળ છે. માટે દરેક ખેડૂતે અથવા બેથી ત્રણ ખેડૂતોએ સમૂહમાં બીજ-પ્લૉટ બનાવવો ઇચ્છનીય છે; જેથી તંદુરસ્ત અને તાજું બિયારણ સમયસર મળી રહે તેમજ પરિવહનનો ખર્ચ ઓછો આવે. આ અંગે નીચે દર્શાવેલ સૂચનો ધ્યાનમાં રાખવામાં આવે છે : (1) બીજ-પ્લૉટ માટે અગાઉના વર્ષમાં સુકારો તેમજ રાતો સડો ન થયો હોય અને શેરડી સિવાય અન્ય પાકો અને લીલો પડવાશ જેમાં કરેલ હોય તેમજ પાણી અને રસ્તાની સારી સગવડ હોય તેવા ખેતરની પસંદગી કરવામાં આવે છે. (2) શેરડીની નવી જાતની ઝડપી વૃદ્ધિ માટે એક આંખવાળા ટુકડામાંથી તૈયાર કરેલ 30 દિવસના છોડને અથવા એક આંખવાળા ટુકડાને 90 સેમી. ત્ 50 સેમી.ના અંતરે અથવા બે આંખવાળા ટુકડાને 90 સેમી. x 80 સેમી.ના અંતરે રોપવાથી બીજવૃદ્ધિ-ગુણોત્તર સારો મેળવી શકાય છે. (3) રોપણી સમયે 10 માસનું કુમળું બિયારણ મળી રહે તે પ્રમાણે બીજ-પ્લૉટની વાવણી કરવામાં આવે છે. બીજ-પ્લૉટને સપ્ટેમ્બર કે ઑક્ટોબર માસના પ્રથમ અઠવાડિયામાં હેક્ટરે 50.0 કિગ્રા. વધારાનો નાઇટ્રોજન આપવામાં આવે છે. વળી નીચેનાં સૂકાં પર્ણો ઉતારવામાં આવતાં નથી. (4) શેરડીનાં તંદુરસ્ત અને રોગમુક્ત બિયારણ માટે પેશી-સંવર્ધન(tissue-culture)થી તૈયાર કરેલ છોડની 1 x 1 મી.ના અંતરે રોપણી કરવામાં આવે છે. હેક્ટરદીઠ પાક સારો હોય તો 75થી 80 ટન ઉત્પાદન મળે છે.
શેરડીનું રાસાયણિક બંધારણ શેરડીની જાત ઉપર અને વાવેતરના સ્થાન અને પરિપક્વતા પર આધાર રાખે છે. ભારતીય શેરડીના સામાન્ય રાસાયણિક બંધારણની માત્રા આ પ્રમાણે છે : પાણી 70 %થી 75 %, શર્કરાઓ (સુક્રોઝ, ગ્લુકોઝ અને ફ્રૂક્ટોઝ) 12 %થી 15 %, રેસો 12 %થી 20 %, નાઇટ્રોજનયુક્ત પદાર્થો 0.3 %થી 0.4 %, લિપિડ અને મીણ 0.15 %થી 0.25 %, ગુંદર અને પૅક્ટિન 0.15 %થી 0.25 %, મુક્ત ઍસિડ 0.08 %થી 0.12 %, સંયોજિત ઍસિડ 0.10 %થી 0.12 % અને ભસ્મ 0.3 %થી 0.5 %. આંતરગાંઠોમાં ગાંઠો કરતાં સુક્રોઝ વધારે હોય છે અને પરિપક્વ સાંઠાના મધ્યભાગમાં આવેલી આંતરગાંઠોમાં સુક્રોઝની સાંદ્રતા મહત્તમ હોય છે. છાલ અને તેના નજીકના ભાગમાં સુક્રોઝ ખૂબ ઓછો હોય છે અને રેસા વધારે પ્રમાણમાં હોય છે.
શેરડીનો રસ અપારદર્શી, શેરડીના રંગને આધારે ભૂખરાથી માંડી ઘેરા લીલા રંગનો હોય છે. તેનું બંધારણ શેરડીની ગુણવત્તા અને રસ-નિષ્કર્ષણની પદ્ધતિ પર આધાર રાખે છે. શેરડીની વિવિધ જાતિઓમાં રહેલા રસના ઘટકોનું વિશ્લેષણ સારણી 3માં દર્શાવવામાં આવ્યું છે :
સારણી 3 : શેરડીની કેટલીક જાતોમાં રસનું બંધારણ (% રસના વજનને આધારે)
કો. 313 | કો. 453 | કો. 419 | કો. 527 | કો. 997 | બી.ઓ. 3 | |
સુક્રોઝ | 19.94 | 18.37 | 17.97 | 19.19 | 20.71 | 18.42 |
ગ્લુકોઝ | 0.26 | 0.28 | 0.81 | 0.31 | 0.15 | 0.42 |
કુલ કલિલ | 0.42 | 0.96 | – | – | – | 0.67 |
ગુંદર | 0.09 | 0.15 | – | – | – | 0.13 |
પૅક્ટિન (કૅલ્શિયમ પૅક્ટેટ તરીકે) | 0.02 | 0.03 | – | – | – | 0.03 |
કુલ કાર્બનિક નાઇટ્રોજન | 0.07 | 0.07 | 0.018 | 0.014 | 0.015 | 0.07 |
પ્રોટીનરહિત નાઇટ્રોજન | 0.03 | 0.05 | 0.006 | 0.005 | 0.005 | 0.04 |
ભસ્મ | 0.57 | 0.86 | 0.29 | 0.38 | 0.35 | 0.67 |
દ્રાવ્ય સિલિકા | 0.01 | 0.02 | – | – | – | 0.01 |
Fe2O3 + Al2O3 | 0.06 | 0.12 | – | – | – | 0.09 |
CaO | 0.03 | 0.05 | – | – | – | 0.04 |
P2O5 | 0.03 | 0.02 | 0.022 | 0.024 | 0.027 | 0.02 |
MgO | 0.02 | 0.04 | – | – | – | 0.03 |
શેરડીના રસમાં થાયેમિન 53 માગ્રા. (માઇક્રોગ્રામ), રાઇબૉફ્લેવિન 31 માગ્રા., નાયેસિન 49 માગ્રા., પૅન્ટોથેનિક ઍસિડ 2180 માગ્રા., બાયૉટિન 22 માગ્રા. અને વિટામિન ‘ડી’ 176 માગ્રા./100 ગ્રા. હોય છે.
સ્ટાર્ચ 0.001 %થી 0.05 % હોય છે. સ્ટાર્ચના કણો ગાંઠ પાસેના ભાગોમાં એકત્રિત થયેલા હોય છે, જે અંકુરણ માટે સંચિત ખોરાક પૂરો પાડે છે. સ્ટાર્ચનું વધારે પ્રમાણ રસ પર પ્રક્રિયા કરવામાં મુશ્કેલીઓ ઊભી કરે છે.
શેરડીના રસમાં રહેલા ઉત્સેચકોમાં ઇન્વર્ટેઝ, ઑક્સિડેઝ, ડાયાસ્ટેઝ, પૅપ્ટોનીકરણ ઉત્સેચકો, લૅક્ટેઝ, પૅરૉક્સિડેઝ, ટાયરોસિનેઝ વગેરેનો સમાવેશ થાય છે. ઇન્વર્ટેઝ સુક્રોઝનું ધીમું જલાપઘટન કરતો ઉત્સેચક છે. ઑક્સિડેઝ રસના નિષ્કર્ષણ પછી તરત જ રસને વધારે ઘેરા રંગનો બનાવે છે. શેરડીના રસમાં અપચાયક (reducing) ઉત્સેચકો પણ હોય છે.
