શરીરરચના (પશુ)

સસ્તન વર્ગનાં પાળેલાં પ્રાણીઓ અને તે જ સમૂહનાં વન્ય પ્રાણીઓની શરીરરચનામાં મોટો તફાવત જોવા મળતો નથી. ગાય, ભેંસ જેવાં પાળેલાં પશુઓ અને તેમનાં જંગલી પૂર્વજો શરીરરચના એકસરખી ધરાવતાં હોવા છતાં આહાર અને નિવાસની પસંદગીની બાબતમાં ભિન્નતા દર્શાવે છે. શરીરની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે પશુઓ નીચે મુજબની તંત્રવ્યવસ્થા ધરાવે છે : (1) પાચનતંત્ર, (2) રુધિરાભિસરણ-તંત્ર, (3) શ્વસનતંત્ર, (4) કંકાલતંત્ર, (5) મૂત્રતંત્ર,  (6) પ્રજનનતંત્ર, (7) ચેતાતંત્ર અને અંત:સ્રાવી ગ્રંથિઓ તથા (8) સંવેદનાગ્રાહી અંગો.

(1) પાચનતંત્ર

પાચનતંત્રના અવયવો પોલી નળી જેવા મોઢાથી માંડીને અવસારણી સુધી આવેલા છે. પાચનતંત્રમાં પોલા અવયવોમાં મોઢું, ગ્રસની, અન્નનળી, જઠર અને આંતરડું આવેલાં છે. પાચનતંત્રમાં પાંચ સહાયક અવયવો પણ આવેલા છે; જેમ કે, જીભ, લાળગ્રંથિ, દાંત, યકૃત અને સ્વાદુપિંડ.

મોઢું : વાગોળતાં પ્રાણીઓમાં મોઢામાં અંદરના ભાગે અણીદાર કાંટા જેવી રચના આવેલી હોય છે; જ્યારે બીજાં પ્રાણીઓનાં મોઢાંમાં આવી રચના હોતી નથી.

ગ્રસની : ગ્રસની એ ગળાના ભાગમાં આવેલ પહોળો ભાગ છે, જેમાં મોઢું તથા નાકનાં નસકોરાં ખૂલે છે. ગ્રસની એ પાચનતંત્ર અને શ્વસનતંત્ર બંને માટે સામાન્ય અવયવ છે.

અન્નનળી : અન્નનળી, આગળ ગ્રસની અને પાછળ જઠર સાથે જોડાયેલ છે. તે મોઢામાંથી ખોરાકને જઠરમાં લઈ જવાનું કામ કરે છે. વાગોળતાં પ્રાણીઓમાં અન્નનળીમાં ઐચ્છિક સ્નાયુઓ આવેલા હોય છે, જેથી તેઓ વાગોળી શકે છે; જ્યારે બીજાં પ્રાણીઓની અન્નનળીમાં અનૈચ્છિક સ્નાયુ આવેલા હોય છે.

જઠર : વાગોળતાં પ્રાણીઓમાં જઠરના ચાર ભાગ આવેલા હોય છે. ઊંટમાં ત્રણ ભાગ હોય છે, જ્યારે પક્ષીઓમાં બે જઠર આવેલાં હોય છે. વાગોળતાં પ્રાણીઓના ચાર ભાગોનાં નામ રૂમેન, રેટિક્યુલમ, ઓમેઝમ અને એબોમેઝમ છે. પક્ષીઓમાં આગળનું જઠર ગ્રંથિવાળું અને પાછળનું સ્નાયુવાળું હોય છે. બીજાં બધાં પ્રાણીઓમાં એક જ જઠર હોય છે.

વાગોળતાં પ્રાણીઓમાં રૂમેન 80 %, રેટિક્યુલમ 5 %, ઓમેઝમ 7 %થી 8 % અને એબોમેઝમ 7 % થી 8 % કૅપેસિટી ધરાવે છે. રૂમેન સૌથી મોટો ભાગ છે અને તે 8મી પાંસળીથી છેક કમરના ભાગ સુધી લંબાયેલ હોય છે. રેટિક્યુલમ સૌથી નાનો ભાગ છે અને તે ઉદરપટલની પાછળ 7મી કે 8મી પાંસળી પાસે આવેલું હોય છે. તેની અંદરની બાજુની દીવાલમાં મધપૂડા જેવી રચના આવેલી હોય છે. ઓમેઝમ ગોળાકાર તરબૂચ જેવા આકારનું હોય છે. તે જમણી બાજુએ 7થી 11મી પાંસળીની વચ્ચે આવેલું હોય છે. તેની અંદરની બાજુએ અર્ધચંદ્રાકાર પાંદડાં જેવી આશરે 100 જેટલી ગળીઓ આવેલી હોય છે. એબોમેઝમને ગ્રંથિવાળું જઠર કહેવાય છે. તેની રચના અન્ય નહિ વાગોળતાં પ્રાણીઓના જઠર જેવી હોય છે. તેનો એક છેડો આંતરડાં સાથે જોડાયેલ હોય છે.

આંતરડું : આંતરડું બે ભાગમાં વહેંચાયેલું હોય છે. જઠર આંતરડામાં ખૂલે છે. આંતરડાનો શરૂઆતનો ભાગ લાંબો અને ઓછા વ્યાસવાળો હોઈ નાનું આંતરડું કહેવાય છે. જ્યારે પાછળનો ભાગ ટૂંકો અને વધુ વ્યાસવાળો હોઈ મોટું આંતરડું કહેવાય છે. ગાય-ભેંસમાં આંતરડાની કુલ લંબાઈ 50થી 52 મીટર જેટલી હોય છે.

નાનું આંતરડું : તેના કુલ ત્રણ ભાગ હોય છે : પહેલા ભાગને ડ્યૂઓડીનમ (duodenum), બીજાને જિજ્યૂનમ (jejunum) અને ત્રીજા ભાગને ઇલિયમ (ileum) કહેવાય છે. તેમની આશરે સરાસરી લંબાઈ અનુક્રમે 1 મીટર, 38 મીટર અને 1 મીટર જેટલી હોય છે. યકૃતમાંથી આવતી પિત્તનળી અને સ્વાદુપિંડની સ્વાદુપિંડ-નળી નાના આંતરડાના પહેલા ભાગમાં ખૂલે છે; જે અનુક્રમે પિત્તરસ અને સ્વાદુપિંડ રસ ડ્યૂઓેડીનમમાં ઠાલવે છે. નાના આંતરડાનું કાર્ય ખોરાકના પાચન ઉપરાંત તેનું શોષણ કરવાનું છે.

મોટું આંતરડું : મોટા આંતરડાના પણ કુલ ત્રણ ભાગ આવેલા છે, જેને સીકમ (caecum), કૉલૉન (colon) અને રેક્ટમ (rectum) કહે છે. સીકમનો એક છેડો બંધ હોય છે, જેથી તે ‘અંધાન્ત્ર’ તરીકે ઓળખાય છે. તેનું મુખ્ય કાર્ય ઘાસનો આથો લાવી તેનું પાચન કરવાનું છે. ઘોડાની અંદર ખૂબ જ મોટું અંધાન્ત્ર આવેલું હોય છે. ઘોડામાં નાના આંતરડાની લંબાઈ 21 મીટર અને મોટા આંતરડાની લંબાઈ 78 મીટર, જ્યારે કૂતરામાં અનુક્રમે 4 મીટર અને 0.5થી 1 મીટર હોય છે.

મોટા આંતરડાની દીવાલમાંથી પાણીનું શોષણ થઈ ખોરાક અર્ધઘનસ્વરૂપે ફેરવાય છે, જેનો ગુદાદ્વાર મારફતે નિકાલ થાય છે.

ગુદાદ્વાર મોટા આંતરડાના છેડે પૂંછડીની નીચે આવેલું હોય છે, જેની દીવાલમાં ઐચ્છિક સ્નાયુ આવેલ હોઈ તે વાલ્વ તરીકે કામ કરે છે.

સહાયક અંગો : જીભ, લાળગ્રંથિઓ, દાંત, યકૃત અને સ્વાદુપિંડ  એ પાચનતંત્રનાં સહાયક અંગો છે.

જીભ : જીભ ઐચ્છિક સ્નાયુઓનું બનેલું છૂટથી હલીચલી શકે તેવું અંગ છે. તે ખોરાક લેવા, ચાવવા તથા ગળામાં નીચે ઉતારવા માટે ઉપયોગી છે. જીભ ઉપર આવેલી સ્વાદકળીઓ સ્વાદ પારખવાના કામમાં આવે છે. જીભ મોઢામાં નીચેની બાજુએ આવેલી હોય છે. જીભનો પાછળનો ભાગ નીચેના જડબા સાથે ચોંટેલો રહે છે, જ્યારે આગળનો ભાગ છૂટો રહે છે. ગાય અને ભેંસમાં જીભની ઉપરની સપાટી પર લંબગોળ આકારનો ટેકરો હોય છે, જેની આગળ તરફ આડી ખાંચ હોય છે. જીભની ઉપરની સપાટી નાના કાંટા જેવા અનેક પ્રવર્ધોને લીધે ખરબચડી હોય છે, પરિણામે ઘાસની પકડ સારી રાખી શકે છે. જીભની આગળ ટોચ અણીવાળી સાંકળી હોય છે.

ઘોડાની જીભમાં ઊપસેલ ટેકરો તેમજ આગળ ખાંચ હોતી નથી. તેની ટોચ ગોળાકાર હોય છે. કૂતરાની જીભમાં ઉપર સપાટી પર મધ્યમાં ખાંચ હોય છે, જ્યારે નીચેની સપાટી પર ટોચ બાજુએ લંબગોળ આકારની ‘લિસ્સાહ’ (lyssa) નામે રચના આવેલી હોય છે, જે પ્રવાહી ખોરાક લેવામાં મદદરૂપ થાય છે.

લાળગ્રંથિઓ : ગાય-ભેંસમાં કુલ 3 જોડ લાળગ્રંથિઓ મોઢાની આજુબાજુએ ગોઠવાયેલી હોય છે; જેવી કે પૅરોટિડ, મેન્ડિબ્યૂલર અને સબલિન્ગ્વલ ગ્રંથિ.

પેરોટિડ ગ્રંથિ કાનના નીચેના ભાગે ત્રિકોણાકારે ગોઠવાયેલ હોય છે, તેની નળી ઉપરના જડબાના ચર્વણ (molar) દાંત પાસે ખૂલે છે. મૅન્ડિબ્યૂલર નામની લાળગ્રંથિ નીચેના જડબાના અસ્થિના ખૂણા પર આવેલી હોય છે અને નીચેના જડબાના દાંતની પાછળ ખૂલે છે. સબલિન્ગ્વલ નામની લાળગ્રંથિ જીભની નીચે આવેલી હોય છે, જેની નળી મૅન્ડિબ્યૂલર ગ્રંથિની નળીની બાજુમાં ખૂલે છે.

ઘોડામાં ગાય-ભેંસની જેમ 3 જોડી અને કૂતરામાં 4 જોડ લાળગ્રંથિઓ આવેલી હોય છે.

દાંત : પ્રાણીઓમાં કુલ 4 પ્રકારના દાંત જોવા મળે છે :

1. કર્તનદાંત (ઇન્સાઇજર – Incissor-I)

2. શૂલદાંત (કેનાઇન – Canine-C)

3. અગ્રદાઢ (પ્રીમોલર – Premolar-PM)

4. ચર્વણદાંત (મોલર – Molar-M)

જુદાં જુદાં પ્રાણીઓમાં દાંતની સંખ્યા નીચે પ્રમાણે હોય છે. જુદાં જુદાં પ્રાણીઓનાં દંતસૂત્ર નીચે પ્રમાણે હોય છે અને તે જુદા જુદા પ્રકારના ઉપર તથા નીચેનાં જડબાંમાં એક બાજુમાં રહેતા દાંતની સંખ્યા દર્શાવે છે. એટલા માટે દંતસૂત્રને 2 વડે ગુણવામાં આવેલ છે.

ગાય-ભેંસના નીચલા જડબામાં 4 જોડ કર્તનદાંત હોય છે અને ઉપલા જડબામાં કર્તનદાંત બિલકુલ હોતા નથી, પરંતુ તેની જગ્યાએ સખત (કઠણ) ગાદી (dental pad) આવેલ હોય છે. ઊંટ સિવાયનાં વાગોળતાં પ્રાણીઓમાં શૂલદંત હોતા નથી. શૂલદંત ઘોડાના જડબામાં વિકસિત હોય છે, અને ઘોડીમાં અલ્પવિકસિત હોય છે અથવા તો હોતા નથી. પક્ષીઓમાં દાંત હોતા નથી.

યકૃત : ગાય-ભેંસના યકૃતમાં એક મુખ્ય અને એક નાનો ખંડ હોય છે. યકૃત એ શરીરમાં આવેલી મોટામાં મોટી ગ્રંથિ છે. તેનો રંગ લાલાશ પડતો ભૂરો હોય છે. ગાયના યકૃતનું વજન આશરે 3થી 5 કિગ્રા. હોય છે. લંબગોળાકાર યકૃત ઉદરગુહાની જમણી બાજુએ 7 કે 8 મીટર પાંસળીથી છેલ્લી પાંસળી સુધીમાં ગોઠવાયેલ હોય છે. તેની આગળની એટલે કે ઉદરપટલ તરફની સપાટી બહિર્ગોળ અને પાછળની સપાટી અંતર્ગોળ હોય છે અને આ સપાટી પર પાચનતંત્રના અવયવોની છાપ જોવા મળે છે. પિત્તાશયની કોથળી પણ આ સપાટી પર આવેલી હોય છે. પિત્તનળી જઠરના અંતિમ છેડાથી 0.6 મીટર(2 ફૂટ)ના અંતરે આંતરડાના પહેલા ભાગમાં ખૂલે છે. જમણા મૂત્રપિંડનો આગળનો ભાગ યકૃતના ખાડા જેવા ભાગમાં આવેલો હોય છે. ઘોડાનું યકૃત પ્રમાણમાં મોટું અને આશરે 5.0 કિગ્રા. વજનનું હોય છે. યકૃતમાં જમણો, ડાબો અને વચ્ચેનો – એમ ત્રણ ખંડ હોય છે. ઘોડામાં પિત્તાશયની કોથળી હોતી નથી. પિત્તનળી જઠરના અંતિમ છેડાથી 12થી 15 સેમી.ના અંતરે નાના આંતરડાના પ્રથમ વિભાગમાં ખૂલે છે.

