શાહ, અબ્દુર્રહીમ દેહલવી (જ. 1645, દિલ્હી; અ. 1718) : ફારસીના પ્રખર સૂફી વિદ્વાન. તેમના વડવાઓ અરબ હતા અને ઈરાન થઈને હિંદુસ્તાનમાં આવી વસેલા. તેમના ખાનદાનમાં કેટલીય પેઢીઓ સુધી કાજીનો પરંપરાગત વ્યવસાય હતો. પછીના વંશજો સૈન્યમાં જોડાયેલા. શાહના પિતા શેખ વજીહુદ્દીન એક બહાદુર સૂફી હતા અને ડાકુઓ સાથેની ઝપાઝપીમાં શહીદ થયેલા.
શાહ અબ્દુર્રહીમે બાળપણ સંપૂર્ણ ધાર્મિક શિક્ષણ કરવાની સાથે તસવ્વુફ(અધ્યાત્મવાદ)નું પ્રશિક્ષણ મેળવ્યું હતું. કુરાનના જ્ઞાન વિશે તેમને વિશેષ રુચિ હતી. તેમણે વખત જતાં દિલ્હીમાં ફતેહપુરી ખાતે ધાર્મિક સંસ્થા શરૂ કરી; જે ‘મદ્રસએ રહીમીયા’ તરીકે જાણીતી છે. તેમણે યૂનાની તબીબ (વૈદ્ય) તરીકે પણ નામના મેળવી હતી. તેમણે કુરાનનું સીધું શિક્ષણ આપવાની પહેલ કરી. તેમણે તફસીરોનો આશરો લીધા વિના કુરાનનું વાંચન કરીને જીવનવ્યવહાર અને સામાજિક વ્યવહારમાં ઇસ્લામી સિદ્ધાંતોના શિક્ષણ પર વધુ ભાર મૂક્યો.
તેઓ ‘ફતાવા-એ-આલમગીરી’ નામના વિશ્વવિખ્યાત ફતાવા-સંગ્રહના સંપાદકો પૈકીના એક હતા. તેમણે હિંદી તેમજ ફારસીમાં કાવ્યરચના કરી છે. તેમણે મુલ્લા અબ્દુલહકીમ સિયાલકોટીના નિબંધ ખિયાલીનો હાશિયો લખ્યો છે. તસવ્વુફ અંગે એક અરબી નિબંધનો ફારસી અનુવાદ પણ તેમણે કર્યો છે. તેમણે તેમના શિષ્યો તથા અનુયાયીઓને સંબોધીને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડતો ‘અનફાસે રહીમીયા’ નામક પત્રસંગ્રહ આપ્યો છે.
તેઓ સાદાઈ અને સફાઈ સાથે પારદર્શકતાથી જીવન ગુજારતા હતા. ઔરંગઝેબે દાનમાં આપેલી જમીનનો તેમણે અસ્વીકાર કર્યો હતો. બાદશાહો તથા અમીર-ઉમરાવો સાથેના સંબંધથી હંમેશાં તેમણે દૂર રહેવાનું પસંદ કર્યું હતું. શુક્રવારની નમાઝમાં તેઓ નેકીનો હુકમ અને બૂરાઈથી મનાઈની શિખામણ હંમેશાં આપતા રહેતા. આમ, તેમણે એક સૂફી સુધારક તરીકે નામના મેળવી હતી.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી