શર્ચેન, હર્માન (Scherchen, Hermann) (. 21 જૂન 1891, બર્લિન, જર્મની; . 12 જૂન 1966, ફ્લોરેન્સ, ઇટાલી) : વીસમી સદીનો સંગીતનો પ્રખર પુરસ્કર્તા, પ્રસારક અને પ્રચારક, જર્મન ઑર્કેસ્ટ્રાનો સંચાલક. વીસમી સદીના ઘણા સંગીત-નિયોજકોની કારકિર્દી ઉપર તેણે પ્રભાવ પાડ્યો છે.

બાળપણમાં તેણે જાતે જ સંગીત શીખીને પ્રસિદ્ધ જર્મન સંગીત-નિયોજક આર્નોલ્ડ શોઅનબર્ગના ઑર્કેસ્ટ્રામાં વાયોલા વગાડવાનું શરૂ કર્યું. 1918માં તેણે આધુનિક સંગીતના ચાહકો માટે બર્લિનમાં સોસાયટી ફૉર ન્યૂ મ્યૂઝિકની સ્થાપના કરી. 1920થી 1921 સુધી તેણે સંગીતને લગતા સામયિક ‘મેલોસ’નું સંપાદનકાર્ય કર્યું. 1933માં એ જર્મની છોડીને બ્રસેલ્સ ગયો અને ત્યાં 1936 સુધી ચાર વરસ માટે ‘મ્યૂઝિકા વિવા’ સામયિકનું સંપાદનકાર્ય સંભાળ્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી તેણે સ્પેન, ફ્રાંસ અને યુરોપના બીજા દેશોમાં અનેક ઑર્કેસ્ટ્રાઓનું સંચાલન કર્યું. 1964માં  અમેરિકા જઈને તેણે ફિલાડેલ્ફિયા ઑર્કેસ્ટ્રાનું સંચાલન કર્યું.

હર્માન શર્ચેન

‘આવાં ગાર્દ’ નામે ઓળખાતા અત્યાધુનિકોના સંગીતનું સંચાલન કરીને તે ગવડાવવામાં, વગડાવવામાં અને તેનું રેકૉર્ડિંગ કરાવવામાં શર્ચેને મહત્વનો ફાળો આપ્યો. આ રીતે તે અત્યાધુનિકોનો પ્રખર પુરસ્કર્તા બની રહ્યો. ઉપરાંત વિયેના, લંડન અને પૅરિસમાં સત્તરમી અને અઢારમી સદીના બરોક સંગીતકારોની તથા બીથોવનની કૃતિઓનું સંચાલન કર્યું અને તેની સાથે સાથે તેમનાં રેકૉર્ડિંગ પણ કરાવ્યાં. વળી અત્યાધુનિક સંગીત-નિયોજકો શોઅનબર્ગ તથા લુઈગી નોનોની કારકિર્દીને પરાકાષ્ઠાએ પહોંચાડવામાં પણ તેણે અગત્યનો ભાગ ભજવ્યો.

શર્ચેને સંગીત-વિષયક પુસ્તકો પણ લખ્યાં છે : 1. ‘હૅન્ડબુક ઑવ્ કન્ડક્ટિન્ગ’ (1929), 2. ‘ધ નેચર ઑવ્ મ્યૂઝિક’ (1946) અને 3. ‘મ્યૂઝિક ફૉર એવરીમૅન’ (1950).

અમિતાભ મડિયા