શેરડીના રસમાં દ્રાવ્ય ગુંદર હોય છે, જે રસ પરની પ્રક્રિયા કરવામાં અને ખાંડના સ્ફટિકીભવન(crystallization)માં અનિચ્છનીય અસર ઊભી કરે છે. આ ગુંદરના જલાપઘટન દ્વારા ગ્લુકોઝ, ગૅલૅક્ટોઝ, ઍરેબિનોઝ, ઝાયલોઝ અને રહેમ્નોઝ જેવી શર્કરાઓ પ્રાપ્ત થાય છે. રસમાં ડેક્સ્ટ્રૉન પણ હોય છે.
શેરડીના રસમાં ક્લૉરોફિલ, ઍન્થોસાયનિન અને સેકેરેટિન નામનાં રંજક દ્રવ્યો હોય છે. ‘પર્પલ મોરિશિયસ’ જાતની છાલમાંથી જાંબલી ઍન્થોસાયનિન, મોરિટિનિન પ્રાપ્ત કરવામાં આવ્યું છે. મોરિટિનિન માલ્વિડિનના પેન્ટોઝ ગ્લાયકોસાઇડ તરીકે હમણાં ઓળખવામાં આવ્યું છે.
શેરડી એક લાંબા ગાળાનો અગત્યનો રોકડિયો પાક છે. કૃષિ-આધારિત કાપડ-ઉદ્યોગ પછી બીજા ક્રમે ખાંડ-ઉદ્યોગની ગણતરી થાય છે. દુનિયાભરમાં ખાંડનું જે ઉત્પાદન થાય છે, તે પૈકી લગભગ 60 % ખાંડ શેરડીમાંથી બને છે. શેરડીનું ગૌણ ઉત્પાદન પણ અગત્યનું છે. શેરડીના પિલાણ બાદ મળતાં ગૌણ ઉત્પાદનની ટકાવારી સારણી 4માં આપેલ છે.
સારણી 4 : શેરડીના પિલાણ બાદ મળતાં ગૌણ ઉત્પાદનો અને તેમનું પ્રમાણ
અનુક્રમ | ગૌણ પદાર્થો | પીલેલ શેરડીના વજન પ્રમાણે ટકાવારીમાં |
1. | શેરડીના ટોચકા | 2.25 |
2.. | ફિલ્ટર પ્રેસમડ | 2.5થી 3.5 |
3. | બૉઇલરમાંથી મળતી રાખ | 0.3 |
4. | બગાસિસ | 30.0થી 35 |
5. | મૉલૅસિઝ (રસી) | 4.0થી 5.0 |
ભારતમાં ઉપર્યુક્ત ગૌણ પદાર્થોનો ફક્ત નાના પાયા પર અને મર્યાદિત વપરાશ થાય છે. શેરડીની ગણતરી મૂલ્યવર્ધિત (value addition) પાકમાં કરવામાં આવે છે.
શેરડીના પિલાણના વજન પ્રમાણે શેરડીના કૂચા (bagasse) આશરે 30થી 35 % જેટલા મળે છે. જો આ કૂચાનો ઊર્જા ઉત્પન્ન કરવાના સ્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી રાખ મળે છે. તેનો બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. કૂચામાંથી પૂંઠાં, ફિલ્ટર-પેપર વગેરે બનાવી શકાય છે. શેરડીનું કારખાનું એક દિવસના 2400 મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરે તો તે માટે કલાકદીઠ 52 મેટ્રિક ટન વરાળની જરૂર પડે છે. 52 મેટ્રિક ટન વરાળ 23.62 મેટ્રિક ટન કૂચા એક કલાક બાળવાથી મળે છે. રેસા પેપરની બનાવટ માટેનાં બંડલોમાંથી છૂટા પાડીને મેળવવામાં આવે છે. આ છાલ ગર અલગ કરીને મેળવવામાં આવે છે. કૂચા નકામાં રૂ કે ચીંથરાંની જગ્યાએ વાપરી શકાય છે.
