શિશ્નોત્થાન (erection) : પુરુષની બાહ્યજનનેન્દ્રિય  શિશ્નનું લોહી ભરાવાથી કદમાં મોટું અને અક્કડ થવું તે. પુરુષની લૈંગિક ક્રિયા (sexual activity) શિશ્નોત્થાનથી શરૂ થાય છે. તે એક ચેતાપરાવર્તી ક્રિયા છે જે શિશ્નમુકુટ(glans penis)ને સ્પર્શ કરવાથી ઉદ્ભવતી ઉત્તેજનાથી શરૂ થાય છે. આ ઉપરાંત મોટા મગજ દ્વારા પણ આ ક્રિયાનો આરંભ થાય છે જેમાં લૈંગિક સંભોગની અપેક્ષા, સંભાવના, સ્મૃતિ અને / અથવા દૃષ્ટિગોચરતા જરૂરી ઉત્તેજના પૂરી પાડે છે. આ બંને કિસ્સામાં કરોડરજ્જુના ત્રિકાસ્થી ભાગ(sacral portion)માંથી પસાર થતી પરાનુકંપી (parasympathatic) ઉત્તેજનાઓ ચેતાઓ દ્વારા શિશ્ન સુધી પહોંચે છે. શિશ્નમાં તેની લંબાઈને સમાંતર ઉપરના ભાગે બે છિદ્રાળુ દંડકાય આવેલી છે, જેમને છિદ્રાન્વિત દંડકાય (corpasa cavernosum) કહે છે; જ્યારે નીચેના ભાગમાં એક પોચો છિદ્રાળુ પિંડ આવેલો છે જે પણ શિશ્નની લંબાઈને સમાંતર હોય છે. તેને મૃદુ દંડકાય (corpus spongiosum) કહે છે. આ ત્રણેય કાયપિંડોમાં લોહી ભરાઈ શકે તેવાં પોલાણો આવેલાં છે. તેમને રુધિરવિવરો (blood sinuses) કહે છે. પરાનુકંપી ચેતાઓના ઉત્તેજનથી શિશ્નની ધમની પહોળી થાય છે અને આ રુધિરવિવરોમાં લોહી ભરાય છે; તેથી શિશ્નનું કદ મોટું થાય છે અને તે કઠણ અને અમુક અંશે અક્કડ બને છે, તેને શિશ્નોત્થાન કહે છે. સંભોગની ક્રિયાને અંતે ધમનીઓ સંકોચાય છે અને શિરાઓમાંનો અવરોધ ઘટે છે. તેથી લોહી પાછું નસોમાં જતું રહે છે અને શિશ્ન ઢીલું પડે છે.

લૈંગિક ઇચ્છા વખતે શિશ્નોત્થાન ન થઈ શકે તેવી સ્થિતિને લૈંગિક અક્ષમતા (impotence) કહે છે. મોટેભાગે તે ચેતાતંત્રીય કે માનસિક વિકાર કે વિષમતાથી ઉદ્ભવે છે. ક્યારેક તેના થવાના કારણમાં અંત:સ્રાવી વિકાર પણ હોય છે. ત્રિકાસ્થી વિસ્તારના કરોડરજ્જુ કે તેમાંથી નીકળતી ચેતાઓ(nerves)ના રોગ કે ઈજાથી આ વિકાર ઉદ્ભવે છે; જેમ કે, કરોડરજ્જુમાં કે તેના પર દબાણ કરતી ગાંઠ, ઉપદંશ(syphilis)નો ચેતાઓને અસરગ્રસ્ત કરતો તબક્કો, વ્યાપક તંતુકાઠિન્ય (multiple sclerosis) વગેરે. મધુપ્રમેહના રોગમાં બહુચેતારુગ્ણતા (polyneuropathy) થવાને કારણે ચોથા ભાગના દર્દીઓને યુવાન વયે અને અર્ધા જેટલા દર્દીઓને 5મા દાયકામાં લૈંગિક અક્ષમતા થાય છે. પીયૂષિકા (pituitary) ગ્રંથિ, ગલગ્રંથિ (thyroid gland) તથા જનીનીય કે રંગસૂત્રીય લૈંગિક વિકારોમાં લિંગસુખેષણા (sexual desire) થાય છે પરંતુ લૈંગિક અક્ષમતા થઈ આવે છે. આવું શરીરમાં ખૂબ દુર્બળતા આવી ગઈ હોય તો પણ થાય છે. પુર:સ્થગ્રંથિ(prostate gland)ને ઈજા કે તેના પરની શસ્ત્રક્રિયા કરાઈ હોય તથા પરિગુપ્તાંગ વિસ્તાર(perineum)માં ઈજા કે શસ્ત્રક્રિયા થઈ હોય અને તેમાં જો ત્યાંની ચેતાઓને ઈજા થઈ હોય તો લૈંગિક અક્ષમતા થાય છે. લૈંગિક ક્રિયામાં અડચણરૂપ સ્થાનિક રોગો કે વિકારો; જેમ કે, મૂત્રછિદ્રનું વિસ્થાપન; શિશ્નમાં ગાંઠ, સોજો કે અન્ય રોગ; મોટી સારણગાંઠ; શુક્રપિંડમાં જલકોષ્ઠ (hydrocoele); હસ્તિશિશ્નતા (elephantiasis of penis) વગેરે વિકારો પણ મુશ્કેલી સર્જી શકે છે. શિશ્નમુકુટની ટોચને બદલે અન્ય સ્થળે મૂત્રછિદ્ર હોય તો તેને મૂત્રછિદ્રનું વિસ્થાપન કહે છે. શુક્રપિંડનાં આવરણોમાં પ્રવાહી ભરાય તો તેને શુક્રપિન્ડી જલકોષ્ઠ કહે છે. શિશ્નમાં લસિકાતરલ-(lymph)નો ભરાવો થાય, લસિકાવાહિનીઓ(lymphatics)માં અવરોધ થાય અને તેને કારણે શિશ્ન પર સોજો આવે તો તેવા મોટા થઈ ગયેલા શિશ્નની સ્થિતિને હસ્તિશિશ્નતા કહે છે. જોકે મોટાભાગના દર્દીઓમાં લૈંગિક અક્ષમતાનું કારણ માનસિક પ્રતિક્રિયા કે વિકાર હોય છે; ક્યારેક લોહીનું દબાણ ઘટાડતી કેટલીક દવાઓ પણ લૈંગિક અક્ષમતા કરે છે. આ બધા જ પ્રકારની લૈંગિક અક્ષમતામાં શિશ્નોત્થાન ક્ષતિપૂર્ણ રહે છે. સારવારમાં મૂળ કારણની સારવાર કરવામાં આવે છે. લૈંગિક ઉત્તેજના વધારતા ઔષધોનો ઉપયોગ ચર્ચાસ્પદ રહેલો છે. જરૂર પડ્યે તેવા કિસ્સામાં કૃત્રિમ ઉપાંગ (presthesis) મૂકીને લૈંગિક અક્ષમતા ઘટાવાની ક્રિયા કરાય છે. સ્ત્રીઓમાં યોગ્ય ઉત્તેજના થાય ત્યારે લૈંગિક ક્રિયાના આરંભમાં સ્ત્રીશિશ્ન(clitoris)માં શિશ્નોત્થાનની ક્રિયા ઉદ્ભવે છે.

શિલીન નં. શુક્લ