શાહબાનુ ખટલો

January, 2006

શાહબાનુ ખટલો : છૂટાછેડા(તલાક)ની શિકાર બનેલી મુસ્લિમ મહિલાના ભરણપોષણની કાયદાકીય જોગવાઈ વિશેનો ભારતની સર્વોચ્ચ અદાલતે આપેલો શકવર્તી ચુકાદો. વિવાદાસ્પદ બનેલા આ  કેસની વિગતો આ પ્રમાણે છે : લગભગ 43 વર્ષના લગ્નજીવન બાદ શાહબાનુને તેમના પતિ મોહમ્મદ એહમદખાને જેઓ આ મુકદ્દમામાં ઉપલી અદાલતમાં અપીલ કરનાર પક્ષકાર હતા, 1975માં તલાક આપી દીધા. તેની પત્ની શાહબાનુએ ભરણપોષણ માટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ અરજી કરી. પતિએ જણાવ્યું કે તેણે બે વર્ષ સુધી તેની પત્નીને માસિક રૂપિયા 200 પ્રમાણે ભરણપોષણની રકમ ચૂકવી હતી અને ત્યારબાદ પણ અદાલતના આદેશથી ઇદ્દતના સમય દરમિયાન અદાલતમાં શાહબાનુ માટે રૂ. 3,000 જમા કરાવ્યા હતા.

આ કેસ પુન:વિચારણા (રિવિઝન) માટે ન્યાયાલય સમક્ષ રજૂ થતાં અદાલતે ભરણપોષણની રકમમાં વધારો કરી આપ્યો. આ સામે પતિએ આગળ અપીલ કરી જે સુપ્રીમ કોર્ટે ખર્ચ સાથે કાઢી નાખી અને ભરણપોષણની રકમમાં વધારો કરવા માટે પત્નીનો અધિકાર મંજૂર રાખ્યો. ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125માં આ અગાઉ 1974માં અને 1977માં સુધારા કરવામાં આવ્યા હતા, જેના આધારે સુધારેલી કલમ 125નો પાઠ નીચે પ્રમાણે છે :

પત્નીઓ, બાળકો અને મા-બાપને ભરણપોષણ આપવાનો આદેશ :

(1) જે કોઈ વ્યક્તિ પાસે પૂરતાં (ભરણપોષણનાં) સાધન હોવા છતાં તે –

(अ) તેની પત્ની જે પોતાનું ભરણપોષણ કરી શકે તેમ ન હોય તેનું, અથવા

(ब) તેના કાનૂની કે ગેરકાનૂની બાળકને – પછી તે પરિણીત હોય કે નહિ  જે પોતાનું ભરણપોષણ કરવાને અસમર્થ છે તેનું, અથવા તેના કાનૂની કે ગેરકાનૂની પુખ્ત ઉંમરના બાળકને (પરિણીત પુત્રી નહિ) કે જેને શારીરિક કે માનસિક ખોડખાંપણ કે ઈજાને કારણે પોતાની જાતનું ભરણપોષણ કરી શકે તેમ નથી તેનું, અથવા

(क) તેના પિતાને અથવા માતાને કે જે પોતાનું ભરણપોષણ કરવાને અસમર્થ છે તેનું, ભરણપોષણ કરવામાં ઉપેક્ષા દાખવે યા તો ના પાડે ત્યારે ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ આવી ઉપેક્ષા કે ઇનકારની સાબિતી મળ્યાથી આવી પત્ની, બાળક, માતા કે પિતાના ભરણપોષણ માટે માસિક રૂ. 500થી વધુ નહિ એવા તેને યોગ્ય લાગે તેવા ભરણપોષણ આપવાનો આદેશ કરી શકશે.

ઉપર્યુક્ત (ब)માં જણાવેલ વ્યક્તિ જો સગીર સ્ત્રી હશે અને તેનો પતિ તેના ભરણપોષણનાં પૂરતાં સાધનો ન ધરાવતો હોય અને એ વિશે મૅજિસ્ટ્રેટને સંતોષ થશે તો તેના પિતાને તે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યાં સુધી ભરણપોષણ આપવાનું ફરમાવી શકશે.