પિલાણના વજનના આધારે ફિલ્ટર પ્રેસમડ આશરે 2.5થી 3.5 જેટલો મળે છે. 1000 મેટ્રિક ટન શેરડીનું પિલાણ કરવાથી આશરે 9 મેટ્રિક ટન જેટલો પ્રેસમડ મળે છે. આ પ્રેસમડ સેન્દ્રિય ખાતર તરીકે તેમજ જમીન-સુધારણામાં ઉપયોગમાં લઈ શકાય છે. તેમાંથી સોલવન્ટ સાથે અર્ક કાઢતાં આશરે 725 કિગ્રા., પ્રેસમડમાં 1.0 %થી 1.5 % નાઇટ્રોજન, 1.0 %થી 2.5 % ફૉસ્ફરસ અને 0.5 %થી 1.0 % પોટાશ મળે છે. 5 %થી 14 % જેટલું મીણ મળે છે અને બાકી રહેલ સૂકો પદાર્થ તે જ પ્રેસમડ હોય છે.
0.3 % જેટલા વજન પ્રમાણેની કૂચામાંથી મળતી રાખને ખેતરમાં પાથરવામાં આવે છે અને તે ખાતર તરીકેનું કામ આપે છે. ભારતીય શેરડીની રાખનું બંધારણ આ પ્રમાણે છે : SiO2 (71.9 %), Al2O3 (1.9 %), Fe2O3 (7.8 %), CaO (3 %), MgO (0.32 %), K2O (8.2 %), Na2O (3.4 %) અને MnO2 (0.2 %) છે. કૂચાની રાખમાંથી ગ્લાસ પણ બનાવી શકાય છે. તેમાંથી બનતા ગ્લાસ ઘણી ઊંચી ગુણવત્તાવાળા હોય છે. કૂચાની રાખમાં TiO2 અને B2O3 અને થોડા પ્રમાણમાં બ્લાસ્ટ ફરનેસ સ્લજ ઉમેરવાથી તૂટે-ભાંગે નહિ તેવા ગ્લાસ પણ મેળવી શકાય છે. તે વાસણો તેમજ રેસા બનાવવામાં ઉપયોગી છે.
મૉલૅસિઝ સૌથી સસ્તો કાર્બોદિત પદાર્થનો સ્રોત છે. તે પશુ-આહારમાં 10 % અને મરઘાં-આહારમાં વધુમાં વધુ 5 % સુધી વાપરી શકાય છે. મૉલૅસિઝ પેલેટ (ગોળી) બનાવવા બંધક (binder) તરીકે વપરાય છે. વળી ભૂકાવાળા દાણમાંથી રજકણો ઊડે છે. તેને લીધે જાનવરોને આહાર ખાવામાં મુશ્કેલી પડે છે, તે દૂર કરે છે. મૉલૅસિઝ કે શેરડીના કૂચાનાં ચોસલાં બનાવી ખાણદાણ તરીકે પણ વાપરી શકાય છે. મૉલૅસિઝમાંથી પેટ્રો-રસાયણો પણ બનાવી શકાય છે. ગોળની રસીનો ઉપયોગ ચલમ તથા હુક્કાની તમાકુ તૈયાર કરવા માટે થાય છે.
આ સિવાય શેરડીનાં મૂળિયાં અને સૂકાં પાનની પાતરીનો ઉપયોગ ગળતિયું ખાતર બનાવવા માટે થાય છે. શેરડીનો સાંઠો કટકા કરી અથવા સીધો ચાવીને ખાઈ શકાય છે. શેરડીના રસમાંથી ખાંડ, ગોળ અને ખાંડસરી બનાવવામાં આવે છે.
શેરડીની જુદી જુદી આડપેદાશોની રૂપરેખા ટકાવારી સાથે ઉપરની આકૃતિ મુજબ છે.
દર વર્ષે શેરડીના ઉત્પાદનમાંથી ભારતના ખેડૂતો તેમજ મજૂરોને સાત હજાર કરોડ રૂ.થી પણ વધુ રૂપિયા મળે છે. ભારત સરકારને કરોડો રૂપિયાની આવક ખાંડની એક્સાઇઝ ડ્યૂટીમાંથી મળે છે. ગુજરાત રાજ્યનું શેરડીનું જે ઉત્પાદન થાય છે તેમાંથી 40 % ખાંડ માટે, 50 % ગોળ અને ખાંડસરી બનાવવા માટે અને બાકીના 10 % બિયારણ તથા શેરડીનો રસ કાઢી પીવામાં વપરાય છે.