કૂતરાના યકૃતમાં કુલ 5 ખંડ આવેલા હોય છે. અન્ય પ્રાણીઓ કરતાં તે મોટું હોય છે. પક્ષીઓનું યકૃત ડાબું અને જમણું – એમ બે ખંડોનું બનેલું હોય છે.

સ્વાદુપિંડ : સ્વાદુપિંડ પોચી ગ્રંથિ છે. તેનો રંગ લાલાશ પડતો પીળો અને વજન આશરે 350થી 500 ગ્રામ જેટલું હોય છે. ગાય અને ભેંસમાં તે અનિયમિત આકારનું હોય છે. સ્વાદુપિંડ અંત:સ્રાવી ગ્રંથિ પણ છે. તેમાં આવેલ આઇલેટના કોષપુંજો ઇન્સ્યુલિન અને ગ્લૂકાગોન નામનો અંત:સ્રાવ બનાવે છે તથા સ્વાદુપિંડ-રસ પણ સ્રાવ કરે છે. આ સ્વાદુપિંડ-રસ ગાય-ભેંસમાં પિત્તનળીથી 30 સેમી. દૂર, સ્વાદુપિંડનળી મારફતે નાના આંતરડામાં ઠલવાય છે.

ઘોડામાં સ્વાદુપિંડનો ત્રિકોણ આકાર હોય છે.

કૂતરામાં તેની બે શાખા ‘V’ આકાર બનાવે છે.

પક્ષીઓમાં સ્વાદુપિંડ પક્વાશયના ચીપિયા જેવા ભાગની વચ્ચે આવેલો હોય છે.

(2) રુધિરાભિસરણ તંત્ર

આ તંત્ર દ્વારા રુધિરનું અભિસરણ એટલે કે લોહીનું પરિભ્રમણ થાય છે. રુધિરાભિસરણ-તંત્ર દ્વારા દરેક કોષને પ્રાણવાયુ પહોંચાડવામાં આવે છે અને ચયાપચયની ક્રિયાને અંતે ઉત્પન્ન થતા અંગારવાયુનો નિકાલ કરવામાં આવે છે. જે તંત્ર દ્વારા આ ક્રિયા થાય છે તે તંત્રને રુધિરાભિસરણ-તંત્ર કહે છે.

આ તંત્ર હૃદય અને રુધિરવાહિનીઓનું બનેલું હોય છે : (1) દૈહિક અભિસરણ, (2) ફુપ્ફુસીય અભિસરણ.

હૃદય : હૃદયમાં કુલ 4 ખાનાં આવેલાં હોય છે : ઉપરનાં બે આલિંદ અથવા કર્ણક અને નીચેનાં બે ક્ષેપક અથવા નિલય. જમણી બાજુનાં આલિંદ અને નિલય વચ્ચે ત્રિદલ વાલ્વ અને ડાબી બાજુએ દ્વિદલ વાલ્વ હોય છે.

રુધિરવાહિનીઓ : રુધિરવાહિનીઓ 3 પ્રકારની હોય છે :

(1) મહાધમની, ધમનીઓ અને ધમનિકાઓ : આ વાહિનીઓ દ્વારા પ્રાણવાયુમુક્તરુધિર હૃદયમાંથી દૂર શરીરના જુદા જુદા ભાગો તરફ વહે છે.

(2) શિરાઓ : આ વાહિનીઓ મારફતે અપચયિત રુધિર હૃદય તરફ જાય છે.

(3) કેશવાહિનીઓ : કેશવાહિનીઓ અવયવોની અંદર આવેલી હોય છે. તે બારીક વાળ જેવી પાતળી હોય છે. તેની દીવાલો પાતળી હોવાથી રુધિર અને આંતરકોષીય પ્રવાહી વચ્ચે વાયુઓ, પોષક તત્વો અને ઉત્સર્ગ-પદાર્થોની હેરફેર થાય છે.

અભિસરણના બે પ્રકાર છે : (1) દૈહિક અભિસરણ, (2) ફુપ્ફુસીય અભિસરણ.

1. દૈહિક અભિસરણ : આ પરિપથ મુખ્ય અને વધારે દબાણવાળો છે. તે બધાં જ અંગોમાંથી પસાર થાય છે. આ વિભાગમાં રુધિરમાંનો પ્રાણવાયુ પેશીઓમાં પ્રવેશે છે અને પેશીઓમાંનો અંગારવાયુ રુધિરમાં ભળે છે. દૈહિક અભિસરણ દ્વારા ડાબા નિલયમાં આવેલું પ્રાણવાયુ-યુક્ત રુધિર ધમની દ્વારા શરીરના બધા ભાગોને પહોંચાડવામાં આવે છે. શરીરનાં અંગોમાંથી ચયાપચયની ક્રિયા બાદ અંગારવાયુયુક્ત રુધિર શિરાઓ મારફતે જમણા આલિંદમાં ઠલવાય છે. રુધિરનાં હૃદયથી શરીરનાં અંગો તરફ અને શરીરનાં અંગોથી હૃદય તરફના આ અભિસરણને દૈહિક અભિસરણ કહે છે.

2. ફુપ્ફુસીય અભિસરણ : આ અભિસરણમાં જમણા આલિંદમાં આવેલ, અંગારવાયુયુક્ત રુધિર જમણા નિલયમાં ત્રિદલ વાલ્વ દ્વારા આવે છે અને ત્યાંથી ફુપ્ફુસીય ધમની દ્વારા બંને ફેફસાંને પહોંચે છે. ફેફસાંમાંથી શુદ્ધ થયેલ પ્રાણવાયુયુક્ત રુધિર ફુપ્ફુસીય શિરા દ્વારા ડાબા આલિંદમાં પહોંચે છે. જમણા નિલયમાંથી ફેફસાંને અને ફેફસાંમાંથી ડાબા આલિંદમાં થતાં આ રુધિરના અભિસરણને ફુપ્ફુસીય અભિસરણ કહે છે. ડાબા આલિંદમાં આવેલ પ્રાણવાયુયુક્ત રુધિર દ્વિદલ વાલ્વ મારફતે ડાબા નિલયમાં પહોંચે છે અને ત્યાંથી ફરી પાછું દૈહિક અભિસરણ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં પહોંચે છે.

(3) શ્વસનતંત્ર

પ્રાણીઓમાં શ્વસનતંત્રનું મુખ્ય કાર્ય પ્રાણવાયુ અને અંગારવાયુની ફેરબદલી કરવાનું છે. શ્વસનતંત્રના અવયવોમાં હવા પસાર થવાનો માર્ગ અને ફેફસાંનો સમાવેશ થાય છે. હવા પસાર કરવા માટેના માર્ગમાં નાક, નાકગુહા, હવાન્નમાર્ગ, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની અને વાયુવાહિનીઓનો સમાવેશ થાય છે.

