શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ

January, 2006

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ (હવે [શ્રી સ્વામિનારાયણ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ]) : દક્ષિણ ગુજરાતની વ્યાયામશિક્ષણની શાળા. સંસ્થાની શરૂઆત 1 જુલાઈ, 1964ના રોજ સૂરત જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સૂરત શહેરમાં કરવામાં આવી. આ સંસ્થા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈના આશીર્વાદથી શરૂ થઈ. 30 ભાઈઓ અને 20 બહેનો ધરાવતી આ સંસ્થા સૂરતના તાપી નદીના કિનારે આવેલી આર. ડી. કૉન્ટ્રાક્ટર હાઈસ્કૂલના મકાનમાં શરૂ કરવામાં આવી. ત્રણ વર્ષ પછી તાલીમાર્થીઓની સંખ્યામાં વધારો થતાં મકાન, મેદાન, સાધનોની જરૂરિયાત વધતાં સંસ્થાને 1967થી એમ.પી. હૉસ્ટેલ, રાંદેર (સૂરત) ખાતે ખસેડવામાં આવી, અને સંસ્થા ફક્ત ભાઈઓ માટે જ ચાલુ રાખવામાં આવી. આ વખતે તાલીમાર્થીઓની સંખ્યા 100 હતી. 1972માં વી. ડી. ગલિયારા હાઈસ્કૂલ, કઠોર ગામે સંસ્થાને હૉસ્ટેલ, મેદાન સાથે આશ્રમ મળવાથી સંસ્થાનું સ્થળાંતર કઠોર ગામે થયું. 1975માં સંસ્થાનું સ્થળ બદલાયું. ડૂમસના નવાબના બંગલામાં સંસ્થા લઈ જવામાં આવી. બીજા જ વર્ષે 1976માં સૂરત અઠવા લાઇન્સ ભટ્ટ આશ્રમ ખાતે કાર્યાલય રાખી પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તાલીમ ચાલુ રાખી સંસ્થા ચાલુ રખાઈ. 1977થી સેંસેરીતે એજ્યુકેશન ટ્રસ્ટ, ભિલાડને આ સંસ્થાનો વહીવટ સોંપાયો, જેના પ્રમુખ લાભશંકર વ્યાસ હતા. ત્યારબાદ 1982થી ફરીથી ટ્રસ્ટ બદલાયું. ભિલાડ ગ્રામ મંડળ દક્ષિણ ગુજરાત ગ્રામ સંસ્કાર અને વ્યાયામ મંડળે આ સંસ્થાનો વહીવટ સંભાળ્યો. 1997 સુધી આ સંસ્થાએ સારી રીતે વહીવટ કર્યો. ગુજરાત રાજ્ય દ્વારા 1997માં બે વર્ષના સી.પી.એડ.નો અભ્યાસક્રમ શરૂ થતાં સંસ્થામાં છાત્રાલય અને મેદાનની વધારે સગવડોની જરૂરિયાત ઊભી થઈ. એટલે આ સંસ્થાનું ટ્રસ્ટ બદલાયું. આ સંસ્થાના વહીવટની જવાબદારી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગરે લીધી અને સરકારના ધારાધોરણ મુજબનાં મેદાન, મકાન, છાત્રાલય, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીગણની વ્યવસ્થા કરવામાં આવી. આ સંસ્થામાં ફક્ત સી.પી.એડ.નો જ બે વર્ષનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. કુલ 70 વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. સત્સંગ શિક્ષા પરિષદના પ્રમુખ તરીકે બ્રહ્મસ્વરૂપ સ્વામી અને મંત્રી તરીકે સંતસ્વરૂપ સ્વામી સેવા આપે છે.

હર્ષદભાઈ પટેલ

કનુભાઈ દવે