આયુર્વેદ અનુસાર શેરડીનો રસ ઠંડો છે, પરંતુ તે રસનો ગોળ ઉષ્ણ અને ખાંડ અને સાકર સમધાત છે. સામાન્ય શેરડી પાક વખતે અને રસ વખતે મધુર, ખાધા પછી વાતકર, સ્નિગ્ધ, ગુરુ, મૂત્રલ, શીત, વૃષ્ય અને બલકર છે. તે કફ, પુષ્ટિ, કૃમિ, તૃપ્તિ, આનંદ અને કાંતિકારક હોવાથી સારક છે અને વાયુ, રક્તવિકાર અને પિત્તનો નાશ કરે છે. શેરડીનાં મૂળ અતિ મધુર, તે મધ્યે સાધારણ મધુર, ટોચે અને સાંધામાં ઓછી મધુર અને ખારી હોય છે. સફેદ શેરડી કઠણ, જડ, અગ્નિદીપક અને રુચિકર હોય છે અને કફ, મૂત્ર, આમ, પ્રમેહ, મેદ તેમજ બળવર્ધક છે. પાક વખતે કિંચિત્ ઉષ્ણ, પાક અને રસ વખતે મધુર, અતિશીતલ, પૌષ્ટિક, સ્નિગ્ધ, સારક અને વૃષ્ય છે. તે પિત્ત, દાહ, વાયુ, રક્તપિત્ત અને ક્ષયનો નાશ કરે છે. ચિત્રવર્ણ શેરડી અતિમધુર, શીત, કફકારક, રુક્ષ અને રસ વખતે તૃપ્તિકારક હોય છે. તે પિત્ત, દાહ અને શ્રમને દૂર કરે છે. રસાળ શેરડી મધુર, શીતલ, રુચિકર અને વૃષ્ય હોય છે. તે તેજ અને બળવર્ધક હોઈ પિત્ત અને દાહનો નાશ કરનારી છે. કાળી શેરડી પાક વખતે મધુર, મીઠી, પ્રિય, તીખી, રસયુક્ત, ધાતુવર્ધક, બલકારક અને ત્રિદોષનાશક હોય છે. દાંતથી છોલી ખાધેલી શેરડી સ્નિગ્ધ, રુચિકર, વૃષ્ય, શીતળ, અવિદાહી, કિંચિત્ કફ- કર, પ્રિય, હર્ષપ્રદ, મૂત્રશુદ્ધિકારક, કાંતિકર, બલકર, ધાતુવર્ધક અને તૃપ્તિકર હોય છે. તે રક્તદોષ, રક્તપિત્ત અને ત્રિદોષનો નાશ કરનારી છે. તેનો પ્રભાવ ખાંડ જેવો હોય છે. કુમળી શેરડી કફ, મેદ અને મેહ કરે છે. જૂની શેરડી મીઠી અને કિંચિત્ તીક્ષ્ણ હોય છે. તે વાયુ અને પિત્ત દૂર કરે છે. ઘણી જૂની શેરડી બલકર અને વીર્યવર્ધક હોય છે અને રક્તપિત્ત તેમજ ક્ષયનો નાશ કરે છે.