પ્રાણીઓમાં નાકનાં બે છિદ્રો નાકગુહા મારફતે હવાન્નમાર્ગમાં ખૂલે છે. અહીં આવેલી હવા સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની મારફતે ફેફસાંમાં જાય છે. શ્વાસવાહિની ફેફસાંમાં નાની નાની વાયુવાહિનીઓમાં વિભાજિત થાય છે. તેનો દેખાવ ઝાડની ડાળીઓ જેવો હોય છે. વાયુવાહિનીઓ ફરી નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ ફેફસાંના અંતિમ કાર્યશીલ ઘટક વાયુકોટરમાં ખૂલે છે; જ્યાં ખરેખર શ્વસનનું કાર્ય થાય છે. વાયુકોટર બહારથી કેશવાહિનીઓ વડે ઘેરાયેલું હોય છે. કેશવાહિનીઓમાંનો અંગારવાયુ વાયુકોટરમાં દાખલ થાય છે અને વાયુકોટરમાં રહેલો પ્રાણવાયુ કેશવાહિનીઓમાં જાય છે. આ ક્રિયાને વાયુઓની હેરફેર કહે છે, જેને શ્વસન કહેવામાં આવે છે.

શ્વસનક્રિયામાં સસ્તન વર્ગનાં પ્રાણીઓમાં વક્ષગુહા અને ઉદરગુહા વચ્ચે ઉદરપટલ નામનો સ્નાયુ મહત્વનો ભાગ ભજવે છે. તે વિસ્તરણ પામતાં વક્ષગુહાનું કદ વધે છે અને આથી અંદર આવેલાં ફેફસાં ફૂલે છે. આથી વાતાવરણની હવા શ્વાસ મારફતે શરીરમાં દાખલ થાય છે. વળી જ્યારે આ પડદો સંકોચાય છે ત્યારે વક્ષગુહાનું કદ ઘટે છે; પરિણામે ફેફસાં ઉપર દબાણ આવતાં ફેફસાંમાંનો વાયુ ઉચ્છ્વાસ મારફતે શરીરમાંથી બહાર ફેંકાય છે.

પક્ષીઓમાં ફેફસાંની આજુબાજુએ 811 જેટલી વાયુની કોથળીઓ આવેલી હોય છે. જે પોલાં અસ્થિની અસ્થિમજ્જા સુધી લંબાયેલી હોય છે. તેથી ફેફસાંની હવા અહીં સુધી પહોંચે છે અને અહીંની ગરમી ફેફસાં મારફતે બહાર ઉચ્છ્વાસ દરમિયાન ફેંકાય છે, જે પક્ષીના શરીરનું તાપમાન જાળવવામાં મદદ કરે છે. પક્ષીઓનાં ફેફસાં પ્રમાણમાં નાનાં હોવાથી શ્વસનક્રિયામાં વાયુકોથળીઓ મદદરૂપ થાય છે.

(4) કંકાલતંત્ર

કંકાલતંત્ર શરીરમાં આવેલાં અસ્થિઓનું, કઠણ પેશીઓનું બનેલું હોય છે. તે પોચી પેશીઓને રક્ષણ આપે છે. શરીરને આકાર આપે છે અને હલનચલન માટે ઉપયોગી છે.

અસ્થિનું બંધારણ : (1) કૅલ્શિયમ ફૉસ્ફેટ 86 %, (2) કૅલ્શિયમ કાર્બોનેટ 5.8 %, (3) મૅગ્નેશિયમ ફૉસ્ફેટ 3.0 %, (4) સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ ફ્લોરાઇડ 5.2 %.

જુદાં જુદાં પ્રાણીઓમાં આવેલ અસ્થિની સંખ્યા સારણી 1 મુજબ છે.

સારણી 1

પ્રાણીનું નામ ખોપરી કરોડરજ્જુ પાંસળી અને છાતી આગળના પગ પાછળના પગ પોલા અવયવોનાં હાડકાં કુલ (આશરે)
ગાય-ભેંસ 34 51 26 + 1 24 × 2 24 × 2 2 210
ઘોડો 34 51 36 + 1 20 × 2 20 × 2 202
કૂતરો 34 51 26 + 1 40 × 2 38 × 2 1 269
પક્ષી 40 41 14 + 1 14 × 2 21 × 2 1 166

પ્રાણીઓના શરીરમાં કરોડરજ્જુમાં આવેલા મણકાઓની સરખામણી સારણી 2 મુજબ છે.

સારણી 2

પ્રાણીનું નામ ડોકના મણકા (સર્વાઇકલ) પીઠના (થૉરેસિક) કટિના (લંબાર) ત્રિકાસ્થિ (સેક્રમ) પૂંછડી (કોક્સિજિયલ)
ગાય-ભેંસ  7 13 6 5 18-20
ઘોડો  7 18 6 5 16-22
કૂતરો  7 13 7 3 18-22
ઊંટ  7 12 7 4 15-21
પક્ષી 14  7 ત્રિકાસ્થિ +  49
કટિનાં = 14

ઘણાં પ્રાણીઓમાં પોલા અવયવોની દીવાલમાં પણ અસ્થિ આવેલાં હોય છે; જેમને વિસરલ બોન (visceral bone) કહે છે. ગાય અને ભેંસના હૃદયમાં કાર્ડિયાક બોન (cardiac bone), કૂતરાના શિશ્ર્નમાં ઓસ પેનિસ (os penis), ઊંટના ઉદરપટલમાં ઓસ ફ્રેનિક (os phrenic) અને ભુંડના નાકમાં ઓસ રૉસ્ટ્રમ (os rostrum) નામનાં અસ્થિ આવેલ હોય છે.

(5) મૂત્રતંત્ર

અવયવો : મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રનળી.

મૂત્રપિંડ : પ્રાણીઓમાં ડાબું અને જમણું એમ બે મૂત્રપિંડ હોય છે. મૂત્રપિંડનું કાર્ય લોહીને શુદ્ધ કરવાનું અને કચરારૂપે મૂત્રનું સર્જન કરવાનું છે.

મૂત્રપિંડ ઉદરગુહામાં કરોડરજ્જુની નીચે આવેલા છે. ગાય-ભેંસમાં તેની બહારની સપાટી જુદા જુદા ખંડોમાં વિભાજિત થયેલી હોવાથી ખરબચડી જોવા મળે છે; જ્યારે અન્ય બીજાં બધાં પ્રાણીઓમાં લીસી હોય છે.

ગાય-ભેંસમાં મૂત્રપિંડનાં વજન અને માપ સારણી 3 પ્રમાણે છે.

સારણી 3

જમણું મૂત્રપિંડ ડાબું મૂત્રપિંડ
લંબાઈ 16 સેમી. 14 સેમી.
પહોળાઈ  9 સેમી.  8 સેમી.
જાડાઈ  5 સેમી.  6 સેમી.
વજન 650 ગ્રામ 700 ગ્રામ

ઘોડામાં જમણું મૂત્રપિંડ હૃદય આકારનું અને ડાબું મૂત્રપિંડ ચોળાના દાણા જેવું હોય છે. તેની સપાટી લીસી હોય છે. કૂતરાનાં બંને મૂત્રપિંડની સપાટી લીસી અને આકાર ચોળાના દાણા જેવો હોય છે.

મૂત્રવાહિની : મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી નીકળી કરોડરજ્જુની બંને બાજુએ આવેલી હોય છે. તે મૂત્રાશયની કોથળીમાં ખૂલે છે. મૂત્રવાહિની મૂત્રપિંડમાં ઉત્પન્ન થયેલા મૂત્રને મૂત્રાશયમાં લઈ જાય છે.

મૂત્રાશય : મૂત્રાશયની કોથળી ખૂબ જાડી તથા સ્નાયુઓની બનેલી છે. તેથી તે ખૂબ પહોળી થઈ શકે છે. તેનું કાર્ય મૂત્રનો સંગ્રહ કરવાનું છે.

મૂત્રનળી : તે મૂત્રાશયની કોથળીમાંથી નીકળી શિશ્ર્નના અગ્ર ભાગે ખૂલે છે. તે શિશ્ર્નની નીચે આવેલી હોય છે. માદામાં મૂત્રનળી યોનિમાર્ગના તળિયે ખૂલે છે. મૂત્રનળીનું મુખ્ય કાર્ય મૂત્રાશયમાં સંગ્રહાયેલ મૂત્રનો ઉત્સર્જનની ક્રિયા દ્વારા નિકાલ કરવાનું છે.

પ્રાણીમાં મૂત્ર પ્રવાહી રૂપે, જ્યારે પક્ષીઓમાં અર્ધપ્રવાહી રૂપે જોવા મળે છે. તેમાં કાળો ભાગ મળ હોય છે, જ્યારે સફેદ ભાગ મૂત્ર હોય છે. પક્ષીઓમાં મૂત્રાશયની કોથળી હોતી નથી, પરંતુ બંને મૂત્રવાહિની સીધી અવસારણીમાં ખૂલે છે.

(6) પ્રજનનતંત્ર

પ્રાણીનો વંશવેલો વધારવામાં મદદ કરતા અવયવોના બનેલા તંત્રને પ્રજનનતંત્ર કહે છે. નર અને માદા પ્રજનનતંત્રોની રચના અલગ અલગ હોય છે.

() સાંઢ(નર)નું પ્રજનનતંત્ર : અવયવો : (1) વૃષણ, (2) શુક્રપિંડ, (3) શુક્રવાહિની, (4) શિશ્ર્ન અને (5) સહાયક ગ્રંથિઓ.

નર પ્રાણીમાં બે શુક્રપિંડ પાછળના બે પગની વચ્ચે વૃષણની કોથળીમાં આવેલા હોય છે. દરેક શુક્રપિંડ 12.5 સેમી. લાંબું અને 6.0થી 7.0 સેમી. પહોળું હોય છે. દરેકનું વજન આશરે 280થી 336 ગ્રામ જેટલું હોય છે. તેનો આકાર લંબગોળ હોય છે. વૃષણની કોથળી ચામડીની બનેલી હોય છે અને તેના પર વાળ હોય છે. શુક્રવાહિની શુક્રપિંડમાંથી ઉદ્ભવી મૂત્રાશયના મુખાગ્રની ઉપરની દીવાલમાં મૂત્રમાર્ગમાં ખૂલે છે. તે શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલ શુક્રકોષોનું વહન કરે છે. મૂત્રમાર્ગ એ મૂત્ર તેમજ વીર્યનું વહન કરતી સામાન્ય નળી છે, જે શિશ્ર્નના નીચેના ભાગમાં સ્નાયુની અંદર ગોઠવાયેલ છે. સાંઢમાં શિશ્ર્નની લંબાઈ 1 મીટર (3 ફૂટ જેટલી) હોય છે. તેનો મધ્ય ભાગ ‘S’ આકારે ગોઠવાયેલો હોય જે પ્રજનન દરમિયાન સીધો થાય છે, જેથી શિશ્ર્નમાર્ગમાંથી બહાર નીકળે છે.

સાંઢમાં ત્રણ સહાયક પ્રજનનગ્રંથિઓ મૂત્રાશયની પાછળ આવેલી છે. તે મૂત્રમાર્ગમાં સ્રાવ કરે છે. તે શુક્રકોષો સાથે ભળી વીર્ય બનાવે છે. આમ વીર્યમાં અસંખ્ય શુક્રકોષો હોય છે. સહાયક ગ્રંથિઓમાંથી આવેલું પ્રવાહી શુક્રકોષોનું રક્ષણ, પોષણ કરવા ઉપરાંત તેમને પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે.

ઘોડામાં વૃષણ કાળા રંગનું, લંબગોળ હોય છે. તેમાં શુક્રપિંડ આડા ગોઠવાયેલ હોય છે. શિશ્ર્ન ટૂંકું, જાડું અને સ્નાયુમય હોય છે.

કૂતરામાં વૃષણ ગુદા નીચે આવેલ હોય છે. શિશ્ર્નમાં 10 સેમી. લાંબું અસ્થિ આવેલું હોય છે. પ્રજનન દરમિયાન નર-માદા લાંબો સમય જોડાયેલાં રહે છે કારણ કે સમાગમ વખતે યોનિપ્રવેશ બાદ શિશ્ર્નમાં આવેલ દડા જેવી રચના લોહીનો ભરાવો થવાથી ફૂલી જાય છે; જે સ્ખલન બાદ મૂળ સ્થિતિ પામતાં છૂટું પડે છે. કૂતરામાં ફક્ત એક જ સહાયક ગ્રંથિ આવેલી હોય છે.

પક્ષીમાં સસ્તન પ્રાણીઓની જેમ પ્રજનનક્રિયા જોવા મળતી નથી. તેમાં નર પક્ષીની અવસારણીમાં આવેલ કાંટા જેવી શિશ્ર્નિકા ઉત્તેજિત થઈ માદા અવસારણી તરફ વીર્યસ્રાવને માર્ગ આપે છે. તેમાં સસ્તન પ્રાણીઓની જેમ જ ફલન શરીરના અંદરના ભાગમાં થાય છે.

() ગાયભેંસ(માદા)નું પ્રજનનતંત્ર :

અવયવો : (1) અંડાશય (ડાબું અને જમણું), (2) અંડવાહિની, (3) ગર્ભાશય, (4) ગર્ભાશયનું મુખ (કમળ), (5) યોનિમાર્ગ, (6) ભગ.

ગાય તથા ભેંસનાં પ્રજનન-અંગો પુખ્ત અવસ્થાએ પહોંચતાં વિકસિત થાય છે અને ગર્ભાધાનની ક્ષમતા ધારણ કરે છે. તેમના શરીરમાં નિતંબગુહાના પ્રવેશમાર્ગમાં ડાબું અને જમણું એમ બે બાજુએ એક એકની સંખ્યામાં અંડાશય ગોઠવાયેલ હોય છે, જેમાંથી અંડકોષ પરિપક્વ થઈ છૂટા પડે છે. છૂટો પડેલ અંડકોષ અંડવાહિનીમાં દાખલ થઈ ગર્ભાશય તરફ આગળ વધે છે. આ દરમિયાન કુદરતી પ્રજનન કે કૃત્રિમ બીજદાન વડે આવેલ શુક્રકોષ સાથે તેનું મિલન થતાં તે ફલિતાંડમાં પરિણમે છે. તે ગર્ભાશયની દીવાલ સાથે ચોંટી જાય છે, અને ઓર મારફતે માતૃરુધિર દ્વારા પોષણ મેળવી વિકાસ પામે છે.

