શિશ્નોત્થાન, અવિરત (priapism) : જાતીય સુખ મેળવવાની ઇચ્છા ન હોય તેમ છતાં પુરુષ જનનેન્દ્રિય(શિશ્ન)નું સતત અક્કડ થવું અને રહેવું તે. મોટેભાગે તે પીડાકારક હોય છે અને તે જીવનના ત્રીજા અને ચોથા દાયકામાં વધુ જોવા મળે છે. તેના મુખ્ય 2 પ્રકાર છે  (અ) સતત રહેતો વિકાર અને (આ) વારંવાર રાત્રે થતો વિકાર. મૂત્રાશયનળીમાં પીડાકારક સોજો (મૂત્રાશયનલિકાશોથ, urethritis) કે શિશ્નમાં આવેલી દંડકાય(corpora)ને અસરગ્રસ્ત કરતી ગાંઠ થયેલી હોય તો તેનાથી સ્થાનિક સંક્ષોભન ઉદ્ભવે છે. તેને કારણે અવિરત શિશ્નોત્થાન થાય છે. લોહીના કૅન્સરમાં લોહીની અંદર કૅન્સરના કોષોની સંખ્યા વધે છે ત્યારે ક્યારેક શિશ્નની દંડકાયમાં આવેલાં પોલાણો(વિવરો)માં લોહી અને તેના કોષોનો વિપુલ પ્રમાણમાં ભરાવો થાય છે. તે સમયે પણ અવિરત શિશ્નોત્થાન થાય છે. તેવી રીતે દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia) નામના રોગમાં ચેપ કે અન્ય તકલીફોમાં રક્તકોષોને ઈજા પહોંચે તો રક્તકોષો દાતરડાના આકારના થઈને જમા થાય છે અને તેને કારણે વિવિધ પ્રકારનાં સંકટ સર્જાય છે. તેમાં ક્યારેક અવિરત શિશ્નોત્થાન પણ થાય છે. ક્યારેક કરોડરજ્જુના વિકારોમાં ચેતાપરાવર્તી ક્રિયા (reflex action) દ્વારા અવિરત શિશ્નોત્થાન થાય છે. ક્યારેક પુર:સ્થગ્રંથિ(prostate gland)માં ચેપજન્ય સોજો (inflammation, શોથ) થયો હોય તો તેને પુર:સ્થગ્રંથિશોથ (prostatitis) કહે છે. તેમાં ક્યારેક અવિરત શિશ્નોત્થાન થાય છે. આ ઉપરાંત શિશ્નોત્થાન ઘણી વખત અજ્ઞાતમૂલ એટલે કે જેનું કારણ જાણમાં નથી તેવી સ્થિતિમાં થાય છે. આવું શિશ્નોત્થાન આપોઆપ શમે પણ છે. તેથી સારવારની અસરકારકતા નક્કી કરવી અઘરી પડે છે. જેમાં અવિરત શિશ્નોત્થાન થવાનું કારણ જાણમાં હોય તેમાં મૂળ રોગની સારવાર કરવામાં આવે છે. લોહીના કૅન્સરમાં રોગની સારવાર ઉપરાંત લોહીમાં વધી ગયેલા શ્વેતકોષને આગલન (apharesis) નામની વિશિષ્ટ પ્રક્રિયા કરીને ગાળીને દૂર કરાય છે. આ પ્રક્રિયાને શ્વેતકોષાગલન (leukapharesis) કહે છે. આગલન (apharesis) કરવા માટે એક વિશિષ્ટ યંત્ર હોય છે, જેમાં દર્દીના લોહીને નળી દ્વારા પ્રવેશ આપવામાં આવે છે અને તેમાંથી શ્વેતકોષોને અલગ પાડીને બાકીનું લોહી દર્દીના શરીરમાં પાછું પહોંચાડી દેવાય છે. આ ઉપરાંત એમાયલ નાઇટ્રેટ જેવાં નસોને પહોળી કરતાં ઔષધો વડે તથા હિપેરિન જેવા લોહીના ગંઠાવાની ક્રિયાને અટકાવતાં ઔષધો વડે પણ સારવાર કરાય છે.

શિલીન નં. શુક્લ