શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ

January, 2006

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ (જી. બી. પટેલ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, હાથીજણ) : ગુજરાતની એક નોંધપાત્ર વ્યાયામશિક્ષણ શાળા. ભારતની આઝાદી માટે ગુજરાતમાં જનજાગૃતિ પેદા કરનારા પુરાણીબંધુઓ છોટુભાઈ અને અંબુભાઈએ અમદાવાદમાં ચાલતી વ્યાયામશાળાઓના કાર્યકર્તાઓને ખાડિયા જૂની પોલીસ ચોકી પાસે એકત્ર કર્યા. ત્યાં જ મકાન ભાડે રાખીને સમસ્ત અમદાવાદ શહેરમાં ચાલતી વ્યાયામ-પ્રવૃત્તિઓને કેન્દ્રિત કરીને શ્રી અખિલ અમદાવાદ વ્યાયામ મહામંડળની સ્થાપના કરી. આ મહામંડળમાં જુગલકિશોર મિસ્ત્રી, અજિતકુમાર પટેલ, હરિગોવિંદ જામ્બેકર, પુરુષોત્તમ માવલંકર, કૃષ્ણવદન જોષી જેવા મહાનુભાવો જોડાયા. આઝાદી મળ્યા પછી યુવાનોમાં નવચેતનાના સંસ્કાર રેડાય તે માટે મહામંડળે વિદ્યાલયને શરૂ કરવાનું વિચાર્યું. 1960માં મુંબઈ રાજ્યના તે વખતના શારીરિક શિક્ષણ-નિરીક્ષક વખાસ્કરના સૂચનને ધ્યાનમાં રાખીને મહામંડળે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાસેથી મણિનગર વ્યાયામશાળાનું મકાન અને મેદાન ભાડે રાખીને ચંદ્રકાન્તભાઈ જગાભાઈ વાળાના પ્રમુખપદે અને જુગલકિશોર મિસ્ત્રીના મંત્રીપદે બે વર્ષના સી.પી.એડ.ના (પ્રમાણપત્ર) અભ્યાસક્રમની શરૂઆત કરી. આચાર્ય તરીકે રમણભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી. સી.પી.એડ.ના અભ્યાસક્રમ માટે સાધનો, મકાનો અને મેદાનોની જરૂરિયાત ઊભી થઈ અને અમદાવાદ મ્યુનિસિપાલિટીને જાણ કરતાં પાલડી ખાતે હાલમાં ચાલતી એન.આઇ.ડી. સંસ્થા જ્યાં છે તે જમીનની ફાળવણી કરી આપી અને 1962માં પાલડીના સ્થળે જ એક વર્ષના રેગ્યુલર સી.પી.એડ.ના અભ્યાસક્રમની શરૂઆત કરી. તેના આચાર્ય તરીકે ભાઈલાલભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી. એન.આઇ.ડી. સંસ્થાના વિકાસ માટે વધારે જમીનની જરૂરિયાત ઊભી થતાં, શારીરિક શિક્ષણ મહાવિદ્યાલયનું સ્થળાંતર મ્યુનિસિપાલિટી પાસેથી ટોકન ભાડાથી મેદાન અને મકાન રાખીને ખોખરા મહેમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આમ, કૉલેજ ચલાવવા માટે સારું એવું મેદાન, વર્ગખંડો, કાર્યાલય વગેરેની સુવિધાવાળું મકાન મળ્યું. જ્યારે વિદ્યાર્થીઓની છાત્રાલયની વ્યવસ્થા મણિનગરના દક્ષિણી સોસાયટી વિસ્તારમાં કાકુભાઈ જ્ઞાનસદનમાં ભાડાના મકાનમાં કરવામાં આવી.

1995માં નૅશનલ કાઉન્સિલ ફૉર ટીચર્સ એજ્યુકેશન(NCTE)ની સંસદ દ્વારા સ્થાપના થતાં સમગ્ર ભારતમાં શારીરિક શિક્ષણની કૉલેજો માટે સાધનો, સગવડો, મેદાનો, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ અને તેમની લાયકાતો માટેનાં ધારાધોરણો નક્કી કરવામાં આવ્યાં. આ પ્રકારનાં ધોરણોને ગુજરાત રાજ્યમાં લાગુ પડાતાં આ સંસ્થામાં પૂરતી સગવડો ન હોવાના કારણે બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ હતી. પરંતુ મહામંડળના તત્કાલીન પ્રમુખ દેવેન્દ્રસિંહ સોલંકી અને મંત્રી કાંતિભાઈ પટેલે સંસ્થાને અન્યત્ર સ્થળાંતર કરવાનો નિર્ણય લીધો. 2001ના ઑગસ્ટ માસની 25મી તારીખે સંસ્થાએ જી. બી. પટેલ પાસેથી દાન પેટે હૉસ્ટેલ, વર્ગખંડો તેમજ મેદાનો મેળવ્યાં અને સંસ્થાએ તેમનું નામ કૉલેજ સાથે સાંકળીને કૉલેજનું સ્થળાંતર હાથીજણ  અમદાવાદ મુકામે કર્યું. છેલ્લે સી.પી.એડ્. પ્રથમ અને બીજા વર્ષના થઈને 90 વિદ્યાર્થીઓ તાલીમ લઈ રહ્યા હતા.

હર્ષદભાઈ પટેલ

કાંતિભાઈ પટેલ