કોરિયા : ચીન અને રશિયાના મિલનસ્થાન આગળ પૂર્વ એશિયામાં દ્વીપકલ્પ રૂપે આવેલો દેશ. સમગ્ર દેશ 34° અને 43° ઉ. અ. તથા 124° અને 131° પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 2,22,154 ચોકિમી. છે. દ્વીપકલ્પના દક્ષિણ છેડાથી જાપાન માત્ર 195 કિમી. દૂર છે. ચીનનો મંચુરિયાનો પ્રદેશ તેની ઉત્તરે છે. રશિયાની સરહદ ઉત્તર તરફ 12 કિમી. પૂરતી મર્યાદિત છે. તેની પશ્ચિમે પીળો સમુદ્ર, અગ્નિખૂણે જાપાનનો હોન્શુ ટાપુ, તથા ચીની સમુદ્ર અને નૈર્ઋત્ય કિનારાથી 120 કિમી. ઉપર ચેજુ અને અનેક નાનામોટા ટાપુઓ આવેલા છે. રશિયાનું વ્લાડિવોસ્ટોક બંદર ઉત્તર કોરિયાની નજીક આવેલું છે.
કોરિયા નામ ઈ. સ. 913-1392ના ગાળામાં શાસક ‘કોરિયો’ રાજવંશ ઉપરથી પડેલું છે. માર્કો પોલોએ કોરિયા નામ યુરોપમાં પ્રચલિત કર્યું હતું. કોરિયા અને જાપાનની ભાષામાં તેનું અનુક્રમે ‘ચોસૉન’ અને ‘ચોસેન’ નામ છે. ચીની ભાષામાં તે ‘ચોહસીન’ (Ch’ Ao Hsien) કહેવાય છે. કોરિયા શબ્દનો અર્થ ‘ઊંચા પર્વતો અને ચળકતાં ઝરણાંનો દેશ’ થાય છે. ચીન અને જાપાનની સંસ્કૃતિઓ વચ્ચે કોરિયા કડી સમાન છે અને તેમની વચ્ચેના આદાનપ્રદાનનું વાહન બની રહ્યું છે. તે સાથે આ બંને દેશોની મહત્વાકાંક્ષાનું તે ભોગ પણ બનેલ છે. કોરિયાના લોકો તંગ્યૂસિક શાખાના મૉંગોલૉઇડ જાતિના છે. તેમના આગમન પૂર્વે પ્રોટો-કૉકેશિયન જાતિના લોકો ત્યાં વસતા હતા. કોરિયન સંસ્કૃતિને પડોશના નવ્ય પાષાણયુગ (neolithic) અને કાંસ્યયુગ સમયના લોકો સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. નવ્ય પાષાણયુગના અનેક અવશેષો અહીંની ભૂમિમાંથી મળ્યા છે.
કોરિયન ભાષા આલ્તેઇક કુળની છે. તે ભાષામાં ચીની અને જાપાની શબ્દો પણ છે. કોરિયન ભાષા ‘હૅન્ગુલ’ મૂળાક્ષરોનો ઉપયોગ કરે છે. 1446માં વિદ્વાન અધિકારીઓ દ્વારા સેજોંગ રાજાના શાસન દરમિયાન તેનો ઉદભવ થયો હતો. આ અગાઉ કોરિયન લોકો ચીની ભાષાનો ઉપયોગ કરતા હતા. વીસમી સદી સુધી ચીની ભાષા વહીવટ અને શિક્ષણના માધ્યમની ભાષા રહી હતી.
ઇતિહાસ : ઈ. સ. પૂર્વે ‘ચોસૉન’ તરીકે જાણીતું કોરિયા શરૂઆતમાં તંગ્યૂસિક જાતિના અંકુશ નીચે હતું (ઈ. સ. પૂ. 3000થી 2333). ઈ. સ. પૂ. 108માં ચીને તેની ઉપર કબજો જમાવતાં કોરિયામાં ચીની સંસ્કૃતિનો પ્રવેશ થયો. આ પછી કોરિયા ત્રણ રાજ્યોમાં વહેંચાઈ ગયું. સિલા, કૉગુરિયો અને પેક્ચે. ચીનના દક્ષિણ મંચુરિયાથી આગળ દક્ષિણ તરફ કૉગુરિયો રાજ્યનો વિસ્તાર વધ્યો અને ચીનના પ્રભુત્વનો અંત આવ્યો (ઈ. સ. 313). આ પછી સિલાના રાજ્ય અને જાપાન વચ્ચે સંઘર્ષ થયો જેમાં કોરિયામાં પ્રવેશેલા જાપાનને હઠાવવામાં આવ્યું. સિલાના રાજ્યે બીજાં બંને રાજ્યોને હંફાવ્યાં અને કોરિયાનું એક સત્તાધારી રાજ્ય બનાવ્યું જેમાં બૌદ્ધ ધર્મ તથા કળાનો વિકાસ થયો.
દશમી સદીમાં દેશમાં વિદ્રોહ થયો અને કેસૉંગમાં સત્તાધીશ બનેલી કોરિયો જાતિએ કોરિયા પર પોતાની સત્તા જમાવી. કોરિયો વંશના રાજ્ય દરમિયાન ચીનની સાંસ્કૃતિક અસર વધતી રહી. 1170માં લશ્કરી બળવો થતાં બધી સત્તા લશ્કરને હસ્તક થઈ. 1231 અને 1258ના ગાળા દરમિયાન મોંગલ લોકોએ કોરિયા ઉપર ચડાઈ કરી અને કોરિયા પર તેમની આણ વર્તાવી. આ ગાળા દરમિયાન કોરિયામાં છાપખાનું શરૂ થયું (1234), જેથી બૌદ્ધ ધર્મનો ફેલાવો પ્રબળ બન્યો અને કૉન્ફ્યૂશિયસનાં લખાણોનો વિસ્તાર વધ્યો. માટીનાં વિવિધરંગી વાસણો બનાવવાની કોરિયાની કળા પણ આ સમયમાં વિકાસ પામી.
1392માં કોરિયો વંશનો અંત આવ્યો અને યી વંશ સત્તા ઉપર આવ્યો. તેની ઉપર ચીનના મિંગ વંશનો પ્રભાવ હતો, તેથી ચીન-કોરિયાના સંબંધો સુમેળભર્યા રહ્યા. કોરિયાની નોકરશાહી, શિક્ષણ, વિજ્ઞાન અને મુદ્રણના ક્ષેત્રે સુધારા થયા અને સમાજ સુગ્રથિત બન્યો. કોરિયાની ભાષાનો પણ સારો વિકાસ થયો.
સોળમી સદીના અંતભાગમાં (1592-1596) જાપાને કોરિયા ઉપર હુમલો કર્યો અને કોરિયાની શાંતિ જોખમાઈ. બીજી તરફ ચીનમાં સત્તા ઉપર આવેલા મંચુ વંશને કારણે પણ કોરિયામાં અનવસ્થા ઊભી થઈ. સત્તરમી સદીમાં કોરિયાનો પશ્ચિમ સાથેનો પહેલો સંપર્ક શરૂ થયો, જેમાં ચીન દ્વારા રોમન કૅથલિક ધર્મ કોરિયામાં પ્રવેશ્યો. પશ્ચિમના આ ધર્મની સાથે કોરિયામાં ટોન્ઘાક નામનો નવો સંપ્રદાય શરૂ થયો. ખ્રિસ્તીઓ પ્રત્યેના કોરિયાના પ્રતિભાવની સામે અમેરિકા અને ફ્રાન્સે કોરિયામાં હસ્તક્ષેપ કર્યો પણ તેમાં તેઓ ફાવી શક્યા નહિ.
જાપાનનું કોરિયા ઉપરનું દબાણ ચાલુ રહ્યું. 1876માં કોરિયાને જાપાન સાથે વેપારી કરાર કરવાની ફરજ પડી. છ વર્ષ પછી કોરિયાએ આવા જ પ્રકારના કરાર અમેરિકા સાથે કર્યા. આમ થતાં પશ્ચિમના અન્ય દેશો માટે પણ કોરિયાનાં દ્વાર ખુલ્લાં થયાં. પરિણામે કોરિયામાં પગપેસારો કરવા માટે જાપાન, ચીન અને રશિયા વચ્ચે તીવ્ર હરીફાઈ શરૂ થઈ. 1894માં કોરિયામાં સરકાર વિરુદ્ધ બળવો થતાં લાગ સાધી ચીન તથા જાપાને તેમનાં લશ્કરો કોરિયામાં ઉતાર્યાં. 1894-95માં ચીન અને જાપાન વચ્ચે તુમુલ યુદ્ધ થયું, જેમાં ચીનની હાર થઈ. હવે જાપાને તેનો પગદંડો કોરિયામાં મજબૂત કરવાનો પ્રયાસ કર્યો. જાપાને 1904-1905માં રશિયાને હરાવ્યું. 1910માં જાપાને કોરિયા પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું.
1945 સુધી કોરિયા આ દશામાં રહ્યું તથા આર્થિક શોષણ, સામાજિક-સાંસ્કૃતિક અવદશા અને જાતિભેદની નીતિનો ભોગ બન્યું. જાપાનની મહત્વાકાંક્ષી સામ્રાજ્યવાદી નીતિનું કોરિયા એક સાધન બન્યું. 1931માં જાપાને ચીન ઉપર આક્રમણ કર્યું અને ચીનના ઉત્તરના પ્રાન્ત મંચુરિયાને મંચુકૂઓ નામ આપી ત્યાં પોતાનો અંકુશ જમાવ્યો.
1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થતાં જાપાનની હાર થઈ અને કોરિયા ઉપરનો તેનો અંકુશ પૂરો થયો. પરંતુ આ દરમિયાન ઉત્તર કોરિયામાં રશિયાનાં સામ્યવાદી લશ્કરોએ અને દક્ષિણ કોરિયામાં અમેરિકાનાં સૈન્યોએ કબજો જમાવ્યો. નવેમ્બર 1947માં યુનોના કોરિયા અંગેના કમિશને કોરિયાને સ્વતંત્ર જાહેર કરવાનો નિર્ણય લીધો અને બંને ભાગમાં ચૂંટણીઓ યોજવાનું નક્કી કર્યું. દક્ષિણ કોરિયામાં ચૂંટણીઓ યોજાઈ, જ્યારે ઉત્તરમાં યોજી શકાઈ નહિ. પરિણામે 38° અક્ષાંશ ઉપર ઉત્તર અને દક્ષિણ કોરિયા એમ બે સ્વતંત્ર રાજ્યોનો ઉદય થયો. ઉત્તરમાં સામ્યવાદીઓએ ડેમોક્રૅટિક પીપલ્સ રિપબ્લિક ઑવ્ કોરિયા (DPRK) અને દક્ષિણ કોરિયાએ રિપબ્લિક ઑવ્ કોરિયા (ROK) તરીકે નામાભિધાન જાહેર કર્યું. પ્યોંગયાંગ ઉત્તર કોરિયાની રાજધાની બન્યું, તો સેઉલ દક્ષિણ કોરિયાનું પાટનગર બન્યું. દક્ષિણ કોરિયામાં સિંગમેન હ્રી પ્રમુખ બન્યા તો ઉત્તરમાં કિમ ઇલ સુંગ રાષ્ટ્રપ્રમુખપદ પર આવ્યા.
1950માં દક્ષિણ કોરિયા ઉપરના ઉત્તર કોરિયાના આક્રમણની સામે અમેરિકાએ તેનાં સૈન્યો મોકલ્યાં. આ પહેલાં યુનોની સલામતી સમિતિમાં રશિયાની ગેરહાજરીનો લાભ લઈને અમેરિકાએ આક્રમણની સામે સંયુક્ત સલામતીનો ઠરાવ પસાર કરાવ્યો. બંને પક્ષો વચ્ચે તુમુલ યુદ્ધ ખેલાયું, જેમાં એક તબક્કે ચીને પણ તેનાં લશ્કરો ઉતાર્યાં અને ઉત્તર કોરિયાને મદદ કરી. 1953માં જ્યારે યુદ્ધનો અંત આવ્યો ત્યારે બંને વચ્ચેની 38° અક્ષાંશ ઉપરની સરહદો જેમની તેમ રહી.
ઉત્તર કોરિયાના સામ્યવાદી શાસનમાં કિમ ઇલ સુંગ સર્વસત્તાધીશ રહ્યા છે અને તેમના પુત્ર કિમ જોંગ ઇલને પોતાના વારસ તરીકે નીમ્યા છે. 1968માં અમેરિકાની નૌકા પુબ્લો ઉ. કોરિયાના પ્રાદેશિક જળવિસ્તારમાં પ્રવેશતાં તેને જાસૂસી કામ કરવા માટે પકડવામાં આવેલી અને અગિયાર માસ પછી અમેરિકાએ માફી માગી ત્યારે જ તેને છૂટી કરવામાં આવી હતી. કિમ ઇલ સુંગના એકધારા શાસન નીચે ઉત્તર કોરિયા એક મોટી લશ્કરી તાકાત બન્યું છે.
દક્ષિણ કોરિયામાં 1960માં વિદ્રોહ ફાટી નીકળતાં સિંગમેન હ્રીને સત્તાનો ત્યાગ કરવો પડ્યો. ત્યાર બાદ પાર્ક ચુંગ હી રાષ્ટ્રપ્રમુખ બન્યા. 1972માં તેમણે દેશ ઉપર લશ્કરી શાસન લાદ્યું. 1975માં વિરોધ પક્ષોને દબાવી દેવામાં આવ્યા અને સરકારની ટીકા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. 1979માં પાર્કનું ખૂન થયું અને ચોઈ ક્યુ હા પ્રમુખ બન્યા. પરંતુ શાસન સ્થિર થાય તે પહેલાં લશ્કરી બળવો થયો અને ચુન ડુ હાને પ્રમુખપદ ગ્રહણ કર્યું. થોડી છૂટછાટ સાથે નવું બંધારણ ઘડવામાં આવ્યું અને ચુન ફરીથી તેમના હોદ્દા ઉપર ચાલુ રહ્યા.
1985-90 દરમિયાન સામ્યવાદી દેશોમાં મોટાં પરિવર્તન આવતાં જેમ પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થયાં તેમ ઉ. કોરિયા અને દ. કોરિયા પણ એક થાય તેવું વાતાવરણ ધીમે ધીમે આકાર લઈ રહ્યું છે. પરંતુ એકત્રીકરણની પ્રક્રિયા પ્રબળ બને તે પહેલાં અમેરિકાએ તેનાં સૈન્યો અને અણુશસ્ત્રો દ. કોરિયામાંથી હટાવવાં પડે. કોરિયાનો એક દેશ તરીકેનો સુદીર્ઘ ઇતિહાસ, સમાન ભાષા અને સંસ્કૃતિ તથા વિખૂટા પડેલા નાગરિકોનાં માનસ તેમને વહેલા કે મોડા એક કર્યા સિવાય રહેવાનાં નથી.
દરમિયાન સપ્ટેમ્બર 1991માં ઉત્તર તેમજ દક્ષિણ કોરિયા બંને યુનોનાં સભ્યો બન્યાં છે.
કોરિયા – ઉત્તર : 38° થી 43° ઉ.અ. અને 123°-45′ તથા 130°-50′ પૂ. રે. વચ્ચે તે આવેલો છે. 1,22,762 ચોકિમી. વિસ્તાર. નૈર્ઋત્ય અને ઈશાન ખૂણા વચ્ચેની લંબાઈ 716 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 320 કિમી. છે. સમુદ્રકિનારાની લંબાઈ 2495 કિમી. છે.
ઉત્તર કોરિયાની ઉત્તરે ચીનનો મંચુરિયા પ્રાંત, ઈશાન ખૂણે સાઇબીરિયાનો 18 કિમી. લાંબો પટ્ટો, પશ્ચિમે પીળો સમુદ્ર, પૂર્વે જાપાનનો સમુદ્ર અને દક્ષિણે દક્ષિણ કોરિયા છે.
ઉત્તર કોરિયાનું ક્ષેત્રફળ 1,22,762 ચોકિમી. છે. તે નવ પ્રાંતો, ત્રણ નગરપાલિકાઓ અને એક પ્રાદેશિક વિસ્તારમાં વિભક્ત છે. ઉત્તર કોરિયાનો 80% વિસ્તાર ડુંગરાળ છે. ઉત્તર કોરિયાના (1) અંદરનો ઉત્તરનો પ્રદેશ, (2) ઈશાન કિનારાનો પ્રદેશ અને (3) વાયવ્ય ખૂણાનો પ્રદેશ એમ ત્રણ પ્રાકૃતિક વિભાગ છે.
પ્રથમ વિભાગ કોરિયાને એશિયાની મુખ્ય ભૂમિથી અલગ પાડે છે. આવા ખૂબ ઠંડા ડુંગરાળ પ્રદેશમાં યાલુ, ટુમેન નદીઓ અને તેની શાખાઓ ઝડપી વહેણથી ઊંડી પણ સાંકડી ખીણો બનાવે છે.
વરસના મોટા ભાગ સુધી હિમાચ્છાદિત રહેલા મૃત જ્વાળામુખી પેક્તુની આસપાસની જમીન લાવારસની બનેલી છે. આ પર્વત કોરિયામાં સૌથી વધુ 2744 મી. ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશનો શિયાળો સૂકો અને ખૂબ ઠંડો છે. યાલુ નદીના પ્રદેશનું જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન – 7.8° સે. રહે છે. ખીણોનું તાપમાન 24° સે. રહે છે. ઉનાળામાં 700થી 1000 મિમી. વરસાદ પડે છે. અહીં જળવિદ્યુતમથકો આવેલાં છે.
ઈશાન કોરિયાનો પ્રદેશ જાપાનના સમુદ્ર સુધી વિસ્તરેલો છે. ઉત્તરના ઉચ્ચ પ્રદેશમાંથી વહેતી નદીઓની ખીણોનો આ સપાટ પ્રદેશ છે. મધ્ય ભાગમાં લાવાની બનેલી કાળી જમીન છે. ઉત્તરમાં ટુમેન નદીની વિશાળ ખીણ છે. ઈશાન કોરિયાના દરિયાકાંઠા નજીકથી લીમનનો ઠંડો પ્રવાહ વહે છે તેથી તાપમાનમાં ઘટાડો થાય છે અને ધુમ્મસ જોવા મળે છે. ઉનાળો હૂંફાળો અને શિયાળો ખૂબ ઠંડો હોય છે. જાન્યુઆરી માસમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિભાગોનું સરેરાશ તાપમાન અનુક્રમે -10°, -5° અને -3° સે. રહે છે. ત્યાં વરસાદ 1300 મિમી.થી વધુ પડે છે પણ સમુદ્રથી દૂર પ્રદેશમાં 650 મિમી. વરસાદ પડે છે. ત્યાં ઉદ્યોગો માટે જળવિદ્યુત પ્રાપ્ત થાય છે.
વાયવ્ય કોરિયાનો પ્રદેશ સૌથી વધુ ગીચ વસ્તી ધરાવે છે. યાલુ, ટુમેન વગેરે નદીઓનો ત્રિકોણાકાર પ્રદેશ ફળદ્રૂપ કાંપનો છે. રૂપાંતરિત અને અગ્નિકૃત ખડકોમાંથી લોખંડ, કોલસા, તાંબું વગેરેનાં ખનિજો મળે છે.
વનસ્પતિ અને પ્રાણીઓ : પર્વતોના ઢોળાવ ઉપર પાઇન, ફર, લાર્ચ વગેરે જેવાં શંકુદ્રુમ પ્રકારનાં વૃક્ષો છે. વસંત ઋતુમાં પૂર આવે ત્યારે આ વૃક્ષોનું લાકડું નદીના વહેણમાં તરતું મૂકવામાં આવે છે.
ખેતીવાડી : અગાઉ મંચુરિયા અને દક્ષિણ કોરિયામાંથી અનાજની આયાત થતી હતી. હવે ડાંગર, જવ, મકાઈ, સોયાબીન વગેરે અનાજનું ઉત્પાદન થાય છે. યાંત્રિક સિંચાઈ, પગથિયા-ખેતી (terracing) અને વધુ ખાતરના ઉપયોગ દ્વારા અનાજનું તથા ફળો અને શાકભાજીનું વાવેતર અને ઉત્પાદન વધ્યાં છે. પશુપાલન તેમજ મરઘાં-બતકાં ઉછેર પણ થાય છે. 40% લોકો ખેતીમાં રોકાયેલા છે અને રાષ્ટ્રીય આવકમાં તેનો 25% હિસ્સો છે.
ખનિજ : કોલસો અને લોખંડ વિપુલ પ્રમાણમાં મળે છે, જ્યારે ગ્રૅફાઇટ, જસત, ટંગ્સ્ટન, મૅગ્નેસાઇટ, તાંબું, રૂપું અને સોનું થોડા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત સીસું, યુરેનિયમ અને મૅંગેનીઝ પણ મેળવાય છે.
ઉદ્યોગો અને ખનિજો : ખનિજોને કારણે ખાણ ઉદ્યોગ વિકસ્યો છે અને લોખંડ તથા પોલાદ, રસાયણ તથા યંત્રો, સિમેન્ટ, ખાદ્ય ઉદ્યોગ, કાપડ વીજાણુ-ઉદ્યોગ, જહાજ બાંધકામ વગેરે જેવા ભારે ઉદ્યોગો વિકસ્યા છે. ઉદ્યોગો રાજ્યહસ્તક છે. પાઇપલાઇન દ્વારા ચીનથી આયાત કરવામાં આવતા ખનિજતેલના શુદ્ધીકરણના એકમો સ્થપાયા છે. ખેતીવાડી, પશુપાલન, મત્સ્યઉદ્યોગ તથા લાકડાકામ જેવા અન્ય ઉદ્યોગો પણ છે. ચીન અને રશિયાની સહાયથી ઉત્તર કોરિયાએ મચ્છીમારી, ધાતુઉદ્યોગ જેવા ભારે ઉદ્યોગો વિકસાવ્યા છે.
વેપાર : ઉત્તર કોરિયાનો વેપાર રશિયા, ચીન અને અન્ય દેશો સાથે વિશેષ છે. તેમાં પ્લાસ્ટિક, ઇલેક્ટ્રૉનિક્સ, જહાજી ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. ખેતી અને ઉદ્યોગનો સામૂહિક ધોરણે સહકારી મંડળીઓ રચી વિકાસ સધાયો છે. પેટ્રોલિયમ, યંત્રો, ઘઉં વગેરેની આયાત વિશેષ છે. હવે નિકાસલક્ષી ઉદ્યોગો વિકસાવવા રાજ્યે પ્રયત્નો શરૂ કર્યા છે. ઉત્તર કોરિયામાં 8,533 કિમી. રેલવે અને 31,000 કિમી.ના પાકા રસ્તા છે. પ્યોંગયાંગ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈમથકની સુવિધા છે. આ ઉપરાંત ત્રણ મુખ્ય બંદરો પણ છે.
લોકો : ઉત્તર કોરિયાની વસ્તી વર્લ્ડ બૅન્ક અનુસાર 2.58 કરોડ જેટલી હતી (2020). સમગ્ર કોરિયાની કુલ વસ્તી પૈકી 30% લોકો ઉત્તર કોરિયામાં વસે છે. તેઓ બૌદ્ધ, કૉન્ફ્યૂશિયસ ધર્મ અને શામાનિઝમ, ચોન્ડો ગ્યો ધર્મ પાળે છે.
ઉત્તર કોરિયાનાં પ્રાચીન મંદિરો, મઠો, રાજમહાલયો તથા ધાતુશિલ્પો તેમનો કલાપ્રેમ વ્યક્ત કરે છે. ચીનનો પ્રભાવ તેમની કલાશૈલી ઉપર વિશેષ છે. લોકનૃત્યોને ઉત્તેજન અપાય છે અને સાહિત્ય ઉપર સમાજવાદી વિચારસરણીની અસર છે.
શિક્ષણ : શિક્ષણ મફત છે અને 7થી 16 વરસ સુધી ફરજિયાત છે. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અપાય છે. રાષ્ટ્રીય ઇતિહાસ અને ઉદ્યોગને શિક્ષણમાં મહત્વનું સ્થાન અપાયું છે. કિમ ઇલ સુંગ યુનિવર્સિટી 1946માં અસ્તિત્વમાં આવી છે.
કોરિયા – દક્ષિણ : 33°થી 38° તથા 125° પૂ. રે. અને 129′ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે કોરિયાના ભાગલા પડતાં અસ્તિત્વમાં આવેલો દેશ છે. તેની ઉત્તરે ઉત્તર કોરિયા, પશ્ચિમે પીળો સમુદ્ર, અગ્નિખૂણે 195 કિમી.ના અંતરે જાપાનનો સૌથી મોટો ટાપુ હોન્શુ અને ક્યુશુ ટાપુ અને દક્ષિણે પૂર્વ ચીની સમુદ્ર અને કોરિયાના નૈર્ઋત્ય કિનારાથી 120 કિમી. અંતરે વસવાટવાળા અને વસવાટ વિનાના અનેક નાનામોટા ટાપુ આવેલા છે. તેનો કુલ વિસ્તાર 100210 ચોકિમી. છે. સમુદ્રકિનારાની લંબાઈ 2413 કિમી. છે. તેની 965 કિમી. લંબાઈ અને 216 કિમી. પહોળાઈ છે.
ભૂપૃષ્ઠ : કુલ ભૂમિનો 85% વિસ્તાર ડુંગરાળ છે. ટાએબેક પર્વતમાળા પૂર્વ કિનારાની સમાંતર 256 કિમી. સુધી આવેલી છે. દક્ષિણમાં હલ્લા સાત પર્વત 1950 મી. ઊંચો છે. ચે જૂ ટાપુ ઉપર મૃત જ્વાળામુખી છે અને તેની જમીન લાવારસની બનેલી છે. હાન નદી અને નકટોંગ નદીનો અનુક્રમે 16,000 કિમી. અને 14,400 કિમી. ખીણપ્રદેશ સપાટ છે. તે જ પ્રમાણે મધ્ય કોરિયાની કુમ નદીની ખીણનો ભાગ સપાટ છે. 15% જમીનમાં ડાંગરની ઘનિષ્ઠ ખેતી થાય છે. કિનારા નજીક પર્વતો છે અને સમુદ્રનાં પાણી અંદર ધસી આવતાં પુસાન જેવાં સારાં બંદરો અસ્તિત્વમાં આવ્યાં છે. નકટોંગ નદી 509 અને હાન નદી 485 કિમી. લાંબી છે. આ નદીઓ સિંચાઈ અને વહાણવટા માટે ઉપયોગી છે. હાન નદી જળવિદ્યુત માટે ક્ષમતા ધરાવે છે. કિનારાનું મેદાન અને નદીઓની ખીણો સપાટ છે, કાંઠાનાં અને નદીઓનાં મેદાનો કાંપનાં બનેલાં છે અને ખૂબ ફળદ્રૂપ છે. દક્ષિણ કોરિયાના મધ્ય ભાગમાં ટાએબેક અને સોલાક ગિરિમાળાઓ છે અને તેનાં શિખરો હિમાચ્છાદિત રહે છે.
આબોહવા : દ્વીપકલ્પનો દક્ષિણ છેડો અને ચે જૂ ટાપુમાં પ્રમાણમાં શિયાળો મધ્યમ છે. જાન્યુઆરી માસનું શિયાળાનું સરેરાશ તાપમાન 0° સે.થી વધુ હોય છે. સેઉલનું જાન્યુઆરીનું તાપમાન 5° સે. અને જુલાઈનું 25° સે. રહે છે. વરસાદ 1250 મિમી. પડે છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન મોસમી પવનો 1000થી 1400 મિમી. વરસાદ લાવે છે. થોડો વરસાદ વસંત ઋતુમાં રોપણી વખતે પડે છે. ભેજનું પ્રમાણ વધારે રહે છે.
વનસ્પતિ શ્રેણીઓ : કુલ જમીનનો 66% વિસ્તાર ઉષ્ણકટિબંધીય પ્રકારનાં પહોળાં પાનવાળાં પર્ણપાતી કે મિશ્ર શંકુદ્રુમ પ્રકારનાં ઓછાં ઊંચાં પાઇન, ઓક, વાંસ જેવાં વૃક્ષોવાળો છે. આ જંગલો મોટા ભાગે કપાઈ જતાં જમીનનું ધોવાણ વધ્યું છે.
પ્રાણીઓ : ઉત્તરના જંગલના વિસ્તારોમાં રીંછ, જંગલી ભૂંડ, હરણ ફીનિક્સ જોવા મળે છે.
ખનિજ : ઍન્થ્રેસાઇટ કોલસો અને ટંગ્સ્ટન મોટા પ્રમાણમાં મળે છે, પણ ગ્રૅફાઇટ, ચૂનાના પથ્થરો, કેઓલીન, તાંબું અને સોનું થોડા પ્રમાણમાં મળે છે.
ખેતી અને પશુપાલન : કોરિયાની 23% જમીનમાં ખેડાણ થાય છે. ડાંગરનું ઉત્પાદન વિશેષ છે. આ ઉપરાંત શિયાળામાં ઘઉં, જવ અને સોયાબીનનું વાવેતર થાય છે. સફરજન, જામફળ, દ્રાક્ષ વગેરે ફળો તથા બટાકા, શકરિયાં, મરચાં, લસણ, કોબી વગેરે શાકભાજી તેમજ તમાકુ, કપાસ, શણ, તલ વગેરે રોકડિયા પાક પણ થોડા થાય છે. અનાજની બાબતમાં દક્ષિણ કોરિયા આત્મનિર્ભર છે. ડુંગરાળ પ્રદેશમાં પગથિયાં-ખેતી દ્વારા તથા યંત્રો, ખાતર, સુધારેલ પદ્ધતિ દ્વારા અનાજનું ઉત્પાદન ખૂબ વધ્યું છે.
પશુપાલન ગૌણ ઉદ્યોગ છે. ઢોરનો ભારવહન તથા દૂધઉત્પાદન અને ખોરાક માટે ઉપયોગ થાય છે, ડેરીનાં પ્રાણીઓમાં વધારો થયો છે, જ્યારે મરઘાંની સંખ્યા વધી છે. આ ઉપરાંત બતક, સસલાં, બકરાં વગેરે ખોરાક માટે ઉછેરાય છે. મત્સ્યઉદ્યોગ ખૂબ વિકસિત છે. લીમનના ઠંડા પ્રવાહના અને જાપાનના ગરમ પ્રવાહના મિલનથી ધુમ્મસ થાય છે. આ વિસ્તાર મચ્છીમારી માટે સમૃદ્ધ છે.
ઉદ્યોગો અને વેપાર : ખેતીપ્રધાન દેશ હોવાથી અને ખનિજો પ્રમાણમાં ઓછી હોવાથી ત્યાં હળવા ઉદ્યોગો; લોખંડની આયાતથી સ્ટીલ ઉદ્યોગ, ખેતીની પેદાશ ઉપર આધારિત ખાદ્ય ઉદ્યોગ અને મચ્છીમારી વિકસાવાયાં છે. લગભગ તૈયાર માલ આયાત થાય છે. જાપાન અને યુ.એસ. સાથે તેનો વેપાર વિશેષ છે. ખનિજતેલ આયાત કરાય છે. યુ.એસ. તરફથી ગ્રાંટ અને મફત શસ્ત્રો મળતાં તેનું અર્થતંત્ર ટકી રહ્યું છે. તેની નિકાસ આયાત કરતાં વધી ગઈ છે.
પરિવહન : દેશમાં નાનાં મોટાં કુલ 50 બંદરો છે. રાજધાની સેઉલમાં તથા અન્યત્ર હવાઈ મથકો આવેલાં છે.
લોકો અને વસ્તી : વસ્તી વર્લ્ડ બૅન્ક અનુસાર 5.18 કરોડ (2020) જેટલી હતી. સમગ્ર કોરિયાની કુલ વસ્તીના 70% લોકો દક્ષિણ કોરિયામાં વસે છે. 10% લોકો ખ્રિસ્તી છે. બાકીના બૌદ્ધ, કૉન્ફ્યૂશિયસ, શામાનિઝમ અને ચોન્ડો ગ્યો ધર્મ પાળે છે. કુલ વસ્તીના 22% લોકો રાજધાની સેઉલમાં રહે છે. વસ્તીવધારાનો દર 3% છે. કુલ નવ પ્રાંતો અને બે શહેરો આવેલાં છે. પશ્ચિમ અને અગ્નિખૂણે આવેલાં મેદાનો અને ટેકરીઓના પ્રદેશમાં ગીચ વસ્તી છે. 10 લાખથી વધુ વસ્તીવાળાં પુસાન, ટેગુ ને ઇન્ચોન શહેરો છે. 22 શહેરોની વસ્તી એક લાખથી વધુ છે. કુલ શહેરી વસ્તી 82% થઈ છે. લગ્ન કે મૃત્યુના પ્રસંગે બૌદ્ધ કે કૉન્ફ્યૂશિયસ ધર્મનાં ક્રિયાકાંડ અપનાવાય છે. ધર્મ, ભાષા, કલા ઉત્તર અને દક્ષિણ કોરિયામાં સમાન છે.
ઇતિહાસ : આર્થિક ઇતિહાસ તપાસતાં જણાય છે કે દક્ષિણ કોરિયા છેક 1961 સુધી તીવ્ર ગરીબીમાં સબડતો અલ્પવિકસિત દેશ હતો. દેશમાં વ્યાપક બેકારી હતી. બચતનો દર લગભગ નહિવત્ હતો. નોંધપાત્ર ગણાય તેવી નિકાસો ન હતી એટલું જ નહિ; પરંતુ કાચા માલ તથા તૈયાર માલ માટે તેને આયાતો પર આધાર રાખવો પડતો હતો. દેશ પરના જાપાનના સામ્રાજ્યવાદી આધિપત્ય દરમિયાન (1910-45) ભાગ્યે જ કોઈ ઉદ્યોગો ઊભા કરવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન વિદેશી શાસકોએ દક્ષિણ કોરિયાનાં આર્થિક સાધનોનું આડેધડ શોષણ કર્યું હતું. કોરિયાના યુદ્ધ (1950-53) દરમિયાન દેશના અર્થતંત્રનો વ્યાપક વિનાશ થયો હતો.
1962થી કોરિયાના અર્થતંત્રમાં નવા યુગની શરૂઆત થતાં વિશ્વના વિકસતા દેશોમાં તેણે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. 1962-89ના ગાળા દરમિયાન તેની એકંદર રાષ્ટ્રીય પેદાશ(GNP)માં લગભગ 100ગણો વધારો અને માથાદીઠ એકંદર રાષ્ટ્રીય પેદાશ(per capita-GNP)માં લગભગ 57.5 ગણો વધારો નોંધાયો હતો. 1962માં તેની એકંદર રાષ્ટ્રીય પેદાશ અને માથાદીઠ એકંદર રાષ્ટ્રીય પેદાશ અનુક્રમે 2.3 અબજ અમેરિકન ડૉલર અને 87 અમેરિકન ડૉલર જેટલી હતી, તે 1990માં અનુક્રમે 237 અબજ અમેરિકન ડૉલર અને 5,569 અમેરિકન ડૉલર નોંધાઈ છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં દેશનો સરેરાશ વાર્ષિક વિકાસ દર 7% અંદાજવામાં આવ્યો છે, જેને પરિણામે 2000ની સાલમાં તેની એકંદર રાષ્ટ્રીય પેદાશ 260 અબજ ડૉલર અને માથાદીઠ આવક 5,800 ડૉલર સુધી પહોંચશે તેવી ગણતરી છે. એકંદર રાષ્ટ્રીય પેદાશમાં તૈયાર માલનું ઉત્પાદન કરતા ક્ષેત્ર(manufacturing sector)નો ફાળો 1962-88ના ગાળામાં 14.4 %થી વધીને 31.6% નોંધાયો છે. ચીજવસ્તુઓના કુલ વ્યાપારનું મૂલ્ય તે જ અરસામાં 5000 લાખ અમેરિકન ડૉલરથી વધીને આશરે 124 અબજ અમેરિકન ડૉલર તથા આંતરિક બચતનો વાર્ષિક દર 3.3 %થી વધીને 37.7% થયો છે. 1986માં કોરિયાએ વીસમી સદીમાં પહેલી વાર લેણદેણની તુલામાં અધિશેષ (surplus) નોંધાવી હતી. દેશના એકંદર ઔદ્યોગિક માળખામાં પ્રાથમિક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો 1966માં 34.8% હતો, તે 1989માં 10.2% રહ્યો. તેની સામે ઉદ્યોગોનો ફાળો એ અરસામાં 20.5 %થી વધીને 31.9 % સુધી પહોંચ્યો. ત્રીજા ક્ષેત્ર(tertiary sector)નો ફાળો 44.7%થી વધીને 1989માં 57.9% જેટલો થયો હતો. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ઝડપથી વિકસતા ભારે તથા રાસાયણિક ઉદ્યોગોનો ફાળો હવે 50 % જેટલો છે અને તેને લીધે 1988માં પોલાદના ઉત્પાદનમાં કોરિયાનો વિશ્વમાં દશમો ક્રમ રહ્યો છે. ઉદ્યોગીકરણના શરૂઆતના તબક્કામાં દેશનો કાપડઉદ્યોગ મોખરે હતો પરંતુ હવે તેનું સ્થાન ઔદ્યોગિક યંત્ર અને ઓજાર તથા ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગોએ લીધું છે. દેશનો વહાણવટા ઉદ્યોગ હાલ ટોચ પર છે તો મોટરવાહનોના ઉત્પાદનમાં તેજી વરતાય છે. મોખરાના અન્ય ઉદ્યોગોમાં સિમેન્ટ, પ્રક્રમણયુક્ત ખાદ્ય પદાર્થો, રાસાયણિક ખાતરો, પગરખાં, ચિનાઈ માટીકામની ચીજવસ્તુઓ, કાચની બનાવટો તથા ખેતીનાં યંત્રો અને ઓજારો ઉલ્લેખનીય છે.
1962થી 1987 દરમિયાનનાં પચીસ વર્ષમાં ખેતપેદાશોના ઉત્પાદનમાં બમણો વધારો થયો છે તથા દેશના મુખ્ય ખાદ્યાન્ન ચોખાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત થઈ છે. ઉદ્યોગીકરણની વધતી પ્રક્રિયા સાથે ખેતી પર આધાર રાખતી વસ્તીનું પ્રમાણ ઘટ્યું છે. 1990માં દેશની કુલ નિકાસોનું મૂલ્ય 6,31,240 લાખ અમેરિકન ડૉલર તથા આયાત વ્યાપારનું મૂલ્ય 6,51,270 લાખ અમેરિકન ડૉલર હતું. દેશ પાસે વિદેશી હૂંડિયામણનો જથ્થો 1990માં 1,48,220 લાખ અમેરિકન ડૉલર જેટલો હતો. 1990માં જળવિદ્યુતશક્તિ દ્વારા 2,340 મેગાવૉટ, થર્મલ વિદ્યુતશક્તિ દ્વારા 11,065 મેગાવૉટ, તથા અણુઊર્જા દ્વારા 7,616 મેગાવૉટ જેટલી વિદ્યુતશક્તિ પ્રાપ્ત કરવામાં આવી હતી.
દક્ષિણ કોરિયાની આ વિસ્મયકારક પ્રગતિ બહિર્મુખી વિકાસ-વ્યૂહરચનાનું પરિણામ છે, જેમાં નિકાસને વિકાસનું સાધન બનાવવામાં આવ્યું છે. વિકાસની આ પ્રક્રિયામાં રાજ્યે મહત્વનો ફાળો આપ્યો છે. સીમાશુલ્કની કાર્યવિધિનું સરલીકરણ કરવામાં આવ્યું, જેથી આયાતકારો સહેલાઈથી કાચા માલ જેવી વિકાસલક્ષી ચીજોની આયાત કરી શકે. વિદેશી મૂડી પણ આવકારવામાં આવી છે. વહીવટી અંકુશો અને અવરોધો (bottlenecks) નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડવામાં આવ્યા છે. દેશમાં અમુક અંશે આર્થિક આયોજન હોવા છતાં મોટા ભાગનું અર્થકારણ મુક્ત બજારલક્ષી છે.
શિક્ષણ અને સંસ્કારકેન્દ્રો : પ્રાથમિક શિક્ષણ મફત છે. શિક્ષણ લઈ શકે એવાં બાળકો પૈકી 95% બાળકો પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે. દેશમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, જુનિયર કૉલેજ તથા કૉલેજ, નૉર્મલ સ્કૂલ અને યુનિવર્સિટીઓ છે. કન્યા માટેનું વિશ્ર્વવિદ્યાલય 1938થી કામ કરે છે. કોરિયા જેવા નાના દેશ માટે શિક્ષણનો આ ફેલાવો નોંધપાત્ર છે. 1988માં દક્ષિણ કોરિયામાં 1,116 સંશોધન અને વિકાસલક્ષી સંસ્થાઓ હતી. 1980માં આ કાર્યક્રમ પાછળ રાષ્ટ્રીય પેદાશના 0.57% ખર્ચ થતો હતો, તે વધીને 1988માં 2% (3.3 અબજ અમેરિકન ડૉલર) ખર્ચ થયો હતો. આમ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના વિસ્તરણ અને વિકાસ ઉપર વિશેષ ભાર મુકાયો હતો.
કલાક્ષેત્રે દક્ષિણ કોરિયાએ લૅન્ડસ્કેપ પેઇન્ટિંગ અને પરંપરાગત ચીની ચિત્રકલા ઉપરાંત પાશ્ચાત્ય શૈલીની ચિત્રકળાને અપનાવી છે. છીપ, લાખ અને પિત્તળનો કલા-કારીગરીની વિવિધ વસ્તુઓ બનાવવા ઉપયોગ થાય છે. 1948 પછી ‘નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સ’ અને ‘નૅશનલ એકૅડેમી ઑવ્ આટર્સ’ની સ્થાપના થઈ છે. સેઉલમાં વિશાળ રાષ્ટ્રીય સંગ્રહસ્થાન છે. સેઉલ નૅશનલ યુનિવર્સિટી અને નૅશનલ લાઇબ્રેરીમાં કોરિયન ઉપરાંત ચીની, જાપાની, રશિયન, અંગ્રેજી વગેરે વિવિધ ભાષાઓનાં લાખો પુસ્તકો છે. તેનો વિજ્ઞાન વિભાગ પણ વિકસાવાઈ રહ્યો છે. સંગીત ઉપરાંત રમતગમતમાં કોરિયાનું સ્થાન એશિયામાં આગળ પડતું છે. 1986માં તેના પાટનગર સેઉલમાં દશમો એશિયન રમતોત્સવ યોજાયો હતો. અને દક્ષિણ કોરિયા બીજા ક્રમે રહ્યું હતું. 1988માં ત્યાં ચોવીસમો ઑલિમ્પિક રમતોત્સવ યોજાયો હતો અને દ. કોરિયા ચોથા ક્રમે રહ્યું હતું. પાશ્ચીત્ય જીવનશૈલીની અસર શહેરોમાં વિશેષ જણાય છે, જ્યારે ગ્રામ વિસ્તાર હજી પરંપરાવાદી છે.
દક્ષિણ કોરિયાની આ વિચક્ષણ આર્થિક પ્રગતિને ‘હાન નદી પરના આર્થિક ચમત્કાર’ તરીકે ઓળખવામાં આવે છે.
ગિરીશ ભટ્ટ
શિવપ્રસાદ રાજગોર
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
દેવવ્રત પાઠક