શરીર–સૌષ્ઠવ : કેવળ શોખ, સ્વાસ્થ્ય કે સ્પર્ધાના હેતુથી સુષ્ઠુ-ઘાટીલું શરીર વિકસાવવાનો વ્યાયામ તથા તેનાથી પ્રાપ્ત શરીર-સૌન્દર્ય. શરીર-સૌષ્ઠવનો આધાર સુગ્રથિત સ્નાયુવિકાસ ઉપર છે. તે માટે ભારોત્તોલન દ્વારા સ્નાયુઓને વ્યાયામ આપવામાં આવે છે. શરીરના હાથ, પગ, છાતી, પેટ, પીઠ અને ગળાના વિવિધ સ્નાયુઓ માટે વિવિધ પદ્ધતિનો વ્યાયામ કરવામાં આવે છે. પ્રારંભે હળવો ભાર વાપરી સ્નાયુને બળ મળે તેવું કરાય છે. સમય જાય તેમ ભાર વધારતા જવાથી સ્નાયુનું બળ વધે છે અને તેનો સુંદર ઘાટ પણ ઊપસે છે.
શરીરનું સૌષ્ઠવ કેળવતા લોકો સ્પર્ધાને લક્ષમાં રાખીને પોતાના સ્નાયુઓ વિકસાવે છે. વિશ્વમાં ઘણે સ્થળે નાનામોટા પાયે સૌષ્ઠવ-સ્પર્ધાઓ યોજાય છે. સ્પર્ધાઓ મોટેભાગે પુરુષો પૂરતી મર્યાદિત હોય છે; કારણ કે શરીર-સૌષ્ઠવના પ્રદર્શન માટે દેહને ખુલ્લો કરવો પડે છે. એટલું જ નહિ, સ્નાયુઓના ઘાટ પણ આકર્ષક રૂપે પ્રદર્શિત કરવા પડે છે. પશ્ચિમના કેટલાક દેશોમાં યુવતીઓ માટે પણ શરીર-સૌષ્ઠવ સ્પર્ધાઓ યોજાય છે. સ્પર્ધાના બે પ્રકારો છે : અવેતન અને સવેતન કે વ્યવસાયી. આંતરરાષ્ટ્રીય સ્તરે આવી સ્પર્ધાઓ યોજવા માન્ય સંસ્થા ઇન્ટરનૅશનલ ફેડરેશન ઑવ્ બૉડિબિલ્ડર્સ છે. તેનું વડું મથક કૅનેડામાં છે. આ સંસ્થા શરીરના ભાર પ્રમાણે વર્ગો પાડી સ્પર્ધા માટેના નિયમો ઘડે છે તથા તેના પાલન માટે દેખરેખ રાખે છે. વયજૂથ ઘણુંખરું 18 નીચે, 18થી 21, 21થી 40, 40થી ઉપર અને અબાધ જેવાં હોય છે. શરીરભારનું વર્ગીકરણ 55 કિગ્રા. સુધી, 55થી 60 કિગ્રા., 60થી 65 કિગ્રા., 65થી 70 કિગ્રા., 70થી 75 કિગ્રા., 75થી 80 કિગ્રા., 80થી 85 કિગ્રા., 85થી 90 કિગ્રા. અને 90થી ઉપર.
નિયમો : ઠરાવ્યા પ્રમાણેનો જાંઘિયો, રુવાંટીનો નિકાલ, અલંકારાદિનો ત્યાગ, પ્રાથમિક સ્નાયુનિરીક્ષણમાંથી પસાર, માદક દ્રવ્યોનો ત્યાગ આદિ.
સ્નાયુના બળને મહત્વ અપાતું નથી. પણ શરીરનો ઘાટ, સ્નાયુના આકાર અને કદ, પ્રમાણબદ્ધતા જેવાં લક્ષણો ધ્યાનમાં લેવાય છે.
ઘણા લોકો શક્તિસ્ફૂર્તિ માટે સૌષ્ઠવવ્યાયામનો આશ્રય લે છે. તેનાથી હૃદય બળવાન બને છે, બળ વધે છે, ત્વરા અને સ્ફૂર્તિ વધે છે.
હર્ષદભાઈ પટેલ
કૌશિકભાઈ મિસ્ત્રી