ખુલાસો : (अ) અહીં સગીર એટલે ઇન્ડિયન મેજોરિટી ઍક્ટ 1875 હેઠળ જેણે પુખ્ત ઉંમર પ્રાપ્ત નથી કરી તે.

(ब) ‘પત્ની’ શબ્દમાં જે સ્ત્રીને તેના પતિએ છૂટાછેડા આપ્યા હોય તે અથવા જેણે તેના પતિથી છૂટાછેડા લીધા હોય અને ફરી લગ્ન નથી કર્યાં તેનો સમાવેશ થાય છે.

(2) આવું ભરણપોષણ એ બાબતના આદેશની તારીખ યા તો ભરણપોષણની અરજીની તારીખથી આપવાનું રહેશે.

(3) યોગ્ય કારણો વિના આવા આદેશનો ભંગ કરનાર સજાને પાત્ર છે (1 માસની સજા). આવાં પગલાં કોર્ટને એ બાબતની અરજી કર્યેથી લેવાશે અને એ માટેનો સમય ભરણપોષણની રકમ ચૂકવવાને પાત્ર (ડ્યુ) થાય તે તારીખથી એક વર્ષનો છે. આ સમય દરમિયાન પતિ પત્નીને સાથે રહેવાનો પ્રસ્તાવ મૂકે અને પત્ની જો યોગ્ય કારણોસર તેમ કરવા ના પાડે તો કોર્ટ તેની નોંધ લઈ જો કારણો યોગ્ય હશે તો ભરણપોષણ આપવાનો આદેશ કરશે.

ખુલાસો : પતિએ ફરી લગ્ન કર્યાં હોય અથવા તો રખાત રાખી હોય તો પત્નીને તેની સાથે ન રહેવા માટે યોગ્ય કારણ છે તેમ મનાશે, પરંતુ

(4) જો પત્ની વ્યભિચારી જીવન ગાળતી હોય અથવા તો પૂરતાં કારણો વિના પતિ સાથે રહેવાની ના પાડે અથવા તો પતિ-પત્ની બંને પરસ્પર સંમતિથી અલગ રહેતાં હશે તો પત્ની ભરણપોષણ મેળવવા હકદાર રહેશે નહિ.

(5) ભરણપોષણનો આદેશ થયા પછી પણ જો ઉપર(4)માં કહેલું પુરવાર થાય તો ભરણપોષણનો આદેશ કોર્ટ રદ કરશે.

ક્રિમિનલ પ્રોસિજર કોડ(CPC)ની કલમ 126 ભરણપોષણ વિશેની કાર્યરીતિ (પ્રોસિજર) દર્શાવે છે અને કલમ 127 જણાવે છે કે ભરણપોષણની રકમમાં ફેરફાર કરી શકાય છે; કલમ 128 આવા આદેશનો અમલ કરાવવા વિશે છે.

