શૅરદલાલ : શૅર, સ્ટૉક અને અન્ય જામીનગીરીઓનાં ખરીદનાર અને વેચનારની વચ્ચે કડી જેવી મધ્યસ્થીની સેવા આપનાર. શૅરદલાલે  કોઈકના વતી શૅર, સ્ટૉક વગેરેનાં ખરીદ-વેચાણ કરવાનાં હોય છે, ત્યારે પ્રતિપક્ષને શોધીને સોદો સંપૂર્ણ કરવાની જરૂર ઊભી થતી નથી. ખરીદનારા કે વેચનારાએ જે ભાવે સોદો કરવાની શૅરદલાલને સૂચના આપી હોય તે ભાવે શૅરદલાલ શૅરબજારમાં સોદો કરી લે છે. આથી, શૅરદલાલે ખરીદનારાને વેચનાર કે વેચનારને ખરીદનાર શોધી આપવાની જરૂર પડતી નથી. દલાલી કરતો હોવા છતાં શૅરદલાલ વાસ્તવમાં સોદાની બંને પાંખના પક્ષકારોને મેળવી આપતો નથી. આ વ્યવસ્થાને કારણે શૅરદલાલ દ્વારા ખરીદ-વેચાણના સોદા ખૂબ ઝડપથી થાય છે. તેની સેવાના બદલામાં તે મૂળ સોદો કરનાર પાસેથી શૅરબજાર દ્વારા નિયત દલાલી મેળવે છે. શૅરદલાલોની યાદી શૅરબજારના કાર્યાલયમાં અરજી કરીને મેળવી શકાય છે.

1992ના સિક્યૂરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑવ્ ઇન્ડિયા (SEBI) ધારામાં  શૅરદલાલની વ્યાખ્યા આપવામાં આવી છે તે મુજબ જે જામીનગીરીઓ સાથે સંકળાયેલો હોય, જે જામીનગીરીઓનાં ખરીદ-વેચાણ અને વ્યવહાર કરતો હોય તેમજ એ આ બૉર્ડ પરની નોંધણીનું પ્રમાણપત્ર મેળવીને તેની શરતો પાળતો હોય તે શૅરદલાલી કરી શકે છે. શૅરદલાલ કોઈ એક વ્યક્તિ, પેઢી કે મંડળી હોઈ શકે. આ પ્રમાણેની વ્યાખ્યા અન્ય દેશોમાં પણ શૅરદલાલો માટે આપવામાં આવી છે. આ વ્યાખ્યા અનુસાર નોંધણીનું પ્રમાણપત્ર મેળવનાર અને તેની શરતોનું પાલન કરનાર જ વૈધાનિક શૅરદલાલ બને  છે. નોંધણીના પ્રમાણપત્રની શરતો શૅરદલાલને પ્રામાણિક અને વિશ્વસનીય મધ્યસ્થી તરીકેની સેવા આપવા માટેની ફરજ પાડે છે. ખાસ કરીને મધ્યસ્થીના સ્વાંગમાં શૅરદલાલ પોતે જ સોદાનો પ્રતિપક્ષકાર નહિ બને, સટ્ટો નહિ ખેલે અને વ્યવહારોને પારદર્શી રાખે તે માટેની ફરજ પાડવામાં આવે છે. શરતોનો ભંગ કરનાર વ્યક્તિ શૅરદલાલ તરીકે મટી જાય તેમજ સજા અને દંડ ભોગવે તેવી ધારાકીય જોગવાઈઓ કરવામાં આવી છે. રોકાણકારોના હિતની સાચવણી માટે આ શરતો મૂકવામાં આવી છે. આ શરતોનું પાલન કરનારા શૅરદલાલો શૅરબજારને તંદુરસ્ત રાખવામાં અને અર્થકારણને સંગીન બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. શૅરદલાલો સંસ્થાકીય રોકાણકારો; જેવા કે વીમા કંપનીઓ, યુનિટ ટ્રસ્ટો, બૅન્કો, કામદાર સંઘો અને કંપનીઓના પેન્શનફંડને રોકાણ કરવામાં નિષ્ણાત અભિપ્રાય આપે છે.

સૂર્યકાન્ત શાહ