શર્મા, રામવિલાસ (. 10 ઑક્ટોબર 1912, ઊંચાગૉંવસાની, જિઉન્નાવ, ઉત્તર પ્રદેશ) : હિંદીના પ્રગતિશીલ વિવેચક, ભાષાશાસ્ત્રી, કવિ અને વિચારક. તેમને તેમના ગ્રંથ ‘નિરાલા કી સાહિત્યસાધના’ (1960) માટે 1970ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. લખનૌ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1934) અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : આગ્રાની બલવંત રાજપૂત કૉલેજના અંગ્રેજી વિભાગના નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ; નિયામક કે. એમ. મુનશી હિંદી વિદ્યાપીઠ, આગ્રા વગેરે; સામાન્ય મંત્રી, અખિલ ભારતીય પ્રગતિશીલ લેખકસંઘ (1949-53); તંત્રી, ‘સમાલોચક’ (1958-89).

રામવિલાસ શર્મા

તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘પ્રેમચંદ ઔર ઉનકા યુગ’ (1952), ‘પ્રગતિશીલ સાહિત્ય કી સમસ્યાએં’ (1955), ‘નિરાલા કી સાહિત્ય-સાધના’ (3 વૉલ્યુમમાં) (196976); આચાર્ય રામચન્દ્ર શુક્લ ઔર હિંદી આલોચના’ (1973), ‘ભારત મેં અંગ્રેજી રાજ ઔર માર્ક્સવાદ’ (1982), ‘રૂપ તરંગ ઔર પ્રગતિશીલ કવિતા કી વૈચારિક પૃષ્ઠભૂમિ’ (1990), ‘ભારતીય સાહિત્ય કી ભૂમિકા’ (1996), ‘ઇતિહાસ દર્શન’ (1997) એ તમામ વિવેચનગ્રંથો અને સાહિત્ય-ઇતિહાસ; ‘રૂપ તરંગ’ (1956) એ કાવ્યસંગ્રહ; ‘પ્રગતિ ઔર પરંપરા’ (1953), ‘આસ્થા ઔર સૌંદર્ય’ (1960), ‘ભાષા ઔર સમાજ’ (1961), ‘ભારત કે પ્રાચીન ભાષા પરિવાર ઔર હિંદી’ (1979) – એ તમામ નિબંધસંગ્રહો; ‘અપની ધરતી અપને લોગ’ (3 વૉલ્યુમમાં) (1996) એ આત્મકથા; ‘મિત્રસંવાદ’ (1992) (પત્રસંગ્રહ); ‘સ્વાધીનતા સંગ્રામ : બદલતે પરિપ્રેક્ષ્ય’ (1992).

તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1970; કે. કે. બિરલા ફાઉન્ડેશન તરફથી વ્યાસ સમ્માન, 1991; ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ભારત ભારતી સમ્માન; દિલ્હીની હિંદી અકાદમી તરફથી શલાકા સમ્માન તથા અન્ય ઍવૉર્ડ. તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી ફેલો તરીકે પણ નિયુક્ત કરાયા હતા (1999).

મહેશ ચોકસી