અંડાશય : ગાય તથા ભેંસની અંદર કેડની નીચેના ભાગમાં લંબગોળ આકારનાં બે અંડાશય આવેલાં હોય છે. તેની સરેરાશ લંબાઈ 2થી 3 સેમી., પહોળાઈ 2 સેમી. તથા જાડાઈ 1 સેમી. જેટલી હોય છે. આશરે દર મહિને એક અંડકોષ વિકાસ પામી છૂટો પડે છે; જે અંડવાહિનીના ગળણી જેવા પહોળા ભાગમાં ઝિલાય છે. ઘોડીની અંદર અંડાશય મોટા હોય છે. તેથી તેમાં એક ખાડો આવેલો હોય છે. તેમાંથી અંડકોષ છૂટો પડે છેે. કૂતરીનું અંડાશય ખૂબ જ નાનું અને કોથળી જેવા ભાગથી ઢંકાયેલું રહે છે. પક્ષીઓમાં ડાબી બાજુનું એક જ અંડાશય દ્રાક્ષના ઝૂમખા જેવું હોય છે.

ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટીરોન નામના અંત:સ્રાવનો સ્રાવ પણ અંડાશયમાંથી જ થાય છે.

અંડવાહિની : અંડવાહિની ખૂબ જ પાતળી, લાંબી નળી હોય છે. તે ડાબી અને જમણી – એમ બે હોય છે. તેની લંબાઈ ગાય અને ભેંસમાં આશરે 20થી 30 સેમી. અને વ્યાસ 2થી 3 મિમી. જેટલો હોય છે. તેનો અંડાશય તરફનો ભાગ પહોળો ગળણી જેવો હોય છે અને ત્યારબાદનો ભાગ પાતળો હોય છે, જે ગર્ભાશયની અંદર ખૂલે છે. અંડવાહિની થોડી વાંકીચૂંકી વળાંકવાળી હોય છે. અંડવાહિની અંડાશયમાંથી છૂટા પડેલા અંડકોષને ગર્ભાશય સુધી વહન કરે છે.

ગર્ભાશય : પ્રાણીઓમાં ગર્ભાશયના 3 ભાગ હોય છે : (1) ગર્ભાશયના શિંગડાં, (2) ગર્ભાશય-શરીર, (3) ગર્ભાશયનું મુખ (કમળ)

ગર્ભાશયનાં શિંગડાં : ગર્ભાશયને ડાબું અને જમણું  એમ બે શિંગડાં હોય છે. ગાય તથા ભેંસમાં આ શિંગડાં સ્ક્રૂ અથવા નર ઘેટાંનાં શિંગડાંની જેમ વળાંકવાળાં હોય છે અને તે આગળ અંડવાહિની અને પાછળ ગર્ભાશય-શરીર સાથે જોડાયેલાં હોય છે. ગર્ભાશયમાં શિંગડાંનો અંડવાહિની તરફનો ભાગ પાતળો અને અણીદાર શંકુ-આકાર જેવો હોય છે. શિંગડાંની લંબાઈ આશરે 30 સેમી. જેટલી હોય છે.

ગર્ભાશયશરીર : ગર્ભાશય-શરીર એક અને નાનું હોય છે; જેની લંબાઈ 4થી 5 સેમી. જેટલી હોય છે. બહારથી બે શિંગડાંઓનાં જોડાણને લીધે તે થોડું મોટું દેખાય છે. ગર્ભાશય આગળની બાજુએ બંને ગર્ભાશયનાં શિંગડાંઓ સાથે જોડાયેલું હોય છે અને પાછળની બાજુએ ગર્ભાશયના મુખ (કમળ) સાથે જોડાયેલું હોય છે. ગાય-ભેંસમાં ગર્ભાશયનાં શિંગડાં તથા ગર્ભાશયમાં આશરે 100 જેટલી બટન જેવી ઊપસેલી ગોળાકાર-રચના આવેલી હોય છે; જેની સાથે ઓરનું જોડાણ થયેલ હોય છે.

ગર્ભાશયનું મુખ (કમળ) : ગર્ભાશયનું મુખ (કમળ) આશરે 8 સેમી. લાંબું હોય છે. તે ગર્ભાશયનો અંતિમ ભાગ છે. તે આગળની બાજુએ ગર્ભાશય-શરીર તથા પાછળ યોનિમાર્ગ સાથે જોડાયેલ હોય છે. ગર્ભાશય-મુખ ગાય ગરમીમાં આવે ત્યારે શુક્રકોષ દાખલ થાય તેટલું જ ખૂલે છે અને વાછરડાના જન્મસમયે સંપૂર્ણ મોટા કદમાં ખૂલે છે. બાકીના સમયે તે બંધ જ રહે છે.

યોનિમાર્ગ : યોનિમાર્ગની લંબાઈ આશરે 20થી 25 સેમી. જેટલી હોય છે. યોનિ આગળના ભાગે કમળ સાથે જોડાયેલ હોય છે અને પાછળના ભાગે તે ભગ માર્ગમાં ખૂલે છે. યોનિ સમાગમ દરમિયાન શિશ્ર્નને અંદર આવવા દે છે અને વીર્યસ્ખલન અહીં જ થાય છે. આ સિવાય વાછરડાના જન્મ વખતે તેને બહાર જવાના રસ્તા તરીકે કામ કરે છે. મૂત્રનળી યોનિમાર્ગ અને ભગમાર્ગના જોડાણના ભોંયતળિયે ખૂલે છે.

ભગમાર્ગ : ભગમાર્ગ આશરે 10 સેમી. જેટલો લાંબો હોય છે અને બહારના ભાગમાં બે ભગોષ્ઠ વચ્ચે ઊભા ચીરાના રૂપમાં ખૂલે છે. બંને ભગોષ્ઠોની ચામડી કરચલીવાળી અને મોટેભાગે કાળા રંગની હોય છે. ઘોડીમાં ગર્ભાશય લાંબું હોય છે અને તેમાં બટન જેવી ઊપસેલી રચના હોતી નથી. ઘોડીમાં પ્રજનન-અંગો ‘T’ જેવાં અને કૂતરીમાં ‘Y’ જેવાં દેખાય છે. પક્ષીઓનાં પ્રજનન-અંગોમાં લાંબી નળી જેવી એક જ અંડવાહિની હોય છે, જે જુદા જુદા પાંચ ભાગમાં વહેંચાયેલી હોય છે. ઈંડાના જરદી સિવાયના ભાગ અંડવાહિનીમાંથી સ્રવે છે. પક્ષીઓમાં અંડાશય દ્રાક્ષના ઝૂમખા જેવું હોય છે.

આઉ (બાવલું) : પશુઓમાં જન્મસમયે દૂધગ્રંથિઓ બિનકાર્યક્ષમ અને અવિકસિત અવસ્થામાં જોવા મળે છે. પશુ પુખ્ત ઉંમરે પહોંચે ત્યારે જાતીય અંત:સ્રાવો હેઠળ ફક્ત માદા પશુમાં વિકસિત થાય છે અને કાર્યક્ષમ બને છે, જ્યારે નર પશુઓમાં તે અવિકસિત રહે છે. માદા પશુઓમાં ગર્ભકાળ દરમિયાન તેનો વિકાસ વેગ પકડે છે અને વિયાણ પછી દૂધ-ઉત્પાદનગાળા દરમિયાન મહત્તમ બની વસૂકેલા ગાળા કે દૂધ-ઉત્પાદનકાળ બાદ સંકોચન પામે છે.

