શાર્ક (shark-મુસી) : શાર્ક કે મુસી નામે ઓળખાતી કાસ્થિમીનો(cartilagenous fishes)નો એક વિશાળ સમૂહ.

શાર્ક(shark-મુસી)ના કેટલાક પ્રકારો

મોટાભાગની મુસી દરિયાનાં ખુલ્લાં પાણીમાં તીવ્ર ગતિએ તરતી સુવાહી (stream lined) માછલી તરીકે જાણીતી છે. આમ છતાં કેટલીક મુસીઓ દરિયાના નિમ્ન સ્તરે પણ વાસ કરતી જોવા મળે છે. જૂજ મુસીઓ મીઠાં જળાશયોમાં પણ વસે છે.

મોટાભાગની મુસી માંસાહારી તરીકે જળાશયીન પ્રાણીઓનો આહાર કરે છે. તેનાં ઉપલાં જડબાં કરવત જેવા આકારનાં હારબંધ તીણા દાંતવાળાં હોય છે. સતત વપરાશને કારણે દાંત હંમેશાં ઘસાતા હોય છે. તેથી આગળના ભાગમાં આવશ્યકતા અનુસાર નવા દાંતનું ઉત્પાદન થયા કરે છે. જ્યારે પાછળની હારમાં આવેલા ઘસાયેલ નકામા થયેલા દાંત નિર્મૂલન પામે છે. મુસીના દાંત ભક્ષ્યને પકડવા, કાપવા કે વીંધવા અનુકૂલન પામેલા હોય છે. જોકે મોટા કદની 12થી 15 મી. કે તેના કરતાં વધારે લાંબી એવી તડકાની મોજ લેતી મુસી (Basking shark) તેમજ 10થી 12 મી. લાંબી વહેલ મુસી નિરુપદ્રવી હોય છે. તેમનો ખોરાક સૂક્ષ્મજીવો(plankton  પ્લવકો)નો બનેલો હોય છે. તડકાની મોજ લેતી મુસી હંમેશાં મોઢું ખુલ્લું રાખીને તરતી હોય છે. મોઢું બંધ થતાં ગળણની જેમ મોઢામાંથી પાણી બહાર નીકળી જાય છે, જ્યારે પ્લવકો મોઢામાં ફસાય છે. શિયાળામાં પ્લવકોની સંખ્યા ઘટી જતાં તેઓ જળાશયોની તળિયે જઈ ત્યાં વિસામો લે છે. વહેલ મુસી બારેય માસ પ્લવકોનો આહાર કરે છે. તેની કંઠનળીમાં આવેલું પાણી ઝાલર-ખંડમાંથી પસાર થઈ જાય છે અને ઝાલર-પ્રવર્ધોને લીધે પ્લવકો કંઠનળીમાં રહી જાય છે, જે મુસીનો આહાર બને છે.

મુસીનું મોઢું અગ્ર છેડેથી તીણું, અપવર્તની (crescent) અને દેખાવે વિકરાળ હોય છે. મોટાભાગની નાના અને મધ્યમ કદની મુસીઓનું યકૃત પ્રમાણમાં મોટા કદનું હોય છે અને તે ચરબીજન્ય યકૃત તેલ(liver oil)નો સંગ્રહ કરે છે, જે વિટામિન ‘A’ અને ‘D’થી સમૃદ્ધ હોય છે. તેલને લીધે મુસીનું શરીર વજનમાં હલકું બને છે. તેથી તે ઝડપથી વિના આયાસે પાણીના ઉપલા કે નીચલા સ્તરે સરકી શકે છે.

મુસીની આંખ સ્થિર (fixed) હોય છે. મોટેભાગે તેની દૃદૃષ્ટિ નબળી હોય છે અને તે પરિસરમાં પ્રસરેલ વિવિધ વસ્તુઓને પારખવા પૂરતી મર્યાદિત હોય છે. તેનું ગંધગ્રાહી સંવેદનાંગ અત્યંત પ્રભાવશાળી હોય છે. તેની મદદથી તે લક્ષ્ય કે પોતાના આક્રમકોને તુરત જ પારખીને યોગ્ય કાર્યવહી કરે છે.

મુસી એકલિંગી પ્રાણી છે. નર મુસીના પ્રત્યેક નિતંબ મીન પક્ષ પર નલિકાકાર દંડ જેવું પ્રવર્ધ આવેલું હોય છે. સંવનન દરમિયાન નર પ્રવર્ધોને માદાના જનનછિદ્રમાં દાખલ કરે છે. તેને આધીન શુક્રકોષો અંડમાર્ગમાં પ્રવેશીને અંડકોષનો સંપર્ક સાધે છે. ગર્ભનું અંતર્ફલનથી નિર્માણ થાય છે. ગર્ભ જરદીયુક્ત અને મોટેભાગે કવચ વડે ઢંકાયેલો હોય છે. ગર્ભનો વિકાસ સામાન્યપણે શરીરની બહાર થાય છે. આમ મોટાભાગની મુસી અંડપ્રસવી (oviparous) હોય છે. જોકે કેટલીક મુસી અપત્યપ્રસવી (viviparous) પણ હોય છે અને ભ્રૂણનો વિકાસ માદાના અંડમાર્ગમાં થાય છે. જન્મેલાં સંતાનો મોટા કદનાં હોય છે. પરિચારિકા મુસી (nurse-shark) અપત્યપ્રસવી તરીકે જાણીતી છે.

કેટલીક મુસી માનવભક્ષી તરીકે કુખ્યાત છે. દરિયામાં માનવભક્ષી મુસીની આશરે બારથી વધારે જાતો નોંધાયેલી છે.

