શિષ્યધીવૃદ્ધિતંત્ર : સૂર્ય સિદ્ધાન્તના ટીકાકાર રંગનાથે ‘શિષ્યધી-વૃદ્ધિતંત્ર’ નામે આ સંસ્કૃત ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. તેનો અર્થ ‘શિષ્યોની ધી અર્થાત્ બુદ્ધિની વૃદ્ધિ કરનાર તંત્ર’ એટલો જ થાય છે. લલ્લે લગભગ ‘શિષ્યધીવૃદ્ધિતંત્ર’ નામના ગ્રહગણિતના ગ્રંથની રચના કરી એમ જણાય છે. સુધાકર દ્વિવેદીએ આ ગ્રંથ શુદ્ધ કરી ઈ. સ. 1886માં કાશીથી પ્રકાશિત કર્યો છે. આ ગ્રંથના ઉત્તરાધિકારમાં આર્યસિદ્ધાંત અનુસાર આવતા ગ્રહોને બીજસંસ્કાર નામે ઓળખવામાં આવે છે. બીજસંસ્કાર વર્ષગણના માટેની એક પદ્ધતિ છે.

આર્યભટ્ટના ટીકાકાર પરમાદીશ્વરે બીજસંસ્કારનો ઉલ્લેખ એક શ્લોકમાં કર્યો છે. આ પદ્ધતિમાં શકમાંથી 420 બાદ કરવા એમ કહ્યું છે તે ઉપરથી લલ્લનો સમય (શક 420) ઈ. સ. 498 માનવામાં આવે છે.

ભાસ્કરાચાર્યના ગ્રંથમાં ઘણી વાર લલ્લના નામનો ઉલ્લેખ આવે છે. પરંતુ ક્યાંય તેનો ‘આર્યભટ્ટશિષ્ય’ અથવા માત્ર ‘શિષ્ય’ એવો ઉલ્લેખ નથી.

‘ધી વૃદ્ધિ દ કાર’માં લલ્લના ઘણા દોષો ભાસ્કરાચાર્યે દર્શાવ્યા છે. લલ્લે અગાઉ કહેલો બીજસંસ્કાર દૃકપ્રત્યય લઈને કાઢ્યો છે એવો ઉલ્લેખ મળે છે. આ ઉપરથી જણાય છે કે તે વેધ લેનાર અને શોધક હતો.

બુધ વગેરે ગ્રહોના સંસ્કારો ઉપરથી જણાય છે કે સંસ્કારો આપવાની પદ્ધતિ આર્યભટ્ટ પછી જરૂરી જણાઈ છે. લલ્લે બતાવેલા સંસ્કાર પ્રથમ આર્યસિદ્ધાંતમાં કહેલા ગ્રહોને આપીને બે ગ્રંથો ‘કરણપ્રકાશ’ (ઈ. સ. 1092) અને ‘ભટતુષ્ય’ (ઈ. સ. 1417) એ કરણગ્રંથો છે.

બટુક દલીચા