આઉમાં પુટિકાઓ આવેલી હોય છે, જે અધિચ્છદીય પેશીની બનેલી હોય છે. આ પુટિકાઓને આઉનો દૂધનિર્માણ-ઘટક કહે છે. તેમાંથી નીકળતી દૂધવાહિની સાથે જોડાયેલ હોય છે. આવી દરેક પુટિકાની દૂધવાહિનીઓ જે તે ખંડમાંથી એક ખંડીય નલિકા મારફતે બહાર નીકળે છે. ખંડીય નલિકાઓ એકઠી થઈ મોટી દૂધસ્રાવી નલિકા રચે છે. આવી આશરે 10થી 15 જેટલી દૂધસ્રાવી નલિકાઓ આઉની નીચેના ભાગમાં આવેલી એક મોટી દૂધ-ટાંકીમાં ખૂલે છે. આ દૂધ-ટાંકી તેની સાથે જોડાયેલ આંચળ-ટાંકી મારફતે આંચળ-નલિકામાં ખૂલે છે. આ નલિકા ટોચ ઉપર આવેલ આંચળના દૂધસ્રાવી છિદ્ર મારફતે બહાર ખૂલે છે. આમ દૂધ-નિર્માણ-ઘટકોમાં ઉત્પન્ન થયેલ દૂધ આઉમાંથી બહાર આવે છે.

(7) ચેતાતંત્ર અને અંત:સ્રાવી ગ્રંથિઓ

શરીરમાં થતા આંતરિક તેમજ વાતાવરણના ફેરફારથી શરીરને સચેત રાખવા આ ફેરફારો સામે યોગ્ય પરિવર્તન લાવી શરીર ટકાવી રાખવા જે તંત્ર કામ કરે છે, તેને ચેતાતંત્ર કહે છે. આ તંત્ર શરીરને જે તે પ્રકારના આવેગોથી વાકેફ રાખે છે અને યોગ્ય પ્રતિકાર કરવા શરીરને પ્રેરે છે. ચેતાતંત્ર સાથે અંત:સ્રાવી તંત્ર પણ નિયંત્રણનું કામ કરે છે. ચેતાતંત્ર દ્વારા ઝડપી નિયંત્રણ થાય છે અને અંત:સ્રાવી તંત્ર દ્વારા ધીમું અને લાંબા ગાળાનું નિયંત્રણ થાય છે.

ચેતાતંત્રને તેની રચના પ્રમાણે નીચેના 3 મુખ્ય ભાગમાં વિભાજિત કરવામાં આવે છે :

(1) મધ્યવર્તી ચેતાતંત્ર, (2) પરિઘી ચેતાતંત્ર, (3) સ્વાયત્ત ચેતાતંત્ર.

(1) મધ્યવર્તી ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે.

(2) પરિઘી ચેતાતંત્રમાં મધ્યવર્તી ચેતાતંત્રને જોડતી ચેતાઓ એટલે કે ખોપરી અને કરોડરજ્જુ-ગુહાની બહાર નીકળતી ચેતાઓનો સમાવેશ થાય છે. પરિઘી ચેતાતંત્ર, મધ્યવર્તી ચેતાતંત્રમાં ઉદ્ભવતી સંવેદના શરીરના પરિઘ તરફ લઈ જાય છે, જેને પ્રેરક ચેતા કહેવામાં આવે છે અથવા શરીરના પરિઘમાંથી ઉત્પન્ન થતી સંવેદનાને મધ્યવર્તી ચેતાતંત્ર તરફ લઈ જાય છે, જેને સંવેદી ચેતા કહેવામાં આવે છે.

(3) સ્વાયત્ત ચેતાતંત્ર પણ પરિઘી ચેતાતંત્ર જેવું જ છે. તેની કાર્યપદ્ધતિ તથા રચના પ્રમાણે તેને બે પેટાવિભાગમાં વહેંચી નાખવામાં આવે છે : (1) અનુકંપી ચેતાતંત્ર અને (2) પરાનુકંપી ચેતાતંત્ર. આ વિભાગ હૃદય, ફેફસાં, જઠર, આંતરડાં, યકૃત, સ્વાદુપિંડ જેવાં શરીરગુહામાં આવેલાં અનિચ્છાવર્તી અંગોને ચેતાઓ દ્વારા મધ્યવર્તી ચેતાતંત્ર સાથે જોડે છે અને તેનું નિયમન કરે છે.

અંત:સ્રાવો નલિકારહિત ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે અને તેમનું કાર્ય શરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું સંકલન તથા નિયમન કરવાનું છે. પ્રાણીશરીરની ક્રિયાઓનું નિયંત્રણ અંત:સ્રાવી તંત્ર તથા ચેતાતંત્રના સંકલનથી થાય છે.

અંત:સ્રાવો હંમેશાં તેમનાં વિશિષ્ટ લક્ષ્ય-અંગોના ચયાપચય ઉપર નિયંત્રણરૂપ કાર્ય કરે છે. પ્રાણીશરીરની બધી જ ઝડપી ક્રિયાઓ ચેતાતંત્ર વડે નિયંત્રિત થાય છે. આની સરખામણીમાં અંત:સ્રાવોને લક્ષ્ય-અંગો સુધી પહોંચવા માટે રુધિરાભિસરણ તથા બાહ્યકોષરસની જરૂર પડતી હોવાથી તેઓ વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય-દર અને રંજીકરણ જેવી ધીમી પ્રક્રિયાઓનું નિયંત્રણ કરે છે; કારણ કે બધી પ્રક્રિયાઓમાં ઝડપ કરતાં સમય વધારે ઉપયોગી છે.

પ્રાણીઓના શરીરમાં આવેલી અંત:સ્રાવી ગ્રંથિઓ તથા તેમનાં સ્થાન નીચે મુજબ છે :

પિનિયલ ગ્રંથિ : મોટા મગજ અને નાના મગજની વચ્ચે ચોળાના દાણા જેવડી ગ્રંથિ આવેલી છે, જે મેલાનિન નામના રંજક દ્રવ્યનું નિયંત્રણ જેવી જીવરસાયણ-ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.

પિચ્યુટરી ગ્રંથિ : આ ગ્રંથિ મગજના નીચેના ભાગમાં આવેલી હોય છે. તેને મહાગ્રંથિ પણ કહેવામાં આવે છે, કારણ કે તે શરીરમાં આવેલી બીજી ગ્રંથિઓના અંત:સ્રાવોનું નિયંત્રણ કરે છે.

