શાસ્ત્રી, હીરાનંદ (. ?; . ઑગસ્ટ, 1946) : ગુજરાતના પુરાતત્વવિદ અને લેખાધિકારી. ભારત સરકારના લેખાધિકારી(epigraphist)પદેથી 1934માં નિવૃત્ત થયા બાદ આ અરસામાં જ વડોદરા રાજ્યમાં નવા જ શરૂ થયેલા પુરાતત્વ વિભાગના અધિકારી તરીકે જોડાઈ તત્કાલીન મહારાજાની ઇચ્છાનુસાર વડોદરા રાજ્યના પુરાતત્ત્વીય સઘન અભ્યાસ માટે જે તે પ્રાચીન સ્થળોની જાતતપાસ આરંભી સંબંધિત સ્થળોની પ્રાચીનતા નક્કી કરી. એમના આ સંશોધન-નિરીક્ષણ દરમિયાન તેમણે કેટલાંક સ્થળોએ પ્રારંભિક ખોદકામ પણ કરાવેલ. આમાંનું પ્રમુખ અને મહત્વનું ઉત્ખનન છે અમરેલીનો ગોહિલવાડનો ટિમ્બો (1945). આ ટિમ્બા પરથી વલભીના રાજા ખરગ્રહ 1લાનું, વલભી સંવત 297નું તામ્રપત્ર મળી આવેલ હોઈ આ ટિમ્બાનું ઉત્ખનન કરાવવું એમને વિશેષ મહત્વનું લાગેલું. એમના અહીંના ઉત્ખનનથી ક્ષત્રપ સમયના ઘણા પુરાવશેષો હાથ લાગેલા. આમાંના ઘણા અદ્યાપિ અમરેલીના મ્યુઝિયમમાં પ્રદર્શિત છે. અમરેલી ઉપરાંત કોડીનાર પાસેના મૂળ દ્વારકા, હાથબ; કામરેજ પાસે પણ પ્રારંભિક ખોદકામ કરાવેલ. તેઓ કોડીનાર તાલુકાની દક્ષિણ-પશ્ચિમે આવેલ મૂળ દ્વારકાને અસલ દ્વારકા હોવાનું માને છે. તો સિદ્ધરાજ સોલંકીએ પાટણ નજીક બંધાવેલ સહસ્રલિંગ તળાવનું તેમનું ઉત્ખનન (1936) મહત્વનું મનાય છે. આ ઉત્ખનન દરમિયાન એમણે તળાવનો વિસ્તાર, તેનું ઊંડાણ, તેમાં પાણીના આવવા-જવાના માર્ગ, બૅંકસ્થાન ઉપરના શ્રી વિંધ્યવાસિની સ્થાનક વગેરે બાબતો પ્રકાશમાં આણી. આ અંગેનો વિગતવાર અહેવાલ એમના ઍન્યુઅલ રિપૉર્ટ્સ ઑવ્ ધ ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કિયૉલોજી(બરોડા સ્ટેટ)ના 1936-37માં પ્રસિદ્ધ થયો છે. એમનું ‘The Ruins of Dabhoi’ (1940), ‘ગિરનાર પરનો અશોકનો ખડક’ ઉપરાંત 1940-41 દરમિયાન ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદમાં ગુજરાત-કાઠિયાવાડના પુરાતત્વ અને સાંસ્કૃતિક ઇતિહાસ વિશે આપેલ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન, જે બાદમાં ‘પુરાતત્વ અને પ્રાચીન ભારતીય ઇતિહાસ’ નામે ગ્રંથસ્થ થયેલ, વગેરે તેમનાં મહત્વનાં પ્રકાશનો છે.

હસમુખ વ્યાસ