શાહ, બારકુલ્લા ચિશ્તી : દિલ્હીના નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય. તેમનું મોટાભાગનું જીવન અમદાવાદમાં પસાર થયું. તેમની દરગાહ દિલ્હી દરવાજાની બહાર પેન્ટર ગાર્ડન પાસે આવેલી છે. અમદાવાદના પ્રસિદ્ધ સંત શાહઆલમસાહેબનું ‘શાહઆલમ’ નામ તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. આ બાબત પર પ્રકાશ પાડતાં ‘મિરાતે અહમદી’ના કર્તા નોંધે છે કે, શાહઆલમસાહેબ એમના પિતાશ્રીની આજ્ઞા અનુસાર શાહ બારકુલ્લા પાસે ગયા. એ સમયે શાહ બારકુલ્લા પોતાની જગ્યાના મકાનની દીવાલ ચણાવતા હતા. પરિણામે શાહઆલમ બહાર દીવાલ ચણવાના પડેલ માલને ટોકરીમાં નાંખી માથે ઉપાડીને શાહ બારકુલ્લા પાસે ગયા. આ જોઈને તેઓ બોલ્યા, ‘આવો શાહઆલમ, તમારે માથે શાહી છત્ર સારું શોભે છે.’ ત્યારબાદ તેમને ‘શાહઆલમ’ તરીકે જ બોલાવ્યા. પછી પોતાના અતાઉલ્લા પાસે લઈ ગયા. ત્યાં તેમને રાંધેલા ધાનની દેગ આપી અને કહ્યું કે, ‘‘આ લઈ જાઓ અને જ્યાં ‘શાહઆલમ’ ‘શાહઆલમ’ એવા શબ્દો સંભળાય ત્યાંથી પાછા ફરજો’’. દેગ લઈને શાહઆલમ ત્રણ દરવાજે આવ્યા ત્યારે એમ કહેવાય છે કે એક બોબડો અને આંધળો માણસ ત્યાં ઊભો હતો. તેને અચાનક દૃષ્ટિ અને વાચા આવી. તે ‘શાહઆલમ’, ‘શાહઆલમ’ બોલવા લાગ્યો અને આસપાસથી પણ આ પ્રકારના અવાજો આવવા લાગ્યા. તે પછી દેગ લઈને તેઓ પિતાશ્રી પાસે ગયા. આ બનાવ બન્યા પછી તેની યાદગીરીમાં ગુજરાતમાં એક કહેવત પ્રચલિત થઈ કે
‘ચિશ્તીઉને પકાઈ ને
બુખારીઉને ખાઈ’
‘મિરાતે અહમદી’નો ભાષાંતરકાર આ ઘટનાને સમજાવતાં નોંધે છે કે, આ કહેવત અજ્ઞાનીઓનું કથન છે. ફક્ત એનાથી શાહ બારકુલ્લા અને શાહઆલમ વચ્ચેના ઉષ્માભર્યા સંબંધોનો ખ્યાલ આપે છે.
ઈશ્વરલાલ ઓઝા