શાહબાનુ

શાહબાનુ કેસનો ચુકાદો આવ્યો તે પહેલાં આ મુદ્દા પર કેટલાક નોંધપાત્ર ચુકાદા આવી ગયા હતા; જેમાંથી બાઈ તાહિરા વિ. અલીહુસેન ફિદાઅલી ચોથીઆ  (1979) 2 સૂ.કો.કે. 316 અને ફઝલુનબી વિ. કે. ખાદેરવલી (1980) 4 સૂ.કો.કે. 125ના ચુકાદા શાહબાનુ કેસના પાયારૂપ છે. આ બંને કેસોના ચુકાદા જણાવે છે કે છૂટાછેડા અપાયેલી મુસ્લિમ સ્ત્રીને ક્રિમિનલ પ્રોસિજર કોડ(CPC)ની કલમ 125 હેઠળ ભરણપોષણની અરજી કરવાનો અધિકાર છે. ફઝલુનબીના કેસમાં રિસ્પૉન્ડન્ટ મુસ્લિમ પતિ માસિક રૂ. 1,000 કમાતો હતો. તેને એક પુત્ર હતો. પતિએ પત્નીને તલાક આપ્યા અને તેને મહરની રકમ રૂ. 500 ચૂકવી, તથા ઇદ્દતના સમય દરમિયાન ભરણપોષણની રકમ રૂ. 750/- ચૂકવી આપી. પત્નીએ એના પુત્ર માટે ભરણપોષણની અરજી કરતાં મૅજિસ્ટ્રેટે પત્નીને દર માસે રૂ. 250 અને પુત્રને માટે રૂ. 150 દર માસે ભરણપોષણના નક્કી કર્યા. ઉપલી અદાલતે આ આદેશને રદ કર્યો, કેમ કે મહરની રકમ અને ઇદ્દત સમયના ભરણપોષણની રકમો ચૂકવાઈ ગઈ હતી. સેશન્સમાં પણ આ બાબત મંજૂર થઈ. હાઈકોર્ટે પણ બાઈ તાહિરાના કેસના ચુકાદા સાથે ભેદ દર્શાવતાં રિવિઝન અરજી રદ કરી. આ બાબત છેવટે સર્વોચ્ચ અદાલતમાં આવતાં ન્યાયમૂર્તિ વી. આર. ક્રિશ્નઆયરે ઠરાવ્યું કે કલમ 125થી 127ની જોગવાઈઓ હેતુપૂર્વક ધર્મનિરપેક્ષ છે અને તે ઘરબાર વિનાની દુ:ખી સ્ત્રી કે જે તેનાં લગ્ન દરમિયાન અને છૂટાછેડા પછી ઉપેક્ષાનો ભોગ બની છે તેને રક્ષે છે. સમાજની નિર્બળ જાતિનું રક્ષણ કરવું અને તેના કલ્યાણ માટે કાર્ય કરવું એ રાજ્યની અંતર્ગત જવાબદારી છે અને તે કોઈ એક ધર્મ કે કોઈ ખાસ ધર્મ સુધી જ મર્યાદિત નથી, પરંતુ સમસ્ત સ્ત્રીજાતિ માટેની આ જોગવાઈઓ છે. ક. 125થી 127નો અમલ કરાવવાની જવાબદારી અદાલતો પર છે. વધુમાં અદાલતે ઠરાવ્યું કે મહર એ છૂટાછેડાનો અવેજ અથવા તો શરીરસંબંધની ખોટ(loss)ને લઈને અપાતી રકમ તો કોઈ પણ સંજોગોમાં ગણાય નહિ. ફઝલુનબીના કેસમાં કોર્ટે મહર અને ભરણપોષણ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરી આપ્યો છે.

શાહબાનુ કેસમાં પાંચ જજની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે સર્વાનુમતે એમ ઠરાવ્યું કે છૂટાછેડા અપાયેલ મુસ્લિમ સ્ત્રીને કોડની ક. 125 હેઠળ ભરણપોષણ માગવાનો હક છે. બીજી મહત્વની બાબત એ ઠરાવી કે મહર એ છૂટાછેડાને લીધે એટલે કે તેના પરિણામે આપવામાં આવતી રકમ નથી. પ્રથમ મુદ્દો તો અગાઉના કેસોમાં પણ સ્વીકારાઈ ગયો છે, પરંતુ આ બીજો મુદ્દો વિવાદી બન્યો. જોકે આ ચુકાદા પર આવતાં પહેલાં મહરને લગતું કુરાનમાં જે કહ્યું છે તેનો અને અનેક મુસ્લિમ વિદ્વાનોએ જે કહ્યું છે તેનો કોર્ટે અભ્યાસ કર્યો અને પછી મહર વિશેનો આ ચુકાદો આપી મહરની રકમ અને છૂટાછેડાનો પ્રથાજનિત જે સંબંધ ચાલ્યો આવતો હતો તે કોર્ટે તોડી નાખ્યો અને મોહંમદ એહમદખાને તેની પત્નીને ભરણપોષણ આપવું પડ્યું. પરિણામે આ ચુકાદા સામે ઘણો ઊહાપોહ થયો. મુસ્લિમ સમાજમાં બે ભાગ પડી ગયા : સુધારાવાદીઓ અને રૂઢિચુસ્તો. આ સમયે ઇન્દોર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં ક. 125 હેઠળની અનેક અરજીઓનો નિકાલ બાકી હતો. અરજદારોએ તો શાહબાનુના ચુકાદાને વધાવી લીધો; પરંતુ અનેક જગાઓએ તોફાનો થયાં અને રાજકીય દબાણ આવતાં સરકારે ધ મુસ્લિમ વીમૅન (પ્રોટેક્શન ઑવ્ રાઇટ્સ ઑન ડિવૉર્સ) બિલ 28-2-1986ના રોજ સંસદમાં દાખલ કર્યું અને થોડા સુધારાવધારા સાથે પસાર કરાવ્યું. એની જોગવાઈઓ પ્રમાણે :

(1) ઇદ્દતના સમય દરમિયાન મુસ્લિમ સ્ત્રીને તેના પતિ તરફથી યોગ્ય ભરણપોષણ મળવું જોઈએ.

