શર્મા, રામલાલ (. 1905, ગુઢા, સ્લાથિયા ગામ, જમ્મુ; . ?) : ડોગરી ભાષાના લેખક. તેમની કૃતિ ‘રતુ દા આનન’ બદલ 1988નો સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને અપાયો હતો. 1931માં તેઓ કાશ્મીરી વનવિદ્યાના અભ્યાસક્રમમાં જોડાયા અને 35 વર્ષની લાંબી સેવા પછી 1960માં રેન્જ અધિકારી તરીકે તેઓ નિવૃત્ત થયા. ડોગરી સંસ્થા, જમ્મુમાં પણ તેમણે સેવા આપી.

રામલાલ શર્મા

તેમણે કુલ સાતેક પુસ્તકોની રચના કરી છે. તેમાં મોટાભાગની કાવ્યરચનાઓ તથા છૂટક લેખો છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કિરન’ને કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ, કલ્ચર તથા લૅંગ્વેજિઝ તરફથી 1963-64ના વર્ષનું બીજું ઇનામ અપાયું હતું. તેમણે ‘કવિતાક્યારી’નું સંપાદન કર્યું છે. તેમાં ડોગરી કાવ્યોનો સંગ્રહ છે. આ ઉપરાંત તેમનો ‘સાહિત્યદર્પણ’ ડોગરીમાં લખાયેલા લેખોનો સંચય છે. ડોગરી સાહિત્યમાં તેમણે કરેલ પ્રદાન બદલ ડોગરી સંસ્થા તરફથી તેમનું બહુમાન કરાયું હતું.

પુરસ્કૃત કૃતિ ‘રતુ દા આનન’ 69 ગઝલોનો સંગ્રહ છે. આ કૃતિને જમ્મુ અને કાશ્મીર અકાદમીનો ઍવૉર્ડ પણ મળેલો છે. કર્તાનો આ ચોથો કાવ્યસંગ્રહ છે. તેમાં જીવનના અનુભવોની સાચી અભિવ્યક્તિ, જીવન પ્રત્યેની ઊંડી દાર્શનિક સૂઝ આલેખાઈ છે. આ સંગ્રહની ગઝલોમાં ગરીબો તથા પદદલિતો પ્રત્યેની લેખકની દેખીતી સહાનુભૂતિ વ્યક્ત થઈ છે. તેમાં વિચારોની પ્રૌઢતા તથા રચનાકૌશલ્ય બદલ આ કૃતિ સમકાલીન ડોગરી સાહિત્યમાં તેમનું મહત્વનું પ્રદાન લેખાય છે.

મહેશ ચોકસી