શેરડી જમ્યા પહેલાં ખાવાથી પિત્તનો નાશ કરે છે. જમ્યા પછી ખાવાથી વાયુને કોપાવે છે અને જમવામાં ખાધાથી જાડ્ય ઉત્પન્ન કરે છે. ચરખામાં કાઢેલો શેરડીનો રસ ગુરુ, મલસ્તંભક, ખાટો, સ્વાદુ અને ખારો હોવાથી દાહનાશક છે. નાના યંત્રમાંથી કાઢેલો રસ પિત્ત, શ્રમ, વાયુ અને કફનો નાશ કરે છે. પકાવેલો રસ ગુરુ, સ્નિગ્ધ, તીક્ષ્ણ અને કેટલીક વાર પિત્તકર હોય છે. તે કફ, વાયુ, ગુલ્મ અને આનાહ વાયુનો નાશ કરે છે. તે જો ઘણો પાકેલો હોય તો પિત્ત, રક્તદોષ અને શોષ ઉત્પન્ન કરે છે. શેરડીનો વાસી રસ કફ, વાયુ, શૈત્ય અને જાડ્ય કરે છે. નવો ગોળ મધુર, ખાટો, ગુરુ અને ગરમ હોય છે. તે રક્તપિત્ત, રક્તવિકાર અને રક્તદોષનો અહિતકારી, વૃષ્ય, સ્નિગ્ધ, મૂત્રશોધનકારી અને સારક છે. તે મેદ, કૃમિ, માંસ, મજ્જા, લોહી અને શુક્ર ઉત્પન્ન કરનાર, અગ્નિદીપક અને ભેદક હોય છે. તે વાત, કફ અને શ્વાસનો નાશ કરે છે. સ્વચ્છ ગોળ કિંચિત્ કફકર, રક્તને હિતાવહ, સ્વાદુ, સ્નિગ્ધ, મળમૂત્રને યથામાર્ગે મોકલનારો અને વાતઘ્ન હોય છે. એક વરસ જૂનો ગોળ રુચિકર, અગ્નિદીપક, પથ્ય, મલમૂત્રશોધક, અતિસ્વાદુ, હૃદ્ય, પૌષ્ટિક, રસાયન, સ્નિગ્ધ, લઘુ અને વૃષ્ય હોય છે. તે પિત્ત, વાયુ, ત્રિદોષ, સંતાપ, પાંડુરોગ, પ્રમેહ અને શ્રમનાશક હોઈ સંયોગથી જ્વરહારક છે. ત્રણ વરસનો જૂનો ગોળ લઘુ અને સર્વદોષહર હોય છે. તે અરિષ્ટાદિકમાં મેળવવાને પ્રશસ્ત હોય છે. નવો અને જૂનો ગોળ આદુ સાથે ખાવાથી કફનાશક, હરડે સાથે પિત્તનાશક અને સૂંઠ સાથે વાતનાશક હોય છે. ખાંડ મધુર, શીતળ, બલકર, વૃષ્ય, સારક, કફકર અને સ્નિગ્ધ છે. તે ક્ષય, ઉધરસ, દમ, વિષદોષ, મદ, મોહ, મૂર્ચ્છા, તૃષા, ઊલટી, રક્તદોષ, પિત્ત, અતિસાર, વાયુ, અર્શ, કૃમિ, ભ્રાંતિ, બળતરા અને શ્રમનો નાશ કરે છે. તે વધારે ધોયેલી હોય તો વધારે ગુણ કરે છે. ખડીસાકર મધુર, શીત, સ્નિગ્ધ, હૃદ્ય, મુખપ્રિય, આંખને હિતકર, ધાતુવર્ધક, વૃષ્ય, બલકર, સારક, ઇન્દ્રિયોને તૃપ્તિ આપનારી અને લઘુ છે. તે તૃષ્ણા, મોહ, મૂર્ચ્છા, ક્ષતક્ષય, રક્તપિત્ત, વાયુ, પિત્ત, કફ, શોષ અને દાહનો નાશ કરે છે.
તેનો ઉપયોગ કમળા અને મધુરા ઉપર; દાહયુક્ત મૂત્રકૃચ્છ, હેડકી, સૂર્યાવર્ત શિરોરોગ, તૃષા, ધુમાડાથી થતા આંખોના વિકાર તથા ઘૂંટીના દર્દ પર; ધાતુ જતી હોય કે કાચ કે કાંટો વાગ્યો હોય ત્યારે, કાનખજૂરો કરડે ત્યારે, રેચ બંધ કરવા તથા નળને માટે કરવામાં આવે છે.
જશુભાઈ જમનાદાસ પટેલ
બળદેવભાઈ પટેલ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
કિશોર. વી. મકવાણા