શેન નંગ : ચીનનો બીજો પૌરાણિક રાજા. કહેવાય છે કે તે ઈ.પૂ. 28મી શતાબ્દીમાં થઈ ગયો. તેને માથું બળદનું અને શરીર માણસનું હતું. ગાડું અને હળની શોધ કરીને, બળદને કેળવીને તથા ઘોડા પર ધૂંસરી મૂકીને અને લોકોને અગ્નિ વડે જમીન સાફ કરતાં શીખવીને તેણે ચીનમાં સ્થાયી ખેતી કરતો સમાજ સ્થાપ્યો એમ કહેવાય છે. તેણે તૈયાર કરાવેલ 365 ઔષધીય છોડની યાદી, પાછળથી ઔષધીય અભ્યાસનું મહત્વનું અંગ બની હતી. તેના વિશે ચીનમાં અદ્ભુત વાતો ફેલાયેલી છે. તે મુજબ તે જન્મ પછી ત્રણ દિવસમાં બોલતો થયો હતો, એક અઠવાડિયામાં ચાલવા લાગ્યો હતો અને માત્ર ત્રણ વર્ષની ઉંમરે ખેતર ખેડતો હતો !

જયકુમાર ર. શુક્લ