શૅપિરો, કાર્લ

January, 2006

શૅપિરો, કાર્લ (. 10 નવેમ્બર 1913, બાલ્ટિમોર, મૅરિલૅન્ડ, અમેરિકા) : નામી લેખક. તેમણે વર્જિનિયા યુનિવર્સિટી તથા બાલ્ટિમોર ખાતેની પ્રૅટ લાઇબ્રેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો. તેમણે અનેક સંસ્થાઓમાં શિક્ષણકાર્ય કર્યું. તેમાં 1968થી ડૅવિસ ખાતેની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં બજાવેલી કામગીરી કીમતી લેખાય છે.

કલેક્ટેડ પોએમ્સ, 1948-78 (1978) નામના તેમના કાવ્યસંગ્રહમાં વિવિધ કાવ્યરૂપો પરત્વે તેમનું અનોખું પ્રભુત્વ જોવા મળે છે. 1944માં પ્રગટ થયેલ ‘વીલેટર ઍન્ડ અધર પોએમ્સ’ બદલ તેમને 1945માં પુલિત્ઝર પ્રાઇઝ અપાયું હતું. 1950-66 દરમિયાન તેમણે અનેક સાહિત્યિક સામયિકોનું સંપાદન કર્યું; આ ઉપરાંત ‘પોએમ્સ ઑવ્ અ જ્યૂ’ (1958); ‘વ્હાઇટ હેર્ડ લવર’ (1968) તેમના ઉલ્લેખનીય કાવ્ય-સંગ્રહો છે. તેમના સાહિત્યિક વિવેચનના ગ્રંથોમાં ‘બિયૉન્ડ ક્રિટિસિઝમ’ (1953), ‘ઇન ડિફેન્સ ઑવ્ ઇગ્નૉરન્સ’ (1960) અને ‘ધ પોએટ્રી રેક’ (1975) નોંધપાત્ર છે.

1946-47માં તેઓ લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસના કાવ્યશાસ્ત્ર વિશેના સલાહકાર રહ્યા અને 1950-56 સુધી ‘પોએટ્રી’ માસિકના સંપાદક તરીકે કામગીરી કરી. 1956થી તેમણે નેબ્રાસ્કા, ઇલિનોસ, કૅલિફૉર્નિયા યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં અધ્યાપનકાર્ય કર્યું.

તેમણે એક નવલકથા પણ લખી છે.

મહેશ ચોકસી