થાઇરૉઇડ તથા પૅરાથાઇરૉઇડ ગ્રંથિ : થાઇરૉઇડ ગ્રંથિ સ્વરપેટી અને શ્વાસનળીના જોડાણ ઉપર આવેલી છે. પૅરાથાઇરૉઇડ ગ્રંથિ, થાઇરૉઇડ ગ્રંથિની અંદર આવેલી છે. થાઇરૉક્સિન અને પૅરાથાઇરૉઇડ નામના અંત:સ્રાવો આ ગ્રંથિમાંથી પેદા થાય છે. થાઇરૉક્સિન ચયાપચયની ક્રિયાનું અને પૅરાથાઇરૉઇડ અંત:સ્રાવ લોહીમાં રહેલા કૅલ્શિયમની માત્રાનું નિયમન કરે છે.

એડ્રિનલ ગ્રંથિ : એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડની અગ્ર ભાગે આવેલી હોય છે. તે એડ્રિનાલીન, નૉરએડ્રિનાલીન અને સ્ટિરૉઇડ અંત:સ્રાવોનું ઉત્પાદન કરે છે.

લગરહૅન્સના કોષપુંજ : લૅંગરહૅન્સના કોષપુંજ, સ્વાદુપિંડની અંદર આવેલા હોય છે. તે ઇન્સ્યુલિન તથા ગ્લૂકાગોન નામના અંત:સ્રાવોનો સ્રાવ કરે છે. આ અંત:સ્રાવો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયંત્રણ કરે છે.

અંડપિંડ : અંડપિંડ માદા પ્રજનન-અંગ છે અને તે ઇસ્ટ્રોજન તથા પ્રોજેસ્ટેરોન નામના અંત:સ્રાવોનો સ્રાવ કરે છે. આ અંતસ્રાવો ગાય-ભેંસમાં ઋતુચક્ર તથા ગર્ભાવસ્થાનું નિયંત્રણ કરે છે.

શુક્રપિંડ : શુક્રપિંડ નરપ્રજનન-અંગ છે અને તે ટેસ્ટૉસ્ટીરોન નામના અંત:સ્રાવનો સ્રાવ કરે છે.

(8) સંવેદનાગ્રાહી અંગો

શરીરને વાતાવરણની જુદી જુદી સંવેદનાઓને ગ્રહણ કરી તેનો અનુભવ કરાવતાં અંગોને સંવેદનાગ્રાહી અંગો કહે છે. શરીરમાં કુલ પાંચ સંવેદનાગ્રાહી અંગો આવેલાં છે; જેની સંવેદના અને કાર્ય સારણી 4 પ્રમાણે છે.

સારણી 4

ક્રમ સંવેદનાનું નામ અંગ કાર્ય
1. દૃષ્ટિ આંખ જોવાનું
2. ઘ્રાણ નાક સૂંઘવાનું
3. શ્રવણ કાન સાંભળવાનું
4. સ્વાદ સ્વાદકળી (જીભ, હવાન્નમાર્ગ તેમજ સ્વરપેટીના અગ્ર-ભાગમાં) સ્વાદ પારખવાનું
5. સ્પર્શ ચામડી સ્પર્શ કરવાનું

આંખ : આંખ એ દૃષ્ટિ માટેનું સંવેદન-અંગ છે. આંખની આગળ બે ઢાંકણ આવેલાં છે. પ્રાણીઓમાં આંખના રક્ષણ માટે ત્રીજું ઢાંકણ પણ આવેલ હોય છે. આંખને સતત ભીની રાખતી અશ્રુગ્રંથિ પણ આવેલી હોય છે, જે અશ્રુનો સ્રાવ કરે છે. આંખના હલનચલન માટે કુલ સાત સ્નાયુઓ આવેલા હોય છે. પ્રાણીની આંખ રાત્રે ચળકતી દેખાય છે, કારણ કે પ્રાણીઓની આંખમાં રાત્રે ઝાંખો પ્રકાશ પરાવર્તન પામે છે, જે માટે એક ખાસ પ્રકારની રચના આવેલી હોય છે. તેને ટેપીટમ લ્યૂસિડમ (tapetum lucidum) કહે છે.

કાન : કાન અવાજ અને દિશા પારખવાનું કાર્ય કરે છે. કાનના બાહ્ય, મધ્ય અને અંત:કર્ણ – એમ ત્રણ ભાગ પડે છે. પ્રાણીઓમાં બાહ્યકર્ણ ખૂબ જ મોટા અને સરળતાથી અવાજની દિશામાં ફરી શકે તેવા હોય છે. મધ્યકર્ણમાં કર્ણપટલ તથા હથોડી, એરણ અને પેંગડું નામનાં નાનાં નાનાં ત્રણ અસ્થિઓ આવેલાં હોય છે; જેમનું જોડાણ અંત:કર્ણ સાથે હોય છે. અંત:કર્ણમાં એક શંખ જેવી રચના અને ત્રણ અર્ધચંદ્રાકાર કમાન જેવી રચનાઓ હોય છે; જેમાં પ્રવાહી ભરેલું હોય છે. અંત:કર્ણ અવાજ પારખવાનું તથા શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે.

નાક : નાક અને નાકગુહા શ્વસનનું અને સૂંઘવાનું કાર્ય કરે છે. ઘ્રાણશક્તિનો ખાસ કરીને કૂતરાંઓમાં ખૂબ જ વિકાસ થયેલો હોય છે. આ માટે નાકની શ્ર્લેષ્મ-ત્વચા ખાસ પ્રકારની હોય છે તથા આ માટે ખાસ પ્રકારનું વોમેરો-નેજલ ઑર્ગન (vomero-nasal organ) નામનું અંગ આવેલું હોય છે.

સ્વાદકળી : સ્વાદ પારખવા માટે મોઢામાં સ્વાદકળી આવેલી હોય છે. આ સ્વાદકળીઓ જીભ ઉપર, હવાન્નમાર્ગ અને સ્વરપેટીના અગ્ર ભાગમાં આવેલી હોય છે. આ સ્વાદકળીઓ સૂક્ષ્મદર્શક યંત્ર નીચે જોઈ શકાય છે. તેનો આકાર તરબૂચ જેવો હોય છે. તેમાં સ્વાદ પારખવા માટે જુદા જુદા પ્રકારના કોષો તેમજ કેશતંતુ આવેલ હોય છે.

ચામડી : ચામડી એ શરીરનું મોટામાં મોટું અંગ છે. ચામડી શરીરનું રક્ષણ કરે છે તેમજ સ્પર્શ માટેનું સંવેદનાગ્રાહી અંગ પણ છે. ગાયની ચામડી 3થી 4 સેમી. જાડી હોય છે. શરીરના જુદા જુદા ભાગોમાં ચામડીની જાડાઈ જુદી જુદી હોય છે. જુદી જુદી જાતની ગાયોમાં વાળનો રંગ, જાડાઈ અને લંબાઈ પણ જુદાં જુદાં હોય છે. પ્રાણીઓના શરીરમાં ચામડીમાંથી રૂપાંતરિત થયેલ ભાગો આવેલા હોય છે; જેવા કે શિંગડાં, ખરી, ઘોડામાં આવેલી ચેસ્ટનટ (chest nut), કૂતરાના નહોર, ઊંટમાં આવેલું ‘ચેસ્ટ પૅડ’ (chest pad), પક્ષીઓની ચાંચ વગેરે.

દિનેશકુમાર મગનલાલ ભાયાણી

કાન્તિલાલ મગનલાલ પંચાલ

યોગેશ લ. વ્યાસ