ભારતના દરિયામાં સામાન્ય અને અન્યત્ર વસતી કેટલીક અગત્યની મુસીની જાતો :

માનવી-ખોરાક તરીકે સ્વાદિષ્ટ ગણાતી કેટલીક માછલીઓ :

(1) સાંઢો (dog fish) : શાસ્ત્રીય નામ Scoliodon sorrakowah. તે ખુલ્લા દરિયામાં સારી રીતે ફેલાયેલી છે. જાળમાં આસાનીથી ફસાય છે. તેની લંબાઈ 25થી 50 સેમી. હોય છે.

(2) મગરા (ridge back cat shark) : શાસ્ત્રીય નામ છે Chilloscyllicum indicum. તેને ધારવાળી પીઠ હોય છે.

(3) ભાલા (marbled cat fish) : તેનું શાસ્ત્રીય નામ છે Actomycterus mavmoratum. તેની ત્વચા પર લખોટી જેવી આકૃતિઓ હોય છે.

(4) લાલો (zebra shark) : તેની ત્વચા પર ઝિબ્રાની જેવી આકૃતિઓ હોય છે.

(5) મગરૂ (Thrasher shark) : તેનું શાસ્ત્રીય નામ Alopinus vulpinus. પુચ્છ મીનપક્ષનો ઉપલો ખંડ (lobe) શરીરના અન્ય ભાગ કરતાં લાંબો હોય છે. કુલ લંબાઈ આશરે 6 મીટર જેટલી હોય છે.

(6) મુસિયા (gummy shark) : તેનું શાસ્ત્રીય નામ છે Myrmillo cuvieri.

(7) પટારી મુસી (gray shark) : તેનું શાસ્ત્રીય નામ છે Eulomia sp.

(8) કાનમુસી (hammer headed shark) : તેનું શાસ્ત્રીય નામ છે. Sphyrna sp. માથાના બંને છેડે કાન જેવા પ્રવર્ધો; જેથી માથાનો આકાર દેખાવે હથોડી જેવો. પ્રવર્ધોને છેડે વસેલી આંખ; આ મુસી આશરે 50 સેમી. લાંબી S. blochii જાતની કાનમુસી ભારતના દરિયામાં સામાન્યપણે સર્વત્ર મળી આવે છે. મોટા કદની (6થી 9 મી. લાંબી) કાનમુસી માનવ માટે ખતરનાક હોય છે. સામાન્યપણે ઉષ્ણ-કટિબંધ પ્રદેશમાં તે સારી રીતે પ્રસરેલી છે. કેટલીક કાનમુસીઓ સમશીતોષ્ણ પ્રદેશમાં પણ વસે છે.

(9) કરવત મુસી (saw fish) : તેનું શાસ્ત્રીય નામ છે Pristis pectinaus sp. તેના માથાના અગ્ર છેડે દંતમય લાંબો પ્રવર્ધ હોય છે. તે આક્રમક અને માનવ માટે ખતરનાક હોય છે.

(10) માનવભક્ષી મુસી (man eater sharks) : તેનું શાસ્ત્રીય નામ છે Archarhinus sp. 7થી 8 મીટર જેટલી લંબાઈવાળી આ મુસીઓ માછીમારો, તરવૈયા અને ડૂબકી મારનારા (divers) પર આક્રમણ કરવા માટે કુખ્યાત છે. માનવી માંસ માટે લલચાયેલી આ માછલીઓ હોડીને પણ ફંગોળીને ફસાયેલા માનવ પર હુમલો કરે છે. વિશેષ કરીને સફેદ ગાલવાળી (white cheeked) માનવભક્ષી C. dussumieri અને શ્યામ મીનપક્ષવાળી (Black finned) માનવભક્ષી (Melanopterus) માનવ પર આક્રમણ કરનાર તરીકે જાણીતી છે.

માનવ પર આક્રમણ કરનાર તરીકે કુખ્યાત અન્ય માછલીઓમાં વાઘ (ભૂવટ) મુસી (tiger shark) જાણીતી છે. તેનું શાસ્ત્રીય નામ છે Galeocerdo sp. તેમાં વાદળી મુસી (blue shark prionace) અને રેત-મુસી (sand shark-Odantaspis sp.)નો સમાવેશ થાય છે.

માનવખોરાક તરીકે સ્વાદિષ્ટ એવી નાના-મોટા કદની મુસીઓની સરખામણી કલ્પવૃક્ષ સાથે કરવામાં આવે છે. તેનું માંસ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત માનવસ્વાસ્થ્યની દૃદૃષ્ટિએ કેટલાક રોગોમાં દવાની ગરજ સારે છે. તેનાં ભીંગડાં, લાકડાં જેવી વસ્તુઓની પૉલિશ માટે વપરાય છે. તેની ચામડીમાંથી પર્સ, પટ્ટા (belt) જેવી વસ્તુઓ બનાવાય છે. કાસ્થિનો ઉપયોગ ગુંદર જેવા ચીકણા પદાર્થો બનાવવામાં કાચા માલ તરીકે થાય છે. યકૃતમાં ચરબીયુક્ત ખોરાકી તેલ સંઘરાયેલું હોય છે. આ તેલ વિટામિન ‘A’ અને વિટામિન ‘D’થી સમૃદ્ધ હોય છે. તેલનાં ઉત્પાદનો પુદૃષ્ટિકારક (tonic) ખોરાક તરીકે આખી દુનિયામાં પ્રખ્યાત છે. હલકી કક્ષાનાં તૈલી ઉત્પાદનોમાંથી પાલતુ મરઘીઓ(poultry)નો ખોરાક બનાવાય છે, જ્યારે શેષ ભાગમાંથી ઉત્કૃષ્ટ ખાતરનું ઉત્પાદન કરવામાં આવે છે.

મ. શિ. દુબળે