(2) લગ્નસમયે નક્કી થયેલ મહરની રકમ અને મિત્રો, સગાંવહાલાં વગેરે તરફથી લગ્ન સમયે તેને મળેલી અન્ય મિલકત પણ તે મેળવવા હકદાર છે.

(3) આ રકમ અને મિલકત જો તેને ન અપાય તો તે મૅજિસ્ટ્રેટને અરજી કરી શકશે અને મૅજિસ્ટ્રેટ અરજીની તારીખથી 1 માસમાં તે આપવા માટે પતિને આદેશ આપશે.

(4) ઇદ્દતનો સમય વીત્યા પછી જો પત્ની તેનું ભરણપોષણ કરવા અસમર્થ હોય તો આવી સ્ત્રીનાં સગાંવહાલાંને તે સ્ત્રીના ભરણપોષણ માટે મૅજિસ્ટ્રેટ આદેશ આપી શકશે. જેટલી હદ સુધી આ સગાંવહાલાં તે સ્ત્રીની મિલકત વારસામાં મેળવી શકે તેટલી હદ સુધી તેમની આ જવાબદારી રહેશે.

(5) જો સગાંવહાલાં ન હોય યા તો તેઓ સ્ત્રીનું ભરણપોષણ કરવા અસમર્થ હોય તો મૅજિસ્ટ્રેટ સ્ટેટ વકફ બૉર્ડને (જે સમસ્ત મુસ્લિમ કોમની મિલકતોની વ્યવસ્થા સંભાળે છે.) આદેશ આપશે કે તેણે ભરણપોષણની પૂરેપૂરી રકમ અથવા તો સગાંવહાલાંઓ ન આપી શકે તેટલી રકમમાં પૂર્તિ કરી આપવી.

આ બિલ વિશે એક અભિપ્રાય એ છે કે તે મુસ્લિમ સ્ત્રીના ભરણપોષણના હકને રક્ષણ આપતું નથી. ઊલટાનું આ બિલ તો છૂટાછેડા અપાયેલી મુસ્લિમ પત્નીઓના ભરણપોષણને લગતા હક છીનવી લે છે અને તેના પુરુષની સ્ત્રીને ભરણપોષણ આપવા અંગેની જવાબદારી નામશેષ કરી નાંખે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો આ બિલ મુસ્લિમ પુરુષોના હકની તરફેણમાં છે અને પત્નીને છૂટાછેડા આપ્યા બાદ પુરુષની જાણે કે કોઈ જવાબદારી જ નથી તેમ ઠરાવે છે અને તેને વકફ બૉર્ડને હવાલે છોડી દે છે. એ યાદ રહે કે વકફ બૉર્ડ પાસે એવાં નાણાં છે જ નહિ કે તે આવી સ્ત્રીઓને નિભાવી શકે. વકફ બૉર્ડની પોતાની સ્થિતિ જ જ્યાં નબળી હોય ત્યાં તેઓ સ્ત્રીઓને નિભાવવા માટે નાણાં ક્યાંથી લાવશે ? વળી એવી સ્ત્રીઓને પોતાનાં મા-બાપ, ભાઈ-બહેનો અને નજીકનાં સગાંઓ સાથે ઝઘડામાં ઊતરવું પડે અને માનહાનિ વેઠીને વકફ બૉર્ડ પાસે હકની ભીખ નહિ પરંતુ દયાની ભીખ માગવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. વકફ બૉર્ડો પાસે નાણાં ક્યાં છે ? આ સામે સુપ્રીમ કોર્ટમાં રિટ થઈ છે જે વિચારણા હેઠળ છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી